ગુજરાતી પત્રકારત્વની પહેલી સદી કેમ સ્વજાતિ પત્રકારત્વથી ઉપર ન ઉઠી?

ગુજરાતી પત્રકારત્વ વિશેની તમારી અત્યાર સુધીની જાણકારી અને સમજણ સિનિયર પત્રકાર અને અમદાવાદ મિરરના ચીફ રિપોર્ટર જિગ્નેશ પરમારનો આ લેખ વાંચ્યા બાદ ભાંગીને ભૂક્કો થઈ જવાની છે.

ગુજરાતી પત્રકારત્વની પહેલી સદી કેમ સ્વજાતિ પત્રકારત્વથી ઉપર ન ઉઠી?
image credit - Google images

"મારો જન્મ વૈષ્ણવ સંપ્રદાયમાં એટલે હવેલીમાં જવાનું વખતોવખત બને પણ તેના વિશે શ્રદ્ધા ઉત્પન્ન ન થઈ, હવેલીનો વૈભવ મને ન ગમ્યો. હવેલીમાં ચાલતી અનીતિની વાતો સાંભળતો તેથી તેના વિશે મન ઉદાસ થઇ ગયું. ત્યાંથી મને કંઈ જ ન મળ્યું."

આ શબ્દો મોહનદાસ કરમચંદ ગાંધીના છે. તેઓએ પોતાની આત્મકથા 'સત્યના પ્રયોગો'ના એક પ્રકરણ 'ધર્મની ઝાંખી'માં લખ્યા છે. આ શબ્દો અહીં મૂકવા પાછળનો આશય હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'મહારાજ'થી ચર્ચામાં આવેલા 'કરશનદાસ મૂળજી' અને ગુજરાતી પત્રકારત્વ વિશે વિચારો રજૂ કરવાનો છે. સાથે જ ગુજરાતી પત્રકારત્વની શરૂઆતની પહેલી સદી માત્ર સ્વજાતિના પત્રકારત્વમાં કેમ ખપી કેમ ગઈ? તે સવાલ વિશે પણ લખવું છે.

ગાંધીએ તેમના વર્તમાનપત્ર 'નવજીવન'માં તબક્કાવાર લેખો દ્વારા તેમની આત્મકથા લખી. આ આત્મકથા 1927ની સાલમાં પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થઈ. આ પુસ્તક  હાલમાં પણ બેસ્ટ સેલર છે, પરંતુ તેમાં ગાંધી હવેલીમાં ચાલતી અનીતિની વાતોનો સ્વીકાર કરે છે પણ શું અનીતિ ચાલતી હતી તેના વિશે વિસ્તારથી વાત કરવાનું ટાળે છે. ગાંધીની આત્મકથા પ્રસિદ્ધ થઈ તેના લગભગ 65 વર્ષ પહેલાં પત્રકાર કરસનદાસ મૂળજી સામે 1862ની સાલમાં બદનક્ષીનો કેસ થયો હતો. કરસનદાસ મુળજીએ તા.21-10-1860 ના રોજ સત્યપ્રકાશ નામના તેમના અખબારમાં 'હિંદુનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો' નામના મથાળાથી લખેલા એક લેખની સામે વૈષ્ણવ સંપ્રદાયના જદુનાથ મહારાજે 50 હજારનો બદનક્ષીનો દાવો માડ્યો હતો. આ કેસનો ચુકાદો મહારાજ લાયબલ કેસ તરીકે જાણીતો છે. આ કેસમાં ચુકાદો કરસનદાસ મૂળજીની તરફેણમાં આવ્યો હતો. 1927ની સાલમાં ગાંધી પોતાની આત્મકથામાં જે બાબતો લખવાનું ટાળે છે તેના 65 વર્ષ પહેલાં આ હવેલીની અનીતિની બાબતો ઉપર કરસનદાસ મૂળજી લખે છે, એ હિંમતભર્યું કામ ખરું. એક પત્રકાર તરીકે નીડરતા ઉદાહરણ પણ છે.

અહીં એક બાબત સમજો, ગાંધી, કરશનદાસ મૂળજી અને જદુનાથ મહારાજ ત્રણેય વૈષ્ણવ સંપ્રદાયમાં માનનારા લોકો છે, ગાંધીએ ભણવા માટે દરિયો ઓળંગી દીધો ત્યારે તેઓને નાત બહાર મુકાયા હતા. કરશનદાસ મુલજીને પણ 1863ની સાલમાં નાત બહાર મુકાયા હતા. અહીં એક બાબતનો ઉલ્લેખ કરવો જરૂરી બને કે, ભારતમાં બે પ્રકારના સમાજ સુધારકો પેદા થયાઃએક સ્વજાતિ કે સ્વજ્ઞાતિ સુધારક બીજા સમાજ સુધારક.

કરશનદાસ મૂળજીને પણ સ્વજાતિ અને સ્વજ્ઞાતિ સમાજ સુધારક તરીકે બાહોશ પત્રકાર ગણી શકાય. તેઓને ગુજરાતી પત્રકારત્વમાં સત્તા સામેના નીડર પત્રકારત્વ બદ લ પહેલી હરોળમાં મૂકવાં પડે. સ્વજાતિ સમાજ સુધારણા એવો મત વ્યક્ત કરતા પહેલા બે મુખ્ય બાબતો ઉપર ધ્યાન આપવું અનિવાર્ય છે, એક તો ગુજરાતી પત્રકારત્વ અને બીજું સમાજ સુધારણા.

આ પણ વાંચો: બ્રાહ્મણોની સાંસ્કૃતિક ગુલામીમાંથી બહુજનોને કેવી રીતે બચાવી શકાય?

કરશનદાસ મૂળજીએ સૌથી પહેલાં લખવાનું શરૂ કર્યું એ અખબારનું નામ 'રાસ્ત ગોફ્તાર' અને બીજું અખબાર હતું 'સત્ય પ્રકાશ'. આ સિવાય પણ એક વર્તમાન પત્ર 'સ્ત્રીબોધ' હતું જેમાં, કરશનદાસ મૂળજી લખતા હતા. અહીં મુખ્ય બે મોટા અખબાર વિશે જાણીએ.

ડો. રતન રુસ્તમજી માર્શલ દ્વારા 'ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસ' ઉપર પ્રથમ પુસ્તક લખવામાં આવ્યું હતું તે વખતે તેઓએ ગુજરાતી પત્રકારત્વના ઈતિહાસને ત્રણ તબક્કામાં વહેંચ્યો છે. વર્ષ 1822માં સૌ પ્રથમ ગુજરાતી અખબાર મુંબઇ સમાચાર શરુ થયું ત્યાંથી વર્ષ 1880 સુધીનો પ્રથમ તબક્કો છે. બીજો તબક્કો વર્ષ 1880માં ગુજરાતી સાપ્તાહિકનો ઉદભવ થયો તે સને વર્ષ 1919 સુધીનો ગણવામાં આવ્યો છે જ્યારે ત્રીજો તબક્કો વર્ષ 1919માં ગાંધીજીએ નવજીવનનું સુકાન સંભાળ્યું ત્યારથી 1950 સુધીનો ગણવામાં આવ્યો છે. ડો. રતન રુસ્તમજી માર્શલ દ્વારા લખાયેલા 'ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસ'માં આપેલા સંદર્ભથી બે વર્તમાન પત્રો વિશે જાણીએ.

રાસ્ત ગોફ્તાર ( 1851 )

તા. 15મી નવેમ્બર 1851ના દિવસે 'રાસ્ત ગોફ્તાર'નો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો. 'રાસ્ત ગોફ્તાર' શરુ થયું તે પહેલાં 1850માં ગુજરાતી ભાષાના પાંચ અખબાર નીકળતાં હતા. મુંબઇમાં તે સમયે બેરામજી જમશેદજી ગાંધીના તંત્રીપદે 'ચિત્રજ્ઞાન દર્પણ' નામનું માસિક નીકળતું હતું. આ અખબારમાં એક ચિત્ર પ્રકાશિત કરવામાં આવ્યું હતું તે વખતે ભારે વિરોધ થયો હતો. આ બાબતે પારસી-મુસ્લિમ હુલ્લડ પણ થયા હતા. આ સમયે પારસી આગેવાનોએ સમાજ ઉપર થયેલા અત્યાચારનો અવાજ ઉઠાવ્યો ન હતો તેવો આરોપ હતો. જેથી દાદાભાઇ નવરોજીએ 'રાસ્ત ગોફ્તાર' શરુ કર્યું હતું. પછી પહેલા ત્રણ અંક તો હુલ્લડમાં પારસી કોમને થયેલા નુકશાન અંગે તંત્રી લેખ લખ્યા હતા. આ અખબાર પણ પારસી સમાજને લગતા પ્રશ્નો ચર્ચા કરવામાં અગ્રેસર રહ્યું હતું.

સત્ય પ્રકાશ( 1852 )

1852માં કરસનદાસ મુળજીએ 'સત્ય પ્રકાશ'નો આરંભ કર્યો હતો. મંગલદાસ નથ્થુભાઇની સહાયતાથી 'સત્ય પ્રકાશ' શરૂ થયું હતું. આ પહેલાં કરસનદાસ મુળજી 'રાસ્ત ગોફ્તાર' અને 'સ્ત્રીબોધ' માં લખતા હતા. પણ આ અખબારોનો મોટાભાગનો વાંચકવર્ગ પારસી હતો જેથી સુધારાવાદી વિચારો પારસી સિવાયના જ્ઞાતિબંધુઓ સુધી પહોંચાડવા માટે 'સત્ય પ્રકાશ'નો આરંભ થયો હતો. 'સત્ય પ્રકાશ' દ્વારા વૈષ્ણવ ધર્મના મહારાજોના વિવિધ પાંખડો ખુલ્લા પાડ્યા હતા. કરસનદાસ મુળજીએ તા.21-10-1860ના રોજ 'સત્ય પ્રકાશ' માં 'હિંદુનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો' નામના મથાળાથી લખેલા એક લેખની સામે તેમની સામે જદુનાથ મહારાજે 50 હજારનો બદનક્ષીનો દાવો માડ્યો હતો. જેનો ચુકાદો 'મહારાજ લાયબલ કેસ' તરીકે જાણીતો છે. 'સત્ય પ્રકાશ' એ વૈષ્ણવ સંપ્રદાયમાં ફેલાયેલી બદીઓને ઉજાગર કરવા પોતાની કલમ ચલાવી હતી જેની સામે થયેલા બદનક્ષીના કેસમાં તેઓ જીત્યા હતા. 'સત્ય પ્રકાશ' એક સુધારાવાદી અખબાર તરીકે જાણીતું થયું હતુ. 1861માં 'રાસ્ત ગોફ્તાર' સાથે ભળી ગયું હતું.

આ પણ વાંચો: આજે દેશ પ્રેમનો પર્યાય મનાતી ક્રિકેટ ગુલામી કાળનું પ્રતીક કેમ કહેવાય છે?

આ બંને અખબાર મોટાભાગે સ્વજાતિ સુધારા માટે લખતા હતા, પણ 'રાસ્ત ગોફતાર' તો માત્ર પારસી સમાજના પ્રશ્નો વિશે લખતું હતું તે જગજાહેર છે. જો કે, એક બાબત નોંધાવી જરૂરી છે કે, આ વખતે ચાલતા વર્તમાન પત્રોમાં સ્વજાતિનું હીત સર્વોપરી હતું તેનો એક દાખલો નોંધવા જેવો છે.

1લી જુલાઇ 1822 અને સોમવારે 'શ્રી મુમબઇ શમાચાર' (મુંબઇ સમાચાર)નો પ્રથમ અંક બહાર પડ્યો. તંત્રી ફરદુનજી મર્ઝબાન હતા. શરુઆતમાં આ અખબાર દર અઠવાડિયે પ્રકાશિત થતું હતું અને તેની પૃષ્ઠ સંખ્યા પાંચ કે છ પાનાં રહેતી હતી. તા.2જી જાન્યુઆરી 1832થી સાપ્તાહિક બન્યું પછી તા. 3જી જાન્યુઆરી 1832થી દૈનિક તરીકે પ્રકાશિત થવા લાગ્યું હતું. તે વખતે માત્ર એક પાનાનું દૈનિક નીકળતું હતુ. દસ વર્ષ સુધી ફરજદુનજીએ 'મુંબઇ સમાચાર'નું સુકાન સંભાળ્યું પછી છુટા પડ્યાં. તા.13 ઓગસ્ટ 1832ના રોજ તેમણે નવા તંત્રીને શિખામણ આપતાં અહેવાલ લખ્યો હતો તે અખબારની પ્રથમ દાયકાની નીતિથી વાકેફ કરે છે. ફરદુનજી મર્ઝબાનએ લખ્યું હતું કે:

"પત્રકારે કોઈને વિના કારણ માઠું લખવું નહીં. પોતાના માટે કોઈ અયોગ્ય બોલ લખે તો સામો કડવો શબ્દ સંભળાવવો નહીં. બિનજરૂરી ભાંગજડમાં પડવું નહીં. ચર્ચાપત્રો નહીં પણ ટંટાપત્રોની ગરજ સારે એવા પત્રોને પોતાના છાપામાં સ્થાન આપવું નહીં. બને ત્યાં સુધી ધર્મની ચર્ચામાં પડવું નહીં અને તેમ કરવાની જરૂર જણાય તો તેમ કરતાં પહેલાં જે ધર્મ સંબધિત વિવાદ ઉભો થયો હોય તે ધર્મના વડાની આજ્ઞા મેળવવી."

આ મુંબઈ સમાચારના તંત્રી પણ ધર્મ સામે લખવામાં સંકોચ અનુભવતા હશે તેવો સ્પષ્ટ સંકેત આપે છે. આ એ સમયગાળો હતો કે, શિક્ષણ, વેપાર અને ધર્મ માત્ર ચોક્કસ જ્ઞાતિનો ઈજારો હતો. ગુજરાતી પત્રકારત્વની શરૂઆતના અરસામાં શરૂ થયેલા વર્તમાન પત્રોની સ્પર્ધા એવી તીવ્ર હતી કે, તંત્રીઓએ એકબીજા સામે ગાળો પણ લખ્યાના દાખલા છે.

નવરોજી દોરાબજી ચાનદારુ ઉર્ફે હલકારુએ તા.1લી સપ્ટેમ્બર 1830ના રોજ 'મુમબઇના વરતમાન' નામનું ગુજરાતી અઠવાડિક પ્રકાશિત કર્યું હતું. તા.8 નવેમ્બર 1831ના રોજ તેનું નામ બદલીને 'મુમબઇના હલકારુ અને વરતમાન' કરી નાંખ્યું હતું. આ પછી તા.5મી નવેમ્બર 1833થી પત્રનું નામ બદલીને 'મુમબઇના ચાબુક' (મુંબઇ ચાબુક) રાખ્યું હતું. આ પત્ર અઠવાડિયામાં બે વાર પ્રકાશિત થતું હતું.  'મુંબઇ ચાબુક' અને 'મુંબઇ સમાચાર' અને પછી 'મુંબઇ ચાબુક', 'જામે જમશેદ', 'રાસ્ત ગોફ્તાર' અને 'સત્યપ્રકાશ' અખબાર વચ્ચે યુદ્ધ જામ્યું હતું. 'મુંબઇ ચાબુક' અખબાર તેના પ્રતિસ્પર્ધી અખબાર વિશે લખતું હતું અને અન્ય બે અખબાર પણ તેની સામે લખતાં હતા. 'મુંબઇ ચાબુક' નામનું અખબાર પણ પારસી સમાજને લગતા સમાચાર પ્રકાશિત કરતું હતું. આ અખબાર પણ તત્કાલિન પારસી પંચાયતના આગેવાનોનું વિરોધી રહ્યું હતું.

આ પણ વાંચો: દેખાતો નહોતો પણ અમીન સાહેબ ની પીઠ પાછળ સાવરણી અને ગળામાં કુલડી વળગેલા હતા

આ સ્પષ્ટ કરે છે કે, ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં શરૂ થયેલા વર્તમાન પત્રો પોતાની જ્ઞાતિમાં વર્ચસ્વ ધરાવતી સંસ્થા કે આગેવાનોના સમર્થક કે પછી તેમના વિરોધી હતા. તેઓને આખા એટલે કે, તમામ જ્ઞાતિઓ (સમાજ) સાથે નિસબત હોય તેવા દાખલા નથી. પોતાની જ્ઞાતિના રિવાજો કે પરંપરાના સમર્થનમાં એક પત્રકારોનો વર્ગ હતો જ્યારે બીજો નાના મોટા સુધારા માટે મથતો વર્ગ હતો. તેઓને બાકી 90-95 ટકા સમાજથી કોઈ લેવા દેવા હોય તેવું લાગતું નથી.

'જામે જમશેદ' (1832) નામનું વર્તમાન પત્ર પારસી સમાજની જુનવાણી વિચારધારાને સમર્થન કરતું હતું, સાથે જ ધર્મ અને જૂની રુઢિઓનું પણ સમર્થન કરતું હતું. તેણે મુંબઇમાં પ્રથમ કોંગ્રેસની સરકારે જ્યારે દારુબંધી દાખલ કરી હતી તો તેનો આકરો વિરોધ નોંધાવ્યો હતો. આ અખબાર પણ પારસી સમાજને લગતા સવાલો ઉપર ભારપૂર્વક ચર્ચા કરતું હતું. તે વખતે પારસી સમાજનો બહુમતિ વર્ગ જુનવાણી વિચારને સમર્થન કરતો હતો.

1822થી ગુજરાતી પત્રકારત્વનો આરંભ થયો પણ 100 વર્ષ સુધી તેઓ સ્વજાતિનું પત્રકારત્વ કરતા રહ્યાં. એ પછી સ્થિતિમાં થોડો ફેર આવ્યો કેમ કે, બીજી ભાષાઓમાં શરૂ થયેલા વર્તમાન પત્રો સામાજીક બદ્દીઓ, સામાજિક સમસ્યાઓ, જાતિવાદ, અસ્પૃશ્યતા, મહિલા અત્યાચાર, અંધશ્રદ્ધા અને સામાજિક દૂષણો સામે લખવા માંડ્યા.

અહીં નોંધવું અનિવાર્ય છે કે, ડો. બાબાસાહેબ આંબેડકર તા.31 જાન્યુઆરી 1920ના દિવસે પબ્લિશ થયેલા 'મૂકનાયક'ના પ્રથમ લેખમાં લખે છે કે, "બહિષ્કૃત લોકો ઉપર આજે થઇ રહેલાં અને ભવિષ્યમાં થનારા અન્યાય ઉપર યોજનાબદ્ધ ઉપાય માટે વિચાર કરવો પડશે. તેની સાથે ભાવિ વિકાસ તથા તેને પ્રાપ્ત કરવા માટેના રસ્તાની સાચી જાણકારીના સંદર્ભમાં સાચી ચર્ચા કરવી પડશે. ચર્ચા કરવા માટે સમાચારપત્ર જેવી બીજી કોઇ જગ્યા નથી પરંતુ મુંબઇથી નીકળનારા સમાચારપત્રોને સુક્ષ્મ રીતે જોવામાં આવે તો ખબર પડે છે કે, તેમાંથી મોટાભાગના સમાચારપત્રો કોઈ વિશિષ્ટ જાતિના હીતનું સંરક્ષણ કરે છે. બીજી જાતિઓની તેઓને પરવાહ નથી. આટલું જ નથી, ક્યારેક ક્યારેક તેઓને જ નુકશાન પહોંચાડતી વાતો તે સમાચારપત્રોમાં જોવા મળે છે."

-જિગ્નેશ પરમાર (લેખક Ahmedabad Mirror ના ચીફ રિપોર્ટર અને બહુજન સમાજના પ્રશ્નોને વાચા આપતા જાગૃત નાગરિક છે.)

આ પણ વાંચો: 'પંચાયત' વેબ સિરીઝમાં મોટાભાગના પાત્રો બ્રાહ્મણ કેમ છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Mayur
    Mayur
    અભ્યાસપૂર્ણ લેખ...
    5 months ago
  • Natubhai
    Natubhai
    સરસ લેખ. પત્રકારત્વના બધા જાણકારો આ વાત જણાવે છે કે પહેલાંના એ પત્રો પોતપોતાની ત્યારના પત્રોને પોતાની જાતિ સિવાયના વ્યાપક સમાજની ફિકર જ ન હતી. તો પીડીત અસ્પૃશ્ય વર્ગની તો એને ચિંતા હોય જ શાને ?! એક પત્ર તો સ્પષ્ટ લખતું : અસ્પૃશ્યતા હિન્દુ ધર્મનું કલંક છે એમ અમે માનતા નથી !
    5 months ago
  • Natubhai
    Natubhai
    સરસ લેખ. પત્રકારત્વના બધા જાણકારો આ વાત જણાવે છે કે પહેલાંના એ પત્રો પોતપોતાની ત્યારના પત્રોને પોતાની જાતિ સિવાયના વ્યાપક સમાજની ફિકર જ ન હતી. તો પીડીત અસ્પૃશ્ય વર્ગની તો એને ચિંતા હોય જ શાને ?! એક પત્ર તો સ્પષ્ટ લખતું : અસ્પૃશ્યતા હિન્દુ ધર્મનું કલંક છે એમ અમે માનતા નથી !
    5 months ago