IPCની જગ્યાએ આવનાર નવા કાયદામાં જજોને પણ 7 વરસની સજા થઈ શકશે?

કેન્દ્ર સરકાર IPCની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા નામનો નવો કાયદો લાવવા જઈ રહી છે. જેમાં જજોને પણ 7 વરસ સુધીની જેલની સજા અને દંડ થઈ શકે છે. પણ આખો મામલો ક્યાં આવીને અટકે છે તે સમજવા જેવું છે.

IPCની જગ્યાએ આવનાર નવા કાયદામાં જજોને પણ 7 વરસની સજા થઈ શકશે?

તાજેતરમાં ઇન્ડિયન પીનલ કોડનો કાયદો રદ કરીને તેની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા નામનો નવો કાયદો આવી રહ્યો છે. આ નવા કાયદાની કલમ 255 મુજબ જજો જો દ્વેષબુદ્ધિપૂર્વક અથવા ભ્રષ્ટાચાર આચરીને કાયદા વિરુદ્ધ કોઈ જજમેન્ટ, ચુકાદો કે કોઈ હુકમ જાહેર કરશે તો તેને સાત વરસ સુધીની જેલની સજા અને દંડ અથવા બન્ને પ્રકારની સજા થઈ શકશે.

અગાઉના ઇન્ડિયન પીનલ કોડમાં આવી જજો વિરુદ્ધ ગેરકાયદેસરના જજમેન્ટ ચુકાદો કે હુકમો કરે તો તે અંગે કોઈ જોગવાઈ ન હતી. પરંતુ આ નવા આવી રહેલ નાગરિક સુરક્ષા સંહિતા કાયદાની આ કલમ 255 જોતા જજો જો કાયદા વિરુદ્ધ કોઈ પણ ચુકાદાઓ આપશે તો તેઓની પણ ખેર નથી. સારી વાત છે જજો પણ જો ઈરાદાપૂર્વક, દ્વેષબુદ્ધિપૂર્વક અને પૂર્વગ્રહથી અથવા ભ્રષ્ટાચાર આચારીને કાયદા વિરુદ્ધ ચુકાદા આપશે તે તેઓની વિરુદ્ધ FIR નોંધી પોલીસ તપાસ કરી ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ કરી કોર્ટમાં બીજા ગુનાના આરોપીઓની જેમ ટ્રાયલ ચાલશે અને ગુનો સાબિત થયે જેલ ભેગા થવું પડશે. આ નવા કાયદો લાવવાનું બિલ સંસદના બન્ને ગૃહઓમાં થી પાસ થઈ તેના પર રાષ્ટ્રપતિની મંજૂરીની મહોર લાગી જાય એટલી જ વાર છે. જજોને પણ આ કાયદાના દાયરામાં આવરી લેવામાં આવેલ છે.

પરંતું ભારતીય બંધારણ અને બીજા કાયદાઓ જોતા નીચેની કોર્ટ થી માંડી ને સુપ્રીમ કોર્ટ સુધી ઉતરોતર અપીલો, રીવીઝન, રીવ્યુ અને રિટ પિટિશનોની જોગવાઈઓ કરવામાં આવેલ છે. માની લો કે નીચેના જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ કે સિવિલ જજે ખોટો ચુકાદો આપ્યો તો તેની વિરુદ્ધ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં અપીલ થઈ શકે. ડિસ્ટ્રીક્ટ કોર્ટોના ચુકાદાઓ વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ થઈ શકે અને હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ શકે તેવી જોગવાઈઓ છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે આ નવા કાયદાની આ કલમ મુજબ જજે જે ચુકાદો આપ્યો તે ગેરકાયદેસર છે તે નક્કી કોણ કરશે?

કોર્ટો ના દરેક કેસમાં સામસામે બે પક્ષકારો હોય છે તેમાં એક હારે તો બીજો જીતે એટલે શું હારેલો પક્ષકાર સીધો પોલીસ સ્ટેશનમાં જઈને જજ સામે FIR નોંધાવી શકશે ખરો?

જજોના ખોટા, ભુલ ભરેલા અથવા કાયદા વિરુદ્ધના ચુકાદાઓ વિરુદ્ધ નીચેની કોર્ટથી માંડીને ઉતરોતર સુપ્રીમ કોર્ટ સુધી અપીલો થઈ શકતી હોય, વળી નીચેની કોર્ટમાં જ કેસ ચાલતા વરસોના વરસ નીકળી જતા હોય તો સુપ્રીમ કોર્ટ સુધી લડવામાં તો કેટલા વરસ લાગે તેનું શું? તે અંગે આ નવો કાયદો લાવનારે નહીં વિચારવાનું? કે નીચેની કોર્ટનો ગેરકાયદેસર ચુકાદો આવે એટલે તરત જજ વિરુદ્ધ FIR નોંધાવી દેવાની?

આ સંદર્ભમાં ઇન્ડિયન પીનલ કોડ ની કલમ 77 જોવામાં આવે તો તેમાં તો એવું લખ્યું છે કે ન્યાયધીશ દ્વારા જે કંઈ કૃત્ય/કાર્ય કરવામાં આવશે તે ગુનો ગણવામાં આવશે નહીં તેનું શું સમજવાનું?

અને છેલ્લે, ભારતની પાર્લામેન્ટે સને 1985 માં જજોના રક્ષણ (protection)નો કાયદો ઘડ્યો છે. જે આ દેશમાં અમલમાં છે. આ કાયદામાં માત્ર ચાર જ કલમો છે. તે પૈકીની કલમ 3 માં એવી જોગવાઈ કરી છે કે બીજા કોઈ કાયદામાં બીજી કોઈ પણ જોગવાઈ હોય તો પણ જજો એ જજ તરીકે કોઈ કૃત્ય કર્યું હોય તો તેઓની વિરુદ્ધ કોઈ કોર્ટમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ શકશે નહીં. ટૂંકમાં આ ખાસ કાયદાથી જજો જજ તરીકે કોઈ પણ કૃત્ય કરે તો તેઓની વિરુદ્ધ ગુનો બનતો નથી. તે જોતા આ દેશના જજો ના રક્ષણ માટેના બીજા કાયદાઓન જે મોજુદ છે અને અમલમાં છે તેનું શું સમજવાનું? આ બધું જોતા જુદા જુદા કાયદાઓ જ અંદરોઅંદર સંઘર્ષ પેદા કરશે તેવું નહીં બને?

કે. બી. રાઠોડ (લેખક નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ છે.)

આ પણ વાંચો : ખાવાના વાસણ ન હોય તો રોટલી હાથમાં રાખીને ખાવ પણ તમારા બાળકોને ભણાવો

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.