ગોંડલમાં ગણેશ જાડેજા સામે દલિત સમાજ શક્તિ પ્રદર્શન કરશે

ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના છોકરા ગણેશ જાડેજાએ થોડા દિવસ પહેલા જૂનાગઢના દલિત યુવાનનું અપહરણ કરી માર માર્યો હતો. હવે દલિત સમાજ તેની સામે પડ્યો છે.

ગોંડલમાં ગણેશ જાડેજા સામે દલિત સમાજ શક્તિ પ્રદર્શન કરશે
all image credit - Google images

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના માથાભારે છોકરા ગણેશ જાડેજાએ થોડા દિવસ પહેલા જૂનાગઢમાં દલિત સમાજના એક યુવકનું નજીવી બાબતમાં અપહરણ કરી તેને ગોંડલ સ્થિતિ પોતાના ઘરે ગોંધી રાખીને ઢોર માર માર્યો હતો. આ મામલે જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી સહિતની કલમો સાથે 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે થોડા દિવસ પહેલા ત્રણ લોકોની ધરપકડ કરી હતી પણ ગણેશને તે હાથ પણ નહોતી લગાડતી. જેને લઈને જેતપુરમાં દલિત સમાજે ડેપ્યૂટી કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ગણેશની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી અને જો માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. એ પછી ગઈકાલે ગણેશ સહિતના બાકી આરોપીઓની ધરપકડ કરી સાત દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પરંતુ કોર્ટે આ કેસમાં રિમાન્ડની જરૂર ન હોવાનું જણાવી ગણેશ સહિતના તેના સાગરિતોને જૂનાગઢ જેલમાં મોકલી આપ્યા હતા. આ મામલે હવે અનુસૂચિત જાતિ સમાજે ગણેશને તેના જ શહેરમાં પડકારવાનું નક્કી કર્યું છે.

બહુજન વિકાસ ફૌજ શક્તિ પ્રદર્શન કરશે

ગણેશ ગણેશ સહિતના તેના બાકી સાગરિતોની ધરપકડ કરાયા બાદ જ્યારે તેને મીડિયા સમક્ષ રજૂ કરાયો ત્યારે તે હસતો હતો. મતલબ તેને પોતાના કુકર્મોનો જરાય પસ્તાવો નહોતો. સામાન્ય રીતે એટ્રોસિટી જેવા ગંભીર કેસમાં આરોપીની તરત ધરપકડ થવી જોઈએ. પણ પોલીસે અઠવાડિયા સુધી ગણેશ અને તેના સાગરિતોની ધરપકડ કરી નહોતી. જેને લઈને સમગ્ર અનુસૂચિત જાતિ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ મામલે હવે ગણેશના વતન ગોંડલમાં જ દલિતોએ શક્તિ પ્રદર્શન કરી, સૌ પીડિત યુવકની પડખે છે તેવો સંદેશો આપવા માટે જૂનાગઢથી ગોંડલ સુધી રેલી કાઢવાનું નક્કી કર્યું છે.

આ મામલે જૂનાગઢ બહુજન વિકાસ ફૌજના સંયોજક નિખિલ ચૌહાણે એક પ્રેસ નોટના માધ્યમથી જણાવ્યું હતું કે, "ગણેશ જાડેજાને તેના માતા ધારાસભ્ય હોવાથી કાયદો અને વ્યવસ્થાનો જરાય ડર નથી. તેને એમ છે કે પોતે ધારાસભ્યનો દીકરો છે એટલે મનફાવે તેમ વર્તી શકે છે, કોઈને પણ માર મારી શકે છે, અપહરણ કરી શકે છે. તેની આ માનસિકતાને પડકારવા અને બંધારણ તથા કાયદો વ્યવસ્થાનું ભાન કરાવવા માટે અમે બહુજન વિકાસ ફૌજના નેજા હેઠળ સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના લોકોએ તા. 12 જૂનના રોજ જૂનાગઢથી ગણેશના વતન ગોંડલ સુધી જવાનું નક્કી કર્યું છે. આ અનુસૂચિત જાતિ સમાજની અસ્મિતા અને શક્તિ પ્રદર્શનનો સમય છે. ગણેશે જૂનાગઢના દલિત યુવકનું નજીવી બાબતમાં અપહરણ કરી તેને નગ્ન કરી, ગોંધી રાખી ઢોર માર માર્યો હતો. તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા. ગણેશ જેવા તત્વો સામે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજની એકતાનું પ્રદર્શન કરવા માટે અમે બુધવાર 12 જૂનના રોજ જૂનાગઢના કાળવા ચોકમાં આવેલા ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યૂથી બાઈક રેલી કાઢીને ગોંડલ સુધી જવાના છીએ. ગોંડલમાં અમે તમામ વિસ્તારમાં ફરીશું અને લોકોને ગણેશ જેવા ગુંડા તત્વોના કારનામાઓ વિશે જાગૃત કરીશું. અહીં રેલી સ્વરૂપે ફર્યા પછી અમે સભામાં પરિવર્તિત થઈશું અને ગણેશ જેવા તત્વો સામે સમગ્ર દલિત સમાજ એક હોવાનો મેસેજ આપીશું. આ બાઈક રેલીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના વિવિધ સંગઠનોના આગેવાનો, યુવાનો અને કર્મશીલો જોડાવાના છે. ખાસ કરીને રાજકોટ, ગીરસોમનાથ, પોરબંદર, જૂનાગઢમાંથી મોટી સંખ્યામાં યુવાનો હાજર રહેવાના છે. અમે તેમના માટે રહેવા-જમવા સહિતની તમામ વ્યવસ્થાઓ કરી છે. આ બાબતે વધુ માહિતી માટે વધુ કોઈપણ જાણકારી માટે 8849525956, +91 88490 27275, 8156028888, +917621965055 સંપર્ક કરી શકાશે."

રેલી ક્યાંથી ક્યાં જશે

બહુજન વિકાસ ફૌજ દ્વારા આગામી તા. 12 જૂનને બુધવારના રોજ નીકળનારી આ રેલી સવારે 8 વાગ્યે જૂનાગઢના કાળવા ચોકથી પ્રસ્થાન કરીને વડાલ ચોકી, જેતલસર, જેતપુર, પીઠડીયા, વીરપુર થઈને ગોંડલમાં પ્રવેશશે. ગોંડલમાં રેલીનું અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યાંથી રેલી ગોંડલના વિવિધ વિસ્તારોમાં ફરશે અને પછી નક્કી કરેલી જગ્યાએ સભામાં ફેરવાશે જ્યાં સમાજના આગેવાનો અનુસૂચિત જાતિ સમાજને સંબોધન કરશે.

ઘટના શું હતી?

જૂનાગઢના દાદર રોડ પર સંજય રાજુભાઈ સોલંકી (ઉંમર ૨૬) રહે છે. સંજય સોલંકી કોરિયોગ્રાફી કરે છે અને કોંગ્રેસની યુવા પાંખ એનએસયુઆઈ સાથે પણ સંકળાયેલા છે. ગત તા. 30 મેના રોજ રાત્રે 11 વાગ્યા આસપાસ તેઓ જૂનાગઢના કાળવા ચોકમાં કાળુભાના પૂતળા પાસેથી તેમના 6 વર્ષના દીકરા રાજવીર સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમની સાવ નજીક એક ફોર વ્હીલરે અત્યંત જોખમી રીતે પસાર થઈને બ્રેક મારી હતી. જેથી સંજયભાઈએ તેમને કાર સરખી રીતે ચલાવવાનું કહ્યું હતું. આથી કારમાં બેઠેલા લોકો નીચે ઉતરી આવ્યા હતા. આથી સંજયભાઈએ તેમને કહ્યું હતું કે, તમારે ઝઘડો કરવો હોય તો હું મારા દીકરાને ઘેર મૂકીને આવું. આમ કહીને તેઓ દાતાર રોડ પર આવેલા તેમના ઘર તરફ મોટરસાઈકલ લઈને રવાના થયા હતા. એ દરમિયાન ફોર વ્હીલરે તેમનો ઘર સુધી પીછો કર્યો હતો અને તેઓ ઘરે પહોંચ્યાં ત્યાં સુધીમાં બીજી એક કાર ત્યાં આવી પહોંચી હતી. બંને કારમાંથી અંદાજે 10 જેટલા લોકો ઉતરી આવ્યા હતા અને સંજયભાઈ સાથે ઝઘડો કરવાની તૈયારીમાં હતા ત્યાં જ તેમના પિતા આવી ગયા હતા. દરમિયાન એ કારમાં જોયું તો ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો દીકરો ગણેશ જાડેજા બેઠો હતો. તેની સાથે તેના માણસો પણ હતા. ગણેશ સંજયભાઈના પિતાને ઓળખતો હોવાથી એ વખતે આ મામલે સમાધાન થયું હતું અને સૌ જતા રહ્યા હતા.

એ પછી સંજયભાઈ તેમના ઘર બહાર થોડીવાર બેસીને જૂનાગઢમાં ફરીને રાત્રિના પોણા ત્રણ વાગ્યા આસપાસ પોતાનું મોટરસાઈકલ લઈને ઘરે જતા હતા ત્યાં દાતાર રોડ ગાયત્રી દાળિયા ભંડાર સામે ગણેશ જાડેજા સહિતના લોકોએ ફરી સંજયભાઈનો પીછો કરી કારને ફૂલ સ્પીડમાં ચલાવી તેમની બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આથી તેઓ નીચે પછડાયા હતા. એ પછી કારમાંથી પાંચેક લોકોએ નીચે ઉતરી તેમને લોખંડના પાઈપથી આડેધડ માર મારવો શરૂ કરી દીધો હતો. એ દરમિયાન બીજી બે ફોરવ્હિલર પણ ત્યાં આવી પહોંચી હતી અને તેમાંથી પણ કેટલાક લોકો નીચે ઉતર્યા હતા અને સંજયભાઈને ઉપાડીને કારમાં બેસાડીને અપહરણ કરીને ગોંડલ તરફ લઈ ગયા હતા. અપહરણકર્તાઓમાં એક વ્યક્તિ પોતે પોલીસ હોવાનું જણાવતો હતો અને સંજયભાઈને ઢીંકાપાટુ મારતો હતો. આ લોકો તેમને એક અવાવરૂ વાડી વિસ્તારમાં લઈ ગયા હતા જ્યાં ગણેશ જાડેજા અને તેના સાગરિતો અગાઉથી હાજર હતા. અહીં સંજયભાઈને ફરી આ લોકોએ ઢોર માર માર્યો હતો અને "ઢે& ને મારો, આ લોકોનો ત્રાસ વધી ગયો છે." એમ જાતિસૂચક શબ્દો બોલી ગાળો ભાંડી હતી.

એ પછી ગણેશ જાડેજા ફરી સંજયભાઈને તેની કારમાં બેસાડીને ગોંડલ સ્થિત તેના ગણેશગઢ નામના ઘરે લઈ ગયો હતો. ત્યાં પાંચ-છ લોકો પિસ્તોલ અને લોખંડના પાઈપ સાથે હાજર હતા. જેઓ સંજયભાઈને ગણેશની ઓફિસમાં લઈ ગયા હતા. જ્યાં ગણેશના કહેવાથી તેમણે સંજયભાઈના કપડાં ઉતારી નાખ્યા હતા અને ફરી આડેધડ ઢીંકાપાટુનો માર માર્યો હતો અને તેનો વીડિયો મોબાઈલમાં ઉતાર્યો હતો અને માફી મંગાવડાવી હતી. સાથે જ ધમકી આપી હતી કે, "જૂનાગઢ કોંગ્રેસ એનએસયુઆઈમાંથી રાજીનામું આપી દે જે અને જો આ બાબતે ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશું." 

ગભરાયેલા સંજયભાઈએ માફી માગતા આખરે તેમને એક કારમાં બેસાડીને જૂનાગઢની ભેંસાણ ચોકડી પાસે કીયાના શોરૂમ નજીક ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓ ખાનગી વાહન કરીને સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમના પિતા અને દલિત સમાજના આગેવાનો રાવણભાઈ પરમાર, હરસુખભાઈ મકવાણા, મીત સોલંકી વગેરે હાજર હતા. જ્યાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. એ દરમિયાન સંજયભાઈને ઢોર મારને કારણે શરીરમાં ભારે દુખાવો થતો હોવાથી તેમને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાથે જ તેમણે પોલીસ રક્ષણની પણ માંગ કરી હતી. સમગ્ર મામલે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સહિત 10 લોકો સામે આઈપીસીની કલમ 143, 147, 148, 149, 307, 365, 323, 504, 506(2), આર્મ એક્ટની કલમ 25(1-બી)(એ) અને એટ્રોસીટી એક્ટની કલમ 3(1)(આર)(એસ), 3(2)(5) મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો: ગણેશ જાડેજાએ દલિત યુવકનું અપહરણ કરી, કપડાં ઉતરાવી માર માર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.