રોહિત વેમુલા કેસના વરિષ્ઠ એડવોકેટ ડૉ. અશોકજી અમદાવાદ આવશે, ગુજરાતના કર્મશીલ વકીલોને આપશે માર્ગદર્શન

સુપ્રીમ કોર્ટમાં દલિત અત્યાચારના અનેક કેસો લડનાર વરિષ્ઠ એડવોકેટ ડૉ. સિદ્ધાર્થ પ્રિય અશોક અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. અહીં તેઓ ગુજરાતના કર્મશીલ વકીલો સાથે સંવાદ કરશે અને તેમના વકીલ તરીકેના અનુભવો શેર કરશે. વાંચો ડૉ, અશોકજી સાથેના આ સંવાદ કાર્યક્રમની વધુ વિગતો.

રોહિત વેમુલા કેસના વરિષ્ઠ એડવોકેટ ડૉ. અશોકજી અમદાવાદ આવશે, ગુજરાતના કર્મશીલ વકીલોને આપશે માર્ગદર્શન

ગુજરાતમાં દલિત અત્યાચારની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે, જાતિવાદી તત્વો બેફામ બનતા જઈ રહ્યાં છે. એ સ્થિતિમાં કોર્ટમાં પીડિતોનો અવાજ બનવા માટે એક એડવોકેટ માટે વધુ સજ્જ થવું સમયનો તકાજો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ ડૉ. સિદ્ધાર્થ પ્રિય અશોક આગામી તા. 8મી ફેબ્રુઆરી 2024ને ગુરૂવારના રોજ અમદાવાદ આવી રહ્યાં છે, જ્યાં તેઓ ગુજરાતના કર્મશીલ વકીલોને માર્ગદર્શન આપશે.

એડવોકેટ ડૉ. સિદ્ધાર્થ પ્રિય અશોક વંચિત, શોષિત સમાજ હિતલક્ષી અનેક કેસો લડ્યાં છે. બહુચર્ચિત રોહિત વેમુલા આત્મહત્યા કેસમાં તેમણે સુપ્રીમ કોર્ટમાં દલીલો કરી છે. ગયા વર્ષે આઈઆઈટી બોમ્બેમાં આત્મહત્યા કરનાર અમદાવાદના દલિત વિદ્યાર્થી દર્શન સોલંકીના કેસને તેઓ રોહિત વેમુલાના કેસ સાથે જોડીને નિઃશુલ્ક લડી રહ્યાં છે. તેમના એડવોકેટ તરીકેના બહોળા અનુભવનો લાભ અમદાવાદના કર્મશીલ વકીલોને મળે તે માટે તેમની આ મુલાકાત ખૂબ મહત્વની છે.

ડૉ. સિદ્ધાર્થ પ્રિય અશોકજીની અમદાવાદ મુલાકાતના આયોજક ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ ગોવિંદ પરમાર કહે છે, “8મી ફેબ્રુઆરી 2024ને ગુરૂવારના રોજ ડૉ. અશોકજી અમદાવાદ આવી રહ્યાં છે. અહીં સાંજે 4.00 વાગ્યે તેઓ ONGC હોલ સાબરમતી ખાતે ગુજરાતના કર્મશીલ એડવોકેટ્સ સાથે સંવાદ કરશે અને જરૂરી માર્ગદર્શન આપશે. તેમની આ મુલાકાત ગુજરાતના વકીલો માટે ખૂબ મહત્વની બની રહેશે. કેમ કે, હાલ જે રીતે ગુજરાત સહિત ભારતભરમાં દલિતો-આદિવાસીઓ પર જે રીતે અત્યાચારો સતત વધી રહ્યાં છે, એ જોતા કર્મશીલ વકીલોએ પીડિતોની પડખે ઉભું રહેવા માટે વધુ સજ્જ બનવાની જરૂર છે, અને તેમાં ડૉ. અશોકજીનો અનુભવ કામમાં લાગશે.”

આ કાર્યક્રમના અન્ય આયોજક જીપીએસસીના પૂર્વ સભ્ય અને કર્મશીલ મૂળચંદ રાણા જણાવે છે કે, “ડૉ. અશોકજીની અમદાવાદની મુલાકાત અનેક રીતે મહત્વની છે. ખાસ કરીને સુપ્રીમ કોર્ટમાં તેઓ જે કેસો લડ્યાં છે અથવા લડી રહ્યાં છે, તે વિશેના તેમના અનુભવો ગુજરાતના કર્મશીલ વકીલો માટે માર્ગદર્શકની ગરજ સારશે. તેઓ બહુચર્ચિત રોહિત વેમુલા આત્મહત્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં દલીલો કરી ચૂક્યા છે. આ મેટરમાં તેમણે અમદાવાદના વિદ્યાર્થી દર્શન સોલંકીની આત્મહત્યાના કેસને પણ જોડ્યો છે. આ કેસ તેઓ નિઃશુલ્ક લડી રહ્યાં છે. બહુજન સમાજ હિતલક્ષી અનેક કેસો તેઓ લડી રહ્યાં છે, જે તેમની સામાજિક નિસબત દર્શાવે છે. ધારાશાસ્ત્રી તરીકેના તેમના અનુભવોનો લાભ ગુજરાતના દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમાજના વકીલોને મળે તે માટે તેમની સાથેના સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તે માટે અમે ગુજરાતના સૌ કર્મશીલ એડવોકટોને ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ.”

ઉલ્લેખનીય છે કે, ડૉ. સિદ્ધાર્થ પ્રિય અશોકજી સાથેના આ સંવાદ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા કર્મશીલ વકીલોએ વ્યવસ્થા જાળવવાના હેતુથી આયોજકોને આગોતરી જાણ કરવી જરૂરી છે. તેના માટે મોબાઈલ નં. 8140123448 પર ફોન કરીને અથવા મેસેજ કરીને જાણ કરી શકો છો.

આ પણ વાંચો : બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય અને સમ્યક સમાજ દ્વારા કાંશીરામ કાર્ય ઍવોર્ડની જાહેરાત

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.