સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા કરી શકાય, કાયદો શું કહે છે?

શું સરકારી કચેરીઓમાં કામના કલાકો દરમિયાન સત્યનારાયણની કથા કે અન્ય કોઈ ધાર્મિક ક્રિયાકર્મ કરી શકાય? જાણો આ એડવોકેટ પિયુષ જાદુગર પાસેથી.

સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા કરી શકાય, કાયદો શું કહે છે?
image credit - Google images

રાજકોટના શાપર-વેરાવળ ખાતે પારડી ગામમાં વીજ કચેરી દ્વારા યોજાયેલી કથામાં રાજકોટના રેશનાલિસ્ટ જયંત પંડ્યા દ્વારા સરકારી કચેરીમાં સરકારી કામકાજના સમયમાં કોઈ પણ ધર્મની કથા કરવી એ કાયદેસરની વાત નથી અને આથી આ કથા બંધ કરવી જોઈએ તે અંગેની રજૂઆત કરતા વીજ કચેરી દ્વારા તેમના અધિકારીઓએ દ્વારા કરેલું આયોજન કાયદાની સમજ મળતા બંધ કરવા માટેનો આદેશ આપ્યો હતો.

આ મામલામાં સત્યનારાયણની કથા શરૂઆત થાય તે પહેલાં જ બંધ કરવામાં આવતા કેટલાક કટ્ટર ધાર્મિક લોકોએ તેને પોતાના ધર્મનું અપમાન ગણી લીધેલ હતું. (દેશના બંધારણનું અપમાન થાય, લોકશાહી નષ્ટ થાય, તે ચાલે અને કાયદાની વાત કહેવુ તે પણ ગુનો?) આથી રેશનાલિસ્ટ વિશે વેર રાખીને કાર્યવાહી કરી રહ્યા છે. તે સામે સરકારે પોલીસ રક્ષણ આપેલ છે. 

આ અનુસંધાને કાયદાકીય રીતે શું જોગવાઈ છે તે અંગે સમજવું જરૂરી છે. સરકારી ધારા ધોરણ મુજબ જ્યારે ભારતીય બંધારણ અમલમાં આવ્યું છે ત્યારે કોઈપણ રાજ્યમાં કોઈપણ સરકારી કચેરીમાં કોઈપણ ધર્મનો ક્રિયાકાંડ સરકારી કચેરીના સમય દરમિયાન થઈ શકે નહીં અથવા પરવાનગી પણ આપી શકાય નહીં તે અંગે ગુજરાત સરકાર દ્વારા પણ જરૂરી સર્ક્યુલરો કરવામાં આવેલા છે જે નીચે મુજબ છે.

આ સર્ક્યુલર મુજબ પણ ગુજરાત સરકારની તમામ સરકારી કચેરી રાજ્યપાલ તથા નિગમોને પણ આ અંગેની માહિતી અને પત્ર વહીવટી શાખા ગુજરાત સરકાર દ્વારા પાઠવવામાં આવેલ છે 

આ પણ વાંચો: અંધશ્રદ્ધા વિરોધી કાયદામાંથી જ્યોતિષ-વાસ્તુશાસ્ત્રને કેમ બાકાત રખાયા?

કાયદાની પરિસ્થિતિ જોઈએ તો ભારતીય બંધારણની આર્ટિકલ 25 અને 26 મુજબ કોઈપણ વ્યક્તિ પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર અને ધાર્મિક ક્રિયાકાંડ કરી શકે છે, પરંતુ તે તેના ઘરની હદમાં અને ધાર્મિક મેળાવડામાં હોલમાં કે સમૂહગત હોય શકે છે પરંતુ નીતિમત્તા જાહેર સલામતી કે સ્વાસ્થ્યના ભોગે તો ક્યારેય થઈ શકે નહીં.

સરકારી કચેરીમાં સરકાર પોતે બિનસાંપ્રદાયિક છે. સરકાર, વહીવટી વિભાગો વિધાનસભા કે સંસદ કે  કોર્ટ વગેરે બંધારણ નીચે સ્થપાયેલ છે આથી તે તમામ કોઈપણ ધર્મને પ્રમોટ કરી શકે નહિ. બિનસાંપ્રદાયિક હોવાને કારણે દેશનો કાયદો કોઈપણ ધર્મને પ્રમોટ કરી શકે નહીં. પાકિસ્તાન મુસ્લિમ દેશ છે આથી તે મુસ્લિમ ધર્મને પ્રમોટ કરે છે. પણ આપણો દેશ લોકશાહી દેશ છે તે યાદ રાખવું જોઈએ. અને આથી જ કોઈપણ સરકારી કચેરીમાં સરકારી સમય દરમિયાન કોઈપણ સરકારી નોકર પોતાની સરકારી ફરજ બજાવવા સિવાય કોઈ ધાર્મિક વિધિવિધાન કરી શકે નહીં અને આથી સરકારી કામકાજ દરમિયાન જો સરકારી કર્મચારી, સરકારી કામ ન કરતો હોય તો એ ગેરશિસ્ત છે અને એના માટે તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. 

સરકાર સરકારી નોકરીમાં આપેલી ફરજો બજાવવા માટેનો પગાર આપે છે, નહીં કે સરકારી સમયમાં તમે તમારી ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ક્રિયાકાંડ કરો તેના માટે. એ યોગ્ય નથી, કાયદેસર નથી. અને આથી મારી માન્યતા મુજબ અને ભારતીય બંધારણમાં જણાવ્યા મુજબ કોઈપણ સરકારી કચેરીમાં કોઈપણ સરકારી નોકર પોતાના અંગત કે બીજાના હિતમાં પણ ધાર્મિક ક્રિયાકાંડ કરી શકે નહીં.

ઘણા લોકો એવું માને છે કે લોકોની ધાર્મિક માન્યતા મુજબ તેઓ પ્રાર્થના વગેરે કરી શકે તે માટે મોટા મોલમાં, એરપોર્ટર, રેલવે સ્ટેશનમાં કે કેટલીક સરકારી કચેરીઓમાં એક પ્રેયર રૂમ પણ રાખવામાં આવે છે. એ અંગે સ્પષ્ટતા કરવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિ સરકારી નોકરી કરતો હોય ત્યારે તેને મળતા ફાજલ સમયમાં અથવા તો તે પરવાનગી લઈને, નોકરીમાં રજા લઈ કે રિસેસમાં, મંજૂર કરેલા સમયમાં તે પોતાના ધર્મની બંદગી-પ્રાર્થના-પ્રેયર એક રૂમમાં. કોઈને અડચણ ન થાય તે રીતે કરી શકે છે. અને તે સમયના બદલામાં તેણે પોતાની દિવસભરની ફરજનું કામ પણ પૂર્ણ કરવું પડે છે.

આથી કોઈપણ વ્યક્તિ જાહેર રસ્તા ઉપર કે કોઈને અડચણરૂપ થાય તે રીતે ક્રિયાકાંડ કે પોતાના ધર્મની બંદગીના ભાગરૂપે જાહેર કચેરીમાં પૂજાપાઠ કરી શકે નહીં. જો આવું કરવામાં આવે તો લોકશાહી રહે નહીં. લોકશાહીનો અર્થ છે બિનસાંપ્રદાયિક દેશ અને જો આવું ચાલુ કરવામાં આવે તો રેલવેના કર્મચારી પૂજા કરવા બેસી જાય તો બે કલાક અને મુસ્લિમ હોય તો 15 થી 20 મિનિટ બગડે અને તો કોઈ ટ્રેન તેના નિર્ધારિત સમય પ્રમાણે ચાલી શકે નહીં, કોઈ વિમાન સમયસર ઉડી શકે નહીં. 

જે લોકો એરપોર્ટ ઉપર અને રેલવે સ્ટેશને પૂજા કરે છે તે ટ્રેન આવે કે વિમાન ઉડવાનો સમય હોય એ પહેલા પોતાની ધાર્મિક ફરજ ફાજલ સમયમાં એક રૂમમાં જઈને કરી શકે છે. એનો અર્થ એ નથી થતો કે સરકારી કામકાજના કલાકોમાં સરકારી કર્મચારી પૂજા પાઠ કરે. આથી રાજકોટની વીજ કચેરી કચેરીમાં કરવામાં આવેલી ઓફિસ કલાકો દરમિયાનની સત્યનારાયણની કથા યોગ્ય નથી તેવી મારી કાયદા મુજબ માન્યતા છે.

આ પણ વાંચો: ડર હતો એજ થયું, અંધશ્રદ્ધા વિરોધી કાયદા હેઠળ દલિત યુવકની ધરપકડ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.