જે દિવસે સવર્ણોના સંતાનોના લગ્ન દલિતોમાં થાય, અનામત બંધ કરી દેજો
ઉત્તરપ્રદેશના એક પૂર્વ આઈએએસ અધિકારીના પોડકાસ્ટે હાલ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે, જેમાં તેમણે અનામત વિરોધીઓના છોતરાં કાઢી નાખ્યા છે.
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી યાદ છે? એ વખતે ઉત્તરપ્રદેશ કેડરના એક આઈએએસ અધિકારીને ગુજરાતના ચૂંટણી ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરાયા હતા અને તેમણે સરકારી ગાડી સાથેનો પોતાનો ફોટો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો, જેના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા? અહીં આપણે એ જ અધિકારીની વાત કરવી છે. હાલમાં જ તેમણે એક યુટ્યૂબ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં અનામત વિશે જે વાતો કરી છે તેને લઈને સોશિયલ મીડિયામાં ચોતરફ ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને અનામત વિશે તેમણે જે સ્પષ્ટતાથી વાત કરી છે, તેને લઈને સૌ કોઈ તેમની હિંમતને દાદ આપી રહ્યાં છે.
આ પૂર્વ આઈએએસ અધિકારીનું નામ અભિષેક સિંહ છે. પૂર્વ એટલા માટે કેમ કે તેમણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જબરજસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ મેરિટ અને અનામત વિશેના સવાલોનો ભારે હિંમત અને મજબૂત તર્ક સાથે જવાબ આપે છે. અભિષેક સિંહે આ પોડકાસ્ટની ક્લિપ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તેઓ જણાવી રહ્યાં છે કે, શા માટે ભારતમાં અનામત જરૂરી છે અને તેને ક્યારે બંધ કરી શકાય.
પોડકાસ્ટમાં તેઓ કહે છે, "મેરિટ શબ્દના અર્થને સમજવો ખૂબ જ જરૂરી છે. મેરિટનો અર્થ માત્ર સ્કિલ અને તમારી અંદર કેટલી પ્રતિભા છે તેટલો જ નથી. એક દલિત બાળક જન્મે છે તો નાનપણથી જ તેને એ સમજાવવામાં આવે છે કે, તું દલિત છે. વારંવાર તેને આ બાબત કહેવામાં આવે છે. જ્યારે કથિત સવર્ણ વર્ગનું બાળક મોટું થાય છે તો તેને પહેલેથી એ સમજાવવામાં આવે છે કે બેટા, તું તો સાશન કરવા માટે જનમ્યો છે."
અભિષેક સિંહે પોડકાસ્ટ દરમિયાન અનામતના સવાલ પર કહ્યું, "અનામત પર પહેલો સવાલ એ હોવો જોઈએ કે તે શા માટે હોવી જોઈએ. જ્યાં સુધી મારી સમજણ છે ત્યાં સુધી અનામત એટલા માટે છે કેમ કે અમુક સમાજને ઉત્થાનની જરૂર છે, કેમ કે તેમને સદીઓથી એ જ નજરથી જોવામાં આવ્યા છે. એ જાતિના લોકો બધાંની વચ્ચે પોતાની જાતિનું નામ ગર્વથી નથી લઈ શકતા. સમાજમાં અમુક જાતિઓ છે, જેમને તમે ગર્વથી નહીં કહી શકો કે તમે એ જાતિમાંથી છો. પણ જો તમે બ્રાહ્મ કે ઠાકુર હશો તો કહેશો કે હું તો વૉરિયર ક્લાસનો છું."
આગળ તેઓ કહે છે, "એ લોકોને આ સેન્સ ઓફ પ્રાઈડ ત્યારે જ મળી શકે છે જ્યારે આ સમાજના લોકો મેઈન સ્ટ્રીમમાં આવી જાય, સમાજ અને સરકારની ટોચની જગ્યાઓ પર અમુક વર્ષો સુધી રાજ કરે. આનાથી તેમનું મનોબળ વધશે, તેમની અંદર સેન્સ ઓફ પ્રાઈડ વિકસિત થશે અને ભેદભાવ ખતમ થવાની શક્યતા વધી જશે. જ્યાં સુધી ભેદભાવ નહીં જાય ત્યાં સુધી અનામત રહેવી જ જોઈએ. એ સમાજની ભૂલ છે કે તેઓ તેમને એ જ દ્રષ્ટિથી જુએ છે. પાછી આ જ વર્ગને જ્યારે દલિતો, પછાતોને અનામત આપવામાં આવે છે ત્યારે તકલીફ થાય છે અને ત્યારે તે મેરિટની વાત કરવા માંડે છે"
અભિષેક સિંહ આગળ કહે છે, "એક દલિત બાળક જન્મે છે ત્યારથી તેને સતત કહેવામાં આવે છે કે, તું દલિત છે, વારંવાર તેને એ જ વાત કહેવામાં આવે છે. ધીરે ધીરે તે એ જ મેન્ટલ સ્ટેટમાં મોટો થાય છે. એ પછી તેને ઘણી બધી બાબતો એવી લાગે છે, જેને તે કદી પ્રાપ્ત નહીં કરી શકે. તેનાથી વિરુદ્ધ એક કથિત ઉચ્ચ વર્ગનું બાળક, જેને આપણે સવર્ણ કહીએ છીએ, તે જ્યારે મોટું થાય છે, ત્યારે તેને સમજાવવામાં આવે છે કે, તું સાશન કરવા માટે પેદા થયો છે."
આ પણ વાંચો: શું અનામત ગરીબી દૂર કરવાની કોઈ યોજના છે?
તેમણે આગળ કહ્યું, "અનામતને એક પછાત અને દલિતની આર્થિક સ્થિતિ સાથે કોઈ લેવાદેવા નથી, કેમ કે તે પૈસાદાર થઈ જશે તો પણ સમાજ તેને પછાત અને દલિત તરીકે જ ઓળખશે. જે દિવસે સમાજ એક દલિત અને પછાતને હીન દ્રષ્ટિથી જોવાનું બંધ કરી દે તે દિવસે અનામત ખતમ કરી દેજો. જે દિવસે એક સવર્ણ પરિવાર રાજીખુશીથી પોતાના દીકરા-દીકરીના લગ્ન દલિત પરિવારમાં કરવાનું શરૂ કરી દે એ જ દિવસે અનામત બંધ કરી દેજો. જો આ ન થઈ શકતું હોય, તમારાથી માણસ માણસ વચ્ચેનો ભેદભાવ ન મટી શકતો હોય, તો અનામત ચાલુ રહેવી જોઈએ. કેમ કે તમે એક આખા વર્ગના હકો પર તરાપ મારી રહ્યાં છો. તમે તેમને માત્ર તેની અમુક જાતિના કારણે તેને તેના હકથી વંચિત કરી રહ્યાં છો."
અભિષેક સિંહના આ વીડિયોને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જાગી છે. એક યૂઝરે લખ્યું હતું કે, "અનામતને લઈને આટલી સટિક વાત મેં અત્યાર સુધીમાં કોઈ ક્લાસ વન અધિકારી પાસેથી નથી સાંભળી. આ અનામતની સાચી સમીક્ષા છે. જે દિવસે સામાજિક સમાનતા આવી જશે, ભેદભાવ ખતમ થઈ જશે, એ દિવસે આર્થિક સમાનતાની માંગ પણ ખતમ થઈ જશે...પણ કોઈ એક પગલું ચાલીને તો બતાવે?..કોઈ તો વિદ્રોહી બને?..."
અન્ય એક યૂઝરે લખ્યું હતું કે, "અભિષેક સર, જો જો, હમણાં કેટલાક સવર્ણો તમારી પોસ્ટ પર આવશે અને તમને બેફામ ગાળો કાઢશે. કેમ કે તેમને વાસ્તવિકતાથી નફરત છે અને તમે તેમને સમાજની વાસ્તવિકતા બતાવી રહ્યાં છે."
એક અનામત વિરોધી યૂઝરે લખ્યું હતું કે, "યુપી સરકારે પરત નોકરીમાં ન લીધાં એટલે આ બધું કરીને કરિયર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે."
કોણ છે અભિષેક સિંહ?
ઉત્તરપ્રદેશના કેડરના પૂર્વ આઈએએસ અભિષેક સિંહ ગુજરાતમાં ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમને ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણીમાં ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એ વખતે તેમણે સોશિયલ મીડિયામાં સરકારી ગાડી સાથેનો એક ફોટો મૂક્યો હતો. જેને લઈને તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
22 ઓગસ્ટ 1983ના રોજ યુપીના જૌનપુરમાં જન્મેલા અભિષેક સિંહના પિતા પણ આઈપીએસ હતા. મીડિયા રિપોર્ટ મુજબ કોલેજકાળમાં પ્રેમમાં દગો મળ્યાં બાદ તેમણે પોતાની જાતને સંભાળી લઈને યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. તેમણે વર્ષ 2010માં 94માં ક્રમ સાથે આઈએએસ પરીક્ષા પાસ કરી ત્યારે તેમના પિતાની સલાહથી તેમણે આઈએએસ જોઈન કરી હતી. વર્ષ 2012માં તેમણે દુર્ગાશક્તિ નાગપાલ સાથે લગ્ન કર્યા હતા, જેઓ પોતે પણ એક આઈએએસ અધિકારી છે. તેમણે વર્ષ 2009માં 20માં રેન્ક સાથે યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. હાલ તેઓ યુપીના બાંદા જિલ્લામાં કલેક્ટર છે.
અભિષેક સિંહ લાંબા સમયથી એક્ટિંગ અને મ્યૂઝિક વીડિયોમાં સક્રિય રહ્યા છે. અભિનયના શોખીન અભિષેક સિંહ "દિલ તોડ કે..." ગીતથી રાતોરાત ચર્ચામાં આવી ગયા હતા. એ પછી તેઓ ગાયક જુબીન નૌટિયાલના ગીત "તુજે ભૂલના તો ચાહા..." માં જોવા મળ્યા હતા. સાથે જ તેમણે નેટફ્લિક્સની વેબ સીરિઝ "દિલ્હી ક્રાઈમ-2"માં પણ કામ કર્યું હતું. આ સિવાય એક શોર્ટ ફિલ્મ "ચાર પંદ્રહ"માં પણ તેઓ જોવા મળ્યા હતા. એજ વર્ષે તેઓ ગીતકાર જાનીના લખેલા અને હાર્ડી સંધૂએ ગાયેલા ગીત "યાદ આતી હૈ..." માં અભિનય કરતા જોવા મળ્યા હતા. તેઓ સોશિયલ મીડિયા પર ઘણાં એક્ટિવ રહે છે, ઈન્સ્ટાગ્રામ પર તેમના 50 લાખ કરતા વધુ ફોલોઅર્સ છે.
આ પણ વાંચો: અનામત સાથે જોડાયેલા કેટલાક જૂઠ્ઠાણાં અને તેનો પર્દાફાશ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Bhilesha Harishakumarસાચી વાત છે