વિદેશમાંથી મેડિકલનો અભ્યાસ કરનાર માટે હવે એક વર્ષ ઈન્ટર્નશીપ ફરજિયાત

નેશનલ મેડિકલ કમિશને કોઈપણ દેશમાંથી મેડિકલનો અભ્યાસ કરીને આવનાર વિદ્યાર્થી માટે એક વર્ષની ઈન્ટર્નશીપ ફરજિયાત કરી છે.

વિદેશમાંથી મેડિકલનો અભ્યાસ કરનાર માટે હવે એક વર્ષ ઈન્ટર્નશીપ ફરજિયાત
image credit - Google images

નેશનલ મેડિકલ કમિશને એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, કોઇપણ દેશમાંથી મેડિકલનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ પૈકી જેમણે વધારાના ઓફલાઇન કલાસ ભર્યા હોય તેમણે હવે માત્ર એક જ વર્ષ ઇન્ટર્નશીપ કરવાની રહેશે. મહત્વની વાત એ છે કે, વારંવાર બદલવામાં આવતાં નિયમોના કારણે વિદ્યાર્થીઓમાં ભારે દ્વિધાભરી સ્થિતિ પેદા થાય છે. વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરીને આવતાં વિદ્યાર્થીઓ પૈકી જેઓએ ઓનલાઇન અભ્યાસ કર્યો હોય અને ફરીવાર જઇને ઓફલાઇન અભ્યાસ કર્યો હોય તેમના માટે ઇન્ટર્નશીપ કેટલી કરવી તે અંગે નિયમોમાં વારંવાર ફેરફાર કરવામાં આવી રહ્યો છે. 

સૂત્રોના મતે, ભૂતકાળમાં જે વિદ્યાર્થીઓએ ૧૫ મહિના કે તેનાથી વધારે અભ્યાસ કર્યો હોય અને પછી ઓફલાઇન કલાસ ભર્યા હોય તો પણ બે વર્ષ ઇન્ટર્નશીપ કરવાની રહેશે તેવી જાહેરાત નેશનલ મેડિકલ કમીશન દ્વારા કરવામાં આવી હતી. ભૂતકાળમાં કમીશને કરેલી જાહેરાતમાં ફિલિપાઇન્સ, યુક્રેન, રશિયા જેવા દેશોનો ઉલ્લેખ કર્યો હોવાથી વિદ્યાર્થીઓમાં દ્વિધા ઉભી થઇ હતી કે, જે દેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ત્યાંથી મેડિકલનો અભ્યાસ કરીને આવેલા વિદ્યાર્થીઓએ વધારે ઇન્ટર્નશીપ શું કામ કરવી જોઇએ?

આ પણ વાંચો: અમેરિકાના H1-B વિઝાની અરજીઓમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો

તાજેતરમાં નેશનલ મેડિકલ કમીશન દ્વારા નવેસરથી એવી જાહેરાત કરવામાં આવી છે કે હવે કોઇપણ દેશમાંથી મેડિકલનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ પૈકી જેઓએ ઓનલાઇનની સાથે સાથે પુરતા ઓફલાઇન કલાસ ભર્યા હોય અને એમબીબીએસની સમકક્ષ પરીક્ષા પાસ કરી હોય તેઓએ હવે એક વર્ષની ઇન્ટર્નશીપ કરવાની રહેશે. આમ, એનએમસીએ અગાઉ ૭મી જૂનના રોજ કરેલી જાહેરાતને રદ કરીને નવેસરથી હવે કરાયેલી જોગવાઇ પ્રમાણે કોઇપણ દેશમાંથી મેડિકલનો અભ્યાસ કર્યો હોય અને ઓનલાઇનની સાથે ઓફલાઇન અભ્યાસ કર્યો હોય તો તેમણે હવે એક વર્ષની જ ઇન્ટર્નશીપ કરવાની રહેશે. આ નિયમ કોઇપણ દેશમાંથી મેડિકલની સમકક્ષ અભ્યાસ કરીને આવ્યા હોય તેવા તમામ વિદ્યાર્થીઓને લાગુ પડશે તેવી સ્પષ્ટતાં પણ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં એકબાજુ મેડિકલ ક્ષેત્રે સેંકડો ડોક્ટરોની અછત છે, મેડિકલનું ભણતર મોંઘું હોવાથી ફક્ત પૈસાદારોના સંતાનો જ ડોક્ટર બની શકે તેમ છે, ત્યારે વારંવાર બદલાતા નિયમોથી વિદ્યાર્થીઓ પણ પરેશાન થઈ ગયા છે. વિદેશોમાં જઈને મેડિકલ ભણવું સહેલું હોવાથી મોટાભાગના સ્ટુડન્ટ યુક્રેન, ચીન સહિતના દેશોમાં જઈને ભણે છે. આવા વિદ્યાર્થીઓ માટે પણ સરકાર સતત નિયમોમાં ફેરફાર કરતી હોવાથી તેઓ ભણીગણીને ત્યાં જ સ્થાયી થઈ જતા હોય છે.

આ પણ વાંચો: મનુ આજે પણ કાર્યરત છે, આ દેશમાં પણ અને આ દેશવાળા જ્યાં જ્યાં ગયા છે તે વિદેશોમાં પણ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.