ED અને CBI તપાસનો સામનો કરી રહેલી 41 કંપનીઓએ ભાજપને આપ્યા 2471 કરોડ

electoral bonds scame: ઈલેક્ટોરલ બોન્ડ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર એક્ટિવિસ્ટે દાવો કર્યો છે કે, ઈડી અને સીબીઆઈ તપાસનો સામનો કરી રહેલી 41 જેટલી કંપનીઓએ ભાજપને રૂ. 2471 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

ED અને CBI તપાસનો સામનો કરી રહેલી 41 કંપનીઓએ ભાજપને આપ્યા 2471 કરોડ
all image credit - Google images

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન(CBI) અને પ્રવર્તન નિર્દેશાલય(ED) પર સત્તાધારી ભાજપની તરફેણમાં કામ કરવાના આરોપો લાગતા રહે છે. ત્યારે આ બંને કેન્દ્રીય તપાસ એજન્સીઓને લઈને એક મોટી માહિતી સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે આ બંને તપાસ એજન્સીઓનો સામનો કરી રહેલી 41 કંપનીઓએ ઈલેક્ટોરલ બોન્ડના માધ્યમથી સત્તાધારી ભાજપને રૂ. 2471 કરોડ આપ્યા છે અને આમાંથી 1698 કરોડ રૂપિયા આ બંને એજન્સીઓના દરોડા પડ્યાં પછી આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં ઈલેક્ટોરલ બોન્ડ યોજનાને પડકારનારા કાર્યકર્તાઓએ આ દાવો કર્યો છે.
ચૂંટણી પંચ દ્વારા ઈલેક્ટોરલ બોન્ડના નવા આંકડાઓ જાહેર કરાયા પછી મીડિયાને સંબોધન કરતા અરજીકર્તાઓના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, ઓછામાં ઓછી 30 નકલી કંપનીઓએ 143 કરોડથી વધુના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા. એટલું જ નહીં સરકાર પાસેથી 172 મોટા કોન્ટ્રાક્ટ અને પ્રોજેક્ટ્સ મેળવનાર 33 ગ્રુપોએ પણ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન આપ્યું હતું. તેમણે

આરોપ લગાવ્યો કે, ભાજપને રૂ. 1751 કરોડના દાન આપવાના બદલામાં તે કંપનીઓને પ્રોજેક્ટ અને કોન્ટ્રાક્ટના રૂપમાં કુલ રૂ. 3.70 લાખ કરોડ મળ્યાં છે.
પ્રશાંત ભૂષણે એવો પણ દાવો કર્યો હતો કે, ED અને CBIની રેડનો સામનો કરનારી 41 કંપનીઓએ ભાજપને 2471 કરોડ રૂપિયા આપ્યા અને આમાંથી 1698 કરોડ રૂપિયા આ રેડ પડ્યાં પછી આપવામાં આવ્યા છે. એટલું જ નહીં રેડ પછી ત્રણ મહિનામાં 121 કરોડ રૂપિયા આપવામાં આવ્યા.

આ પણ વાંચોઃ શું હોળીનો તહેવાર દલિત, આદિવાસી, ઓબીસીએ ઉજવવો જોઈએ?

પ્રશાંત ભૂષણે દાવો કર્યો કે, કલ્પતરૂ ગ્રુપે ગયા વર્ષે 3 ઓગસ્ટે આઈટી વિભાગની રેડના ત્રણ મહિનાની અંદર જ ભાજપને 5.5 કરોડ રૂપિયા આપ્યા હતા. તો ફ્યૂચર ગેમિંગે અનુક્રમે 12 નવેમ્બર 2023 અને 1 ડિસેમ્બર 2021ના રોજ આઈટી અને ઈડી દ્વારા રેડ પાડવામાં આવ્યાના ત્રણ મહિનાની અંદર ભાજપને 60 કરોડ રૂપિયા આપ્યા હતા. અરબિંદો ફાર્માએ 10 નવેમ્બર 2022ના રોજ ઈડીની રેડ પડ્યાંના ત્રણ મહિનાની અંદર ભાજપને 5 કરોડ આપ્યા હતા.

પ્રશાંત ભૂષણે ઈલેક્ટોરલ બોન્ડ યોજનાને આઝાદ ભારતનું સૌથી મોટું કૌભાંડ ગણાવીને આરોપ લગાવ્યો કે, તેના દ્વારા ચાર રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. પહેલું – દાન આપો ધંધો લઈ જાવ. બીજું – બળજબરીથી રૂપિયા પડાવવા, ત્રીજું- લાંચ આપો અને કોન્ટ્રાક્ટ લઈ જાવ અને ચોથું- નકલી કંપની ખોલો.

આ મામલામાં અરજીકર્તા આરટીઆઈ એક્ટિવિસ્ટ અંજલી ભારદ્વાજે પણ સમગ્ર મામલે સ્વતંત્ર તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું કે, તપાસકર્તા એજન્સીઓની તપાસ કોણ કરશે? ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કરવામાં આવેલા આઝાદ ભારતના સૌથી મોટા ભ્રષ્ટાચારની તપાસ માટે એક સ્વતંત્ર એસઆઈટીનું ગઠન કરવામાં આવવું જોઈએ.

આ પણ વાંચોઃ ECIએ ઈલેક્ટોરલ બોન્ડની વિગતો જાહેર કરી, જાણો કોણે ખરીદ્યા, કોણે વટાવ્યા

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.