ગણેશના સમર્થનમાં ગોંડલ યાર્ડ અને 84 ગામોના બંધમાં કેટલું સત્ય?

ગણેશ ગોંડલની વિરોધમાં આજે ગોંડલમાં દલિતોનું મહાસંમેલન યોજાઈ રહ્યું છે. જેની સામે ગોંડલ યાર્ડ સહિત 84 ગામોએ બંધ પાળ્યાની વાતો થઈ રહી છે. પણ હકીકત જુદી જ છે.

ગણેશના સમર્થનમાં ગોંડલ યાર્ડ અને 84 ગામોના બંધમાં કેટલું સત્ય?
image credit - khabarantar.com

થોડા વર્ષો પહેલા એક અંગ્રેજી રાષ્ટ્રીય મીડિયાએ દેશભરમાં ક્યા વિસ્તારમાં સૌથી વધુ દલિતો પ્રત્યે અસ્પૃશ્યતા, સૂગ અને જાતિવાદ દાખવવામાં આવે છે તેનો એક વિસ્તૃત રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં આશ્ચર્યજનક રીતે સૌથી પહેલું નામ રાજકોટનું હતું. એ વખતે ઘણાં લોકોને આશ્ચર્ય થયેલું પણ આજે જે રીતે ગણેશ ગોંડલ જેવા અસામાજિક તત્વોના સમર્થનમાં રાજકોટ પંથકના 84 જેટલા ગામોએ બંધ પાળ્યો છે તેને ધ્યાનમાં રાખીને જોઈએ ત્યારે એ રિપોર્ટમાં રહેલી વાસ્તવિકતા આપણને સમજાય છે.

ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના છોકરા ગણેશ જાડેજા અને તેના સાગરિતોએ 30મી મેના રોજ જૂનાગઢમાં અનુસૂચિત જાતિ સમાજના એક યુવકનું અપહરણ કરીને તેને ગોંધી રાખી, નગ્ન કરીને ઢોર માર માર્યો હતો. ગણેશના માતા ગીતાબા જાડેજા ગોંડલના ધારાસભ્ય હોવાથી પોલીસ તંત્ર ગણેશને દિવસો સુધી પકડી શક્યું નહોતું. આખરે અનુસૂચિત જાતિ સમાજનો રોષ વધતા ગણેશની ધરપકડ કરી હતી. જો કે મીડિયાના કેમેરા સામે ગણેશ એટ્રોસિટી અને અપહરણ જેવો ગંભીર ગુનો કર્યો હોવા છતાં જે રીતે હસતો હતો, તે જોતા તેને કાયદો વ્યવસ્થાનો જરાય ડર ન હોય તેવું સ્પષ્ટ જણાઈ આવતું હતું. ગણેશના આ વર્તનની સમગ્ર દલિત સમાજે નોંધ લીધી હતી અને એટલે જ ગણેશની વિરુદ્ધમાં આજે જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, પોરબંદર, રાજકોટ, જામનગર, ધોરાજી, ઉપલેટા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતના દલિત સમાજની જૂનાગઢથી ગોંડલ સુધીની બાઈક રેલી યોજાઈ છે.

આ પણ વાંચોઃ ગોંડલમાં ગણેશ જાડેજા સામે દલિત સમાજ શક્તિપ્રદર્શન કરશે

સંતોની ભૂમિનું લોકશાહી વિરોધી સ્વરૂપ
જો કે, સંતોની ભૂમિ કહેવાતા સૌરાષ્ટ્રના ગામડાઓનું અસલ પોત ત્યારે પ્રકાશિત થયું જ્યારે તેમણે અસામાજિક તત્વ એવા ગણેશ ગોંડલના સમર્થનમાં બંધ પાળ્યો. ગણેશ પોતે અસામાજિક તત્વ છે એ બાબત પુરવાર કરવાની જરૂર નથી. તેણે એક દલિત યુવકનું અપહરણ કર્યું, ગોંધી રાખ્યો, જાતિસૂચક ગાળો ભાંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી તે મામલે કેસ નોંધાયો છે અને તે જેલમાં છે. તેમ છતાં તેના સમર્થનમાં 84 ગામડાઓ સ્વયંભૂ બંધ પાળે તે વાત શંકાસ્પદ જણાય છે. જો ખરેખર એવું હોય તો તે શરમજનક કહેવાય. જો તમે ગણેશને સમર્થન કરી રહ્યાં છો તો તમે કાયદો, વ્યવસ્થા અને લોકશાહી સાશન વ્યવસ્થાના વિરોધી છો તેવું લાગે.

ગણેશના વિરોધમાં ગોંડલ સુધીની બાઈક રેલી
આજે વહેલી સવારે અનુસૂચિત જાતિ સમાજના લોકોએ જૂનાગઢથી ગોંડલ સુધીની રેલીનું શરૂ કરી હતી. જેમાં સૂત્રોચ્ચાર કરીને ગણેશનો વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ તેને કડકમાં કડક સજા થાય તે માટે માંગ કરવામાં આવી હતી. આજે ગણેશના જ હોમટાઉનમાં અનુસૂચિત જાતિ સમાજના લોકો મહાસંમેલન યોજીને શક્તિ પ્રદર્શન કરી ગણેશ અને તેના માતાપિતાની ધાકનો જવાબ આપવા નીકળ્યા છે.

જૂનાગઢથી નીકળેલી દલિત સમાજની બાઈક રેલી જૂનાગઢથી જેતપુર થઈને નવાગઢ પહોંચી હતી. જ્યાં બાબાસાહેબની પ્રતિમાને હારતોરા કરીને આગળ વધી હતી. રેલીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે જૂનાગઢ અને રાજકોટ જિલ્લા પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો છે. રેલી જૂનાગઢના કાળવા ચોકથી શરૂ થઈ છે અને જેતપુર, વીરપુર હાઈવે, જામવાળી ચોકડી ગોંડલ અને ત્યાંથી ડો. આંબેડકર ચોક ગોંડલ પહોંચીને ત્યાં મહાસંમેલનમાં ફેરવાશે. આ રેલીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં અનુસૂચિત જાતિ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા છે.

ગણેશના હુમલાનો ભોગ બનનાર જૂનાગઢના યુવક સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે, "આજે ગુજરાતભરના દલિતો દ્વારા ગોંડલના ગણેશ જાડેજાના વિરોધમાં જૂનાગઢથી ગોંડલ સુધીની બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશે મારા દીકરાને કારણ વિના જ માર મારીને ગોંધી રાખ્યો હતો. તેને નગ્ન કરીને જાતિસૂચક ગાળો ભાંડી અપમાનિત કર્યો છતાં પોલીસે તેને ઘણાં દિવસો સુધી પકડ્યો નહોતો કેમ કે તે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો છોકરો છે. મારું એટલું જ કહેવું છે કે, દલિતો પર અત્યાચાર બંધ કરો. જો હવે એવું થશે તો અમે સાંખી નહીં લઈએ."

રાજુ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, ગણેશના પિતા જયરાજસિંહ જાડેજા પણ દૂધે ધોયેલા નથી. તેમણે પીએસઆઈ પર ફાયરિંગ કરેલું. હાલ પણ તે મર્ડરના કેસમાં જામીન પર છે.
અપરાધીના સમર્થનમાં ગોંડલ યાર્ડ બંધ રહ્યું
ગુજરાતમાં સહકારી સંસ્થાઓ, મંડળીઓ કેવા લોકોના હાથમાં છે તેનો એક નમૂનો દલિતોની આજની બાઈક રેલીના સંદર્ભમાં જોવા મળ્યો છે. સામાન્ય રીતે માર્કેટિંગ યાર્ડ ખેડૂતોની સમસ્યાઓને લઈને બંધનું એલાન આપતું હોય છે. પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડના સંચાલકોએ આજે ગણેશ જેવા અપરાધીના સમર્થનમાં માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. ગણેશ એટ્રોસિટી જેવા ગંભીર અપરાધનો ગુનેગાર છે એ જાણવા છતાં યાર્ડના સંચાલકોએ તેને સમર્થન જાહેર કર્યું તે જ સાબિત કરે છે કે, ત્યાં કોના માણસો બેઠાં હશે.

આ પણ વાંચોઃ જૂનાગઢ દલિત યુવકના અપહરણ મામલે ત્રણ લોકોની ધરપકડ

બીજી તરફ ગોંડલ પંથકના 84 ગામોએ પણ ગણેશના સમર્થનમાં સ્વયંભૂ બંધ પાળ્યો હોવાની વાત સામે આવી છે. પણ હકીકત તેનાથી જુદી સામે આવી રહી છે. 
ગોંડલના આધારભૂત સૂત્રો અને પત્રકારો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગણેશના સમર્થનમાં 84 ગામોના બંધનો આખો મામલો ઉપજાવી કાઢેલો છે. હકીકત તો એ છે કે, તેના પિતા જયરાજસિંહની ધાકને કારણે ગોંડલ પંથકના ગામડાઓએ આવું જાહેર કરવું પડ્યું છે.

આધારભૂત સૂત્રો શું કહે છે?

રાજકોટના એક સિનિયર પત્રકાર નામ ન આપવાની શરતે જણાવે છે કે, "જયરાજસિંહ જાડેજાની છાપ આ વિસ્તારમાં દબંગ વ્યક્તિની છે. કોઈ વ્યક્તિ તેમની વિરુદ્ધમાં જાય તે તેઓ સાંખી લેતા નથી. ખાસ તો તેમના પત્ની ધારાસભ્ય હોવાથી વહીવટીતંત્ર, સહકારી સંસ્થાઓ, પોલીસ, લોકલ પોલિટિક્સ સહિત દરેક મોરચે તેમની હાક વાગે છે. કોઈ વ્યક્તિ તેમની મરજીથી વિરુદ્ધ જઈ શકે તેમ નથી. એવામાં તેમણે જ પોતાના ટેકેદારો દ્વારા આ આખો માહોલ ઉભો કરાવ્યો છે. ગોંડલમાં તેમની મજબૂત પકડ હોવાથી ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેને પણ તેમની આગળ નમતું જોખીને યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવો પડ્યો છે. બાકી ગણેશે કરેલી મારામારીને યાર્ડની કામગીરીને શું લેવાદેવા હોય? અહીં માલ વેચવા આવતા ખેડૂતને ગણેશ સાથે શું લેવાદેવા હોય કે તે યાર્ડ બંધ રાખીને પોતાનું કામ અટકાવે? આખો મામલો ધાક અને દાદાગીરને લગતો છે. બીજું કે, મીડિયામાં એક આંકડો આપી દેવામાં આવ્યો છે કે 84 ગામોએ સ્વયંભૂ બંધ પાળ્યો. પણ તેમાં પણ તથ્ય નથી, કેમ કે, કોઈ ગણવા જવાનું નથી કે ક્યા 84 ગામોએ બંધ પાળ્યો. મીડિયા પણ બે ત્રણ ગામોના ફોટોગ્રાફ્સ પાડીને કે વીડિયો ઉતારીને બચાવી દે એટલે લોકો માની લેશે. પણ હકીકત જુદી જ છે. ટૂંકમાં આ આખો મામલો અનુસૂચિત જાતિ સમાજના લોકોની મહારેલી સામે ગોંડલ પંથકમાં પોતાની આણ પ્રસ્થાપિત કરવાનો છે."

આ પણ વાંચોઃ ગણેશ જાડેજાએ દલિત યુવકનું અપહરણ કરી, કપડાં ઉતરાવી માર માર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.