ગણેશ જાડેજાએ દલિત યુવકનું અપહરણ કરી, કપડાં ઉતરાવી માર માર્યો

ગોંડલના ધારાસભ્ય ગીતાબેન જાડેજા અને જયરાજ જાડેજા ના છોકરા ગણેશ એ જૂનાગઢના એક દલિત યુવકનું અપહરણ કરી, ગોંધી રાખી ઢોર માર મારતા ચકચાર મચી ગઈ છે.

ગણેશ જાડેજાએ દલિત યુવકનું અપહરણ કરી, કપડાં ઉતરાવી માર માર્યો

સત્તાની ઓંથના કારણે કાયદાને બાપકી જાગીર સમજતા તત્વોને જાણે પોલીસ, વહીવટીતંત્ર કે કાયદો વ્યવસ્થાનો કોઈ ડર જ ન રહ્યો હોય તેવી સ્થિતિ હવે યુપી-બિહાર જેવા રાજ્યો જેમ ગુજરાતમાં પણ પેદા થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. જંગલરાજની ઉપમા ભલે બિહારને મળી હોય પણ એટ્રોસીટીના કેસોમાં ગુજરાતમાં પણ બિહાર જેવી પરિસ્થિતિ પેદા થઈ રહી છે. આમ તો તેના અનેક ઉદાહરણો ટાંકી શકાય તેમ છે પણ તાજું ઉદાહરણ હાલ દાદાગીરી માટે કુખ્યાત થઈ ચૂકેલા ગોંડલમાંથી સામે આવ્યું છે. જ્યાં ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબેન જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની દાદાગીરીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ગણેશ જાડેજાએ જૂનાગઢના એક દલિત યુવકનું અપહરણ કરી, ગોંધી રાખી, ઢોર માર મારી જાતિસૂચક ગાળો ભાંડી ભયંકર રીતે અપમાનિત કર્યો હતો. સમગ્ર મામલે જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ યુવક જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઘટના શું છે?

બનાવ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢના દાદર રોડ પર સંજય રાજુભાઈ સોલંકી (ઉંમર ૨૬) રહે છે. સંજય સોલંકી કોરિયોગ્રાફી કરે છે અને કોંગ્રેસની યુવા પાંખ એનએસયુઆઈ સાથે પણ સંકળાયેલા છે. ગત તા. 30 મેના રોજ રાત્રે 11 વાગ્યા આસપાસ તેઓ જૂનાગઢના કાળવા ચોકમાં કાળુભાના પૂતળા પાસેથી તેમના 6 વર્ષના દીકરા રાજવીર સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમની સાવ નજીક એક ફોર વ્હીલરે અત્યંત જોખમી રીતે પસાર થઈને બ્રેક મારી હતી. જેથી સંજયભાઈએ તેમને કાર સરખી રીતે ચલાવવાનું કહ્યું હતું.

આ પણ વાંચો: એટ્રોસિટીનો આટલો મજબૂત કાયદો છતાં આરોપીઓ કેમ છુટી જાય છે?

આથી કારમાં બેઠેલા લોકો નીચે ઉતરી આવ્યા હતા. આથી સંજયભાઈએ તેમને કહ્યું હતું કે, તમારે ઝઘડો કરવો હોય તો હું મારા દીકરાને ઘેર મૂકીને આવું. આમ કહીને તેઓ દાતાર રોડ પર આવેલા તેમના ઘર તરફ મોટરસાઈકલ લઈને રવાના થયા હતા. એ દરમિયાન ફોર વ્હીલરે તેમનો ઘર સુધી પીછો કર્યો હતો અને તેઓ ઘરે પહોંચ્યાં ત્યાં સુધીમાં બીજી એક કાર ત્યાં આવી પહોંચી હતી. બંને કારમાંથી અંદાજે 10 જેટલા લોકો ઉતરી આવ્યા હતા અને સંજયભાઈ સાથે ઝઘડો કરવાની તૈયારીમાં હતા ત્યાં જ તેમના પિતા આવી ગયા હતા. દરમિયાન એ કારમાં જોયું તો ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજ જાડેજાનો દીકરો ગણેશ જાડેજા બેઠો હતો. તેની સાથે તેના માણસો પણ હતા. ગણેશ સંજયભાઈના પિતાને ઓળખતો હોવાથી એ વખતે આ મામલે સમાધાન થયું હતું અને સૌ જતા રહ્યા હતા.

મોડી રાત્રે અપહરણ કર્યું

એ પછી સંજયભાઈ તેમના ઘર બહાર થોડીવાર બેસીને જૂનાગઢમાં ફરીને રાત્રિના પોણા ત્રણ વાગ્યા આસપાસ પોતાનું મોટરસાઈકલ લઈને ઘરે જતા હતા ત્યાં દાતાર રોડ ગાયત્રી દાળિયા ભંડાર સામે ગણેશ જાડેજા સહિતના લોકોએ ફરી સંજયભાઈનો પીછો કરી કારને ફૂલ સ્પીડમાં ચલાવી તેમની બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આથી તેઓ નીચે પછડાયા હતા. એ પછી કારમાંથી પાંચેક લોકોએ નીચે ઉતરી તેમને લોખંડના પાઈપથી આડેધડ માર મારવો શરૂ કરી દીધો હતો.

એ દરમિયાન બીજી બે ફોરવ્હિલર પણ ત્યાં આવી પહોંચી હતી અને તેમાંથી પણ કેટલાક લોકો નીચે ઉતર્યા હતા અને સંજયભાઈને ઉપાડીને કારમાં બેસાડીને અપહરણ કરીને ગોંડલ તરફ લઈ ગયા હતા. અપહરણકર્તાઓમાં એક વ્યક્તિ પોતે પોલીસ હોવાનું જણાવતો હતો અને સંજયભાઈને ઢીંકાપાટુ મારતો હતો. આ લોકો તેમને એક અવાવરૂ વાડી વિસ્તારમાં લઈ ગયા હતા જ્યાં ગણેશ જાડેજા અને તેના સાગરિતો અગાઉથી હાજર હતા. અહીં સંજયભાઈને ફરી આ લોકોએ ઢોર માર માર્યો હતો અને "ઢે& ને મારો, આ લોકોનો ત્રાસ વધી ગયો છે." એમ જાતિસૂચક શબ્દો બોલી ગાળો ભાંડી હતી.

ગણેશગઢમાં લઈ જઈને ફરી અપમાન કર્યું

એ પછી ગણેશ જાડેજા ફરી સંજયભાઈને તેની કારમાં બેસાડીને ગોંડલ સ્થિત તેના ગણેશગઢ નામના ઘરે લઈ ગયો હતો. ત્યાં પાંચ-છ લોકો પિસ્તોલ અને લોખંડના પાઈપ સાથે હાજર હતા. જેઓ સંજયભાઈને ગણેશની ઓફિસમાં લઈ ગયા હતા. જ્યાં ગણેશના કહેવાથી તેમણે સંજયભાઈના કપડાં ઉતારી નાખ્યા હતા અને ફરી આડેધડ ઢીંકાપાટુનો માર માર્યો હતો અને તેનો વીડિયો મોબાઈલમાં ઉતાર્યો હતો અને માફી મંગાવડાવી હતી. સાથે જ ધમકી આપી હતી કે, "જૂનાગઢ કોંગ્રેસ એનએસયુઆઈમાંથી રાજીનામું આપી દે જે અને જો આ બાબતે ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશું." 

એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ

ગભરાયેલા સંજયભાઈએ માફી માગતા આખરે તેમને એક કારમાં બેસાડીને જૂનાગઢની ભેંસાણ ચોકડી પાસે કીયાના શોરૂમ નજીક ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓ ખાનગી વાહન કરીને સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમના પિતા અને દલિત સમાજના આગેવાનો રાવણભાઈ પરમાર, હરસુખભાઈ મકવાણા, મીત સોલંકી વગેરે હાજર હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં એટ્રોસિટીના કેસોમાં આરોપીઓના દોષી સાબિત થવાનો દર ફક્ત 3.065 ટકા!

.

જ્યાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. એ દરમિયાન સંજયભાઈને ઢોર મારને કારણે શરીરમાં ભારે દુખાવો થતો હોવાથી તેમને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાથે જ તેમણે પોલીસ રક્ષણની પણ માંગ કરી હતી.

.

સમગ્ર મામલે ગોંડલના ધારાસભ્ય ગીતાબેન જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સહિત 10 લોકો સામે આઈપીસીની કલમ 143, 147, 148, 149, 307, 365, 323, 504, 506(2), આર્મ એક્ટની કલમ 25(1-બી)(એ) અને એટ્રોસીટી એક્ટની કલમ 3(1)(આર)(એસ), 3(2)(5) મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ગુજરાતભરના દલિતોમાં ભારે આક્રોશ

જૂનાગઢની આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યાં છે અને રાજ્યભરના દલિતોમાં તેને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરીને દોષિતોને સજા થાય તેવી તીવ્ર માંગ ઉઠી છે. બનાવ અંગેની ફરિયાદ પરથી જૂનાગઢ એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીઆઈ વી.જે. સાવજ અને ટીમે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: મફત રાશન ભાજપ પાસેથી લેવું છે ને મત બીજા કોઈને આપીશ? કહીને માર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.