ચીનમાં પ્રિન્ટીંગ મશીન શોધાયા બાદ છપાયેલું પ્રથમ પુસ્તક ‘ધમ્મપદ’ હતું?
બૌદ્ધ ધર્મ અને તેના અનુયાયીઓમાં ધમ્મપદનું ખૂબ જ મહત્વ છે. રાજકોટના ડો. ભાવીન પરમાર અહીં તેના વિશે વિસ્તારથી વાત કરે છે.
ધમ્મપદ કોઈ કાલ્પનિક પુસ્તક નથી. તે દુનિયાનું સૌથી જૂનું, લેખિત અને પુરાતત્વીય ખોદકામ દરમિયાન મળી આવેલું પુસ્તક છે. ઈ.સ.1892માં મધ્ય એશિયાના અફઘાનિસ્તાનના ખેતાન વિસ્તારમાંથી એક સ્તૂપના ખોદકામ દરમિયાન ભોજપત્ર પર ગાંધાર શૈલીમાં લિખિત ધમ્મપદની હસ્તપ્રતો મળી આવી હતી.
હ્યુ-એન-ત્સાંગ અને ફાહિયાન જેવા ચીની યાત્રીઓ ભારતમાંથી પ્રવાસ દરમિયાન બૌદ્ધ સાહિત્યના ઘણાં ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયા હતાં, તેમાં ધમ્મપદ પણ હતું. જેનો પુરાવો ચીનના તુર્ફાનમાંથી મળે છે. સંસ્કૃતમાં લિખિત ધમ્મપદની હસ્તપ્રત છે. ચીનમાં જ્યારે સૌપ્રથમ વખત પ્રિન્ટીંગ મશિનની શોધ થઈ હતી, ત્યારે સૌપ્રથમ વખત પ્રિન્ટ થયેલું એટલે કે છપાયેલું પુસ્તક "ધમ્મપદ" હતું.
ધમ્મપદ કોઈ એક જ દિવસમાં કે એક જ સાથે કહેવાયેલ ઉપદેશોનો સંગ્રહ નથી, તે તથાગત બુદ્ધના 45 વર્ષો સુધીના ધમ્મ-પ્રચાર દરમિયાન સંકલિત કરાયેલા પદો કે ઉપદેશોનો સંગ્રહ છે. તેના દરેક પદ કે ઉપદેશ પાછળ કોઈ ઘટના કે બુદ્ધને પુછેલા પ્રશ્નોના જવાબમાં તેમણે આપેલી શીખ કે સારની ગાથા છે. તેમાં આવી 423 ગાથાઓ છે.
આ પણ વાંચો: ઐશ્વર્યા-સુસ્મિતા ને ટક્કર આપનારી અભિનેત્રીએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો
ધમ્મપદને બૌદ્ધ ધમ્મની આચારસંહિતા(code of conduct)પણ કહેવામાં આવે છે, એટલે કે ધમ્મ મુજબ જીવવા માટેનો રસ્તો. જ્યારે કોઈને ભિખ્ખુ બનાવવામાં આવે છે, ત્યારે તેમને ધમ્મપદના ઉપદેશો અને ગાથાઓ શીખવવામમાં આવે છે. તેમના માટે ધમ્મપદ કંઠસ્થ કરવું ફરજીયાત હોય છે. જ્યાં સુધી તેઓ ધમ્મપદ કંઠસ્થ નથી કરતાં, ત્યાં સુધી તેમની ઉપસંમ્પદા નથી થતી એટલે કે તેમને ભિખ્ખુ બનાવવામાં નથી આવતાં. ધમ્મપદ ભગવદગીતા કરતા પણ પ્રાચીન હોવાના ઐતિહાસિક પુરાવાઓ છે.
ધમ્મપદમાં 26 વગ્ગ એટલે કે વર્ગો કે ભાગ છે. પાલિ ભાષાના શબ્દ"વગ્ગ"માંથી જ સંસ્કૃત ભાષાનો શબ્દ "વર્ગ" બન્યો હશે. તેમાં મનોવિજ્ઞાન, ફિલોસોફી, ન્યાયશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, નિતિશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર વગેરે વિષયોની ઉંડી સમજ છે.
ધમ્મપદ વિશ્વના દરેક ખુણામાં વંચાય છે. મૂળ પાલિ ભાષાના ધમ્મપદનો અનુવાદ દુનિયાની લગભગ બધી જ ભાષાઓમાં થયો છે. ઈ.સ. 1878માં સેમ્યૂઅલ બીલે તેનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. જ્યારે 1908માં બર્માના ભદંત ચંદ્રમણિ મહાથેરોએ હિંદીમાં તેનો અનુવાદ કરેલો. ત્યારબાદ રાહુલ સાંસ્કૃતયાયન અને વિનોબા ભાવે વગેરે જેવા મહાનુભાવોએ પણ તેનો હિંદીમાં અનુવાદ કરેલ.
આ પણ વાંચો: ...અને પછી ચામુંડાના ભૂવાએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો!
અફસોસની વાત એ છે કે જે વૈજ્ઞાનિક ગ્રંથને સમગ્ર વિશ્વે સ્વીકાર્યું છે, જે ગ્રંથ આખી દુનિયાને મનોવૈજ્ઞાનિક રીતે જીવન જીવવાનો રસ્તો બતાવે છે; એ જ ગ્રંથનો સમ્યક તથાગત બુદ્ધનો જન્મ થયો એ દેશમાં જ એટલો પ્રચાર-પ્રસાર નથી થયો. તેની પાછળ મનુવાદી વિચારધારાના સાશકો અને સંગઠનો જવાબદાર છે. એવામાં આ મહાન ગ્રંથના ઉપદેશોને જન-જન સુધી પહોંચાડવાની જવાબદારી બહુજન અને ફુલે-શાહુ, આંબેડકરી વિચારધારાના વાહકોની બને છે.
સમ્રાટ અશોકે ધમ્મપદનું માત્ર શરૂઆતી વર્ગ "અપ્રમાદ વગ્ગ" જ વાંચ્યું હતું, છતાં પણ જીવ-હિંસા નાબૂદી, અહિંસા, કરૂણા અને મૈત્રીના સેંકડો ક્રાંતિકારી કાર્યો કર્યાં હતાં. જીવન દુખોથી ભરેલું છે. આજની આધુનિક જીવનશૈલી અને ભાગ-દોડવાળી અત્યંત માનસિક તણાવવાળી જિંદગીમાં માણસ નિરાશા, હતાશા અને મુશ્કેલીઓ અનુભવે તે સામાન્ય છે. મોડર્ન જીવનની આ મુશ્કેલીઓ દૂર કરવામાં ધમ્મપદ ખૂબ ઉપયોગી પુસ્તક છે.
તેથી જ દરેક જાતિ, ધર્મ કે દેશના મનુષ્યોના જીવનને ઉન્નત અને સુખમય બનાવવા માટે અને સમગ્ર વિશ્વમાં શાંતિ, મૈત્રી અને કરૂણા ફેલાવવા માટે ધમ્મપદ જરૂરથી વાંચવું-વસાવવું જોઈએ અને તેના ઉપદેશોને લોકોને સુધી પહોંચાડવા જોઈએ.
ડૉ. ભાવિન પરમાર (લેખક વ્યવસાયે ડોક્ટર અને બૌદ્ધ ધર્મના અભ્યાસુ છે.)
આ પણ વાંચો: બેંગ્લુરૂમાં 500 દલિત પરિવારના 3000 લોકો બૌદ્ધ ધર્મ અપનાવશે
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Punabhai vaniyaKhub saras vat se Jay bhim Namo budhaye