દલિત મહિલા કોન્સ્ટેબલ પર દરબાર પડોશીએ તલવારથી હુમલો કર્યો
રાજકોટમાં દલિત મહિલા કોન્સ્ટેબલ અને તેના પરિવાર પર માથાભારે દરબાર શખ્સે તલવારથી હુમલો કર્યો, છતાં પોલીસે કાર્યવાહી ન કરતા મામલો ગૃહમંત્રીએ પહોંચ્યો છે.
રાજકોટમાં એક માથાભારે દરબાર શખ્સે તેની પડોશમાં રહેતી દલિત મહિલા કોન્સ્ટેબલ અને તેના પરિવાર પર તલવારથી હુમલો કર્યો હતો. જીવ બચાવવા માટે પરિવાર ઘરમાં ઘૂસી ગયો હતો અને અંદરથી જ 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. જો કે માથાભારે શખ્સના પિતા જ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ હોવાથી પીડિત મહિલાની ફરિયાદ લેવામાં આવી નહોતી કે હુમલાખોર શખ્સની ધરપકડ કરવામાં નહોતી આવતી. આખરે કંટાળીને પીડિત દલિત મહિલા કોન્સ્ટેબલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, માનવ અધિકાર પંચ, એસસી એસટી સેલ ગાંધીનગર, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, ડીજીપી, રાજકોટ પોલીસ કમિશનર અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનને અરજી કરી છે.
મળતી માહિતી પ્રમાણે રાજકોટના હંસાબેન દાફડા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોલીસ સ્ટેશને અનાર્મ પોલીસ તરીકે ફરજ બજાવે છે અને રામનાથપુરા પોલીસ લાઈનમાં પરિવાર સાથે રહે છે. ગત તા 16 જૂન 2024ના રોજ સવારે 11 વાગ્યે તેઓ પરિવાર સાથે ઘરે હતા ત્યારે સામેના ક્વાર્ટરમાં રહેતા હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ ઝાલાની પુત્રી યશોદાબા ઝાલાએ કચરો વાળવા જેવી નજીવી બાબતે તેમની સાથે બોલાચાલી કરી હતી. એ પછી તેમણે તેમના ભાઈ મયૂરસિંહ ઝાલાને ફોન કરીને ક્વાર્ટર પર બોલાવ્યો હતો. ઘરે આવીને મયૂરસિંહ તલવાર લઈને બહાર આવી હંસાબેનના પરિવાર પર હુમલો કરવા દોડ્યો હતો. જો કે હંસાબેનના પતિએ સમયસૂચકતા વાપરી ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. એ પછી ઉશ્કેરાયેલા મયૂરસિંહે તેમના ઘરના દરવાજા પર તલવારના ઘા માર્યા હતા અને દરવાજો તોડવાનો પ્રયત્ન કર્યો હતો અને જાતિસૂચક ગાળો ભાંડીને મારી નાખવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો: ભૂંસું સળગાવી દેવાની આશંકાએ દલિત વડીલ પર જીવલેણ હુમલો થતા મોત
ગભરાયેલા હંસાબેને 100 નંબર ફોન કરીને પોલીસ બોલાવી હતી. એ પછી પોલીસે આવીને તેમનો દરવાજો ખોલાવ્યો હતો. હંસાબેને તેમના સૌ પર જીવનું જોખમ હોઈ પોલીસ વાનમાં બેસાડીને એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરવા લઈ જવા કહ્યું હતું. પણ પોલીસ ઈન્ચાર્જે તેમને પોલીસ વાનમાં બેસાડીને લઈ જવાનો ઈનકાર કરી દીધો હતો. એટલું જ નહીં આરોપી મયૂરસિંહ અને યશોદાબા ત્યાં હાજર હોવા છતાં પોલીસે તેમની ધરપકડ કરી નહોતી અને તેમને પોલીસ સ્ટેશને પણ લઈ ગયા નહોતા કે આરોપી મયૂરસિંહ પાસેથી તલવાર પણ જમા લીધી નહોતી.
આરોપીના પિતા હેડ કોન્સ્ટેબલ હોઈ ફરિયાદ ન લીધી
એ પછી હંસાબેન તેમના પતિ અને પાંચ વર્ષના ભત્રીજા સાથે બાઈક પર બેસીને એ ડિવિઝન પોલીસ રાજકોટ પહોંચ્યા હતા. ત્યાં પોલીસ અધિકારી હિરપરા સાહેબને જાણ કરીને ધોરણસરની ફરિયાદ દાખલ કરવા જણાવ્યું હતું. પણ આરોપી મયૂરસિંહ અને યશોદાબાના પિતા જયેન્દ્રસિંહ ઝાલા ત્યાં એ ડિવિઝન પોલીસ મથકમાં જ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોવાથી પોલીસ અધિકારી હિરપરા અને અન્ય સ્ટાફે હંસાબેન અને તેમના પતિને ફરિયાદ ન કરવા ભારે દબાણ કર્યું હતું. એટલું જ નહીં આરોપીની જેમ તેમને 11 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા હતા અને રાત્રે મોડેથી તેમની ફરિયાદ લીધી હતી. પોલીસ અધિકારીઓએ હંસાબેને કાયદાકીય રીતે જે કલમો લાગે તે એફઆઈઆરમાંથી હટાવવા માટે પણ ભારે દબાણ કર્યું હતું. આ બધી બાબતો પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય તેમ છે.
આ પણ વાંચો: બુદ્ધ કથામાં બ્રાહ્મણોનો હુમલોઃ બાબાસાહેબનો ફોટો ફાડ્યો, 6 દલિતો ઘાયલ
પોલીસે જ પીડિત મહિલા પોલીસની મદદ ન કરી
આરોપી મયૂરસિંહના પિતા જ જે પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ હોય તે પોલીસ સ્ટેશનમાં તેઓ પોતાના છોકરા-છોકરી પણ ફરિયાદ ન થવા તે સ્વાભાવિક છે. આશ્ચર્યની વાત એ છે કે, પોલીસ સ્ટેશન જાણે બાપીકી જાગીર હોય તેમ એ ડિવિઝન પોલીસે જયેન્દ્રસિંહના આરોપી પુત્ર-પુત્રીને છાવર્યા હતા. સામાન્ય માણસ સામે કાયદાનો રોફ ઝાડતી પોલીસ જ્યારે તેમના સાથી કર્મચારીનો મામલો આવે ત્યારે કાયદો અને ફરજ બધું નેવે મૂકી દે છે તે ફરી એકવાર આ કેસ થકી સાબિત થાય છે. એનો એક અર્થ એવો પણ થાય કે તમે દલિત, આદિવાસી, ઓબીસી કે લઘુમતી સમાજની વ્યક્તિ છો અને કોઈ માથાભારે કોમનો શખ્સ તમને જાનથી મારી નાખવાથી ધમકી આપે છે તો પણ જો તેની પહોંચ પોલીસ સ્ટેશન સુધી હશે તો પોલીસ તેની તરફેણમાં કામ કરશે, તમને ન્યાય અપાવવા નહીં.
આ પણ વાંચો: IIT Campus Placement માં ભેદભાવનો ભય, કંપનીઓ માંગી રહી છે SC/ST/OBC વિદ્યાર્થીઓની જાતિની માહિતી
આ ઘટનાને આજકાલ કરતા 6 દિવસ થઈ ગયા હોવા છતાં આરોપી મયૂરસિંહ અને યશોદાબાની ધરપકડ કે અટક કરવામાં આવી નથી. આથી એ ડિવિઝન પોલીસ મથકના પીસીઆર વાનના કર્મચારીઓએ હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ ઝાલાના કારણે દાખવેલી બેદરકારીને કારણે હવે હિંસાબેને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, માનવ અધિકાર પંચ, એસસી એસટી સેલ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, ડીજીપી, રાજકોટ પોલીસ કમિશનર અને એ ડિવિઝન પોલીસ મથકને લેખિતમાં અરજી કરી છે.
આ પણ વાંચો: અમે હોળીના છાણાં નાખવા ન ગયા, ને હોળીના જ દિવસે સવર્ણોએ વાસ પર સામૂહિક હુમલો કર્યો - દલપત ચૌહાણ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Maheshwari GopalJay bhim