વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી રામમંદિરના ઈતિહાસ પર સર્ટિફીકેટ કોર્ષ શરૂ કરશે
રામમંદિરનો ઉન્માદ હજુ શમ્યો નથી ત્યાં સુરત સ્થિત દક્ષિણ ગુજરાત યુનિ.એ એક કદમ આગળ વધીને રામમંદિર અને તેની સાથે જોડાયેલા ઈતિહાસને ભણાવતો એક સર્ટિફીકેટ કોર્ષ શરૂ કર્યો છે.
દેશભરમાં રામમંદિરના કથિત પ્રાણપ્રતિષ્ઠા મહોત્સનો રાજકીય-ધાર્મિક ઉન્માદ શમવાનું નામ નથી લઈ રહ્યો ત્યાં હવે તેમાં શૈક્ષણિક સંસ્થાઓ પણ જોડાઈ ગઈ છે. શિક્ષણ સંસ્થાઓના ભગવાકરણના આક્ષેપો સતત લાગતા રહ્યાં છે ત્યારે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ આ આક્ષેપોને સાચાં ઠેરવતી હોય તેમ રામમંદિરના ઈતિહાસ પર એક સર્ટિફીકેટ કોર્ષ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. આ કોર્ષમાં રામ મંદિરના 500 વર્ષ જૂના ઈતિહાસને ભણાવાશે. દેશમાં આ પહેલીવાર છે, જ્યારે રામ મંદિરના ઈતિહાસ પર કોઈ કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો હોય. માત્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ 12 વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ આ કોર્સ કરી શકશે. આ કોર્સ કરવા માટે કોઈ ડિગ્રીની જરૂર નથી. સૌથી મહત્વની વાત એ છે કે જો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આ સર્ટિફિકેટ કોર્સ કરશે તો તેમને બે શૈક્ષણિક માર્ક્સ પણ મળશે.
વીર નર્મદ યુનિ.ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રામ મંદિર બનાવવા માટે 500 વર્ષથી વધુ સમયથી સંઘર્ષ થયો હતો. આ સમગ્ર સંઘર્ષ ગાથાને 30 કલાકના અભ્યાસક્રમમાં જોડીને એક પ્રમાણપત્ર કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. આ કોર્સથી શ્રીરામ અને રામ મંદિરનો ઈતિહાસ લોકો સુધી પહોંચશે. દેશની કોઈપણ યુનિવર્સિટી દ્વારા આ પ્રકારનો કોર્સ પ્રથમ વખત શરૂ કરવામાં આવી રહ્યો છે, આ કોર્ષ થકી લોકોને રામ મંદિર કેવી રીતે બન્યું તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.
એક મીડિયા રિપોર્ટમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે રામજન્મભૂમિ ઇતિહાસ 550 વર્ષ જૂનો છે, યુનિ.એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં આ પ્રમાણપત્ર કોર્સ ડિઝાઇન કર્યો છે, જે 30 કલાકનો છે અને તેની ફી રૂપિયા 1100 છે.
આ કોર્સમાં 500 વર્ષનો ઈતિહાસ બાબરી મસ્જિદથી વિવાદિત ભાગ સુધીની સમગ્ર યાત્રા, શ્રી રામની સમગ્ર યાત્રા અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટનો આદેશ સામેલ રહેશે. આ કોર્સમાં શરૂથી લઇ 22મી જાન્યુઆરી સુધીની યાત્રાનો સમાવેશ થાય છે. તે સમગ્ર સમાજને ઈતિહાસના રૂપમાં વસ્તુઓથી વાકેફ કરશે. આ સર્ટિફિકેટ કોર્સની બીજી વિશેષતા એ છે કે 12 વર્ષથી વધુ ઉંમરના લોકો અને અભ્યાસ ન કર્યો હોય તેવા લોકો પણ આ કોર્સ કરી શકે છે. આ કોર્ષને લઈને જોકે બુદ્ધિજીવી વર્ગે નિરાશા પણ વ્યક્ત કરી છે. યુનિવર્સિટીની એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, શિક્ષણ સંસ્થાઓમાં પણ સત્તાપક્ષનો એજન્ડા ઘુસેડવામાં આવી રહ્યો છે જે યોગ્ય નથી. આનાથી શિક્ષણનો મૂળ હેતુ જ માર્યો જશે. વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક સમજણ કેળવવાને બદલે ધર્માંધ બની જશે.
આ પણ વાંચોઃ તિહારમાં અગિયારમી મુલાકાત
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.