અમદાવાદની 600 શાળાઓમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે
ધર્મની આડમાં પોતાના રાજકીય રોટલા શેકવા માટે જાણીતી ગુજરાત સરકારે હવે અમદાવાદની 600 સરકારી શાળાઓમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે.

ધર્માધ અને મૂર્ખ નાગરિકો પેદા કરવા હોય તો તેને ધર્મ, ઈશ્વરી શક્તિ અને કાલ્પનિક દેવોની ભક્તિમાં લીન કરી દેવો જરૂરી છે. એમાં પછી ધીરેધીરે રાજકારણ ભેળવો એટલે લાંબા સમય સુધી તેને મૂર્ખ બનાવીને પોતાના રાજકીય રોટલા શેકી શકાય. મહાન વિચારક કાર્લ માર્ક્સે વર્ષો પહેલા ધર્મની અફીણ સાથે સરખામણી કરી દીધી હતી. ત્યારે હવે ગુજરાત સરકાર પણ ધર્મના આ અફીણનો ઉપયોગ ભાવિ વોટબેંક તૈયાર કરવા માટે કરી રહી હોય તેમ લાગી રહ્યું છે.
આવું એટલા માટે લાગે છે કે, કેમ કે હાલમાં જ ગુજરાત સરકારે અમદાવાદની 600 જેટલી સરકારી શાળાઓમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે. આ માટે 3 હજાર જેટલા શિક્ષકોને તાલીમ પણ આપવામાં આવશે. અહીં એ યાદ રાખવું રહ્યું કે, થોડા મહિના પહેલા ગુજરાત વિધાનસભામાં એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ભગવદ્ ગીતાને સરકારી શાળાઓમાં અભ્યાસક્રમનો ભાગ બનાવવાની માગ કરવામાં આવી હતી. હવે સરકાર અમદાવાદની ૬૦૦થી વધુ શાળાઓમાં મનુવાદી પરંપરામાં માનતા હિંદુ ધર્મના ગ્રંથો ભગવદ્ ગીતા અને મહાભારતને અભ્યાસક્રમમાં દાખલ કરવા જઈ રહી છે. મળતી માહિત પ્રમાણે ભગવદ્ ગીતાના શ્લોકો પર આધારિત વિડિયો પાઠ આ અઠવાડિયાથી જ અમદાવાદની 600થી વધુ શાળાઓમાં ભણાવવાનું શરૂ થઈ જશે.
આ પણ વાંચોઃ બ્રાહ્મણોએ લખેલા હિંદુ ધર્મ ગ્રંથો અનૈતિકતાનો પહાડ છે - કૌશિક શરૂઆત
ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ અમદાવાદમાં એક કાર્યક્રમમાં આ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. અગાઉ તેમણે જ ભગવદ્ ગીતા ભણાવવાનો પ્રસ્તાવ 7 ફેબ્રુઆરી 2024ના રોજ વિધાનસભામાં રજૂ કર્યો હતો, જેનો હવે અમલ થવા જઈ રહ્યો છે. પ્રથમ તબક્કામાં ભગવદ્ ગીતાને ધોરણ ૬ થી ૧૨ સુધીની સરકારી શાળાઓમાં અભ્યાસક્રમનો ભાગ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી, જે સ્વીકારી લેવાઈ છે. હવે અમદાવાદ શહેરની ૬૫૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભગવદ્ ગીતા ભણાવવામાં આવશે.
અમદાવાદ ગ્રામ્યના ડીઈઓ કૃપા ઝાના જણાવ્યા પ્રમાણે, અમદાવાદની ૬૦૦થી વધુ શાળાઓમાં સવારની પાળીમાં ભગવદ્ ગીતાનો વીડિયો ફરજિયાતપણે વિદ્યાર્થીઓને બતાવવાનો રહેશે. પ્રાર્થનામાં દર અઠવાડિયે એક શ્લોક અથવા એક વીડિયો બતાવવામાં આવશે. આ માટેનો પરિપત્ર જાહેર થયા બાદ તમામ શાળાઓને તે મોકલવામાં આવશે. આ પગલું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અને રાજ્ય સરકારની પહેલ હેઠળ લેવામાં આવ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ભગવદ્ ગીતા ના ૫૧ શ્લોકો દ્વારા ચારિત્ર્ય નિર્માણ, વિક્ષેપો પર નિયંત્રણ, ડીપ્રેશન મેનેજમેન્ટ, ફૂડ હેબિટ મેનેજમેન્ટ અને મોર્ડન લાઈફસ્ટાઈલના પડકારો સાથે જોડાયેલા અન્ય પાસાઓને વીડિઓ પાઠ દ્વારા આવરી લેવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ 3 હજારથી વધુ શિક્ષકોને તાલીમ પણ આપવામાં આવશે.
આ પણ વાંચોઃ વાહન પર જાતિ-ધર્મ લખવામાં બ્રાહ્મણ, ક્ષત્રિય અગ્રેસર