દલિત સરપંચને સુરક્ષા આપવાનું પોલીસે 1.79 લાખ બિલ મોકલ્યું

મોરબીના એક ગામના દલિત સરપંચને જીવનું જોખમ હોઈ પોલીસ સુરક્ષા માંગી હતી. હવે પોલીસે તેમને સુરક્ષા આપવાનું લાખોનું બિલ મોકલ્યું છે, એ પણ જીએસટી સાથે.

દલિત સરપંચને સુરક્ષા આપવાનું પોલીસે 1.79 લાખ બિલ મોકલ્યું
રણમલપુરના સરપંચ પૂનાભાઈ, પોલીસ સુરક્ષા સાથે. image credit - khabarantar.com

જો તમે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ સમાજની વ્યક્તિ છો, તમને કોઈ જાતિવાદી તત્વોથી જીવનું જોખમ હોય, એ તમને મોકો મળ્યે ગમે ત્યારે મારી નાખવાની ધમકી આપતો હોય અને તમે એટ્રોસિટી એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ કર્યા બાદ પોલીસ રક્ષણ માંગો છો, તો પણ તમારે પોલીસ રક્ષણની આકરી કિંમત ચૂકવવી પડી શકે છે.

જી હા, પહેલી નજરે માન્યામાં ન આવે તેવી આ ઘટના હકીકતમાં બની છે, જ્યાં એક ગામના અનુસૂચિત જાતિ સમાજના સરપંચને ગામના જાતિવાદી માથાભારે તત્વોએ સરપંચ તરીકેના તેમના હોદ્દાનો ઉપયોગ કરીને ગામમાં પેવર બ્લોક નાખવાનું કામ કરતા અટકાવ્યા હતા. પટેલ જાતિના માથાભારે લોકોએ ફરિયાદી સરપંચને જાતિસૂચક ગાળો ભાંડી, પથ્થર માર્યા હતા. એક મહિલા તો સરપંચને લાકડી લઈને મારવા દોડી હતી.

આ જાતિવાદી ટોળકી સામે અનુસૂચિત જાતિના સરપંચે એટ્રોસિટી એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના પછી સરપંચને જાતિવાદી તત્વો સતત મારી નાખવાની ધમકી આપતા હોવાથી તેમણે પોલીસ રક્ષણ માંગ્યું હતું. 24 દિવસથી દલિત સરપંચ પોતાના ઘરે પોલીસ જાપ્તા વચ્ચે ભયના ઓથાર વચ્ચે જીવવા મજબૂર બન્યાં હતા.

આ પણ વાંચોઃ મોડાસાના કોલીખડના દલિત યુવકના મોતનું રહસ્ય હજુ પણ ઉકેલાયું નથી

અસલ ખેલ જો કે એ પછી શરૂ થયો. સ્થાનિક પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદ હોવા છતાં અનુસૂચિત જાતિના સરપંચને પોલીસ રક્ષણ પુરું પાડવા માટે રૂ. 1.79 લાખનું બિલ જીએસટી સાથે ભરી જવા માટે મોકલી આપ્યું હતું. તેના માટેની નોટિસ પણ સ્થાનિક પોલીસે સરપંચને મોકલી આપી હતી. જેમાં આ રકમ તાત્કાલિક ભરીને તેની એક કોપી પોલીસ સ્ટેશનને બે દિવસમાં જમા કરાવવા આદેશ કરાયો છે. આટલું મોટું બિલ જોઈને સરપંચના હોંશ ઉડી ગયા હતા. તેમની આર્થિક પરિસ્થિતિ એવી નથી કે તેઓ આટલું તોતિંગ બિલ ભરી શકે. જો કે, પોલીસ તેમની પાસેથી બિલ વસૂલવા મક્કમ છે. આથી મામલો ગૂંચવાયો છે.

ઘટના મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણમલપુર ગામની છે. અહીં અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા સરપંચ પૂનાભાઈ દેવાભાઈ રાઠોડને સ્થાનિક પોલીસે રક્ષણ પુરુ પાડવા અંતર્ગત રૂ. 1,78,963.52 ભરી જવાની નોટિસ પાઠવી છે. શું પોલીસને એ ખ્યાલ નહીં હોય કે, એટ્રોસિટી એક્ટ અંતર્ગત થયેલી કોઈપણ ફરિયાદમાં પીડિત પરિવારને જીવનું જોખમ હોય તો તેને સુરક્ષા પુરી પાડવી તેમની ફરજ છે? આમ પણ દેશના નાગરિક તરીકે જ્યારે તમારા પર જીવનું જોખમ હોય અને તમારે પોલીસની સુરક્ષા મેળવવી પડે તે બાબત જ પોલીસ માટે નીચાજોણું બની રહે તેવી છે. કોઈ માથાભારે તત્વો એક નિર્દોષ વ્યક્તિને ધમકી આપે અને પોલીસ તેને કશું ન કરી શકે તે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો પેદા કરે છે. જો કે, અહીં પોલીસે આરોપીઓ સામે પગલાં લેવાને બદલે 2 પોલીસ જવાનોને સુરક્ષા માટે ફરિયાદના ઘરે બેસાડીને સંતોષ માની લીધો હતો અને ઉપરથી લાખોનું બિલ વસૂલવા નોટિસ મોકલી દીધી છે.

આ પણ વાંચો: દલિત સરપંચને ઝાડ સાથે બાંધીને માર માર્યો, ગામ છોડવું પડ્યું

24-24 દિવસ સુધી કોઈ ગામના સરપંચને પોલીસે સુરક્ષા પુરી પાડવી પડે, તે વાસ્તવમાં પોલીસની નિષ્ફળતા સૂચવે છે. તે સ્પષ્ટ કરે છે કે, અહીં નાગરિકો સુરક્ષિત નથી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે. પોલીસ માથાભારે તત્વો સામે પગલાં લઈ શકતી નથી, આ પરિસ્થિતિને સુધારવાને બદલે ઉલટાનું પીડિતને સુરક્ષા પુરી પાડવાનું બિલ વસૂલવામાં લાગેલી છે. એટ્રોસિટી એક્ટને બાજુમાં રાખીને વિચારીએ તો પણ, આ દેશના નાગરિક તરીકે આપણને પોલીસ રક્ષણ મેળવવાનો અધિકાર ખરો કે નહીં, શું તેના માટે પણ હવે લોકોએ અલગથી રૂપિયા ચૂકવવા પડશે?

હાલ હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.આઈ. વ્યાસની સહીથી પીડિત પૂનાભાઈને નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં તેમને 24 દિવસ પોલીસ રક્ષણ મળ્યું તે પેટે રૂ. 1.79 લાખ જેટલી રકમનું બિલ ભરી જવા કહેવાયું છે. 1 ઓગસ્ટ 2024ના રોજ હળવદ પોલીસ દ્વારા ફરિયાદીને આપવામાં આવેલી નોટિસમાં આટલી મોટી રકમ જમા કરાવી જવા કહેવાયું છે. જેનો આધાર (૧) મી ના પી અધિ. શ્રી.વાકાનેર નાઓના જા.નં.૯૬/૨૦૨૪ તા.૧૨/૦૭/૨૦૨૪ અન્વયે અને (2)ગુજરાત રાજ્ય માલ અધિશ ના બેચખારસી/૨૦૨૪//MAB/૧૨/લીગલ-૨ તા.૨૫/૦૭/૨૦૨૪ અન્વયે ટાંકેલ છે.

હળવદ પોલીસે નોટિસમાં વધુમાં લખ્યું છે કે, તા.૧૨/૦૭/૨૪ ના ફરિયાદીના મેસેજના આધારે રણમલપુર સ્થિત તેમના ઘરે પોલીસ બંદોબસ્ત રાખવાની અરજી કરી હતી. એ પછી તેમને 24 દિવસ સુધી ઓન પેમેન્ટ બંદોબસ્ત આપવામાં આવ્યું હતું. જેમાં 1 પોલીસ કોન્સ્ટેબલ અને 1 જીઆરડી જવાન મળી કુલ 2 સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે. તેથી આ પોલીસકર્મીઓના નાણાં સરકારના CGST 9% તથા SGST 9% મળી કુલ 18% જી.એસ.ટી સાથે ભરી જવાના રહેશે. તેની એક ચલણની નકલ પોલીસ સ્ટેશને બે દિવસમાં ફરજિયાત રજૂ કરવાની રહેશે.

આ પણ વાંચો: EWS ક્વૉટાનો લાભ ફક્ત જનરલ કેટેગરીને જ કેમ?, મધ્યપ્રદેશ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો

ઉપરોક્ત પત્રના સંદર્ભમાં કેટલાક પાયાના સવાલો ઉભા થાય છે.

(1) શ્રી રાઠોડ પૂનાભાઇ દેવાભાઇ, ઉ. વ. પુખ્ત, રહે. રણમલપૂર તા. હળવદ જી.મોરબી, ગુજરાત રાજ્યમાં પરિવાર સાથે જન્મથી રહે છે અને ભારતના નાગરિક છે.

(2)અરજદાર અનુસૂચિત જાતિમાંથી આવે છે.

(3)અરજદાર ગામે સરપંચ તરીકેની સેવા/ફરજ બજાવે છે.

(4) અરજદાર પર થયેલા અત્યાચાર ભેદભાવના મુદ્દે હળવદ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદી તરીકે ફરિયાદ નોંધાવેલ છે.

(5)અરજદાર પર હુમલો થવાની પુરેપુરી શક્યતા હોવાને લીધે અને તેમના જીવને જોખમ હોવાના લીધે ગુજરાત સરકારના પોલીસ તંત્ર સમક્ષ પોલીસ રક્ષણ માંગેલ હતું.

(6) અરજદાર પર જીવનું જોખમ હોવાના કારણે તેમજ તેઓ પર અત્યાચાર થવાના કારણે તેમજ તેઓના માનવ અધિકારોના ભંગના બનાવામાં અરજદારે તેમને પોલીસ રક્ષણ મળે તે માટે રાજ્ય માનવ અધિકાર આયોગ, ગાંધીનગર ખાતે પણ તેઓના માનવ અધિકારોના રક્ષણ માટે ફરિયાદ કરેલ હતી.

આ પણ વાંચોઃ બિમાર હોવાથી વાલ્મિકી યુવકે ગામના પ્રસંગમાં ઢોલ ન વગાડ્યો તો બહિષ્કાર કરાયો

(7) અરજદાર અનુસૂચિત જાતિના છીએ, તેઓને જ્ઞાતિ આધારિત ભેદભાવ રાખી તેઓના સરપંચ તરીકેના હોદ્દાનો સત્તાનો ઉપયોગ કરતા અટકાવેલ જેથી તેઓ એક અનુસૂચિત જાતિના સભ્ય તરીકે અત્યાચાર પીડિત છે જેથી તેઓને એટ્રોસિટી એક્ટની જોગવાઈઓ મુજબ વિના મુલ્યે સરકાર તરફથી પોલીસ રક્ષણ મેળવવા હક્કદાર છે.

(8) અરજદારને પીઆઈ હળવદ, પોલીસ સ્ટેશનની કચેરી દ્વારા તા.૦૯/૦૭/૨૦૨૪ થી તા.૦૧/૦૮/૨૦૨૪ દિન-૨૪ માટે આપેલ પોલીસ રક્ષણ અંગેનું બિલ તેઓ અનુસૂચિત જાતિના હોઈ અને અરજદાર આ બિલ ભરવા સક્ષમ નથી જેથી સક્ષમ ઓથોરિટી દ્વારા માંડવાળ કરવું જોઈએ.

(9) અરજદાર અનુસૂચિત જાતિના અત્યાચાર પીડિત હોઈ જેથી તેઓના રક્ષણ માટે એટ્રોસિટી એકટમા જોગવાઈ કરેલ હોઈ જેને લઈને તેઓને પોલીસ રક્ષણ આપવાની જવાબદારી રાજ્ય સરકારની હોઈ સરકારને અરજદારના રક્ષણ માટે ફી/બિલ ભરવાની જરૂરિયાત રહેતી ન હોય જેથી બિલ માંડવાળ કરવું જોઈએ.

(10) અનુસૂચિત જાતિના અત્યાચારનો ભોગ બનેલ પીડિત અને તેના પરિવાર તથા સાક્ષીઓને હિંસા સામે પોલીસ રક્ષણ આપવા માટેની કલમ 15A(1)માં જોગવાઈઓ કરવામાં આવી છે.

આ મામલે વધુ વિગતો માટે ખબરઅંતર.કોમ દ્વારા પીડિત પૂનાભાઈ રાઠોડનો ટેલિફોનિક સંપર્ક કરવા પ્રયત્ન કરાયો હતો. પણ તેમનો મોબાઈલ નંબર હાલ બંધ હોવાથી વાત થઈ શકી નહોતી.

આ પણ વાંચોઃ ખેતરમાં દવા છાંટવા ન ગયો તો દલિત યુવકને બૂટમાં પેશાબ ભરીને પીવડાવ્યો

શું એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં ફરિયાદીએ પોલીસ સુરક્ષા માટે પણ રૂપિયા ખર્ચવા પડે? આ સવાલના જવાબમાં સિનિયર એડવોકેટ પિયુષ જાદુગર ખબરઅંતર.કોમ સાથે વાત કરતા કહે છે કે, "એટ્રોસિટી એક્ટમાં જો ફરિયાદને જીવનું જોખમ હોય તો પોલીસ રક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવેલો છે. જો કે, તેમાં તેના માટે કોઈ ચાર્જ વસૂલવા અંગે સ્પષ્ટતા નથી, જેના કારણે ઘણીવાર આવી પરિસ્થિત પેદા થતી હોય છે. જો કે, તેમ છતાં ભારતના એક નાગરિક તરીકે તે પોતાના જીવના જોખમ મુદ્દે પોલીસની સુરક્ષા માંગી જ શકે છે. આમ જોવા જઈએ તો રણમલપુરની આ ઘટના પોલીસ માટે નીચાજોણું કરાવે તેવી છે. કેમ કે, કોઈ ગામમાં માથાભારે તત્વોના ત્રાસથી એક ફરિયાદીએ 24-24 દિવસ સુધી પોલીસ રક્ષણ માંગવું પડે, તે અહીં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ દર્શાવે છે. હકીકતે પોલીસે પહેલા આવા માથાભારે તત્વોની સાન ઠેકાણે લાવવી જોઈએ. જેથી સામાન્ય માણસને પોલીસ સુરક્ષાની જરૂર જ ન પડે."

એડવોકેટ પિયુષ જાદુગર વધુમાં જણાવે છે કે, "એટ્રોસિટી એક્ટની કલમ 15A જેમાં પીડિત અને સાક્ષીઓના અધિકારો વિશે વાત કરવામાં આવી છે તેમાં 26 જાન્યુઆરી 2016ના સુધારા મુજબ પીડિત, તેના આશ્ચિતો અને સાક્ષીઓને કોઈપણ પ્રકારની ધમકી, બળજબરી, પ્રલોભન, હિંસા, હિંસાની ધમકીઓના મામલામાં તેમને રક્ષણ આપવા માટે વ્યવસ્થા કરવાની રાજ્ય સરકારની જવાબદારી અને ફરજ રહેલી છે. એટ્રોસિટીના કેસોમાં જો આરોપી સાબિત થાય તો આરોપીની સંપત્તિ જપ્ત કરવાનો અને ત્રણ વર્ષ સુધી તડિપાર કરવાની પણ જોગવાઈ રહેલી છે. જો સરકાર ઈચ્છે તો તેની સંપત્તિને તોડી પણ પાડી શકે. મને લાગે છે આ તમામ બાબતોને ધ્યાને લઈને ફરિયાદીએ પોલીસ તંત્ર સમક્ષ રજૂઆત કરવીને ન્યાય માંગવો જોઈએ."

અહેવાલ વિશેષ માહિતીઃ કાંતિલાલ પરમાર, સામાજિક કાર્યકર, અમદાવાદ

આ પણ વાંચો: અનામતના કારણે ભલે તું સરપંચ બન્યો, કામ અમારી મરજી મુજબ થશે...


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • PRABHUBHAI.P.BHADRU
    PRABHUBHAI.P.BHADRU
    SC
    2 months ago
  • Jivan mayatra
    Jivan mayatra
    અહો આશ્ચર્ય થયું..... મેં મારી આટલી ઉંમરમાં આવું પહેલીવાર સાંભળ્યું, વાંચ્યું. તમને વિનંતી છે કે તમે હળવદ પીઆઇ પાસેથી આરટીઆઇ કરીને માહિતી મેળવો કે આવું કઈ કલમ કે નિયમો ને આધારે બિલ તૈયાર કરવામાં આવેલ છે. જોકે હું પણ આરટીઆઇ કરવાનો છું.
    2 months ago