આરોપીઓના ડરથી ગેંગરેપ પીડિતા દલિત યુવતીએ ગળેફાંસો ખાઈ લીધો

ગેંગરેપનો ભોગ બનેલી એક 16 વર્ષની દલિત કિશોરીએ આરોપીઓના ડરને કારણે ગળેફાંસો ખાઈને ન્યાય મળ્યાં પહેલા જ જીવન ટૂંકાવી લીધું છે.

આરોપીઓના ડરથી ગેંગરેપ પીડિતા દલિત યુવતીએ ગળેફાંસો ખાઈ લીધો
image credit - Google images

માત્ર કલ્પના કરો કે, અહીં જે ઘટનાની ચર્ચા કરવા જઈ રહ્યાં છીએ એવું તમારા પરિવારની કોઈ દીકરી કે બહેન સાથે બને તો તમારું શું રિએક્શન હોય? કેટલો ગુસ્સો ચડે? આપણને ગમે તેટલો ગુસ્સો ચડે તો પણ આવું થઈ રહ્યું છે તે હકીકત છે અને ન્યાય માટે દીકરીનો પરિવાર વલખાં મારી રહ્યો છે.

16 વર્ષની માસુમ દીકરીને પડોશી ગામના યુવાનો બળજબરીથી બાઈક પર ઉઠાવી ગયા હતા અને તેની સાથે બે દિવસ સુધી ગેંગરેપ કર્યો હતો. કિશોરી જેમતેમ કરીને ઘરે પાછી આવી અને આખી ઘટનાની પરિવારને જાણ કરી. એ પછી કેસ થયો, પણ આરોપીઓ કિશોરી અને તેના પરિવારજનોને સતત ફોન કરીને સમાધાન કરી લેવાની ધમકી આપતા હતા. જેનાથી ડરી જઈને તેણે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી નાખ્યું હતું.

ઘટના જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશની છે. અહીં કનૌજ જિલ્લાના સૌરિખ પોલીસ સ્ટેશનના ઈશમપુર ગામની 16 વર્ષની એક દલિત કિશોરી કુદરતી હાજતે જવા માટે ખેતરમાં ગઈ હતી. ત્યારે જ બાજુના ગામના બે યુવકોએ બાઈક લઈને ત્યાં આવ્યા હતા અને બળજબરીથી તેને બાઈક પર બેસાડીને તેનું અપહરણ કરીને લઈ ગયા હતા. આરોપીઓ ત્યાંથી તેને દિલ્હી લઈ ગયા હતા અને ત્યાં વારાફરતી દુષ્કર્મ કર્યું હતું અને બાદમાં પરત તેના ગામમાં મૂકી ગયા હતા.

આ ઘટનાથી દલિત કિશોરી એટલી ભયભીત થઈ ગઈ હતી કે તે સરખું બોલી પણ શકતી નહોતી. બીજી તરફ આરોપીઓ તેના પરિવારને સતત ફોન કરીને આ મામલે પોલીસ કેસ કર્યો તો જાનથી મારી નાખીશું એમ કહીને સમાધાન કરવા દબાણ કરતા હતા. જેનાથી ડરી ગયેલી કિશોરીએ આખરે ઘરમાં જ ગળેફાંસો ખાઈને જીવ કાઢી નાખ્યો હતો.

ઘટનાની જાણ થતા જ કિશોરીના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અને તેમણે પોલીસ પર આરોપીઓ પાસેથી રૂપિયા લઈને તેમને છાવરવાનો આરોપ લગાવ્યો હતો. એ પછી એસઓજીની ટીમ અને પોલીસે આવીને કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

કનૌજના ઈશમપુર ગામની 16 વર્ષની દલિત સગીરા સરસ્વતી જાટવ(નામ બદલ્યું છે.) 11 જુલાઈની સાંજે ગામની બહાર આવેલા ખેતરમાં કુદરતી હાજતે ગઈ હતી. ત્યારે જ બાજુના ગામ હજરતપુરના પુનીત રાજવીરસિંહ અને ભોલે ઓમપાલસિંહ ત્યાં બાઈક લઈને આવી પહોંચ્યા હતા અને સરસ્વતીનું અપહરણ કર્યું હતું અને તેને દિલ્હી લઈ ગયા હતા. જ્યાં બંનેએ ગેંગરેપ કર્યો હતો.

આ પણ વાંચો: વાત કંઈક અલગ અને વિચિત્ર કોર્ટ કેસની...

આ બાજુ દીકરી મોડે સુધી દીકરી ઘરે પરત ન આવતા તેના પિતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આરોપ છે કે પોલીસ કાર્યવાહી દરમિયાન 14 જુલાઈએ કિશોરી હજરતપુરની એક સ્કૂલમાં મળી હતી અને પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી હતી. પરિવારજનોનો આરોપ છે કે, હજરતપુરના આરોપી યુવકો પુનીત અને ભોલા તેમની દીકરીને તેમને ફોન કરીને સમાધાન કરી લેવાનું દબાણ કરતા હતા. જો એમ નહીં કરે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપતા હતા.

આરોપીઓના આવા સતત ટોર્ચરથી પરેશાન થઈને કિશોરીએ મંગળવારે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મામલાની જાણ થતા પોલીસ સ્ટેશનના પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓ સાથે ફોરેન્સિકની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને યુવતીના ઘરમાં તપાસ કરીને જરૂરી પુરાવાઓ એકઠાં કર્યા હતા. એસઓજીની ટીમ પણ મૃતક યુવતીના ઘરે પહોંચી ગઈ હતી.

બીજી તરફ યુવતીના પરિવારજનોએ પોલીસ પર આરોપીઓ પાસેથી રૂપિયા લઈને કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવી હોબાળો મચાવ્યો હતો. કિશોરીના ભાઈની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી અપાયો છે. બીજી તરફ કિશોરીએ આત્મહત્યા કરી હોવાની જાણ થતા જ આરોપીઓ પુનીત રાજવીરસિંહ અને ભોલે ઓમપાલસિંહ સાથે તેનો આખો પરિવાર ઘરને તાળું મારીને ફરાર થઈ ગયો છે અને પોલીસે હવે તેમની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો: દલિત મહિલા સામે પડોશી નિર્વસ્ત્ર થયો, દુઃખી મહિલાએ ગળેફાંસો ખાઈ લીધો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.