ઉત્તરાખંડમાં પુષ્કર ધામી સરકારે રજૂ કર્યું યુનિફોર્મ સિવિલ કોડ બિલ, વિધાનસભામાં લાગ્યા જય શ્રી રામના નારા
દેશભરમાં જેનો વિરોધ થઈ રહ્યો છે તે યુનિફૉર્મ સિવિલ કોડને આજે ઉત્તરાખંડની પુષ્કર ધામી સરકારે સ્થાનિક વિધાનસભામાં રજૂ કર્યું હતું. આવું કરનાર ઉત્તરાખંડ પહેલું રાજ્ય બની ગયું છે. શું છે આ બિલ અને તેમાં કેવી જોગવાઈઓની ભલામણ કરાઈ છે, વાંચો અહીં.
દેશભરમાં જેને લઈને અનેક મોરચે વાંધાવિરોધો ચાલી રહ્યાં છે તે યુનિફૉર્મ સિવિલ કોડને એક રાજ્યની સરકારે ત્યાંની વિધાનસભામાં રજૂ કરી દીધું છે. આજે ઉત્તરાખંડની પુષ્કર ધામી સરકારે વિધાનસભામાં યુનિફૉર્મ સિવિલ કોડ(UCC) બિલ વિધાનસભામાં રજૂ કરી દીધું હતું. આ સાથે જ ઉત્તરાખંડ દેશમાં યુસીસી લાગુ કરનાર પ્રથમ રાજ્ય બની જશે. મુખ્યમંત્રી પુષ્કર ધામી જાહેરાત કરી ચૂક્યા છે કે યુસીસી પર કાયદો ટૂંક સમયમાં બનાવવામાં આવશે.
બિલ વિધાનસભામાં રજૂ થતાની સાથે જ ભાજપના ધારાસભ્યોએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા. ઉત્તરાખંડ યુસીસીમાં લિવ-ઈનમાં રહેતા લોકો માટે સેલ્ફ ડિક્લેરેશન, સંપત્તિમાં મહિલાઓને સમાન અધિકાર, ફરજિયાત લગ્ન નોંધણી જેવા મુદ્દાઓને સામેલ કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી પુષ્કર ધામીએ કહ્યું હતું કે ઉત્તરાખંડની જનતાને જે વચન આપ્યું હતું તેને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. યુનિફૉર્મ સિવિલ કોડને કાયદાના સ્વરૂપમાં ટૂંક સમયમાં રાજ્યમાં લાગુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીમાં ધામીએ યુસીસી લાગુ કરવાની જાહેરાત કરી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંત્રીમંડળે યુસીસી મામલે નિષ્ણાત સમિતિના રિપોર્ટને સંપૂર્ણતા સાથે સ્વીકાર્યો છે. એટલે કે સમિતિની બધી જ ભલામણોને જેમની તેમ કોઈપણ પ્રકારના ફેરફાર વિના સ્વીકાર કરવામાં આવી છે. કમિટીએ નાગરિક કાયદાઓ સાથે જોડાયેલા બધાં વિષયો પર સંપૂર્ણતા સાથે પોતાનો મત આપ્યો છે. જો કે, હજુ સુધી આખો રિપોર્ટ સામે આવ્યો નથી, વિધાનસભામાં રજૂ થયા પછી જ સંપૂર્ણ ભલામણો સામે આવી શકશે.
ઉત્તરાખંડ સરકારના UCC માં કેવી ભલામણો કરાઈ છે
લગ્નની ઉંમર – 18 વર્ષ પહેલા નહીં થઈ શકે છોકરીના લગ્ન
રજિસ્ટ્રેશન – દરેકે લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે
તલાક સરખા આધાર પર – પતિ પત્ની એક સરખા આધાર પર તલાક લઈ શકશે
બહુવિવાહ પર પ્રતિબંધ – એક પતિ કે પત્નીની હયાતીમાં બીજા લગ્ન નહીં થઈ શકે
વારસદાર – વારસાઈમાં છોકરીઓને છોકરાઓની સમાન અધિકાર હશે
લિવ ઈન – લિવ ઈન રિલેશનશિપનું ડેક્લેરેશન જરૂરી હશે. આ એક સેલ્ફ ડિક્લેરેશન હશે
જનજાતિઓ – અનુસૂચિત જનજાતિના લોકો યુસીસીના દાયરામાંથી બહાર રહેશે.
આ પણ વાંચોઃ મરાઠાને OBC અનામતમાંથી ભાગ આપવાના વિરોધમાં છગન ભુજબળે શિંદે સરકારમાંથી રાજીનામું આપ્યું
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.