અમરેલીના 54 દલિત પરિવારો 42 વર્ષથી હકની જમીન માટે સંઘર્ષ કરે છે
અમરેલી જિલ્લાના એક ગામમાં અનુસૂચિત જાતિ સમાજના 54 પરિવારો છેલ્લાં 42 વર્ષથી પોતાના હકની જમીન માટે સરકારી બાબુઓ અને તંત્ર સામે લડી રહ્યાં છે.

ગુજરાત સહિત ભારતના કોઈપણ ગામમાં જઈને તમે ચેક કરશો તો ખ્યાલ આવશે કે મોટાભાગની જમીનોના માલિકો કથિત સવર્ણ જાતિના હશે. કોઈ ગામના પાદરમાં જઈને તમે ચેક કરશો તો તમને સમજાશે કે પાનના ગલ્લાથી લઈને સામાન્ય લારી ચલાવતી વ્યક્તિ પણ દલિત, આદિવાસી સમાજની નહીં હોય. કોઈપણ ગામના પાદરમાં રહેલી કરિયાણાથી લઈને અન્ય દુકાનોના નામ પરથી તમને સમજાઈ જશે કે તે ગામમાં કઈ જ્ઞાતિ-જાતિ કે ધર્મ પાળતા લોકોનું વર્ચસ્વ રહેલું છે. આ વર્ચસ્વ ધરાવતી જાતિઓ જ દલિતો, આદિવાસીઓના હાથમાં કાયમી કમાણીના સ્ત્રોત જેવી ખેતીની જમીન ન જાય તે માટે તત્પર રહેતી હોય છે. અને એટલે જ સરકારી રાહે દલિતો, આદિવાસીઓને મળેલી જમીનો પર પણ આ જ લોકો વર્ષોથી કબ્જો જમાવીને બેસી ગયા છે. દલિતો પાસે રાજકીય પીઠબળ નથી, સમાજના આગેવાનોની એટલી પહોંચ નથી કે તેઓ આવા લોકોને ન્યાય અપાવી શકે, તેમના હકની જમીનોનો પ્રત્યક્ષ કબ્જો અપાવી શકે. એટલે જાતિવાદી તત્વો તંત્રમાં બેઠેલા તેમની જાતિના લોકો અને રાજકીય આગેવાનોની મદદથી વર્ષો સુધી દલિતોના હકની જમીનો ગેરકાયદે રીતે ખેડતા રહે છે અને તેના અસલ માલિક એવા દલિતો કશું કરી શકતા નથી.
આવો જ એક મામલો હાલ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સરસીયા ગામમાંથી સામે આવ્યો છે. અહીં અનુસૂચિત જાતિ સમાજના 54 જેટલા પરિવારોને 42 વર્ષ પહેલા સાંથણીમાં મળેલી જમીનોનો પ્રત્યક્ષ કબ્જો સોંપવામાં આવ્યો નથી. આ મામલે તેમણે કલેક્ટરથી લઈને તમામ ઉચ્ચ અધિકારીઓએ અનેક વખત રજૂઆતો કરી, પણ તંત્ર કોઈ જ પગલાં લેતું નથી. આ મામલે અનુસૂચિત જાતિ સમાજના સામાજિક કાર્યકરોએ પણ લડત આપી છે, પણ હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી. ત્યારે હવે સરસીયા ગામના લોકોએ કરો યો મરોની સ્થિતિમાં આવી ગયા છે.
મામલો શું છે?
મળતી માહિતી પ્રમાણે અમરેલી જિલ્લાના સરસીયા ગામે અનુસૂચિત જાતિ સમાજના 54 પરિવારોને વર્ષ 1982માં સાંથણી હેઠળ જમીનો ફાળવવામાં આવી હતી. પણ આજ દિન સુધી તંત્ર દ્વારા તેનો પ્રત્યક્ષ કબ્જો સોંપવામાં આવ્યો નથી. ગામના માથાભારે તત્વોએ આ જમીનો પર ગેરકાયદે કબ્જો જમાવી દીધો છે અને તેના અસલ લાભાર્થીઓ માટે વહીવટી તંત્ર કશું કરી રહ્યું નથી.
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના સચિવના તા. 19-2-2018ના પરિપત્ર મુજબ ગુજરાતના દરેક જિલ્લાના દરેક તાલુકામાં રહેતા અનુસૂચિત જાતિના લોકોને સરકાર દ્વારા જમીન ફાળવણી અંગેના હુકમો થઇ ગયેલ હોય, પ્રત્યક્ષપણે કબજો મળેલ ન હોય અને જમીન ફક્ત કાગળ પર મળેલ હોય તેમને આ પરિપત્ર મુજબ તાત્કાલિક જમીનનો પ્રત્યક્ષપણે કબજો પોલીસ રક્ષણ સાથે આપવો જોઈએ. પણ અમરેલી જિલ્લા વહીવટી તંત્ર તેમના ઉપરી અધિકારીઓના આ પરિપત્રને ઘોળીને પી ગયું છે અને ચાર ચાર દાયકાઓથી સરસીયાના અનુસૂચિત જાતિ સમાજના લાભાર્થીઓને તેમના હકની જમીનનો પ્રત્યક્ષ કબ્જો સોંપી રહ્યું નથી.
આ પણ વાંચો: પાંજરાપોળો બંધાવનારા ગૌચરની જમીન પરના દબાણ વખતે કેમ ચૂપ રહે છે?
ગામમાં લુખ્ખા તત્વો કઈ હદે દાદાગીરી પર ઉતરી આવતા હોય છે તેનો એક નમૂનો અમરેલી જિલ્લાના જ એક ગામમાંથી મળે છે. અહીંના કેરીયા નાગસ ગામમાં પોલીસ રક્ષણ સાથે દલિત લાભાર્થીઓને તેમની જમીનનો પ્રત્યક્ષ કબ્જો સોંપાયો હતો. પણ ગામના જાતિવાદી લુખ્ખા તત્વોએ આ જમીનો તેમની પાસેથી આંચકી લીધી હતી અને ફરીથી તેના પર ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો. આ મામલે પણ તંત્ર કોઈ પગલાં લઈ રહ્યું નથી.
સામાજિક કાર્યકર અને નવસર્જન ટ્રસ્ટના કાર્યકર કાંતિલાલ પરમાર આ મામલે ખબરઅંતર.કોમ સાથે વિસ્તારથી વાત કરતા જણાવે છે કે, "સરસીયામાં છેક વર્ષ 1982માં સરકારે અનુસૂચિત જાતિના લોકોને જીવન નિર્વાહ માટે ફાળવેલ જમીનોનો હજુ સુધી કબ્જો કેમ સોંપવામાં આવ્યો નથી, સરકારે અનુસૂચિત જાતિના લોકોને ફાળવેલ જમીન પર હાલ કોનો કબ્જો છે? સરકારે અનુસૂચિત જાતિના લોકોને ફાળવેલ જમીન હકીકતમાં લાભાર્થીને મળેલ છે કે કેમ, સરકારના હુકમ બાદ પણ જમીન કેમ હજુ સુધી ફાળવવામાં આવેલ નથી? આ તમામ સવાલોનો સ્થાનિક અધિકારીઓ પાસે કોઈ જવાબ નથી."
કાંતિભાઈ વધુમાં જણાવે છે કે, "સરસીયામાં જમીનના આ મામલે રાજ્ય સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નિયામકે અમરેલી જિલ્લા કલેક્ટર પાસેથી એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો હતો અને કાર્યવાહી કરવા જણાવ્યું હતું, પરંતુ કલેક્ટરે આજ દિન સુધી આ પત્રનો અમને કોઈ જ જવાબ આપ્યો નથી, કે નથી સંબંધિત વિભાગ કે અધિકારીઓ દ્વારા પત્રની સૂચના મુજબ કાર્યવાહી કરી છે. પરિણામે રાજ્યના અન્ય જિલ્લાઓમાં (હાલ કચ્છ જિલ્લામાં પણ આ વિવાદ ચાલી રહ્યો છે.) થયું છે તેમ સરસીયામાં પણ ગામના માથાભારે તત્વોએ અનુસૂચિત જાતિ સમાજના આ પરિવારોના હકની જમીનો પર ગેરકાયદે કબ્જો જમાવી લીધો છે. અમરેલી કલેક્ટર કોઈ પગલાં લેતા નથી, લાભાર્થીઓને જમીનોનો પ્રત્યક્ષ કબ્જો સોંપવામાં તેમને કોનો ડર લાગે છે? જમીનો પર ગેરકાયદે કબ્જો જમાવનારા તત્વોને તેઓ ખદેડીને પોલીસ કાર્યવાહી કેમ નથી કરતા? આ તમામ સવાલોના જવાબો આજ નહીં તો કાલ તેમણે આપવા પડશે. કેમ કે, હવે સરસીયાના અનુસૂચિત જાતિ સમાજના પરિવારોએ કરો યા મરોની લડત શરૂ કરશે તેવા સંકેતો આપ્યા છે."
અહીં એ યાદ રાખવું રહ્યું કે, સંતોની ભૂમિ કહેવાતા સૌરાષ્ટ્રમાં દલિતો પર અત્યાચાર, આભડછેટના સૌથી વધુ બનાવો બને છે. સંતોને પૂજતા કથિત સવર્ણો જ્યારે દલિતોને તેમના હકો આપવાની અને તેમની સાથે સમાન વ્યવહાર કરવાની વાત આવે ત્યારે તેમનું પોત પ્રકાશે છે. આભડછેટ, જમીનો પડાવી લેવી, માર મારવો, જમીનો માટે ખૂન કરવું જેવા ગુનાઓનો એક આખો કાળો ઈતિહાસ સૌરાષ્ટ્રના લાખો ગામડાઓમાં ધરબાઈને પડ્યો છે. સરસીયામાં જમીનો પર માથાભારે તત્વોનો વર્ષોથી કબ્જો અને વહીવટી તંત્રની આ મામલે ઘોર બેદરકારી જ બતાવી આપે છે કે, તંત્ર અને તેમાં બેઠેલા બાબુઓને પણ દલિતોને તેમના હકની જમીનો મળે તેમાં રસ નથી.
આ પણ વાંચો: 11 દલિત પરિવારોની જમીન જિલ્લા શિક્ષણ અધિકારીએ પડાવી લીધી?