જલિયાંવાલા કાંડની વરસીએ સ્મરણ નાનક સિંહ અને ઉધમ સિંહનું

13 એપ્રિલ 1919ના રોજ જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો. બે દિવસ પહેલા જ આ દિવસ ગયો છે ત્યારે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયા અહીં આ હત્યાકાંડનો બદલો લેનાર બે દલિત મહાનાયકોને યાદ કરે છે.

જલિયાંવાલા કાંડની વરસીએ સ્મરણ નાનક સિંહ અને ઉધમ સિંહનું
image credit - Google images

ચંદુ મહેરિયા

જઘન્ય જલિયાંવાલા બાગકાંડને દેશજનતા હૃદયની આદ્રતા અને આક્રોશ સાથે એકસો પાંચમા વરસે યાદ કરે છે. માનવ અધિકારોની પુરસ્કર્તા, લોકશાહી પ્રેમી, સભ્ય અને સંસ્કારી મનાતી અંગ્રેજપ્રજાની નિમ્નતમ ક્રૂરતાનું પ્રતીક જલિયાંવાલા નરસંહાર છે. 2019ના શતાબ્દી વરસે બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મે, જલિયાંવાલાકાંડને અંગ્રેજ સરકાર અને પ્રજા માટે શરમજનક તો ગણાવી હતી પણ માફી માગવાનું મુનાસિબ નહોતું લેખ્યું. સંશોધક અને લેખિકા કિશ્વર દેસાઈના મતે અંગ્રેજ સરકારનું માફીનામું ભારતીય પ્રજા માટે ન માત્ર સહાનુભૂતિનું કારણ હોઈ શકત પણ હાલની બ્રિટિશ સરકાર અને પ્રજા બદલાઈ ગઈ છે અને તે કોઈ જ્ઞાતિ કે રંગના ભેદમાં માનતી નથી તે દર્શાવવા પણ તે જરૂરી હતું. 

જલિયાંવાલા કાંડ અંગે ઘણું લખાયું છે અને લખાશે. પણ જલિયાંવાલા કાંડના ૧૦૫મા વરસે એક સર્જક અને એક શહીદને યાદ કરવા જેવા છે. તે માટેનું નિમિત્ત પણ છે. આ બંનેએ જલિયાંવાલા કાંડને સગી આંખે જોયો હતો. પરંતુ તેઓએ તેના પીડિત બની મૌન રહેવાને બદલે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. સર્જક નાનક સિંહે ‘ખૂની બૈશાખી’ દીર્ઘ કવિતા લખીને તો શહીદ ઉધમ સિંહે જલિયાંવાલા કાંડના હત્યારાઓ પૈકીના એક હત્યારાને તેના ઘરમાં, છેક લંડન જઈને, ઠાર કરી પ્રત્યુત્તર આપ્યો હતો. અંગ્રેજ સરકારે પ્રતિબંધિત કરેલ નાનક સિંહની ‘ખૂની બૈશાખી’નો ૨૦૧૮માં અંગ્રેજી અનુવાદ પ્રગટ થયો હતો. તો દિગ્દર્શક શુજિત સરકાર ક્રાંતિવીર ઉધમ સિંહની બાયોપિક બનાવી હતી.

આ પણ વાંચોઃ શહીદ ઉધમસિંહઃ અનાથ આશ્રમમાં ઉછરેલો એ સિંહ, જેણે 21 વર્ષ પછી દુશ્મનને ઘરમાં ઘૂસીને માર્યો

રોલેટ ઍક્ટનો દેશમાં ભારે વિરોધ થઈ રહ્યો હતો. પંજાબનો વિરોધ તીવ્ર જ નહીં, હિંસક પણ હતો. અમૃતસરના જલિયાંવાલા બાગમાં 13મી એપ્રિલ 1919ના રોજ રોલેટ ઍક્ટના વિરોધમાં હજારો લોકોની સભા મળી હતી. અંગ્રેજ અફસરો, ખાસ કરીને પંજાબના તત્કાલીન લેફટનન્ટ ગવર્નર માઈકલ ઓડ્વાયર અને બ્રિગેડિયર રેજિનાલ્ડ ડાયરે ભારતીયોને વિરોધની ખો ભૂલવી દેવા અમાનવીય હિંસા આચરી હતી. ડાયરે જલિયાંવાલાની વિરોધસભામાં એકઠા થયેલા નિ:શસ્ત્ર અને નિર્દોષ એવા હજારો લોકો પર કશી પૂર્વ ચેતવણી સિવાય જ બેરહેમ ગોળીઓ ચલાવી હજારોની લોથ ઢાળી દીધી હતી. 19 વરસના ઉધમ સિંહ અને 22 વરસના નાનક સિંહ પણ  જલિયાંવાલા બાગમાં હાજર હતા. નાનક સિંહ તેમના ચાર મિત્રો સાથે સભામાં ગયેલા. બાકીના ત્રણ દોસ્તો દૈત્ય ડાયરની ગોળીઓનો ભોગ બન્યા હતા પણ નાનક સિંહ બચી ગયા હતા. ઉધમ સિંહ ગોળીઓ વરસવી શરૂ થતાં એક ઝાડ પર ચઢી ગયેલા અને હેમખેમ રહેલા.

પાંચ ચોપડી ભણેલા અને આધુનિક પંજાબી નવલકથાના જનક તરીકે ઓળખાતા નાનક સિંહ (1897-1971)ના લેખનની શરૂઆત શીખ ગુરુઓની સાખીઓના પુસ્તકથી થઈ હતી. 1962ના સાહિત્ય અકાદમી ઍવૉર્ડથી પુરસ્કૃત આ લેખકે 55 નવલકથાઓ, 2 નાટકો અને 4 કાવ્યસંગહોનું સર્જન કર્યું હતું. આઝાદી આંદોલનમાં સક્રિય અને તે માટે જેલવાસ વેઠી ચૂકેલા આ લેખકના સર્જનનો પ્રમુખ ભાવ આઝાદીની ઝંખના, સામાજિક સુધારા અને સામાજિક નિસબત રહ્યા હતા. યુવાન નાનક સિંહે જલિયાંવાલાનો સંહાર નજરે જોયો અને ઝેલ્યો હતો. ‘ખૂની બૈસાખી’ દીર્ઘ કવિતામાં તેમણે અંગ્રેજોની તીવ્ર આલોચના સાથે નજરે જોઈ દાસ્તાન વર્ણવી હતી. સંહાર પછીની રાજકીય ઘટનાઓ અને અંગ્રેજ હકૂમતની ટીકા સરકારે સહન ન કરી અને આ કાવ્યસંગ્રહને પ્રતિબંધિત કર્યો. તેની હસ્તપ્રત પણ ગુમ થઈ ગઈ. નાનક સિંહના અવસાન પછી છેક 1980માં તે હાથ લાગી અને તેનું પ્રકાશન થઈ શક્યું. જલિયાંવાલાની શતાબ્દીએ નાનક સિંહના પૌત્ર અને યુ.એ.ઈ.માં ભારતના રાજદૂત રહેલા નવદીપ સૂરી અનૂદિત ‘ખૂની બૈસાખી’નો અંગ્રેજી અનુવાદ પ્રગટ થયો હતો.. જલિયાંવાલાનો આ સર્જક પ્રતિભાવ એ રીતે હવે વિશ્વમાં પ્રસર્યો છે.

આ પણ વાંચોઃ જલિયાવાલા બાગ હત્યાકાંડ સાથે જોડાયેલી ‘ખૂની બૈસાખી’ની કવિતા શું છે?

અસ્પૃશ્ય દલિત કુટુંબમાં જન્મેલા ઉધમ સિંહ(1899-1940) જલિયાંવાલા કાંડ વખતે 19 વરસના હતા. નરસંહાર પછી ઠેર ઠેર લાશો અને આક્રંદ જોઈ હલબલી ગયેલા ઉધમ સિંહની નજરે પતિના શબ પાસે બેઠેલાં અને તેને કૂતરાંથી બચાવવા મથતાં રતનદેવી પડ્યાં હતાં. એ ક્ષણે જ ઉધમ સિંહે જલિયાંવાલાનો બદલો લેવાનો સંકલ્પ કર્યો હતો. નાનપણમાં જ માતાપિતા અને ભાઈ ગુમાવી ચૂકેલા ઉધમ સિંહે રતનદેવીને ધર્મનાં બહેન માન્યા હતા.  અનાથાલયમાં ઊછરીને મોટા થયેલા અને પછી સ્વરોજગાર થકી જીવન ટકાવી રહેલા યુવાન ઉધમ સિંહ સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા હતા. ભગત સિંહના તેઓ સિનિયર હતા અને બંને સાથે મળી બદલો લેવાનાં આયોજનો કરતા હતા. હંટર કમિશને દોષિત ઠેરવેલા જલિયાંવાલાના ડાયર સહિતના હત્યારાઓને સરકારે પાણીચું આપી દેતાં તેઓ બ્રિટન ચાલ્યા ગયા હતા. એટલે ઉધમ સિંહનું કામ મુશ્કેલ બન્યું હતું. 

દેશમાં અને વિદેશમાં રાન અને પાન થઈ ઉધમ સિંહ ભટકતા રહ્યા. નામ અને વેશપલટો કરતા રહ્યા. છતાં અંગ્રેજ સરકાર અને તેના જાસૂસોથી બચી ન શક્યા. પાંચ વરસની જેલની સજા ભોગવી. આફ્રિકા, અમેરિકા અને ઇંગ્લૅન્ડમાં જઈ ભારે મુસીબતો વેઠીને ડાયરની હત્યાના પ્લાન ઘડતા રહ્યા. 1927માં પૅરાલિસિસ પછી ડાયરનું અવસાન થયું પણ ઉધમ સિંહ તેથી ડગ્યા નહીં. બાકીના હત્યારાઓને મારી તેમણે બદલો લેવાનું નક્કી કર્યું. 1933માં તે લંડન ગયા. ટૅક્સી ડ્રાઇવર બની માઈકલ ઓડ્વાયરના ઘર સુધી પહોંચ્યા. તેમનાં જર્મન સ્ત્રીમિત્ર મેરી પણ તેમના લક્ષ્યને પૂર્ણ કરવામાં સહાયક હતાં. 13મી માર્ચ 1940ના રોજ લંડનની એક સભામાં ઓડ્વાયર વક્તા તરીકે આવવાના હતા. એ જાણીને ઉધમ સિંહે એ સભામાં જ બદલો લેવાની યોજના ઘડી. વક્તવ્ય આપી પરત પોતાના સ્થાને જઈ રહેલા ઓડ્વાયર પર ઉધમ સિંહે પોતાની પિસ્તોલથી ધડાધડ ત્રણ ગોળીઓ છોડી ત્યાં જ ઠાર કરી દીધા અને 20 વરસે જલિયાંવાલાનો બદલો લીધો. ઉધમ સિંહે ગુનો કબૂલી લીધો અને તેમને ફાંસીની સજા થઈ. 31મી જુલાઈ 1940ના દિવસે તેમને ખાનગી રાહે ફાંસી આપી દેવામાં આવી. તેમનો મૃતદેહ પણ આપવામાં ન આવ્યો. 

આઝાદી આંદોલનના ઇતિહાસમાં અસ્પૃશ્ય ઉધમ સિંહનું બલિદાન વરસો સુધી વણનોંધ્યું જ રહ્યું હતું. બલિદાનના સાડાત્રણ દાયકે એમનાં અસ્થિ ભારતમાં લાવી શકાયાં હતાં. માયાવતીના મુખ્યમંત્રીત્વ કાળમાં અખંડ ઉત્તરપ્રદેશ(હવે ઉત્તરાખંડ)ના નૈનિતાલ જિલ્લાને ‘ઉધમ સિંહ નગર’ જિલ્લાનું નામકરણ મળ્યું હતું. તો દોઢેક દાયકા પૂર્વે અમૃતસરના સુવર્ણ મંદિર અને જલિયાંવાલા બાગ પરિસરમાં ઉધમ સિંહની પ્રતિમા સ્થાપિત કરી શકાઈ છે. જોકે ગુજરાતમાં કચ્છ માંડવીના ‘શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિ કેન્દ્ર’ના ક્રાંતિવીરોમાં ક્યાંય ઉધમ સિંહની તસવીર તો ઠીક નામ પણ જોવા મળતું નથી!

maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન ઈતિહાસના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આગળ વાંચોઃ Exclusive: શું શહેરીકરણથી જ્ઞાતિ વ્યવસ્થા નબળી પડી છે?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.