દલિતો લોભી છે, પૈસાની લાલચે દારૂ પહોંચાડે છેઃ બિહારના નશાબંધી મંત્રી
બિહારના નશાબંધી અને આબકારી વિભાગના મંત્રીએ દલિત સમાજને લઈને કહ્યું કે, તેઓ લોભી છે અને ગેરકાયદે દારૂની હોમ ડિલિવરી કરે છે.

બિહારના નશાબંધી અને આબકારી વિભાગના મંત્રી રત્નેશ સદાએ દલિતને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સીતામઢીમાં એક કાર્યક્રમ દરમિયાન રત્નેશ સદાએ કહ્યું કે દલિત સમાજ (એસસી એસટી)ના લોકો લોભી છે અને પૈસાની લાલચે દારૂની ગેરકાયદેસર ડિલિવરી કરે છે. તેમણે કહ્યું કે એસસી-એસટી કેટેગરીના લોકો ગેરકાયદે દારૂના ધંધા માટે કુખ્યાત છે. પૈસાની લાલચને કારણે આ સમાજના લોકો દારૂના ધંધામાં લાગી જાય છે. તેમની ગરીબીનો લાભ લઈને દારૂ માફિયાઓ તેમને દારૂ પહોંચાડે છે.
દલિત સમાજમાંથી આવતા મંત્રીએ જ સમાજને બદનામ કર્યો
રત્નેશ સદાએ જણાવ્યું હતું કે દલિત સમાજના મોટાભાગના લોકો અભણ છે. જેના કારણે દારૂ માફિયાઓ તેમનો દુરુપયોગ કરે છે. બિહારમાં દારૂની હોમ ડિલિવરી થઈ રહી છે, જેમાં દલિત સમાજના લોકો સામેલ છે. મંત્રીજીએ આ નિવેદન પાછું સીતામઢીના બખરી સ્થિત એક દલિત કોલોનીમાં આયોજિત કાર્યક્રમમાં આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે રત્નેશ સદા પોતે મહાદલિત સમાજમાંથી આવે છે.
દારૂ માફિયાઓ બચી જશે, દલિતો ફસાશેઃ મંત્રીજી
નશાબંધી ખાતાના મંત્રીએ કહ્યું કે, દલિત સમાજના લોકો બિહારમાં દારૂબંધી લાદ્યા પછી પણ બદનામ છે. આ લોકો નાસમજ, ગરીબ અને અભણ છે. આનો ફાયદો ઉઠાવીને દારૂ માફિયાઓ આ વર્ગના લોકો પાસે દારૂની હોમ ડિલિવરી કરાવે છે. જ્યારે આ લોકો પકડાય છે, ત્યારે તેઓ સીધા જેલમાં જાય છે, પરંતુ દારૂના મોટા દાણચોરો પોલીસથી બચી જાય છે.
જીતનરામ માંઝીએ પણ સવાલ ઉઠાવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ પણ રાજ્યમાં દારૂબંધીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બિહારમાં દારૂબંધી ખાલી નામની જ છે.
આ પણ વાંચો: કૉલેજેની ડિગ્રીથી કશું થવાનું નથી, પંચરની દુકાન ખોલો: ભાજપના ધારાસભ્ય
અહીં જજ, વકીલ, પીઆઈથી લઈને કોન્સ્ટેબલ સુધીના બધાં લોકો દારૂ પીવે છે. તેમણે કહ્યું હતું કે, આ લોકો દારૂ પીવે તો પણ તેમને કશું થતું નથી, પણ એક ગરીબ માણસ દારૂ પીએ તો તરત તેને પકડીને જેલમાં પુરી દેવામાં આવે છે.
દારૂબંધી પોલીસ માટે કમાણીનું સાધન?
ઉલ્લેખનીય છે કે, બિહારમાં જ્યારથી દારુબંધી લાગુ કરવામાં આવી છે ત્યારથી સતત કોઈને કોઈ રીતે આખો મામલો વિવાદમાં આવતો રહે છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દારૂબંધીનો અમલ થયા પછી અહીં દારૂની ડિમાન્ડ પહેલા કરતા પણ વધી ગઈ છે અને પોલીસ માટે આ કાયદો પૈસા કમાવાનો નવો નુસખો બની ગયો છે. પોલીસ ગરીબ લોકોને પકડીને તેમની પાસેથી પૈસા પડાવે છે, અને મોટા દારૂ માફિયાઓ હપ્તા ભરીને કરોડો રૂપિયાનો ધંધો કરે છે. આ જ વસ્તુ ગુજરાતમાં પણ દારૂબંધીની આડમાં થતી આવી છે. હવે તે કલ્ચર બિહારમાં પણ ફેલાઈ ગયું છે.
કોણ છે રત્નેશ સદા?
રત્નેશ સદા સહરસા જિલ્લાના સોનબરસા (અનામત) વિધાનસભા મતવિસ્તારમાંથી સતત ત્રીજી વખત JDU ધારાસભ્ય છે. રત્નેશે જેડીયુની ટિકિટ પર 2010 માં પ્રથમ વખત સોનબરસાથી ચૂંટણી જીતી હતી, ત્યારે તેમણે 56,633 મત મેળવ્યા હતા અને એલજેપીના સરિતા દેવીને 31,445 મતોથી હરાવ્યા હતા. 2015માં, રત્નેશ સદા 53,763 મતોથી ચૂંટણી જીત્યા હતા. 2020ની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર તરણી ઋષિદેવને 13,466ના અંતરથી હરાવીને ચૂંટણી જીતી હતી.
વર્ષ 2010થી સતત ચૂંટણી જીતતા આવ્યા છે
રત્નેશ સદાનું પૈતૃક ઘર સોનબરસા જિલ્લાના મહિશી તાલુકાના કુંડાહ પંચાયત હેઠળના બલિયા સીમરમાં છે. રત્નેશ સદા પોતે અનુસૂચિત જાતિના મુસહર સમુદાયમાંથી આવે છે અને સમાજમાં તેનો સારો પ્રભાવ માનવામાં આવે છે. આ જ કારણ છે કે 2010થી તેઓ સતત સોનબરસા (અનામત) વિધાનસભા મતવિસ્તારથી JDUની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે અને જીતી રહ્યા છે.
આ પણ વાંચો: જજ, કલેક્ટર, પોલીસ બધાં દારૂ પીવે છે, પણ જેલમાં ફક્ત ગરીબો જાય છે