સુપ્રીમ કોર્ટનો ચુકાદો BSP માટે 'ટર્નિંગ પોઈન્ટ' સાબિત થવા જઈ રહ્યો છે
સત્તાધારી સવર્ણોના ઈશારે સુપ્રીમના સવર્ણ જજોએ SC, ST અનામતમાં ભાગલા પાડવાનો ચૂકાદો તો આપી દીધો, પણ હવે જે થવા જઈ રહ્યું છે તેની કદાચ તેણે કલ્પના નહીં કરી હોય.
સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોના એસસી, એસટી અનામતમાં ભાગલા પાડવાની સુનિયોજિત ચાલને લઈને જ્યાં સમગ્ર એસસી, એસટી સમાજ કરો યા મરોની સ્થિતિમાં આવીને લડવા તૈયાર થયો છે, તો બીજી તરફ રાજકીય પક્ષોએ કદાચ જેની સપનામાં પણ કલ્પના નહીં કરી હોય તેવો એક ટર્નિંગ પોઈન્ટ બહુજન સમાજ પાર્ટી માટે આવી ગયો છે. સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો બહુજન સમાજ પાર્ટી માટે સંજીવની બુટ્ટી સાબિત થઈ રહ્યો છે.
બસપાના સ્થાપક માન્યવર કાંશીરામે દલિત સમાજમાં એવી રાજકીય ચેતના જગાવી હતી કે બહેન કુમારી માયાવતી યુપીમાં ચાર વખત સત્તા પર બિરાજમાન થઈ શક્યા હતા. એંશીના દાયકામાં, માન્યવરે સમાજના સૌથી નીચલા સ્તરે ઉભેલા દલિતોમાં એવી રાજકીય ચેતના પેદા કરી કે તેમને રાજકીય વ્યૂહરચનાના કેન્દ્રમાં લાવી દીધાં. દલિત મતોના દમ પર બીએસપીનું રાજ લાંબા સમય સુધી ચાલ્યું. પરંતુ સત્તામાંથી બહાર જતા જ BSPની રાજકીય જમીન સતત સંકોચાતી જઈ રહી છે. આવી સ્થિતિમાં, એસસી-એસટી અનામતના વર્ગીકરણ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયે બસપાને એક મોટો મુદ્દો આપી દીધો છે અને તે જ તેની રાજકીય જમીનને ફરી પરત લાવવા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થવા જઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ એસસી, એસટી અનામતમાં વર્ગીકરણ પાછળ કોલેજિયમ જજોની દાનત શું છે?
સુપ્રીમ કોર્ટે રાજ્યોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે સબ કેટેગરી તૈયાર કરવાનો અધિકાર આપ્યો છે. જસ્ટિસ બીઆર ગવઈએ SC-ST અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવા પર પણ ભાર મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયના વિરોધમાં બહેન માયાવતી અને બહુજન સમાજ પાર્ટી ખુલીને સામે આવ્યા છે.
માયાવતીએ કહ્યું કે અનામતમાં ભાગલા અયોગ્ય અને ગેરબંધારણીય છે. સાથે જ તેમણે સુપ્રીમ કોર્ટને આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની સાથે SC-ST વર્ગના લોકોને તેમના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા અપીલ કરી હતી. દલિત સમાજને તેમણે યાદ અપાવ્યું હતું કે આ કરો યા મરોની આ સ્થિતિને સમજીને એક થાવ અને તમામ રાજકીય પક્ષો પર દબાણ લાવી તેમને બંધારણીય સુધારો કરવા મજબૂર કરો.
માયાવતીએ SC-ST અનામતમાં સબ કેટેગરી બનાવવાના નિર્ણયને સીધો પકડાર ફેંક્યો છે. એ રીતે બસપાનું સંગઠન ભારતભરમાં ફરી મજબૂત થવા જઈ રહ્યું છે. બસપાએ એવી રણનીતિ બનાવી છે કે ગ્રામસભા દ્વારા પાર્ટી અનામતના મુદ્દે લોકોને જાગૃત કરશે. આ માટે જિલ્લાથી લઈને ગ્રામ્ય સ્તર સુધી બસપાના નેતાઓને વિશેષ માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે.
BSP અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના મતદારો વચ્ચે અનામતના મુદ્દાને અસરકારક રીતે સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. SC-ST અનામતમાં ભાગલાનો સવર્ણ જજોનો નિર્ણય વાસ્તવમાં દલિત અને આદિવાસી સમાજની અનામત ખતમ કરવા તરફનું સુનિયોજિત કાવતરું હોવાનું બીએસપી સમજી ચૂકી છે. આથી જ તે કરો યા મરોની લડતમાં કોઈ કસર બાકી રાખવા માંગતી નથી.
આ પણ વાંચોઃ અનામત અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો માત્ર જુમલાબાજી છેઃ પ્રકાશ આંબેડકર
BSPના રાષ્ટ્રીય કોર્ડિનેટર આકાશ આનંદે એક જાહેર સભામાં કહ્યું હતું કે, "ભાજપ અને કોંગ્રેસના નેતાઓ હાથમાં લાલ પુસ્તક(બંધારણ) બતાવીને કહે છે કે અમે બંધારણ બચાવવા આવ્યા છીએ, પરંતુ આ લોકો આપણી પાસેથી આપણો અધિકાર છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે."
હરિયાણાના ગોહનામાં આકાશ આનંદે કહ્યું કે, "એક તરફ ભાજપ છે, જેના નિશાન પર માન્યવર કાંશીરામ સાહેબની બહુજન ચળવળ છે, બીજી બાજુ કોંગ્રેસ છે, જેણે હંમેશા બાબા સાહેબ અને તેમના કાર્યોને નફરત કરી છે. આ બંને રાજકીય પક્ષો જાતિવાદી માનસિકતા ધરાવે છે. આ લોકો પોતાના ફાયદા માટે કાયમ એસસી, એસટીની અનામત અને બંધારણને વિકૃત કરવાનો પ્રયત્ન કરતા રહ્યા છે. બંધારણ બચાવોની દુહાઈ આપીને તેઓ દલિત સમુદાયનો વિશ્વાસ જીતીને તેમનો રાજકીય ફાયદો શોધી રહ્યાં છે. એનું જ કારણ છે કે, બંધારણ બચાવવાની વાતો કરતા, હાથમાં બંધારણ લઈને ફરતા કોંગ્રેસ, સહિતના પક્ષના નેતાઓએ એસસી, એસટીની અનામતમાં ભાગલા પાડવા મુદ્દે એક હરફ ઉચ્ચાર્યો નહોતો."
એંશીના દાયકામાં માન્યવર કાંશીરામે દલિત સમાજમાં શાસન અને સત્તામાં ભાગીદારી માટે બહુજન સમાજ પાર્ટીની રચના કરી હતી. સામાજિક ન્યાયને ઉજાગર કરતી વખતે માન્યવર કાંશીરામે કહ્યું હતું કે 'જીસકી જીતની સંખ્યા ભારી, ઉસકી ઉતની હિસ્સેદારી'.
આ રીતે, માન્યવરે દલિત સમાજના અધિકારો અને સ્વતંત્રતા માટે પહેલા DS-4, પછી BAMCEFની રચના કરી અને 1984માં દલિત, OBC અને લઘુમતી સમાજને રાજકીય અધિકારો આપવા માટે બહુજન સમાજ પાર્ટી(BSP)ની રચના કરી હતી. એ રીતે BSPએ ઉત્તર પ્રદેશની રાજનીતિમાં પોતાની આગવી છાપ છોડી અને બહેન કુમારી માયાવતીજી ચાર વખત મુખ્યમંત્રી બન્યાં.નમાન્યવરના બહુજન હિતાય, બહુજન સુખાયની સાથે આગળ જતા માયાવતીએ સર્વજનને જોડ્યાં. જેની અસર એ થઈ કે, વર્ષ 2007માં બીએસપીએ પૂર્ણ બહુમતી સાથે યુપીમાં સરકાર બનાવી.
આ પણ વાંચોઃ માય લોર્ડ, સામાજિક ન્યાયનો ભાર દર વખતે દલિતો-આદિવાસીઓના ખભે શા માટે?
પરંતુ એ પછી બસપાની નબળા પડવાની પ્રક્રિયા શરૂ થઈ. 2012માં બસપા ઉત્તર પ્રદેશમાં સત્તા પરથી બહાર થઈ એ પછીથી તેનું પ્રદર્શન ક્યારેય સુધરી શક્યું નથી. યુપીમાં ઘટતો જનાધાર અને દલિત વોટબેંક પરના જંગમાં બસપા માટે પડકાર વધી ગયો છે. બીએસપી હાલ તેના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે.
ઉત્તર પ્રદેશમાં દલિત મતદારો 21 ટકા છે અને 2019ની લોકસભા ચૂંટણીમાં BSPનો વોટ શેર 19.43 ટકા હતો. જે વર્ષ 2024ની ચૂંટણીમાં ઘટીને 9.39 ટકાએ પહોંચી ગયો છે. જે દર્શાવે છે કે, બિન-જાટવ મતદારો પહેલા જ બીએસપીથી દૂર થી ગયા હતા, પણ આ ચૂંટણીમાં તેના જાટવ મતદારો પણ વિખેરાઈ ગયા હતા. આશ્વાસન લેવા જેવી એક વાત એ રહી કે, જાટવ સમાજના 60 ટકા મતદારો હજુ પણ બસપા સાથે રહ્યા છે, પરંતુ સપા-કોંગ્રેસ તેમના 30 ટકા વોટ પડાવી લેવામાં સફળ રહ્યાં હતા. જ્યારે ભાજપને માત્ર 10 ટકા જાટવ મતો મળ્યા હતા. તેવી જ રીતે બીએસપીના પાસી સમાજના મતોમાં પણ વિભાજન જોવા મળ્યું હતું.
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ યુપીમાં સત્તાધારી ભાજપ દલિત સમાજને આપવામાં આવેલી 21 ટકા અનામતની વહેંચણીની રમત કરશે. અહીં દલિતો રાજકીય રીતે જાટવ અને બિનજાટવમાં વહેંચાયેલા છે. રાજનાથસિંહ જ્યારે યુપીના મુખ્યમંત્રી હતા ત્યારે અહીં 21 ટકા દલિત અનામતને 10 ટકા અને 11 ટકામાં વહેંચવાની ચાલાકી કરાઈ હતી, પરંતુ તે સમયે બસપાની જબરજસ્ત તાકાતને કારણે તેનો અમલ થઈ શક્યો નહોતો. યુપીમાં જાટવ સમાજને અનુસૂચિત જાતિઓને આપવામાં આવેલી અનામતનો સારો ફાયદો થયો છે, ત્યારબાદ ધોબી, પાસી અને અન્ય જાતિઓ છે.
આ પણ વાંચોઃ 65 ટકા ભારત રત્ન એવોર્ડ બ્રાહ્મણોને અપાયા છે, આદિવાસીને એકેય નથી મળ્યો
બીએસપીએ હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કરો યા મરો જેવી સ્થિતિમાં જાટવ સમાજનો વિશ્વાસ જાળવી રાખીને પાસી, ધોબી અને ખાટીક સમાજને એક કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે, જે એક મોટો રાજકીય દાવ માનવામાં આવે છે. બહેનજી ફરી એકવાર તેમના પહેલાના મિજાજમાં પાછા ફરતા જોવા મળી રહ્યાં છે. દલિત, આદિવાસી સમાજની અનામતમાં ભાગલા સમગ્ર બહુજન સમાજની સાથે બીએસપી માટે પણ એક મોટો મુદ્દો બની ગયો છે.
બહેન કુમારીમાયાવતીએ ઉત્તર પ્રદેશમાં અનામતને મોટો મુદ્દો બનાવીને આર યા પારની લડત માટેની યોજના બનાવી છે. ક્વોટામાં ક્વોટાના નિર્ણય સામે જમીની સ્તરેથી વાતાવરણ ઉભું કરવાનું શરૂ થઈ ચૂક્યું છે. બસપાના કાર્યકરો, બૌદ્ધિકો ગામડે ગામડે જઈને એસસી-એસટી સમાજના લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે, સવર્ણ પક્ષો સુપ્રીમ કોર્ટના ખભે બંદૂક મૂકીને દલિત, આદિવાસીઓની અનામત ખતમ કરવાનું કાવતરું કરી રહ્યાં છે.
આ પણ વાંચોઃ 'જયશ્રી રામ' સામે 'જય ભીમ'નો નારો કેવી રીતે ભારે પડ્યો?
આ અંગે બીએસપીના કાર્યકરોએ દરેક ગામમાં બેઠકો કરવાની શરૂ કરી દીધી છે. મિટીંગોમાં દલિત અને આદિવાસી સમાજના બૌદ્ધિકોને આમંત્રિત કરવામાં આવી રહ્યાં છે, જેઓ એસસી, એસટી સમાજના લોકોને સમજાવી રહ્યાં છે કે, કેવી રીતે સત્તાધારી સવર્ણોના ઈશારે સુપ્રીમ કોર્ટના સવર્ણ જજો દલિતો, આદિવાસીઓની અનામતમાં ફાટ પડાવીને આખી અનામત વ્યવસ્થા જ ખતમ કરવાનું સુનિયોજિત કાવતરું રચી રહ્યાં છે.
ટૂંકમાં સુપ્રીમ કોર્ટનો દલિત, આદિવાસી વિરોધી ચૂકાદો બહુજન રાજનીતિ, ખાસ કરીને બહુજન સમાજ પાર્ટી માટે ટર્નિંગ પોઈન્ટ બની ગયો છે. જેની અસર આગામી દિવસોમાં સ્પષ્ટ રીતે બહુજન રાજનીતિમાં નવેસરથી જોવા મળશે.
આગળ વાંચોઃ મારી- તમારી અસહમતી હોય તો પણ, બહુજન રાજનીતિની માવજત કરીને જ તેને દૂર કરી શકાશે, છેડ ઉડાડીને નહીં