ધર્મ પરિવર્તન કરનાર શખ્સની સ્થાનિકોએ અંતિમક્રિયા ન થવા દીધી
હિંદુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ સ્વીકારનાર શખ્સનું મોત થઈ ગયું, ગામલોકોએ તેની અંતિમવિધિ માટે જમીન ન આપતા 32 કલાક મૃતદેહ પડ્યો રહ્યો.
ધર્મના નામે લોકોમાં કઈ હદે નફરત ભરી દેવામાં આવી છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. ઓડિશાના નવરંગપુર જિલ્લામાં પાપડાહાંડીમાં એક મૃત વ્યક્તિના મૃતદેહને સ્થાનિકોએ 32 કલાક સુધી રઝળાવ્યો હતો અને દફનાવવાની પરમિશન આપી નહોતી. દફનાવવાની પરવાનગી એટલા માટે ન આપવામાં આવી કારણ કે હિંદુ ધર્મ છોડીને ખ્રિસ્તીમાં ધર્મ પરિવર્તન કર્યું હતું. ઘટનાની જાણ થતા સ્થાનિક મામલદાર અને પોલીસે આ મામલે દરમિયાનગીરી કરવી પડી, ત્યારે જતા મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ, પંડિકોટ ગામના રહેવાસી ડોમુ જાનીએ લગભગ 2 વર્ષ પહેલા હિંદુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. 28 ઓક્ટોબરે સવારે તેનું અવસાન થયું હતું. ધર્મ પરિવર્તનના કારણે તેમના પરિવારજનો તેમના મૃતદેહને દફનાવવાની ચિંતામાં હતા. તેના મૃતદેહને ક્યાં દફનાવવો તે અંગે તેમને મૂંઝવણનો સામનો કરવો પડ્યો હતો. તેમણે ગ્રામજનોને વિનંતી કરી કે તેઓ તેમને ગામના સ્મશાન ગૃહમાં જગ્યા આપે. પરંતુ ગ્રામજનો કબર માટે જગ્યા આપવા તૈયાર ન હતા. એટલું જ નહીં મૃતદેહને ઉઠાવવા માટે પણ કોઈ આગળ ન આવ્યું.
આ પછી અધિકારીઓ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા અને ગ્રામજનોને સ્મશાનમાં જગ્યા આપવા સમજાવતા રહ્યા. પહેલા તો ગ્રામજનો સ્વીકારવા તૈયાર નહોતા પરંતુ લાંબી ચર્ચા બાદ ગ્રામજનો સંમત થયા હતા. ત્યારબાદ અધિકારીએ દફનાવવા માટે જગ્યા નક્કી કરી, જે સરકારી જમીન હતી.
ગામલોકો કાંધ દેવા પણ તૈયાર ન થયા
ધર્મના નશામાં ગામલોકો એ પણ ભૂલી ગયા કે ડોમુ તેમની વચ્ચે જ રહેતો માણસ હતો. ગામની કોઈ વ્યક્તિ ડોમુ જાનીના મૃતદેહને કાંધ આપવા તૈયાર નહોતો થયો. ત્યારબાદ કેટલાક સ્થાનિક પત્રકારો આગળ આવ્યા અને તેમણે મૃતદેહને કાંધ આપી હતી. પત્રકારોને આગળ આવતા જોઈ ગ્રામજનો પણ સહકાર આપવા આગળ આવ્યા હતા અને આખરે 32 કલાક બાદ ડોમુના મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો.
આ મામલામાં અધિકારીએ કહ્યું કે તેમને એવા સમાચાર મળ્યા હતા કે ગામલોકોએ મૃતકના મૃતદેહને દફનાવવા માટે જગ્યા આપવાનો ઈન્કાર કરી રહ્યા હતા, કારણ કે તેણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. આ બાબતની જાણ થતાં જ અમે ગામમાં પહોંચી ગયા હતા અને ગ્રામજનો સાથે વાત કરી હતી. ગ્રામજનો લાંબા સમય સુધી સંમત થયા નહોતા. અધિકારીએ જણાવ્યું હતું કે, તેમણે મૃતકના પરિવારને સરકારી આવાસ પૂરું પાડ્યું હતું એ પછી મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ખ્રિસ્તી બનનાર 35 દલિતોને યજ્ઞ શુદ્ધિકરણ કરી ફરી હિંદુ બનાવાયા