સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતભરમાં હવે ધીરે ધીરે વરસાદનું જોર ઘટી રહ્યું છે પરંતુ હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી વરસાદી આફત સાવ ટળી નથી.

ગુજરાતમાં વરસી રહેલા ધોધમાર વરસાદનું જોર દક્ષિણ ગુજરાત, પૂર્વ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઘટ્યું છે. પરંતુ હજુ પણ કચ્છ અને સૌરાષ્ટ્ર પરથી આકાશી આફત સાવ ટળી હોય તેવા એંધાણ વર્તાતા નથી. મળતી માહિત પ્રમાણે હવામાન વિભાગ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં હજુ પણ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને કચ્છના અબડાસા તાલુકામાં સૌથી વધુ ૧૧ ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર ૨૪ કલાકમાં ૧૦ ઈંચ અને જામનગર, કચ્છ તથા પોરબંદર જિલ્લામાં ૫-૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. બીજી તરફ ભારે વરસાદથી પ્રભાવિત વડોદરા, મોરબી અને પોરબંદર જિલ્લામાં કુલ ૩૫ મેડિકલ ટીમ પાંચ દિવસ માટે મોકલવામાં આવી છે.
છેલ્લા ૨૪ કલાકમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ૧૦ ઈંચ વરસાદ તેમજ ખંભાળિયા અને કચ્છના લખપત તાલુકામાં ૯ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો જામનગરના જામજોધપુર, દેવભૂમિ દ્વારકાના દ્વારકા અને કચ્છના નખત્રાણા તાલુકામાં ૮ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છના માંડવી તાલુકામાં પણ ૭ ઈંચથી વધુ, જામનગરના કાલાવડ અને લાલપુર તાલુકામાં ૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજકોટના લોધિકા, ધોરાજી અને જામકંડોરણા તાલુકા ઉપરાંત પોરબંદરના કુતિયાણા અને રાણાવાવ તેમજ કચ્છના અંજાર તાલુકામાં ૫ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજકોટ સિટી અને જેતપુર, જામનગર અને પોરબંદરના તાલુકા વિસ્તાર તેમજ કચ્છના મુન્દ્રા તાલુકામાં ૪ ઈંચથી જેટલો વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: ઉનસે અલગ રાય રખતા હું, ઈસલિયે મેરા કરિયર બરબાદ કર દિયા ગયા – પ્રો. લક્ષ્મણ યાદવ
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૭ તાલુકામાં ૩ ઈંચથી વધુ, ૧૦ તાલુકામાં ૨ ઈંચથી વધુ, ૩૬ તાલુકામાં એક ઈંચથી વધુ તેમજ ૧૬૩ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર રાજ્યના કુલ ૨૩૮ તાલુકામાં સરેરાશ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦૯ ટકા નોંધાયો છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૫૪ ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૨૩ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૧૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૦૪ ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી ૮૬ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સૂચનાથી ભારે વરસાદથી પ્રભાવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં રોગચાળો ફાટી ન નિકળે તે માટે આરોગ્ય વિભાગે અગમચેતીના પગલે સ્વાસ્થ્યની ચકાસણી હાથ ધરી છે. મંત્રીની સૂચનાથી ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ ૩૫ મેડિકલ ટીમ રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પ્રારંભિક તબક્કે મોકલવામાં આવી છે. જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ૨૦, વડોદરા જિલ્લામાં ૧૦, ૨ ટીમ મોરબી અને ૩ ટીમ પોરબંદર જિલ્લામાં મોકલાઇ છે. આ ટીમને જરૂરી દવા, સંસાધનો અને એમ્બ્યુલન્સ સાથે વડોદરા, મોરબી અને પોરબંદર જિલ્લામાં પાંચ દિવસ માટે મોકલવામાં આવી છે.
દરેક ટીમમાં એક મેડિકલ ઓફિસર, ૨ પેરામેડિકલ સ્ટાફ, ડ્રાઇવર અને અન્ય જરૂરી સંસાધનો સાથે પ્રજાજનોની સ્વાસ્થ્ય દરકાર માટે ફરજરત બન્યા છે. રાજ્યમાં ૧૨૬૨ એમ્બ્યુલન્સ અને અન્ય ૮૦૨ જેટલી ૧૦૮ની એમ્બ્યુલન્સને આ વિસ્તારોમાં ઇમરજન્સી સેવાઓ માટે તહેનાત રાખવામાં આવી છે.
આ પણ વાંચો: મજૂરનો દીકરો મજૂર... જાણો દલિતની તુલનાએ સામાન્ય વર્ગના મજૂરોની હાલત 14 વર્ષમાં કેટલી સુધરી?