કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF મહિલાએ લાફો ઝીંકી દીધો

ફ્લોપ અભિનેત્રી અને હવે હિમાચલની મંડી લોકસભા સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવેલી કંગના રનૌતને એરપોર્ટ પર એક મહિલાએ લાફો ઝીંકી દીધો છે.

કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF મહિલાએ લાફો ઝીંકી દીધો

અભિનેત્રી અને હવે ભાજપની સાંસદ તરીકે ચૂંટાઈ આવેલી કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફ જવાને લાફો મારી દીધો હોવાની ઘટના સામે આવી છે. સાંસદે કરેલી ફરીયાદમાં એ વાત સામે આવી છે કે તે ચંદીગઢ એરપોર્ટ પર પહોંચી હતી. તેણે ફ્લાઈટથી દિલ્હી આવવાનું હતું. સિક્યોરિટી ચેક ઈન પછીથી તે જ્યારે બોર્ડિંગ પાસ માટે જઈ રહી હતી, તે દરમિયાન એલસીટી મહિલા કુલવિંદર કૌરે(સીઆઈએસએફ યુનિટ ચંદીગઢ એરપોર્ટ) તેને થપ્પડ મારી હતી. તે પછી કંગના રનૌતની સાથે યાત્રા કરી રહેલા શખ્સ મયંક મધુરે કુલવિંદર કૌરને થપ્પડ મારવાની કોશિશ કરી હતી. આરોપી સીઆઈએસએફ કર્મચારીની ધરપકડ કરી લેવામાં આવી છે.

અહેવાલો અનુસાર, કંગના દિલ્હી પહોંચી ગઈ છે અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં તેણે સીઆઈએસએફના મહાનિર્દેશક નીના સિંહને ઘટના વિશે જાણ કરી છે. કંગનાનો દાવો છે કે, કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે ચંદીગઢ એરપોર્ટ પર પડદા વિસ્તારમાં તેની સાથે દલીલ કરી હતી અને પછી તેને થપ્પડ મારી હતી. બીજી તરફ આરોપી સૈનિકની સીઓ રૂમમાં કસ્ટડીમાં લેવામાં આવી છે, તેની પૂછપરછ ચાલી રહી છે. એરપોર્ટ સીઆઈએસએફ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલાની તપાસ માટે વરિષ્ઠ અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે.

બીજી તરફ કંગનાએ પણ આ મામલે એક વીડિયો જારી કર્યો છે. જેમાં તેણે કહ્યું છે કે, આ ઘટના બાદ મને ઘણા ફોન કોલ આવી રહ્યાં છે, હું સુરક્ષિત છું. કંગનાએ કહ્યું કે, જ્યારે મહિલા સૈનિકે તેને થપ્પડ મારી અને તેની સાથે વધુ દુર્વ્યવહાર કર્યો ત્યારે મેં તેને પૂછ્યું કે તેણે આવું કેમ કર્યું, તો મહિલા સૈનિકે કહ્યું કે, તે ખેડૂત આંદોલનને સમર્થન આપે છે. સવાલ એ પણ છે કે, મહિલા સૈનિકે કંગના રનૌતને શા માટે થપ્પડ મારી? આ અંગે એવું સામે આવ્યું છે કે, મહિલા સૈનિક કંગનાએ કેટલાક ખેડૂતોને ખાલિસ્તાની કહ્યાં હોવાથી ગુસ્સે ભરાઈ હતી. જેના કારણે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી અને તેણે કંગનાને થપ્પડ મારી હતી. 

સમગ્ર મામલે હિમાચલ પ્રદેશના પૂર્વ સીએમ જયરામ ઠાકુરે કહ્યું કે, “આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. કંગના રનૌત પાર્ટીની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી જઈ રહી હતી. આ મામલે યોગ્ય તપાસ થવી જોઈએ.”

આ પણ વાંચો: મોદીરાજના દાયકામાં કેવી રીતે બોલીવૂડ મનુવાદીઓના નિશાન પર રહ્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.