અમદાવાદ થી સેંકડો ભીમયોદ્ધા અનામત બચાવવા નીકળી પડ્યાં છે...
ચાંદખેડાથી નીકળીને સંકલ્પ ભૂમિ વડોદરા સુધી જનારી SC-ST-OBC અનામત બચાવો સંકલ્પ યાત્રાનો આજે બીજો દિવસ છે. જાણો યાત્રા ક્યાં પહોંચી અને તેમાં શું શું થયું.
save reservation yatra Ahmedabad to Baroda: સુપ્રીમ કોર્ટના સવર્ણ જજો દ્વારા એસસી એસટી સમાજના પેટા વર્ગીકરણ અને તેમાં ક્રિમીલેયર દાખલ કરવાના ચૂકાદા સામે સમગ્ર દેશમાં બહુજન સમાજમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ગયા મહિને 21 ઓગસ્ટે ભારત બંધને મળેલી જબરજસ્ત સફળતા બાદ બહુજન સમાજ હવે જાતિવાદી તત્વો સામે અનામત બચાવવા મેદાને પડ્યો છે. અમદાવાદના ચાંદખેડામાં ગયા મહિને અનામત બચાવો આંદોલન સમિતિ દ્વારા યોજવામાં આવેલી વિશાળ સભામાં ભીમયોદ્ધાઓએ ભરતડકે રસ્તા વચ્ચે બેસીને પોતાનો અણનમ જુસ્સો પ્રગટ કર્યો હતો. હવે એ જ જુસ્સાને કાયમ રાખીને તેમણે અમદાવાદના ચાંદખેડાથી અનામત બચાવો સંકલ્પ યાત્રા શરૂ કરી છે.
ગઈકાલે તા. 17 સપ્ટેમ્બરે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી શરૂ થયેલી આ સંકલ્પ યાત્રાને સમસ્ત બહુજન સમાજનું વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ગઈકાલે આ યાત્રા સંવિધાન સર્કલ સ્નેહ પ્લાઝા ચાંદખેડા થી સવારે નવ વાગ્યે નીકળી હતી અને સાબરમતી, રાણીપ, વાડજ, ગિરધરનગર, પ્રભાકર ટેનામેન્ટ, નરોડા રોડ, સરસપુર, રખિયાલ, બાપુનગર થઈ અમરાઈવાડી ખાતે પહોંચી હતી અને ત્યાં રાત્રિ રોકાણ કર્યું હતું.
આ પણ વાંચો: મહાસંમેલનમાં સૌનો એક જ સૂરઃ સરકારની મેલી મુરાદ પૂરી નહીં થવા દઈએ
અહીંથી આજે યાત્રાનો બીજો દિવસ શરૂ થયો છે અને સવારે યાત્રા અમરાઈવાડીથી નીકળી ગીતામંદિર, બહેરામપુરા દૂધવાળી ચાલી થઈ દાણીલીમડા પહોંચી હતી. જ્યાં યાત્રાના આગેવાનોએ જનસભા સંબોધી હતી. અહીંથી તે દાણીલીમડા તરફ આગળ વધી હતી. યાત્રામાં મોટી સંખ્યામાં બાઈક, કાર, ટેબ્લો સાથે માન્યવર કાંશીરામ સાહેબની સાઈકલ યાત્રાની યાદ અપાવતા સાઈકલવીરો પણ જોવા મળ્યા હતા.
યાત્રા આજે યાત્રા આંબાવાડી, વાસણા, ગુપ્તાનગર થઈને વેજલપુર પહોંચશે જ્યાંથી સરખેજ ખાતે રાત્રિ રોકાણ કરી આવતીકાલે સવારે સરખેજ, વિસલપુર, ફાંસદા, ભાત, કાવીઠા, બદરખા, ચલોડા, રનોડા, કલીકુંડ થઈને ધોળકા ખાતે રાત્રી રોકાણ કરીને પછી આણંદ થઈ 22મીએ વડોદરા પહોંચશે. અહીં આખો દિવસ શહેરમાં ફર્યા બાદ 23મીને સંકલ્પભૂમિ ખાતે મોટું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં મહાનાયક ડો. ભીમરાવ આંબેડકરના અનુયાયીઓ ઉમટી પડવાના છે.
એસસી, એસટી, ઓબીસી અનામત બચાવો સંકલ્પ યાત્રાના ભીમયોદ્ધાઓ પૈકીના એક નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી પી.એલ. રાઠોડ યાત્રાના ઉદ્દેશો અને આયોજનો વિશે વિગતે વાત કરતા જણાવે છે કે, "યાત્રાના નામ પરથી જ સ્પષ્ટ છે કે, યાત્રાનો હેતુ એસસી, એસટી, ઓબીસી સમાજની અનામત બચાવવાના સંકલ્પની છે. વર્તમાનમાં ગુજરાત રાજયમાં SC અને ST માં સમાવિષ્ટ સમગ્ર જાતિઓની વસ્તીના આધારે સમગ્ર SC વર્ગને 7% અને સમગ્ર ST વર્ગને 15% અનામત ફાળવવામાં આવેલ છે. તારીખ ૧-૮-૨૦૨૪ના રોજ સર્વોચ્ચ અદાલતની ૭ જજોની બંધારણીય બેન્ચના ચુકાદા મુજબ SC અને ST માં સમાવિષ્ટ જાતિઓનું પેટા-વર્ગીકરણ કરી તેમાંથી પછાત SC/ST જાતિઓના સમૂહ માટે અલગ અનામત અને સંપન્ન SC.ST જાતિઓના સમૂહ અલગ અનામતની ગેર બંધારણીય સત્તા રાજય સરકારોને આપવામાં આવી છે."
આ પણ વાંચો: હજુ તો લોકશાહીનો માત્ર બચાવ થયો છે, પુનર્વસન-પુનઃસ્થાપન બાકી છે
પી. એલ. રાઠોડ પેટા વર્ગીકરણ અને ક્રિમીલેયર પાછળની મનુવાદીઓની ચાલને સમજાવતા કહે છે, "પેટા-વર્ગીકરણ થવાથી પછાત SC જાતિઓના સમૂહને અલગ અનામત ફળવાય તો તેમની વસ્તીના પ્રમાણમાં માત્ર 1% અનામત અલગથી ફાળવી શકાય જેથી સંપૂર્ણ SC/ST વર્ગની અનામતને કયારેય ભરપાઈ ના થઈ શકે તેવું નુકશાન થઈ શકે છે. વર્તમાનમાં SC જાતિની 7% અનામત મુજબ પ્રથમ પોઈન્ટ સુધી પહોંચવા માટે ૧૫ પોસ્ટ ભરાવી જરૂરી છે. જો 1% અનામત પાછળ SC વર્ગ માટે તથા 6% અનામત સંપન્ન SC વર્ગ માટે અલગ ફાળવવામાં આવે તો પછાત SC વર્ગની પ્રથમ પોસ્ટ ૧૦૦ માં પોઈન્ટ પર ભરાય અને જો નાના સંવર્ગની પોસ્ટ હોય, જેમાં કુલ પદ પ કે ૧૦ હોય તો SC ના પછાત વર્ગને પ્રથમ પોઈન્ટ પર અનામતનો લાભ મળતાં મળતાં લગભગ ૨૫ વર્ષનો સમય લાગે. મતલબ કે નાના સંવર્ગમાં નોકરીના ૩૦ થી ૩૫ વર્ષના સમયગાળામાં માત્ર એક જ વાર અનામતનો લાભ મળી શકે. અને જે તે સમયે SC પછાત વર્ગના ઉમેદવાર ઉપલબ્ધ ન હોય તો તે પોઈન્ટ ખાલી રહી જાય. આમ વર્તમાન ચુકાદો SC/ST વર્ગમાં સમાવિષ્ટ તમામ જાતિઓની અનામતને ગંભીર નુકસાન પહોંચાડનાર સાબિત થશે."
આ પણ વાંચો: જે દિવસે સવર્ણોના સંતાનોના લગ્ન દલિતોમાં થાય, અનામત બંધ કરી દેજો
પી.એલ. રાઠોડ વધુમાં કહે છે, "ઉપરોકત ચુકાદામાં SC/ST ની અનામતમાં ક્રીમીલેયર લાગુ કરવાની સત્તા પણ રાજય સરકારોને આપવામાં આવેલી છે. ક્રીમીલેયર લાગુ થવાથી નીચેના ગ્રેડની એટલે કે પટાવાળા તથા કલાર્ક અને તેમની સમકક્ષના પદો સુધી જ અનામત સીમિત થઈ જશે. કારણ કે ઉચ્ચ પદ પર પહોંચતા સુધી આવકમાં વધારો થયેથી ક્રીમીલેયરના કારણે અનામતનો લાભ મળી શકશે નહીં. એનો સીધો જ મતલબ એ થાય કે માંડ ચોથા વર્ગ અને ત્રીજા વર્ગના નીચલા પદો સુધી જ આપણી તમામની અનામતને સીમિત કરી દેવામાં આવશે. કારણ કે ક્રીમીલેયર દરેકને લાગુ પડશે. તેથી સરકારના આ કાવતરાને બારીકીથી સમજી ખુલ્લુ પાડી તેનો જોરદાર વિરોધ કરવો એ જ આજના સમયની માંગ છે."
આ પણ વાંચો: અનામત સાથે જોડાયેલા કેટલાક જૂઠ્ઠાણાં અને તેનો પર્દાફાશ
યાત્રામાં અનામત આંદોલનના શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
અનામત બચાવો સંકલ્પ યાત્રાની બીજી ધ્યાન ખેંચે તેવી બાબત એ રહી કે, યાત્રાના રૂટ દરમિયાન જ્યાં પણ વર્ષ 1981 અને 1985ની સાલમાં થયેલા અનામત વિરોધી આંદોલનના શહીદોની પ્રતિમા, સ્મારકો કે ખાંભીઓ આવી ત્યાં યાત્રાના આગેવાનોએ મળીને પુષ્પાંજલિ કરી તેમની શહાદતને યાદ કરી હતી. મજૂરગામ સ્થિત વિજયનગર સોસાયટીમાં આવું જ એક સ્મારક છે, આ સિવાય અમરાઈવાડી, ગોમતીપુર, ગીતામંદિર સહિતના વિસ્તારોમાં પણ સમાજ માટે જીવ આપી દેનારા ભીમયોદ્ધાઓના સ્મારકો આવેલા છે. પહેલીવાર કોઈ યાત્રામાં આ તમામ યોદ્ધાઓની શહીદીને આ રીતે એક સાથે અંજલિ આપવામાં આવી રહી છે.
યાત્રાએ માન્યવર કાંશીરામની સાઈકલ યાત્રાની યાદ અપાવી
અમદાવાદથી નીકળેલી આ અનામત બચાવો સંકલ્પ યાત્રાએ અનેક સમાજસેવકોને માન્યવર કાંશીરામ સાહેબની સાઈકલ યાત્રાની જૂની યાદોને તાજી કરી દીધી છે. એંશીના દાયકામાં માન્યવરે ઉત્તરપ્રદેશના ગામડાઓમાં સાઈકલ પર સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરીને સમગ્ર દલિત-બહુજન સમાજને એક કરીને સત્તા પર લાવી દીધો હતો. અમદાવાદમાં નીકળેલી હાલની અનામત બચાવો સંકલ્પ યાત્રાના અનેક સમાજસેવકો પૈકીના ઘણાએ એ વખતે માન્યવર સાથે કામ કર્યું હતું. આવા અનેક સમાજસેવકો આજે 40 વર્ષ પછી ફરી એકવાર સાઈકલ પર સવાર થઈને નીકળ્યા હતા. જેના કારણે તેમની આંખ સામે ફરી એકવાર એ ભવ્ય ભૂતકાળ ખડો થઈ ગયો હતો.
આ પણ વાંચો: શું અનામત ગરીબી દૂર કરવાની કોઈ યોજના છે?
અનુભવી નીતિન ગુર્જર સાહેબથી લઈને યુવા હેમંત પરમાર સુધીની મજબૂત ટીમ
અનામત બચાવો સંકલ્પ યાત્રાના મુખ્ય આયોજક શ્રીમાન નિતીન ગુર્જર સાહેબ છે, જેઓ 1981/85 ના અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવેલી અને અનેક આંદોલનમાં જેલવાસ પણ ભોગવ્યો છે. શ્રીમાન અશોક ચાવડા સુરેન્દ્ર નગરથી છે, જેઓ છેલ્લાં 15 વર્ષથી બહુજન આંદોલન અને બહુજન રાજનીતિમાં કામ કરી રહ્યા છે. શ્રીમાન પી. એલ. રાઠોડ નિવૃત સમાજ કલ્યાણ અધિકારી છે, જેઓ છેલ્લા 40 વર્ષથી બહુજન આંદોલન સાથે સંકળાયેલા છે અને માન્યવર કાંશિરામ સાહેબ સાથે કામ કર્યું છે.
શ્રીમાન કે.ડી. પરમાર સાહેબ જેવો લાંબા સમયથી દલિત પેન્થર સાથે સાથે બહુજન આંદોલન અને રાજનીતિમાં સક્રિય છે. શ્રીમાન ત્રિભુવન વાઘેલા નિવૃત્ત બેંક કર્મચારી છે અને લાંબા સમયથી બહુજન આંદોલન સાથે જોડાયેલા છે. અમદુપુરાના ક્રાંતિકારી સાથી હેમંત પરમાર, કમલ સોનારા અને નરોડાના જગદીશ સોલંકી સહિત આ તમામે ખભેખભો મિલાવીને આ યાત્રાને સફળ બનાવવા માઈક્રો લેવલનું પ્લાનિંગ કર્યું છે. ચાંદખેડાના સાથી મહેશભાઈ પરમાર કે જેઓ છેલ્લા 30 વર્ષ થી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે. હાઇકોર્ટના એડવોકેટ રત્નાબેન વોરા પણ આ યાત્રાને સફળ કરવામાં મહેનત કરી રહ્યા છે. રાજેશભાઈ નાડિયા જેવો અતિ પછાત વર્ગ નાડીયા સમાજના પ્રમુખ છે તેઓએ આ યાત્રાની શરૂઆતથી યાત્રાના સમાપન સુધી સાથે રહેવાની ખાતરી આપી સારી મહેનત કરી રહ્યા છે. આ સિવાય અનેક નામી-અનામી ભીમયોદ્ધાઓ અનામત બચાવવાની આ લડતમાં ભાગીદાર બનીને સમાજ વતી લડાઈ લડી રહ્યાં છે.
યાત્રાનો હવે પછીનો રૂટ શું છે?
એક અઠવાડિયા સુધી ચાલનારી આ એસસી-એસટી-ઓબીસી અનામત બચાવો સંકલ્પ યાત્રા તા. 17 સપ્ટેમ્બરે ચાંદખેડાથી નીકળીને હાલ જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે દાણીલીમડા બપોરના ભોજન માટે રોકાયેલી છે. અહીંથી તે વાસણા, ગુપ્તાનગર, વેજલપુર થઈને સરખેજ ખાતે રોકાણ કરશે. એ પછીના દિવસોનો કાર્યક્રમ આ પ્રમાણે છે.
તારીખઃ ૧૯-૯-૨૦૨૪ (ત્રીજો દિવસ): વેજલપુર, સરખેજ થી નિકળી વિસલપુર, ફાંસદા, ભાત, બદરખા, ચલોડા, રનોડા, કલિકુંડ, ધોળકા રાત્રિ રોકાણ
તારીખઃ ૨૦-૯-૨૦૨૪ (ચોથો દિવસ): ધોળકા થી નિકળી આંબારેલી, સિમેજ, વટામણ, ગોલાણા, પાંદડ, મોરજ, ખાખસર, તારાપુર, ધર્મજ, પેટલાદ, આણંદ રાત્રિ રોકાણ
તારીખઃ ૨૧-૯-૨૦૨૪ (પાંચમો દિવસ): આણંદ થી નિકળી વાસદ, નંદસરી, સાંકરદા, રણોલી, પદમલા, બરોડા રાત્રિ રોકાણ
તારીખઃ ૨૨-૯-૨૦૨૪ (છઠ્ઠો દિવસ): બરોડા શહેરમાં ફરશે
તારીખઃ ૨૩-૯-૨૦૨૪ (સાતમો દિવસ): કમાટીબાગ ગેટ નંબર-૩, સંકલ્પ ભૂમિ બરોડા ખાતે SC, ST, OBC અનામત બચાવો સંકલ્પ સભા યોજાશે.
અનામત બચાવો યાત્રા વિશે કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માટે આપ નીચે આપેલા કોઈપણ નંબર પર ફોન કરીને વધુ જાણકારી મેળવી શકો છો.
6356220396, 9904126080, 8733024818, 8488889868, 7600048548, 9427600965
આ પણ વાંચો: બ્રાહ્મણોએ લખેલા હિંદુ ધર્મગ્રંથો અનૈતિકતાનો પહાડ છે - કૌશિક શરૂઆત