અમદાવાદમાં છુટક મજૂરી કરતા લોકોએ ડૉ. આંબેડકરની 7 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરી
અમદાવાદમાં છુટક મજૂરી કરતા લોકોએ સામાજિક ક્રાંતિના પ્રતિક ડૉ. ભીમરાવ આંબેડકરની 7 ફૂટ ઊંચી પ્રતિમાનું આજે અનાવરણ કર્યું. આ પ્રતિમાના નિર્માણ પાછળ પણ એક રસપ્રદ કહાની રહેલી છે, તેની વાત અહીં માંડીએ.

ભારતમાં કદાચ ડૉ. આંબેડકર એકમાત્ર એવા નેતા હશે જેમની પ્રતિમા દેશનો ગરીબમાં ગરીબ માણસ પણ પોતાના વિસ્તારમાં સ્થાપિત કરે છે. અમદાવાદમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં એક વિસ્તારમાં છુટક મજૂરી કરતા લોકોએ પાંચ રૂપિયાથી લઈને હજાર રૂપિયા સુધીનું ભંડોળ આપીને ડૉ. આંબેડકરની પ્રતિમા પોતાના વિસ્તારમાં સ્થાપિત કરાવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતાઓ, અધિકારીઓને બાબાસાહેબના વિચારો ઓછા માફક આવે છે. એટલે જ તેઓ તક મળે ત્યારે બંધારણના ઘડવૈયાની લીટી નાની કરવા પ્રયત્ન કરતા રહે છે. તેમની આ માનસિકતાને સારી રીતે જાણતા આ વિસ્તારના સ્થાનિકોએ નક્કી કર્યું હતું કે, એક રૂપિયો પણ કોર્પોરેશન કે નેતાઓ પાસેથી ન લેવો અને છતાં બાબાસાહેબની પ્રતિમા ઉભી કરીએ તે જ બંધારણના ઘડવૈયાને સાચી શ્રદ્ધાંજલિ હશે. આજે ફાઈનલી મજૂર, ગરીબ વર્ગે આ નિર્ણયને સાર્થક કરી બતાવ્યો છે. આજે અહીં સાત ફૂટ ઊંચી બાબાસાહેબની પ્રતિમા ગર્વથી ઉભી છે.
વાત છે અમદાવાદના સાબરમતી વિસ્તારની છે. અહીં મોટેરા સ્ટેડિયમ અને મહેસાણા હાઈવે વચ્ચેના ત્રિકોણ પર ડૉ. આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. અગાઉ આંબેડકર ચોક તરીકે ઓળખાતા આ વિસ્તારમાં બાબાસાહેબની એક નાનકડી પ્રતિમા કોઈને દેખાય પણ નહીં તે રીતે મૂકવામાં આવી હતી. આટલું ઓછું હોય તેમ મેટ્રો ટ્રેનના પિલ્લર અહીંથી પસાર થતા તે પ્રતિમા સાવ નજરઅંદાજ થઈ ગઈ હતી. આથી આ વિસ્તારના મજૂરો, ગરીબોએ મળીને નક્કી કર્યું કે બંધારણના ઘડવૈયાના છાજે તેવી પ્રતિમા અહીં હોવી જોઈએ.
બીજી તરફ સિનિયર સિટિઝનોનું કહેવું હતું કે, સામાજિક ક્રાંતિના પ્રતિક ડો. આંબેડકરની એકમાત્ર મોટી પ્રતિમા હાલ શહેરના સારંગપુર સર્કલ પર આવેલી છે અને ત્યાં થતા દરેક કાર્યક્રમમાં અહીંથી તેઓ હાજરી આપવા જઈ શકતા નથી. વળી અમદાવાદના ઉત્તર ગુજરાત તરફ જતા રસ્તા પર બાબાસાહેબની એક પણ પ્રતિમા નથી, આથી જો આપણા વિસ્તારમાં મહાનાયકની પ્રતિમા હોય તો કોઈ જાહેર કાર્યક્રમ કરી શકાય અને આગળ જતા લાઈબ્રેરી પણ બનાવી શકાય. આખરે આ નિર્ણયને સ્વીકારવામાં આવ્યો અને આજે સવારે અહીં તૈયાર થયેલી પ્રતિમાનું સ્થાનિકો દ્વારા જ અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ શું બહુમતીના જોરે ભારતના બંધારણને બદલી શકાય ખરું?
રેશનાલિસ્ટ એડવોકેટ પિયુષ જાદુગર આ મામલે વિગતે જાણકારી આપતા કહે છે, “બહુજન સમાજનો જ એક ચોક્કસ વર્ગ એવું માનતો થયો છે કે, હવે તો અનેક જગ્યાએ ડો. બાબાસાહેબના સ્ટેચ્યૂ છે તેથી હવે તેમના વધુ કોઈ સ્ટેચ્યૂ બનાવવાની જરૂર નથી. પણ આ માન્યતા ખોટી છે. હકીકતે અમદાવાદમાં તમે એસપી રીંગ રોડ પર ઝુંડાલ સર્કલથી પ્રવેશ કરીને છેક બીજા છેડે સાણંદ પાસે નીકળો ત્યાં સુધીમાં તમને સારંગપુર સિવાય ક્યાંય પણ બાબાસાહેબની પ્રતિમા જોવા નહીં મળે. દેશનો ગરીબ માણસ ભલે ઓછું ભણ્યો છે, પણ તેને ખબર છે કે નજર સામે બાબાસાહેબ હોવા જરૂરી છે, કેમ કે જ્યારે સામાજિક સંઘર્ષની વાત આવશે ત્યારે તે બાબાસાહેબની પ્રતિમા સામે જોશે તો તેના અજાગ્રત મનમાં એક વિચાર ચોક્કસ આવશે કે બાબાસાહેબે આ બાબતમાં શું કહ્યું હતું અને મારે શું કરવું જોઈએ. આથી સાબરમતીના ગરીબ, મજૂર વર્ગે યથાશક્તિ દાન આપીને અહીં બાબાસાહેબની સાત ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરી છે અને આજે તેનું અનાવરણ આવા જ સામાન્ય લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. બીજું કે, સાબરમતીથી સારંગપુર સુધીમાં ક્યાંય બાબાસાહેબની પ્રતિમા નથી, તેથી લોકલાગણી હતી કે અહીં એકાદ પ્રતિમા હોવી જોઈએ. આથી મહેન્દ્રભાઈએ સમર્પણ ટ્રસ્ટ બનાવી તમામ કાર્ય હાથ ધરી ગોઠવણ કરી આપી અને હવે અહીં સ્ટેચ્યૂ બનીને તૈયાર છે. ભવિષ્યમાં અહીં લાઈબ્રેરી બનાવવા અંગે પણ લોકો વિચારી રહ્યાં છે.”
બહુજન એક્ટિવિસ્ટ અને પૂર્વ સમાજ કલ્યાણ અધિકારી પી. એલ. રાઠોડ કહે છે કે, “ગરીબ વિસ્તારમાં બાબાસાહેબની પ્રતિમાની હાજરી જરૂરી છે. જે લોકો ચોપડી નથી વાંચતા, તેઓ પ્રતિમા પાસેથી પસાર થતી વખતે જરૂર વિચારશે કે બાબાસાહેબ શું કહી ગયા છે. જો તે સંઘર્ષ કરતો હશે તો સંઘર્ષ વિશે સાહેબની શું વિચારધારા હતી તેના વિશે વિચારશે. આમ સૌ કોઈના સબકોન્શિયસ માઈન્ડમાં બાબાસાહેબ રમતા રહેશે. આમ તો સરકાર પોતે મહાનાયકોની પ્રતિમાઓ સ્થાપિત કરાવતી હોય છે, પણ આ પ્રતિમા સાબરમતી વિસ્તારના ગરીબ, મજૂર વર્ગના લોકોએ પાંચ રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીનું દાન આપીને તૈયાર કરાવી છે. આજે આવા જ મજૂરો, ગરીબોના હસ્તે તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું તે બહુ મોટી વાત છે.”
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે રૂ. 30 લાખના ખર્ચે પુસ્તકાલય અને બાબાસાહેબની પ્રતિમાનું અનાવરણ
સ્થાનિકોએ નેતાઓના ભરોસે રહેવાને બદલે પોતે કામ ઉપાડ્યું
ભારતમાં રાજકારણીઓ, અધિકારીઓના ભરોસે રહીને ભાગ્યે જ કોઈ કામ તેની નિયત સમયમર્યાદામાં પૂર્ણ થતું હોય છે. આ પ્રતિમા વિશે પણ આવું જ કંઈક થયું હતું. એએમસીમાં ઠરાવ થઈ ગયો હતો. પણ સ્થાનિકોને લાગતું હતું કે મામલો ભાજપ-કૉંગ્રેસના નેતાઓ વચ્ચે અટવાશે. આથી તેમણે નેતાઓને જ પડતા મૂકી દીધાં અને પોતે જ કામ ઉપાડી લીધું અને આજે પ્રતિમાનું અનાવરણ પણ થઈ ગયું. હવે ભવિષ્યમાં અહીં સુંદર લાઈબ્રેરી બનાવવાનું સ્થાનિકોનું સપનું છે.
અગાઉ કોર્પોરેશને સારંગપુર ખાતેની બાબાસાહેબની પ્રતિમાની શાન ઓછી કરવા માટે તેની ચોતરફ હોર્ડિંગ્સ લગાવી દઈને ઢાંકવા પ્રયત્ન કર્યો હતો. પણ બહુજન સમાજના જાગૃત નાગરિકોએ તેની સામે આંદોલન છેડ્યું હતું અને આખરે હોર્ડિંગ્સ હટાવવા પડ્યા હતા. આવું અહીં ન થાય તે માટે સ્થાનિકોએ પોતાની રીતે જ જગ્યા પસંદ કરીને પ્રતિમા સ્થાપિત કરી છે. હવે તે અમદાવાદમાં સારંગપુર પછીની બીજા નંબરની સૌથી મોટી પ્રતિમા બની ગઈ છે. આગામી 14મી એપ્રિલ સુધીમાં તેનું બાકીનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવશે અને ભવિષ્યમાં લાઈબ્રેરી પણ બનાવવાનો વિચાર છે. આ બધું જ આયોજન સાબરમતી વિસ્તારના ગરીબ, મજૂર વર્ગે કર્યું છે, તેના પરથી જ સમજાય છે કે બાબાસાહેબની કોઈપણ સ્વરૂપમાં હાજરી પણ વંચિત, શોષિત, પીડિત સમાજ પર કેટલી મોટી અસર પાડે છે.
આ પણ વાંચોઃ વઢવાણમાં અસામાજિક તત્વો બાબાસાહેબની પ્રતિમાના ચશ્મા ચોરી ગયા
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
DharmeshJai bhim, Good job.
-
DharmeshJai bhim, Good job.
-
DharmeshJai bhim, Good job.
-
DharmeshJai bhim, Good job.