હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના જજોની જગ્યામાં પણ અનામત લાગુ કરોઃ માયાવતી

સુપ્રીમ કોર્ટમાં જે રીતે ચોક્કસ પરિવારના જ લોકો જજ બનીને ન્યાય તોળવા બેસી જાય છે, તેને લઈને હવે BSP સુપ્રીમો માયાવતીએ પણ મોટી માંગણી કરી દીધી છે.

હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના જજોની જગ્યામાં પણ અનામત લાગુ કરોઃ માયાવતી
image credit - Google images

BSP સુપ્રીમો માયાવતીએ કહ્યું છે કે સમય પાકી ગયો છે કે, હવે દેશની હાઈકોર્ટો અને સુપ્રીમ કોર્ટમાં પણ અનામત લાગુ કરવામાં આવે. આ સમયનો તકાજો છે અને તેનાથી એસસી, એસટી સમાજના લોકોને તેમની વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ મળશે.

સુપ્રીમ કોર્ટ દ્વારા હાલમાં જ એસસી, એસટી સમાજની અનામતમાં ભાગલા પાડવાનો અને ક્રિમીલેયર દાખલ કરવાનો ચૂકાદો સંભળાવવામાં આવ્યો હતો. આ ચૂકાદો આપનાર સુપ્રીમ કોર્ટની 7 સભ્યોની બેંચમાં 6 જજો કથિત સવર્ણ જાતિના હતા અને તેમણે એસસી, એસટીની અનામતમાં ભાગલા પાડવાનું સમર્થન કર્યું હતું. એ પછી દેશભરમાં સુપ્રીમ કોર્ટમાં પણ એસસી, એસટીના જજોની હાજરી હોવી જોઈએ તેવી માંગ ઉઠી હતી. આઝાદ સમાજ પાર્ટીના ચંદ્રશેખર રાવણ અને બીએસપી સહિતના બહુજન પક્ષોએ સીધો સવાલ કર્યો હતો કે, આ ચૂકાદો આપનારા જજોમાંથી કેટલાં એસસી, એસટી છે. જેને લઈને હવે માયાવતીએ પણ નિવેદન આપ્યું છે. 

સાથે જ તેમણે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના ચૂકાદા વિરુદ્ધ સંસદમાં કાયદો લાવીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ તેવી પણ માંગ કરી હતી. બીએસપી સુપ્રીમોએ આક્ષેપ કર્યો હતો કે, કેન્દ્ર સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિ સાથે સંબંધિત આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં મજબૂત રીતે રજૂઆત કરવામાં નથી આવી. બહેનજીએ કહ્યું કે, જો કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે મજબૂતીથી રજૂઆત કરી હોત તો આ નોબત ન આવત. સરકારે જાણી જોઈને આ મામલે ઢીલ દાખવી તેનું આ પરિણામ છે.

આ પણ વાંચોઃ માય લોર્ડ, સામાજિક ન્યાયનો ભાર દલિતો, આદિવાસીઓના ખભે જ શા માટે?

આ સાથે જ માયાવતીએ જાતિની વસ્તી ગણતરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે જાતિ ગણતરી કરાવવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે અને બસપા પહેલાથી જ તેની તરફેણમાં રહી છે. 
માયાવતી બસપા કાર્યાલયે મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે ભાજપ-કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પહેલાથી જ એસસી-એસટીની અનામતના વિરોધમાં છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ-એસપી અને અન્ય પક્ષોએ અનામત અને બંધારણ બચાવવાની વાત કરીને આ વર્ગોનું સમર્થન મેળવ્યું હતું, જેના કારણે આ વર્ગોની સાચી શુભેચ્છક બસપાને નુકસાન થયું છે. હવે આ પક્ષો પણ ચૂપ થઈ ગયા છે. તેમણે તેમનું સ્ટેન્ડ પણ સ્પષ્ટ કરવું જોઈએ.

માયાવતીએ માંગણી કરી હતી કે, હવે સમય આવી ગયો છે કે, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પદોમાં પણ અનામત લાગુ કરવામાં આવે, જેથી અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને આ જગ્યાઓ પર હિસ્સો મળી શકે.

આ પણ વાંચોઃ 80 વર્ષ અગાઉ ડો. આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું અને આજે શું હાલત છે?

તેમણે ભાજપ પર સરકારી નોકરીઓ ખતમ કરીને અનામતને નબળી પાડવાનો આરોપ લગાવતા કહ્યું કે એસસી-એસટી કેટેગરીની અનામત જગ્યાઓ પર ભરતી ન કરીને ભાજપે કોંગ્રેસ અને સપાની જેમ જ એસસી, એસટી સમાજને નુકસાન પહોંચાડ્યું છે.

આ બાજુ એસસી, એસટી સમાજનો અનામતમાં ભાગલા અને ક્રિમીલેયર મામલે ભયંકર વિરોધ પારખીને કેન્દ્રની એનડીએ સરકારે પણ પારોઠના પગલાં ભરવા પડ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે અનામતમાં ક્રિમીલેયરનો નિર્ણય લાગુ કરવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી પ્લાનિંગ મુજબ એસસી-એસટી કેટેગરીના સાંસદો શુક્રવારે કેબિનેટની બેઠક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. વડાપ્રધાને સાંસદોને આશ્વાસન પણ આપ્યું હતું કે એસસી, એસટી અનામતમાં ક્રિમીલેયરની જોગવાઈને લાગુ કરવામાં નહીં આવે. સાંસદોએ ક્વોટામાં ક્વોટા દાખલ નહીં કરવાની પણ માંગ કરી હતી. જેના પર વડાપ્રધાને વિચાર કરવાની ખાતરી આપી હતી.

આગળ વાંચોઃ સુપ્રીમ કોર્ટનો ચૂકાદો BSP માટે 'ટર્નિંગ પોઈન્ટ' સાબિત થવા જઈ રહ્યો છે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.