જો જામીન નિયમ છે, તો મુસ્લિમો માટે તે અપવાદ કેમ છે? - દિગ્વિજયસિંહ

કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે ઉમર ખાલિદ સહિતના મુસ્લિમોને જામીન આપવામાં અદાલતો ભેદભાવ દાખવતી હોવાની વાત કરી છે.

જો જામીન નિયમ છે, તો મુસ્લિમો માટે તે અપવાદ કેમ છે? - દિગ્વિજયસિંહ
image credit - Google images

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહના એક નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. તેમણે દેશની અદાલતો દ્વારા પીડિત જ્યારે મુસ્લિમ સમાજનો હોય ત્યારે તેની સાથે જામીન આપવા મામલે ભેદભાવ દાખવવામાં આવતો હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

દિગ્વિજયસિંહે કહ્યું, કે જ્યારે પીડિત પક્ષ મુસ્લિમ હોય ત્યારે જામીન અપવાદ બની જાય છે. આ નિવેદન તેમણે જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલીદ સહિત જેલમાં બંધ કેટલાક કાર્યકરોની મુક્તિની માંગને લઈને તેમના પરિવારોના ટેકામાં વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેમણે સુપ્રીમ કોર્ટની હાલની જ ટિપ્પણીનો ‘જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે’ નો ઉલ્લેખ કર્યો હતો.

એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ(APCR) દ્વારા વર્ષ 2019-20માં CAA-NRC વિરોધી પ્રદર્શનો સાથે જોડાયેલા કેટલાક કાર્યકરોની ધરપકડના ચાર વર્ષ પુરા થવા નિમિત્તે આયોજિત ગ્રુપ ચર્ચામાં દિગ્વિજયસિંહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) પર આકરા પ્રહારો કર્યા હતા.

તેમણે કહ્યું કે જેમ હિટલરના શાસન દરમિયાન જર્મનીમાં યહૂદીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા તેમ RSS એ ભારતમાં મુસ્લિમોને નિશાન બનાવ્યા છે. જેલમાં બંધ કાર્યકર્તાની તરફેણમાં તેમના પરિવાર સાથે ઉભા રહેતા કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, તેઓ એવા વિસ્તારમાંથી આવે છે જ્યાં આરએસએસને "નર્સરી" કહેવામાં આવે છે.

તેમણે કહ્યું, "હું તેમને બહુ નજીકથી જાણું છું. તેઓ ન તો લોકશાહીમાં વિશ્વાસ ધરાવે છે, ન બંધારણમાં. જે રીતે હિટલરે યહૂદીઓને નિશાન બનાવ્યા હતા તે જ રીતે તેણે(RSS) મુસ્લિમોને નિશાન બનાવ્યા છે. જે રીતે આ વિચારધારાએ દરેક સ્તરે ઘૂસણખોરી કરી છે તે લોકશાહી માટે ખતરનાક છે." 

આ પણ વાંચો: ધર્મ પરિવર્તન ચાલુ રહ્યું તો બહુમતી લઘુમતી થઈ જશેઃ અલ્હાબાદ હાઈકોર્ટ

તેમણે કહ્યું, "આરએસએસ એક અનરજિસ્ટર્ડ સંગઠન છે, તેનું કોઈ સભ્યપદ નથી, કોઈ ખાતું નથી. જો કોઈ પકડાય છે, તો તેઓ તેને તેના સભ્ય તરીકે સ્વીકારવાનો ઇનકાર કરી દે છે. જેમ કે નાથુરામ ગોડસેની ધરપકડ સમયે તેમણે કર્યું હતું. તેઓ સિસ્ટમમાં દરેક જગ્યાએ ઘૂસી ગયા છે. આપણે ગંભીરતાથી આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.”

દિગ્વિજયસિંહે સવાલ કર્યો હતો કે, "જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે, તો પછી શું કારણ છે કે મુસ્લિમો માટે જામીન એક અપવાદ બની જાય છે?"

દરમિયાન, ઉમર ખાલિદના પિતા એસક્યુઆર ઇલ્યાસે UAPA જેવા કડક કાયદાઓ અંગે ચિંતા વ્યક્ત કરી, જેના હેઠળ ઉમર ખાલિદ અને અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી છે.

કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ) લિબરેશનના જનરલ સેક્રેટરી દીપાંકર ભટ્ટાચાર્યએ કહ્યું કે, જે કાર્યકરો હજુ પણ જેલમાં છે તેમને એક દિવસ 'લોકશાહીના યોદ્ધાઓ' તરીકે જોવામાં આવશે.

અભિનેત્રી સ્વરા ભાસ્કર, સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા અને સંજય રાજૌરાએ પણ જેલમાં બંધ કાર્યકરોની તરફેણ કરીને તેમની સાથે હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ઉમર ખાલીદ, શરજીલ ઇમામ, ખાલિદ સૈફી અને અન્યો પર ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફેબ્રુઆરી ૨૦૨૦માં થયેલા રમખાણોમાં કથિત રીતે માસ્ટરમાઈન્ડ હોવાને લઈને આતંકવાદ વિરોધી કાયદા(UAPA) અને ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ રમખાણોમાં ૫૩ લોકો માર્યા ગયા હતા અને ૭૦૦ થી વધુ ઘાયલ થયા હતા. 

આ મામલે ઉમર ખાલિદ લગભગ 4 વર્ષથી જેલમાં છે. ઉમર ખાલિદના કેસની સુનાવણી આ જ વર્ષે 2024માં થવાની હતી. પરંતુ તેને કોર્ટમાંથી રાહત મળી નથી. દિલ્હીની કડકડડૂમા કોર્ટે તેને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ઉમર પર દિલ્હીમાં કોમી રમખાણ કેસમાં કાવતરું ઘડવાનો આરોપ છે. તેણે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી પરંતુ બાદમાં તેને પાછી ખેંચી લેવામાં આવી હતી.

દિલ્હી પોલીસનો આરોપ છે કે ઉમર ખાલિદે વર્ષ 2020માં લગભગ 23 સ્થળોએ દેખાવોનું આયોજન કર્યું હતું અને તેના કારણે જ રાજધાનીમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. જો કે, ઉમર ખાલિદે અદાલતમાં નકારી કાઢ્યું હતું કે રમખાણો ભડકાવવામાં તેની કોઈ ભૂમિકા હતી. તેણે કહ્યું હતું કે તેને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: તિહારમાં અગિયારમી મુલાકાત 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.