Dr. Ambedkar ને હરાવવાનું કાવતરું કૉંગ્રેસે નહીં, Savarkar એ ઘડ્યું હતું?

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો છે કે, ચૂંટણીમાં Dr.Ambedkar ને હરાવવાનું કાવતરું કૉંગ્રેસે નહીં પરંતુ Savarkar એ ઘડ્યું હતું. તેમણે એક પત્ર બતાવીને આ દાવો કર્યો છે.

Dr. Ambedkar ને હરાવવાનું કાવતરું કૉંગ્રેસે નહીં, Savarkar એ ઘડ્યું હતું?
image credit - Google images

દેશની પહેલી લોકસભાની વર્ષ 1952માં યોજાયેલી ચૂંટણીમાં ડો.આંબેડકર (Dr.Ambedkar) ને હરાવવાને લઈને ભાજપ સહિતના વિરોધી પક્ષો દ્વારા સતત કૉંગ્રેસ પર માછલાં ધોવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) એ કહ્યું છે કે ડૉ.આંબેડકરને ચૂંટણીમાં હરાવવાનું કાવતરું કૉંગ્રેસે નહીં પરંતુ વિનાયક દામોદર સાવરકરે (Savarkar) ઘડ્યું હતું. મધ્યપ્રદેશના મહુમાં આયોજિત કોંગ્રેસ પાર્ટીની રેલીમાં બાબાસાહેબનો પત્ર બતાવતા ખડગેએ કહ્યું કે તેમણે પોતે કહ્યું હતું કે સાવરકરે તેમને હરાવવાનું કાવતરું ઘડ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી વિશે આ જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે, જેને હું સમાચાર પત્રોમાં જોઉ છું.

'જય બાપુ, જય ભીમ, જય સંવિધાન' રેલીમાં ખડગેએ કહ્યું, “તેઓ બાબા સાહેબ વિશે અફવાઓ ફેલાવી રહ્યા છે, હું દરરોજ અખબારમાં તે જોઉં છું. પણ બાબા સાહેબે પોતે એક પત્ર લખ્યો હતો, હું તમને એ બતાવી રહ્યો છું. તેમણે આ વાત તેના મિત્ર કમલકાંતને લખી હતી. ડૉ. આંબેડકર  લખે છે - મારી હારમાં એસ.એ. ડાંગે અને સાવરકર સિવાય બીજા કોઈનો હાથ નહોતો, તેમણે કાવતરું ઘડીને મને હરાવ્યો. આ પત્ર વાંચો તેનાથી ઘણાં ભ્રમ દૂર થશે.” ખડગેએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, “તમે કેટલું બધું જૂઠું બોલો છો, બાબાસાહેબે પોતે પોતાના હાથે લખ્યું છે, તે ટાઈપ કરેલું નથી.”

વર્ષ 1952ની ચૂંટણીમાં શું થયું હતું”

ઉલ્લેખનીય છે કે ૧૯૫૨ની લોકસભા ચૂંટણીમાં ડૉ.આંબેડકર(Dr.Ambedkar)ને બોમ્બે નોર્થ બેઠક પરથી નારાયણ સદોબા કાજરોલકર (Narayan Sadoba Kajrolkar) જેવા સામાન્ય ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કાજરોલકર, જે એક સમયે આંબેડકરના સહયોગી હતા, તેમને કોંગ્રેસ પાર્ટીએ તેમની સામે ઉમેદવાર બનાવ્યા હતા. સ્વતંત્રતા પછી પંડિત જવાહરલાલ નેહરુ (Pandit Jawaharlal Nehru) ના નેતૃત્વ હેઠળ રચાયેલી વચગાળાની સરકારમાં બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર કાયદા અને ન્યાય મંત્રી (Minister of Law and Justice) હતા, પરંતુ વડા પ્રધાન સાથે નીતિગત મુદ્દાઓ પર મતભેદો બાદ તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. ભાજપ ઘણીવાર આ મુદ્દા પર કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધે છે.

તાજેતરમાં, સંસદના શિયાળુ સત્રમાં, ભાજપે આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો અને કોંગ્રેસ પર આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું કે જ્યારે બાબા સાહેબ જીવિત હતા, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તેમનું ખૂબ અપમાન કર્યું હતું.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ ભાજપ અને RSS પર ડૉ. આંબેડકર અને તેમના દ્વારા બનાવવામાં આવેલા બંધારણનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે પક્ષના કાર્યકરોને સત્તામાં રહેલા લોકોથી બંધારણને બચાવવા માટે કામ કરવા કહ્યું. રાહુલ ગાંધીએ એવી પણ જાહેરાત કરી હતી કે કોંગ્રેસ કેન્દ્રમાં સત્તામાં આવ્યા પછી ટૂંક સમયમાં દેશવ્યાપી જાતિ વસ્તી ગણતરી કરશે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ 50 ટકા અનામત મર્યાદા નાબૂદ કરશે અને લોકસભા અને રાજ્યસભા બંનેમાં આ સંદર્ભમાં કાયદો રજૂ કરશે.

આ પણ વાંચો: જ્યારે ડૉ.આંબેડકરને હરાવવા નહેરૂએ તેમના PA ને જ ચૂંટણીમાં ઉતાર્યો?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.