સવર્ણોના ડ્રોઈંગ રૂમમાં જે સંભળાતું હતું, જજે તે ચૂકાદામાં લખ્યું છે?

SC-ST અનામતને લઈને Supreme Court ના ચુકાદા વિશે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયા અહીં એક ઓછા ચર્ચાયેલા મુદ્દા પર વાત કરે છે.

સવર્ણોના ડ્રોઈંગ રૂમમાં જે સંભળાતું હતું, જજે તે ચૂકાદામાં લખ્યું છે?
image credit - Google images

ચંદુ મહેરિયા
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટની સાત ન્યાયાધીશોની બંધારણીય પીઠના અનામત નીતિ અંગેના હમણાંના ચુકાદાએ ભારે વિવાદ જગવ્યો છે. છ વિરુધ્ધ એકની બહુમતીના આ ચુકાદામાં અનુસૂચિત જાતિ અને જનજાતિની અનામત બેઠકોમાં સબ-કેટેગરીને બંધારણીય ઠેરવી છે. એથી આગળ વધીને ચાર જજોએ તો દલિત આદિવાસી અનામતમાં પણ ઓબીસીની માફક ક્રીમી લેયર દાખલ કરવા જણાવ્યું છે. દલિત આદિવાસીઓ માટેની અનામત નીતિને આ ચુકાદાએ હચમચાવી દીધી છે.  તેના વિરોધમાં ભારત બંધનું એલાન સુધ્ધાં અપાઈ ચૂક્યું છે. ઐતિહાસિક ગણાતો અને સારી-નરસી દૂરોગામી અસરો જન્માવનારો આ ચુકાદો સામાજિક ન્યાય અને સમાનતાના બંધારણીય ખ્યાલ અંગે પણ સવાલો ઉભા કરે છે.  
ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૪૧થી અનુસૂચિત જાતિ અને ૩૪૨થી  અનુસૂચિત જનજાતિની યાદી, સંસદની મંજૂરીથી રાષ્ટ્રપતિએ નોટિફેકશન દ્વારા જાહેર કરી છે. આ યાદીના દલિતો- આદિવાસીઓને શિક્ષણ, સરકારી નોકરી અને રાજકારણમાં અનામત બેઠકો મળે છે. અનામતનો ઉદ્દેશ સામાજિક-સાંસ્કૃતિક ભેદભાવ, આભડછેટ, જ્ઞાતિભેદનો ભોગ બનેલા સમૂહોને પ્રતિનિધિત્વ આપવાનો, સમાનતા આણવાનો અને અંતે જ્ઞાતિ નિર્મૂલનનો છે. આર્ટિકલ ૩૪૧ અને ૩૪૨ હેઠળની યાદીના તમામ લોકો એકસરખા ભેદભાવ અને આભડછેટનો ભોગ બનેલા છે. પરંતુ આ સૂચિની પ્રભુત્વ ધરાવતી જ્ઞાતિઓને જ અનામતનો લાભ મળે છે અને અ.જા. કે અ.જ.જાની અન્ય નબળી જ્ઞાતિઓ સુધી અનામતનો લાભ પહોંચ્યો નથી કે સરકારી નોકરીઓમાં તેમનું અલ્પ પ્રતિનિધિત્વ છે. આ સ્થિતિના ઉકેલ માટે કેટલાક રાજ્યોએ અનામતમાં અનામતની નીતિ અખત્યાર કરી છે.

આ પણ વાંચોઃ RSS ના મુખપત્ર 'પાંચજન્ય'માં જાતિપ્રથાના 'જરૂરી' ગણાવવામાં આવી

દેશના કોઈ એક રાજ્યની વસ્તીમાં દલિત વસ્તીનું પ્રમાણ સૌથી વધુ હોય તો તે પંજાબ છે. આખા દેશમાં સૌ પ્રથમ પંજાબે ૧૯૭૫થી દલિતોની બે સૌથી નબળી પેટા જ્ઞાતિઓ વાલ્મીકિ અને મજહબી શિખો માટે અ.જાતિની કુલ અનામતમાંથી જ પચાસ ટકા અનામતની જોગવાઈ કરી છે. અવિભાજિત આંધ્રપ્રદેશની ૫૭ અનુસૂચિત જાતિઓને ૧૫ ટકા અનામત મળતી હતી. ૨૦૦૦માં રાજ્ય સરકારે તેમાં વિભાગીકરણ કર્યું અને માડિગાની સબકેટેગરી માટે અનામતની જોગવાઈ કરી હતી. આ પ્રકારના વિભાગીકરણનો વિરોધ થયો અને અનામતમાં અનામત કાનૂની અને રાજકીય મુદ્દો બન્યો. 

૨૦૦૪માં સર્વોચ્ચ અદાલતે બંધારણના અનુચ્છેદ ૩૪૧ને સમરૂપ, સમાન સમૂહ ગણી તેમાં કોઈ વિભાગીકરણ કરી શકાય નહીં તેમ ઠરાવી સબકેટેગરી માટેની અનામતને ગેરબંધારણીય ઠેરવતો ચુકાદો આપ્યો હતો. ઈ.વી. ચિન્નેયા વર્સિસ આંધ્ર રાજ્યના આ ચુકાદાની અસર પંજાબની અનામત નીતિ પર પણ પડી હતી.પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબમાં મજહબી શિખો અને વાલ્મીકિ માટેની અનામતને રદ કરી હતી. એટલે પંજાબે ૨૦૦૬માં તે ચુકાદાની ઉપરવટ જઈને નવો કાયદો ઘડ્યો. પંજાબ અનુ.જાતિ અને પછાતવર્ગ( સેવાઓમાં અનામત) અધિનિયમ, ૨૦૦૬ની કલમ ૪(૫)માં વાલ્મીકિ અને મજહબી શિખોને અનામતમાં પ્રાથમિકતા આપવાની જોગવાઈ કરી હતી. ૨૦૧૦માં હાઈકોર્ટે આ કાયદાને અને કોટામાં  કોટાને ફરી રદ કરતો ચુકાદો આપ્યો એટલે પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી કે અનામતમાં અનામત બંધારણીય અને કાયદેસર છે. એટલે ઈ.વી. ચિન્નેયા ચુકાદાની સમીક્ષા કરી તેને રદ કરવામાં આવે.

આ પણ વાંચોઃ અનામત પરના ચુકાદા મોટાભાગે સવર્ણોની તરફેણમાં અપાયા છે?

સિવિલ એપ્લિકેશન નંબર ૨૩૧૭ ઓફ ૨૦૧૧માં પંજાબ સરકાર અપીલકર્તા હતી. તો દવિંદર સિંઘ અને અન્ય પ્રતિવાદી હતા. અન્ય બે પ્રતિવાદી ચમાર મહાસભા અને લછમન સિંઘ હતા. અન્ય ૨૨ કેસો સાથેના આ કેસનો અંતિમ ચુકાદો આ મહિનાની પહેલી તારીખે આવ્યો છે. તે પૂર્વે પાંચ જજોની બેન્ચે  સબ-ક્લાસિફિકેશને  માન્ય રાખ્યું હતું પરંતુ આંધ્રનો ચુકાદો પાંચ જજની બેન્ચનો હતો એટલે આ કેસ સાત જજોની બેન્ચને સોંપવામાં આવ્યો. સાત જજોની બંધારણીય બેન્ચે ઈ.વી. ચિન્નેયા ચુકાદા બાબતે પુનર્વિચાર, રાજ્યોને અનામતનું વિભાગીકરણ કરવાનો અધિકાર અને સબકેટેગરાઈઝેશન સમાનતાના અધિકારનો ભંગ કરે છે કે નહીં તે નક્કી કરવાનું હતું. 

ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્ર્ચૂડ, જસ્ટિસ બી.આર ગવઈ, વિક્રમનાથ, બેલા ત્રિવેદી, પંકજ મિત્તલ, મનોજ મિશ્રા અને સતીશ ચંદ્ર શર્માની બંધારણીય બેન્ચના બેલા ત્રિવેદી સિવાયના છ જજિસે અ.જા. અને અ.જ.જા.ને એક્લ, સમાન અને સમરૂપ માનવાનો ઈન્કાર કર્યો. તેમણે ઐતિહાસિક અને અનુભવજન્ય સાક્ષ્યના સંકેતો પરથી તારવ્યું કે અ.જ.જા અને અ.જ.જા. એકરૂપ અને સમાન નથી. એટલે અનામતના લાભથી વંચિત માટે વિભાગીકરણ કરવું જોઈએ. આ પ્રકારની સબકેટેગરીનો રાજ્યોને હક છે, તે બંધારણીય છે અને સમાનતાના અધિકારનો ભંગ થતો. બેન્ચના એક માત્ર દલિત ન્યાયાધીશ ગવઈએ અનામતમાં ક્રીમી લેયર દાખલ કરવાનું જણાવ્યું હતું. જેને બીજા ત્રણ જજોએ સમર્થન આપ્યું હતું. જસ્ટિસ પંક્જ મિત્તલે અનામતનો લાભ એક જ પેઢી સુધી આપવા જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ અનામતને સામાજિકને બદલે આર્થિક આધાર પર કરવાનો ખેલ ચાલી રહ્યો છે?

જસ્ટિસ બેલા ત્રિવેદી બહુમતી ચુકાદા સાથે સંમત નહોતા. તેમણે અલગ ચુકાદામાં જણાવ્યું હતું કે રાજ્ય અ.જા. અ.જ.જા.ની સૂચિમાં કોઈ જ્ઞાતિને અલગ તારવી તેને પ્રાયોરિટી આપી શકે નહીં. રાજ્યનું આવું પગલું સૂચિ સાથે છેડછાડ છે. અનામતનો લાભ  પૂર્ણતયા આખી સૂચિને મળે છે એટલે રાજ્યો રાષ્ટ્રપતિએ મંજૂર કરેલ સૂચિમાં ફેરફાર કરી શકે નહીં. આ અસંમત ચુકાદો અગાઉના ઈ.વી. ચિન્નેયા  ચુકાદાનું સમર્થન  કરે છે અને અનામતમાં અનામતનો વિરોધ કરે છે.
અનામતનો લાભ લેવામાં પ્રભુત્વ ધરાવતી જ્ઞાતિઓ આગળ હોય છે તે વાસ્તવિકતા સ્વીકારીને તેનો ઉકેલ અનામતમાં અનામત છે કે અન્ય તે વિચારવાનું છે. વળી આંધ્ર, પંજાબ અને તમિલનાડુમાં સબકેટેગરી બનાવી છે. તેનો અનુભવ પણ લક્ષમાં લેવાયો નથી. પંજાબમાં જે બે જ્ઞાતિઓને લગભગ ચાળીસ વરસથી સબકેટેગરીથી કેટલો ફાયદો થયો છે તેનો કોઈ અભ્યાસ આ ચુકાદામાં જોવા મળતો નથી. જો સૂચિ સમરૂપ ન હોય તો તેમના પ્રત્યેનો સામાજિક ભેદભાવ પણ ચડતો ઉતરતો હોવો જોઈએ. પરંતુ દલિતોની તમામ જ્ઞાતિઓને અસ્પૃશ્યતા અને સામાજિક ભેદભાવનો એક સરખો લાભ મળે છે. તો માત્ર અનામતનો લાભ જુદો કેમ? અલગ સબકેટેગરી કરવામાં આવે અને હાલના રોસ્ટર ક્રમ પ્રમાણે ભરતી કે બઢતી થાય તો અનામત લગભગ નાશ પામે અને કોઈને તેનો લાભ ન મળે તેવું બની શકે છે.

આ પણ વાંચોઃ SC-ST માં પેટા વર્ગીકરણ બાબતે સવર્ણ જજોની દાનત શું છે?

અનામતનો આધાર સામાજિક ભેદ હોવા છતાં દલિત જજ ગવઈ ક્રીમી લેયરની વાત કરે અને આર્થિક માપદંડની વાત જોડે તે સમજ બહારનું છે. આ બેન્ચે જેમ અનુસૂચિત જાતિ માટે વિચારણા કરવાની હતી તેમ છતાં તેમાં અનુ. જનજાતિને સામેલ કરી તેમ ક્રીમીલેયરનો સવાલ પણ બેન્ચની વિચારણા બહારનો અને સુનાવણી દરમિયાન ઉપસ્થિત નહીં થયેલો છે. 
લગભગ ત્રણ હજાર વરસોથી વર્ણ વ્યવસ્થાનો ભોગ બનેલા દલિતો એક જ પેઢી અનામતનો લાભ મેળવી સક્ષમ અને સમાન થઈ જશે તેમ કહેવું સાવ વાહિયાત છે. અત્યાર સુધી મધ્યમ વર્ગના ડ્રોઈંગ રૂમમાં જે સંભળાતું હતું તે સુપ્રીમ  કોર્ટના જજે ચુકાદામાં લખ્યું છે. મોરારજી દેસાઈ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે પત્રકારના અનામતો ક્યાં સુધી એવા સવાલનો સ્પષ્ટ જવાબ આભડછેટ છે ત્યાં સુધી હતો. સર્વોચ્ચ અદાલતે ઈન્દ્રા સહાની કેસમાં જણાવ્યું હતું કે કોઈ જ્ઞાતિને કેવળ આર્થિક આધારે અનામતની બહાર કાઢી ન શકાય. આર્થિક ઊન્નતિનો અર્થ સામાજિક ઉન્નતિ ના હોઈ શકે. સર્વોચ્ચ અદાલતના માનનીય ન્યાયાધીશો તેમના પૂર્વસૂરિઓના ચુકાદા પણ વિસરી જશે?  
maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આગળ વાંચોઃ વિનોદ કાંબલીના રેકોર્ડ સામે 'ક્રિકેટના ભગવાન' ક્યાંય પાછળ છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Jeshingbhai
    Jeshingbhai
    ખૂબ જ માહિતીસભર અને અભ્યાસપૂર્ણ લેખ છે. ચંદુભાઈનો આભાર.
    2 months ago
  • Chetan Anand
    Chetan Anand
    તમારી website ma news ની vachhe ashlil ads. /photos kem આવે છે?
    2 months ago
    • KhabarAntar
      એ ગૂગલ દ્વારા ઓટોમેટિક આવતી હોય છે અને તે મોટાભાગલે જે તે વ્યક્તિની સર્ચ હિસ્ટ્રીના આધારે પસંદ થતી હોય છે. તેમાં ખબરઅંતર.કોમનો કોઈ રોલ હોતો નથી.
      2 months ago
  • Devendra Engineer
    Devendra Engineer
    આઝાદી ના આટલાં વર્ષો પછી પણ અનામત ની જગ્યાઓ પુરતા પ્રમાણમાં ભરી શકાઇ નથી.તેના મુખ્ય બે કારણો હોઈ શકે. ૧. અનામત ની જગ્યાઓ ભરવા માટે સરકારે પુ રતા પ્રયાસ કયૉ નથી. અથવા ૨. અનામત ની જગ્યાઓ પૂરતા પ્રમાણમાં લાભ લઇ શકે તેટલો લાભાર્થી સમાજ સક્ષમ થયો નથી . આ બંને સંજોગોમાં અનામત ની સમિક્ષા કરવીએ લાભાર્થી સમાજ ને અન્યાય ના ભોગ બનાવવા સમાન છે
    2 months ago