આવી છે EDની કામગીરીઃ 10 વર્ષમાં 5000 કેસ, સજા માત્ર 40ને!

કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી તેની ભેદભાવપૂર્ણ કામગીરીને લઈને વગોવાઈ ચૂકી છે. સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા છે, એટલું જ નહીં ઈડીનો જ અધિકારી લાંચ લેતા ઝડપાયો છે.

આવી છે EDની કામગીરીઃ 10 વર્ષમાં 5000 કેસ, સજા માત્ર 40ને!
image credit - Google images

કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી તેમની ભેદભાવપૂર્ણ કામગીરીને લઈને હવે તેની વિશ્વસનીયતા સાવ ખોઈ બેઠી છે. સત્તા પક્ષના ઈશારે તેમના વિરોધીઓ પર ત્રાટકીને તેમને યેનકેન પ્રકારે કેસોમાં ફીટ કરી દેવાની તેની કામગીરીને લઈને સુપ્રીમ કોર્ટ પણ અનેકવાર તેને ફટકાર લગાવી સુધી છે.

આવા જ એક મામલામાં સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને મની લોન્ડરિંગના કેસોમાં તપાસ એજન્સીના સજાના નીચા દરોને લઈને સવાલો ઉભા કર્યા હતા અને કાર્યવાહી તથા પુરાવાની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું. ગૃહ મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા ડેટાના આધારે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે. જસ્ટિસ સૂર્યકાંત, દીપાંકર દત્તા અને ઉજ્જલ ભુઈયાની બેંચે ઈડી કેસોના ડેટા પર સંસદમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપેલા નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું, 'તમારે કાર્યવાહી અને પુરાવાની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. એ તમામ કેસોમાં જ્યાં તમે સંતુષ્ટ છો કે પ્રથમદર્શી કેસ કરવામાં આવ્યો છે, તમારે તે કેસોને કોર્ટમાં સાબિત કરવાની જરૂર છે. ૧૦ વર્ષમાં નોંધાયેલા ૫૦૦૦ કેસમાંથી માત્ર ૪૦ કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ તમારી તપાસ પર સવાલો ઉભા કરે છે.'

છત્તીસગઢના ઉદ્યોગપતિ સુનીલ કુમાર અગ્રવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણીઓ કરી હતી. કોલસા પરિવહન પર ગેરકાયદે વસૂલાત સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુનીલની ધરપકડ કરવામાં આવી હતી. બેન્ચે ઈડી તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુને કહ્યું, 'આ કેસમાં તમે કેટલાક સાક્ષીઓના નિવેદનો અને એફિડેવિટની મદદ લઈ રહ્યા છો. આ પ્રકારના મૌખિક પુરાવા, આવતીકાલે તે વ્યક્તિ તેને વળગી રહેશે કે નહીં તે ભગવાન જાણે. તમારે કેટલાક નક્કર પુરાવા આધારિત તપાસ કરવી જોઈએ.'

કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી કેવી કામગીરી કરી રહી છે તેનો એક અંદાજ કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં આપેલા આંકડાઓમાં પણ જોવા મળે છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, EDએ છેલ્લા ૧૦ વર્ષમાં  PMLA(પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ ૫,૨૯૭ કેસ નોંધ્યા છે. છેલ્લાં છ વર્ષમાં વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદો, ધારાસભ્યો અને રાજકીય નેતાઓ સામે કુલ ૧૩૨ મની લોન્ડરિંગના કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: છેલ્લાં 5 વર્ષમાં હાઈકોર્ટોમાં નિયુક્ત થયેલા 79 ટકા જજો સવર્ણ જાતિના; SC 2.8 ટકા, ST 1.3 ટકા, લઘુમતિ ફક્ત 2 ટકા!

એક પ્રશ્નના જવાબમાં નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે PMLA હેઠળ ૨૦૧૯માં ૧૮૮, ૨૦૨૦માં ૭૦૮, ૨૦૨૧માં ૧,૧૬૬, ૨૦૨૨માં ૧,૦૭૪, ૨૦૨૩માં ૯૩૪ અને આ વર્ષે અત્યાર સુધીમાં ૩૯૭ કેસ નોંધાયા છે. તેમણે કહ્યું કે ૨૦૧૪માં ૧૯૫, ૨૦૧૫માં ૧૪૮, ૨૦૧૬માં ૧૭૦, ૨૦૧૭માં ૧૭૧ અને ૨૦૧૮માં ૧૪૬ કેસ નોંધાયા હતા. 

નિત્યાનંદે કહ્યું કે ૨૦૧૬થી પીએમએલએ હેઠળ ૧૪૦ આરોપીઓ હાલમાં જેલમાં છે. બીજી તરફ સીબીઆઇએ ૨૦ લાખની લાંચ લેવાના આરોપમાં EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટરની ધરપકડ કરી છે. આરોપી ઈડી અધિકારી સંદીપ સિંહે મુંબઈના એક ઝવેરી પાસેથી તેના પુત્રની ધરપકડ ન કરવા માટે ૨૦ લાખ રૂપિયાની લાંચ લીધી હતી. 

ઝવેરી વિપુલ ઠક્કરે નોંધાવેલી ફરિયાદ પછી એજન્સીની મુંબઈ શાખાની એક ટીમે છટકું ગોઠવ્યું અને બુધવારે ૭ ઓગસ્ટે દિલ્હીમાં કથિત રીતે લાંચની રકમ સ્વીકારતી વખતે અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. ઈડીએ આ મામલામાં અધિકારી વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. 

એજન્સીએ જણાવ્યું હતું કે, 'આ ઘટનાની તાત્કાલિક નોંધ લેતા અને ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિને અનુસરીને, ઈડીએ સંદીપ સિંહ સામે PMLA હેઠળ ફોજદારી કાર્યવાહી શરૂ કરી છે. તેની ગુનાહિત પ્રવૃત્તિઓના પુરાવા એકત્ર કરવા માટે અધિકારીના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમની ઓફિસની CBI અને ED દ્વારા સંયુક્ત રીતે તપાસ કરવામાં આવી હતી.' ઈડીએ કહ્યું કે PMLA કેસ ઉપરાંત તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવા અને EDમાંથી તેના મૂળ વિભાગમાં પરત મોકલવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ED અને CBI તપાસનો સામનો કરી રહેલી 41 કંપનીઓએ ભાજપને આપ્યા 2471 કરોડ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.