ભાજપના નેતા યેદિયુરપ્પા વિરુદ્દ POCSO કેસમાં બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા બી.એસ. યેદિયુરપ્પા વિરુદ્ધ પોક્સો જેવા ગંભીર ગુના હેઠળ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ ઈશ્યૂ કરાયો છે.

ભાજપના નેતા યેદિયુરપ્પા વિરુદ્દ  POCSO કેસમાં બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી
image credit - Google images

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા બી.એસ. યેદિયુરપ્પા વિરુદ્ધ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. પોલીસ પોક્સો કેસમાં પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાની ધરપકડની તૈયારી કરી રહી છે. ગઈકાલે, સીઆઈડીએ યૌન ઉત્પીડનના કેસમાં પૂછપરછ માટે યેદિયુરપ્પાને સમન્સ પાઠવ્યું હતું, પરંતુ તેઓ સીઆઈડી સમક્ષ હાજર થયા ન હતા. ધરપકડના ડરથી યેદિયુરપ્પાએ કર્ણાટક હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. કોર્ટે આ કેસની સુનાવણી આવતીકાલે નક્કી કરી છે. આ કેસમાં ચાર્જશીટ ૧૫ જૂન સુધીમાં દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે.

બેંગલુરુના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં યેદિયુરપ્પા સામે એક છોકરી પર યૌન શોષણ કરવા બદલ  પોસ્કો કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે યેદિયુરપ્પાને નોટિસ પાઠવી છે. તેમને તપાસમાં જોડાવા માટે કહેવામાં આવ્યું હતું. સુનાવણીમાં હાજર રહેવા માટે આપવામાં આવેલી નોટિસનો જવાબ આપતાં તેમણે કહ્યું કે તેઓ ૧૭ જૂન, સોમવારે સુનાવણીમાં હાજર રહેશે.

તેમણે કહ્યું કે ૨૮ માર્ચે આપવામાં આવેલી નોટિસ મુજબ હું સુનાવણીમાં હાજર રહ્યો હતો અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો હતો, પરંતુ ફરીથી ૧૨ જૂને આપવામાં આવેલી નોટિસ ગઈ કાલે મારી પાસે પહોંચી હતી. હું પાર્ટીના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં ભાગ લેવા માટે દિલ્હી જઈ રહ્યો છું. તેથી આ વખતે હું સુનાવણીમાં હાજર રહી શકતો નથી. હું ૧૭ જૂને સુનાવણીમાં અંગત રીતે હાજરી આપીશ. મેં અગાઉ પણ તપાસમાં સહકાર આપ્યો છે. કેટલાક કારણોસર હું આ વખતે તપાસમાં ભાગ લઈ શકતો નથી.

આ પણ વાંચોઃ ભાજપના નેતાઓ મોદીની ભક્તિમાં રત રહ્યાં તેનું આ પરિણામ છેઃ આરએસસએસ

પૂર્વ મુખ્યમંત્રી વિરુદ્ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સનો કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં આરોપ છે કે તેમણે ૧૭ વર્ષની છોકરીની છેડતી કરી હતી. બાળકીની માતાએ ૧૪ માર્ચે સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં યેદિયુરપ્પા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ભાજપના વરિષ્ઠ નેતા વિરુદ્ધ પોક્સો એક્ટ અને આઈપીસીની કલમ ૩૫૪ એ (જાતીય સતામણી) હેઠળ કેસ નોંધ્યો હતો. પીડિતાની માતાએ આરોપ લગાવ્યો કે આ ઘટના આ વર્ષે ૨ ફેબ્રુઆરીએ બની હતી, જ્યારે તે છેતરપિંડીના કેસમાં મદદ માટે યેદિયુરપ્પાને મળવા ગઈ હતી. પીડિતા છેલ્લા કેટલાક સમયથી અસાધ્ય બિમારીથી પીડિત હતી. બેનરઘટ્ટા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. હવે તે મૃત્યુ પામી છે. ત્યારબાદ પીડિતાના ભાઈએ કર્ણાટક હાઈકોર્ટમાં રિટ અરજી કરીને યેદિયુરપ્પાની ધરપકડની માંગ કરી હતી. યેદિયુરપ્પાએ આ કેસને ફગાવી દેવા માટે કોર્ટમાં અરજી પણ કરી હતી અને તેમણે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. જો કે હવે ધરપકડ વોરંટ જારી થયા બાદ યેદિયુરપ્પાની મુશ્કેલીઓ વધી શકે છે. 

આ પણ વાંચોઃ અયોધ્યા તો દૂર, આસપાસના 100 કિમી વિસ્તારમાં ભાજપ જીતી ન શકી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.