દેત્રોજના ડાંગરવા ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિત દીકરીની જાનનો વરઘોડો નીકળ્યો

દેત્રોજના ડાંગરવા ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિત દીકરીની જાનનો વરઘોડો નીકળ્યો

એકબાજુ કેન્દ્ર સરકાર મિશન 2047ની વાતો કરી રહી છે, વિકાસનો વિસ્ફોટ થયો હોય તેવી ગુલબાંગો પોકારી રહી છે, બીજી તરફ છેલ્લાં 27 વર્ષથી જ્યાં તેમનું શાસન છે તેવા ગુજરાતમાં જાણે કાયદો અને વ્યવસ્થા અઢારમી સદી તરફ ધકેલાઈ રહી હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. આજે અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના ડાંગરવા ગામે એક દલિત પરિવારની દીકરીની જાનનો વરઘોડો કાઢવા માટે પોલીસની મદદ લેવી પડી હતી. જે કથિત વિકસિત ગુજરાતમાં જાતિવાદી તત્વો કેવા બેફામ થઈ ચૂક્યા છે તેનો સજ્જડ પુરાવો છે.

ગુજરાતમાં જાતિવાદી તત્વો દિનપ્રતિદિન બેફામ બનતા જાય છે. દર વર્ષે લગ્નની સિઝનમાં અનેક ગામોમાં જાતિવાદીઓ દલિત પરિવારોની જાનમાં ડી.જે. વગાડવા, વરઘોડો કાઢવા, ફટાકડાં ફોડવા કે વરરાજા ઘોડી પર ચઢતા દલિતો પર હુમલા કરતા રહે છે. આ વર્ષે પણ આવા એકથી વધુ બનાવો બન્યાં છે. ત્યારે આવી ઘટના પોતાની દીકરીના લગ્નપ્રસંગમાં ન ઘટે તે માટે અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના ડાંગરવા(ચૂવાળ)ના કાળાભાઈ મકવાણાએ તા. 31 જાન્યુઆરી 2024ના રોજ દેત્રોજ મામલતદાર અને પોલીસ સ્ટેશનના પીએસઆઈને લેખિત અરજી કરીને પોલીસ રક્ષણ માંગ્યું હતું.

કાળાભાઈએ આ અરજી નવસર્જન ટ્રસ્ટના કાર્યકર કિરીટભાઈ રાઠોડ અને સ્થાનિક સામાજિક કાર્યકર કનુભાઈ સુમેસરાની મદદથી આપી હતી. એ પછી તંત્ર હરકતમાં આવ્યું હતું અને દેત્રોજ મામલતદાર દેવેન્દ્રસિંહ ચાવડા અને પીએસઆઈ એ.એમ. જાનીએ તરત પગલાં લેતા કાળાભાઈને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી હતી. એ પછી બંને અધિકારીઓએ કાળાભાઈની દીકરીના લગ્નના બે દિવસ પહેલા ડાંગરવા ગામની મુલાકાત લીધી હતી અને સ્થાનિક માથાભારે જાતિવાદી તત્વોને બોલાવીને સ્પષ્ટ સૂચના આપી હતી કે, કાળાભાઈની દીકરીના લગ્નના પ્રસંગમાં જો કોઈપણ પ્રકારનું છમકલું પણ થયું તો કોઈને પણ છોડવામાં નહીં આવે અને કાયદો કાયદાનું કામ કરશે.

બંને ઉચ્ચ અધિકારીઓની આ કડકાઈની જાતિવાદી તત્વો પર બરાબરની અસર થઈ હતી અને લગ્નના આગલા દિવસે જ આવા નામચીન તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. એ પછી આજે કાળાભાઈની દીકરીની જાન અમદાવાદના બાપુનગરથી આવી હતી અને તેમાં કોઈપણ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના વિના વરરાજા વાજતેગાજતે ડી.જે. સાથે જાન લઈને ડાંગરવા પહોંચ્યાં હતા અને આખો પ્રસંગ હેમખેમ પૂર્ણ થયો હતો. આમ સ્થાનિક સામાજિક કાર્યકરોની સાથે દેત્રોજ મામલતદાર અને પીએસઆઈની ફરજનિષ્ઠાએ સૌ કોઈનું દિલ જીતી લીધું હતું.

આ સમગ્ર મામલે વાત કરતા સામાજિક કાર્યકર કિરીટભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, દેત્રોજ મામલતદાર અને પીએસઆઈની ફરજનિષ્ઠાને કારણે વરરાજા ડી.જે. સાથે જાન લઈને ડાંગરવા આવી પહોંચ્યાં હતા અને આખો પ્રસંગ હેમખેમ પૂર્ણ થયો હતો. અગાઉ વર્ષ 2022માં અહીં જાતિવાદી તત્વોએ એક દલિત વરરાજા વરઘોડે ચડતા હુમલો કર્યો હતો. કાળાભાઈની દીકરીના લગ્નમાં જાન અમદાવાદથી આવવાની હોઈ તેમને બીક હતી કે ગામના કેટલાક માથાભારે જાતિવાદી તત્વો ફરી હુમલો કરી શકે છે. અમે તેમના આ ડરને સમજીને આગોતરા આયોજન તરીકે જવાબદાર અધિકારીઓ લેખિતમાં જાણ કરીને પોલીસ સુરક્ષા માંગી હતી. એ પછી બંને અધિકારીઓએ જાતિવાદી તત્વોને બોલાવીને સાનમાં સમજી જવા કહ્યું હતું. જેની ધારી અસર થઈ હતી જાતિવાદી તત્વો રાતોરાત પોલીસની બીકે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને આજે આખો પ્રસંગ કોઈપણ પ્રકારની અડચણ વિના પૂર્ણ થયો હતો.

વર્ષ 2022માં પણ જાતિવાદીઓએ હુમલો કર્યો હતો

ડાંગરવા ગામ તેની જાતિવાદી માન્યતાઓને કારણે આસપાસના વિસ્તારમાં કુખ્યાત બની ચૂક્યું છે. અગાઉ પણ અહીં દલિતો પર હુમલાની ઘટના બની છે. બે વર્ષ પહેલા તા. 26 મે 2022ના રોજ અહીં એક દલિત દીકરીના લગ્નમાં વરરાજા ડી.જે સાથે ઘોડે ચડીને જાન લઈને આવતા ગામના કેટલાક જાતિવાદી તત્વોએ દલિતો ડી.જે. સાથે વરઘોડો ન કાઢી શકે તેમ કહીને જાન પર હુમલો કર્યો હતો. એ વખતે નવસર્જન ટ્રસ્ટના કર્તાહર્તા માર્ટિનભાઈ મૅકવાન અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની આગેવાનીમાં ડાંગરવા ગામના જાહેર ચોકના મુખ્ય રસ્તેથી લઈને દલિત ફળિયા સુધી ડી.જે. સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને જાતિવાદીઓને કાયદાની લપડાક મારી હતી. એ વખતે નવસર્જન ટ્રસ્ટના કાર્યકરો કિરીટભાઈ રાઠોડ, ભરતભાઈ પરમાર, શાંતાબહેન સેનમા અને સામાજિક કાર્યકર કનુભાઈ સુમેસરાએ કાનૂની મદદ પુરી પાડી હતી.

પોલીસની બીકથી જાતિવાદી તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા

કાળાભાઈએ દેત્રોજ મામલતદાર અને પીએસઆઈને લેખિત અરજી આપ્યા બાદ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું અને તેમણે કાળાભાઈની દીકરીના લગ્નના બે દિવસ પહેલા જ 2022ના મામલામાં આરોપી રહેલા અને અન્ય કેટલાક નામચીનો તત્વોની ગામમાં મિટીંગ બોલાવી હતી. એ દરમિયાન તેમણે આ તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે કાયદો વ્યવસ્થાની વિરુદ્ધમાં કશું પણ કરશો તો કોઈને પણ છોડવામાં નહીં આવે. આધારભૂત સૂત્રોના મતે, પોલીસની સતર્કતાને કારણે આવા નામચીન તત્વો રાતોરાત ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, જે છેલ્લાં ત્રણ દિવસથી ગામમાં જોવા મળ્યાં નથી અને હાલ તેઓ ક્યાં છે તેના વિશે તેમના પરિવારજનો પણ કશું કહેવા તૈયાર નથી.

ડાંગરવાના દલિતોનું કહેવું છે કે, આ કાયદો વ્યવસ્થાની જીત છે. દેત્રોજ મામલતદાર દેવેન્દ્રસિંહ ચાવડા અને પીએસઆઈ એ.એમ. જાનીની ફરજનિષ્ઠાને કારણે જાતિવાદી તત્વો સાનમાં જ સમજીને આખા મામલાથી દૂર રહ્યાં હતા. આ સાથે જ ડાંગરવાના દલિતો પંચે સામાજિક કાર્યકરો કિરીટ રાઠોડ, કનુભાઈ સુમેસરાનો પણ આભાર માન્યો હતો.

આ પણ વાંચો : દેત્રોજના ડાંગરવા ગામના દલિત પરિવારે દીકરીના લગ્નપ્રસંગે ડી.જે. સાથે વરઘોડો કાઢવા પોલીસ રક્ષણ માંગ્યું

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.

 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.