ફિલ્મ 12th Fail - વાત સંઘર્ષની નહીં બ્રાહ્મણોને મળતા વિશેષાધિકારોની છે

હાલમાં જ રજૂ થયેલી ફિલ્મ 12th Fail એ સારી એવી ચર્ચા જગાવી છે. ફિલ્મમાં મનોજ શર્મા નામના એક બ્રાહ્મણ યુવકની 12 ધોરણમાં ફેઈલ થયા પછી આઈપીએસ બનવા સુધીની સફરને દર્શાવવામાં આવી છે. જો કે, ફિલ્મ અનેક રીતે લોકોને ગેરમાર્ગે દોરે છે. ખાસ કરીને બ્રાહ્મણ હોવાના નાતે મનોજ શર્મા જે વિશેષાધિકાર ભોગવે છે તેને સાઈડલાઈન કરાયો છે. આ સિવાય પણ બીજી અનેક એવી બાબતો છે જે મનોજ શર્મા જેવા યુવાનોને ફક્ત બ્રાહ્મણ હોવાના કારણે સાંપડે છે પણ મહેનત કરવા છતાં દેશનો દલિત, આદિવાસી, ઓબીસી કે લઘુમતી સમાજનો યુવાન તેના વિશે વિચારી પણ શકતો નથી.

ફિલ્મ 12th Fail - વાત સંઘર્ષની નહીં બ્રાહ્મણોને મળતા વિશેષાધિકારોની છે
all images by Google images

સિનેમા, કલા, પુસ્તકો, ગીતો આ બધાં જ સમાજનું દર્પણ છે. જેની બે બાજુએ અસર થાય છે. આ તમામ સમાજથી પ્રભાવિત છે અને આ તમામ માધ્યમની અસર સમાજ પર પણ પડે છે. જે પૈકી સિનેમાની અસર સૌથી વધારે છે, કારણ કે તેનો દર્શક વર્ગ વધારે છે તેમજ લોકો સિનેમામાં દેખાડવામાં આવેલી વાતને સાચી માની લે છે. ફિલ્મોની ફેશન અને વિચારો પર પણ ઊંડી અસર પડે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 12th Fail પર એક સમાજશાસ્ત્રીય નજર કરીએ. 


પહેલી નજરે આ ફિલ્મ ગરીબીમાંથી બહાર આવીને ઊંચાઈને સ્પર્શતી તેમજ સંઘર્ષ કરીને સફળતા પ્રાપ્ત કરતી વાર્તા લાગે છે. જેમાં એક વિદ્યાર્થી હિન્દી મીડિયમની તમામ અડચણોને પાર કરીને અધિકારી બને છે. આ ઉત્સાહ અને જોશ વધારતી ફિલ્મ છે કે જે આશા જગાવે છે, તેમાં એવું પણ દર્શાવાયું છે કે પ્રેમમાં કેવી રીતે કશું કરી દેખાડવાનું ઝનૂન પેદા થાય છે અને આ ફિલ્મ એવો પણ સંદેશ આપે છે કે હાર નહીં માનું. પણ, આ લેખમાં એવું દેખાડવાનો પ્રયાસ કરીશ કે 12th Fail ફિલ્મના હીરો મનોજ શર્માની આ સફરમાં તેને જન્મોથી મળેલા વિશેષાધિકારો એટલે કે પ્રિવિલેજે કેવી ભૂમિકા ભજવી છે, અને જો તેમને આ વિશેષાધિકારો ના મળ્યા હોત તો તેઓ માટે આ તમામ દરવાજા આટલા સરળતાથી ના ખુલ્યા હોત. મનોજ શર્માના જીવનસંઘર્ષમાં તેમની સાથે એક સપોર્ટ સિસ્ટમ પણ સમાંતરે ચાલી રહી હતી. વિશેષાધિકારો વિના તેમની આ યાત્રા કદાચ આટલી શાનદાર ના રહી હોત. સાથે જ એ કહેવું પણ એટલું જ જરૂરી છે કે દેશના મોટાભાગના લોકો પાસે તે વિશેષાધિકારો નથી, માટે જો કોઈ યુવા એવું વિચારતો હોય કે દિલ્હી આવ્યા પછી બધું આટલી સરળતાથી થઈ જશે તો તેને તેનો ભ્રમ માનવામાં આવશે.

હું અહીં વિદ્યાર્થી મનોજ શર્માના કેટલાંક વિશેષાધિકારોનું લિસ્ટ રજૂ કરી રહ્યો છું.
1. દિલ્હી આવ્યા પહેલા મનોજ શર્મા જ્યારે ચંબલના એક ગામમાં રહેતા હતા ત્યારે તેમનો અને તેમના ભાઈનો સ્થાનિક ધારાસભ્યના લોકો સાથે ઝઘડો થયો હતો. કસ્ટડીમાં લીધા પછી તેઓ બંનેને પોલીસ સાથે વિવાદ થાય છે અને મનોજ ભાગીને રાત્રે ડીએસપીના સરકારી નિવાસસ્થાનના પ્રાંગણમાં પ્રવેશ કરે છે. તે ડીએસપીને પડકારતા સિસ્ટમને અપશબ્દો આપવાનું શરૂ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે ડીએસપી મનોજને લઈને પોલીસ સ્ટેશને પહોંચે છે અને તેઓ બંનેને મુક્ત કરાવે છે. વર્તમાન વ્યવસ્થામાં આ લગભગ અશક્ય વાત છે. હવે એ સમજવાની વાત છે કે મનોજ શર્માના કેસમાં આ કેવી રીતે શક્ય બન્યું અને એ પણ સમજવું પડશે કે શું રાત્રે ડીએસપીના ઘરમાં ઘૂસવાનો આત્મવિશ્વાસ ક્યાંક મનોજ શર્મા જે જ્ઞાતિમાંથી આવે છે તેના કારણે તો નથી ને?


2. ઘણાં વિવેચકો આ ફિલ્મને ગરીબોના સંઘર્ષ તરીકે જોઈ રહ્યા છે. પણ, આ ગરીબ પરિવાર બિલકુલ નથી. મનોજના દાદા આર્મીમાં જુનિયર કમિશન્ડ ઓફિસર હતા. દાદીને પેન્શન મળે છે. પિતા સરકારી કર્મચારી હતા જેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને આરોપો સામે હાઈકોર્ટમાં કેસ લડી રહ્યા હતા. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે તેમની પાસે જમીન અને ગાય પણ છે. એટલે કે BPL પરિવારમાંથી અધિકારી બનવાની આ કોઈ ડ્રીમ સ્ટોરી નથી. એકંદરે તે મધ્યમ વર્ગનું કુટુંબ કહી શકાય.


3. નવાઈની વાત એ પણ છે કે માત્ર મનોજ જ નહીં, સમગ્ર પરિવારને વિશ્વાસ છે કે મનોજ 12મું પાસ થતાં જ તેને સરકારી નોકરી મળી જશે. આ આત્મવિશ્વાસનું કારણ શું છે તે ખબર નથી. આ 1980-90ની વાત છે અને તે સમયે 12મું પાસ કર્યા પછી નોકરી મેળવવાનો આટલો આત્મવિશ્વાસ હોવો સ્વાભાવિક ન હતો, કારણ કે ત્યાં સુધીમાં નોકરીઓ માટેની મારામારી શરૂ થઈ ગઈ હતી. આ આત્મવિશ્વાસનું કારણ અથવા વિશેષાધિકાર શું હશે તે ફિલ્મ જોઈને જાણી શકાતું નથી.

4. જ્યારે મનોજ ગ્વાલિયરથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા આવે છે અને રસ્તામાં તેના પૈસા અને સામાન ચોરાઈ જાય છે, ત્યારે તે એક હોટલમાં ખાવાનું માગે છે અને તેને ટેબલ ખુરશી પર બેસાડવામાં આવે છે અને તેને મફતમાં ભોજન આપવામાં આવે છે. શું આ તમને સ્વાભાવિક લાગે છે? ત્યાં તે શ્રીમાન પાંડેને મળે છે જેઓ મનોજ શર્માને પોતાના ખર્ચે દિલ્હી લઈ જાય છે. દરેકના જીવનમાં આટલા બધા સુખી સંયોગો નથી હોતા.


5. ગૌરી ભૈયા મનોજના જીવનમાં ભગવાનની જેમ આવે છે. તે પોતે ઉમેદવાર છે, પરંતુ અન્યોને મફત કોચિંગ આપે છે. તે મનોજને પોતાના શિષ્ય બનાવે છે. બાદમાં, તે મનોજ માટે પોતાનો રૂમ છોડી દે છે અને તેને 24 કલાકનો સહાયક પણ આપે છે. મનોજ શર્માના જીવનમાં આ પણ એક રસપ્રદ સંયોગ બને છે, પરંતુ કેટલા લોકોના જીવનમાં આવા સંયોગો બને છે? અને પછી પણ કેટલા લોકોના જીવનમાં આ સંયોગો સતત બનતા રહે છે? શું આને અમુક પ્રકારના વિશેષાધિકારનું પરિણામ ગણી શકાય? ગૌરી ભૈયાનું પાત્ર માત્ર એ બતાવવા માટે ઊભું કરાયું છે કે મનોજનો સંઘર્ષ કેટલો મહાન છે કારણ કે ગૌરી ભૈયાને છ અને મનોજને ચાર અટેમ્પટ મળવાના છે.


6. મનોજ શર્મા અને શ્રદ્ધા જોષીની લવસ્ટોરી મસાલા ફિલ્મો જેવી છે. હિન્દી ફિલ્મોમાં એ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે એક જ જ્ઞાતિના લોકો વચ્ચે પ્રેમ થાય, જેથી લગ્નમાં કોઈ મુશ્કેલી ના આવે. થોડી અનિચ્છા પછી શ્રદ્ધાના પિતા પણ સંમત થાય છે. છેવટે, છોકરો સિવિલ સર્વિસનો ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યો છે અને તે સમુદાયનો પણ છે!


7. ગરીબ મનોજ દિલ્હીની એક પ્રખ્યાત કોચિંગ સંસ્થામાં એડમિશન લે છે. આ પણ એક સંયોગ છે.


8. જ્યારે મનોજ શર્મા મેઈન્સમાં નિષ્ફળ જાય છે, ત્યારે તે કારકિર્દી માર્ગદર્શન માટે સીધા અગાઉના IAS ટોપર પાસે જાય છે, જે હવે વરિષ્ઠ અધિકારી છે. આટલું જ નહીં, અધિકારી બળજબરીથી ઘૂસી આવેલા એક યુવકને બેસાડી તેની સાથે વાત કરે છે અને મહત્વની બાબતો પણ સમજાવે છે. આપણે સમજી શકીએ છીએ કે કયા વિશેષાધિકારને લીધે આ બન્યું હશે. પરંતુ તેને મનોજ શર્માના સંઘર્ષરૂપે દર્શાવવામાં આવ્યું છે.


9. મનોજ શર્માનો UPSC ઇન્ટરવ્યૂ ખૂબ જ નાટકીય અને સનસનાટીભર્યો છે. ઇન્ટરવ્યૂ લેનારાઓ તેના જવાબો સાંભળ્યા પછી તેને બહાર કરી દે છે. પછી તેમાંથી એક હસ્તક્ષેપ કરે છે અને મનોજને ફરીથી બોલાવવામાં આવે છે, તેની વાર્તા સાંભળવામાં આવે છે અને તેની પસંદગી કરવામાં આવે છે. આ કાંઈ દરેક લોકો સાથે થતો સંયોગ નથી. જે રીતે UPSC ઈન્ટરવ્યૂમાં વંચિત વર્ગને નંબર આપવાની પેટર્ન છે તે જોતાં મને નથી લાગતું કે SC, ST કે OBC ઉમેદવારો સાથે આવો સંયોગ બની શકે.


10. હિન્દીના ઉમેદવારોને ઘણી વખત અંગ્રેજી માધ્યમના ઉમેદવારો કરતા ઓછા આંકવામાં આવે છે. પણ, અન્ય ભારતીય ભાષાઓના મુકાબલે તેઓને સારું પરિણામ મળે છે. દિલ્હીમાં ઈન્ટરવ્યૂ થતો હોવાથી અથવા સંરચનાત્મક કારણોથી બોર્ડમાં હિન્દી જાણતા લોકો વધારે હોય છે. માટે મનોજ શર્માની વાત સાંભળવામાં આવી. જો તેઓ તમિલ, તેલુગુ, કન્નડ અથવા ઉડિયા બોલ્યા હોત તો તેમની વાત કોણે સાંભળી હોત?


વાત જાણે એમ છે કે આ ફિલ્મ 12th Failમાં સંઘર્ષ અને પ્રિવિલેજ એટલે કે મહેનત વિના મળેલા વિશેષાધિકારોની અસરનું મિશ્રણ કરવામાં આવ્યું છે. જેથી એ ખ્યાલ નથી આવતો કે આ સંઘર્ષ છે કે પછી પ્રિવિલેજ એટલે કે વિશેષાધિકાર.

(પ્રૉ. દિલીપ મંડલે આ લેખ THE PRINTમાં લખેલો. જેનો ગુજરાતી અનુવાદ નિલય ભાવસારે કર્યો છે.)

આ પણ વાંચોઃ નાનો હતો ત્યારે પિતાજી મને ‘ગાંધી’ ફિલ્મ જોવા લઈ ગયા હતા, જે મારે નીચે બેસીને જોવી પડી હતી કેમ કે...

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.