"યાદ રાખજે! જ્યાં મળીશ ત્યાં જ મારી નાખીશ" અને એવું જ થયું...
કથિત સવર્ણ જાતિની યુવતીએ આદિવાસી યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. એ પછી પરિવારે તેની સાથે જ કર્યું તે રૂંવાડા ઉભા કરી દે છે.
જાતિવાદ તોડવા માટેનું સૌથી કારગર શસ્ત્ર આંતરજાતિય લગ્નોને માનવામાં આવે છે. પણ મનુવાદી વર્ણવ્યવસ્થાને કાયમી રાખવા માટેનો ઠેકો જેઓ લઈને ફરે છે તેઓ આવા લગ્નો મામલે ભારે કટ્ટરતા દાખવે છે અને એવું ઉદાહરણ સ્થાપિત કરવા મથતા રહે છે, જેથી ફરી કોઈ છોકરો કે છોકરી પોતાની જ્ઞાતિ, સમાજની બહાર લગ્ન કરતા સો વાર વિચાર કરે છે.
આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ગામમાં એક કથિત ઉચ્ચ જાતિની યુવતીએ આદિવાસી ભીલ સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. એ વખતે યુવતીના પરિવારજનોએ તેને ધમકી આપી હતી કે, "યાદ રાખજે, તેં લગ્ન ભલે તારી મરજીથી કરી લીધા પણ હવે તું જ્યાં પણ મળીશ ત્યાં તને મારી નાખીશું."
અને થયું પણ એવું જ. યુવતી તેના પતિ સાથે બજારમાં ખરીદી કરવા માટે બેંકમાંથી રૂપિયા ઉપાડવા માટે આવી હતી ત્યારે તેના પરિવારના કોઈ વ્યક્તિની નજરે ચડી ગઈ. એ પછી તેનું અપહરણ કરવામાં આવ્યું અને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી. એટલું જ નહીં પોલીસને આખા મામલાની ગંધ પણ ન આવે તે માટે યુવતીના અંતિમ સંસ્કાર પણ કરી દીધા. જો કે, યુવતીના પતિએ પોલીસમાં જાણ કરતા આખરે પોલીસ સ્મશાને પહોંચી હતી અને યુવતીના અર્ધ બળેલા શબનો કબ્જો લઈને તપાસ હાથ ધરી હતી.
રાજસ્થાનને મહિલાઓ, બહેન, દીકરીઓ માટે નર્ક શા માટે ગણવામાં આવે છે તેનો વધુ એક પુરાવો આ ઘટના છે. મામલો ઝાલાવાડ જિલ્લાના જાવર પોલીસ સ્ટેશનના શૌરતી ગામનો છે જ્યાં ઓનર કિલીંગનો આ ક્રૂર મામલો સામે આવ્યો છે. અહીં યુવતીના પ્રેમ લગ્નથી નારાજ તેના પરિવારજનોએ તેને શોધીને તેની હત્યા કરી નાખી હતી. પરિવારજનોએ બેંકમાં રૂપિયા ઉપાડવા આવેલી યુવતીને ઉપાડી લીધી અને તેને ઘરે લઈ જઈ તેને મોતને ઘાટ ઉતારી દીધી. એ પછી તેઓ છાનામાના તેની અંતિમવિધિ કરી રહ્યા હતા. યુવતીની લાશ આખી સળગી પણ નહોતી એ પહેલા પોલીસ આવી પહોંચી. પોલીસને જોતા જ આરોપીઓ ભાગી ગયા. એ પછી પોલીસે સ્મશાનમાં યુવતીની સળગતી લાશને પોતાના કબ્જામાં લઈને તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે યુવતીનું નામ શિમલા કુશવાહા હતું અને તેણે એક વર્ષ પહેલા ગામના જ આદિવાસી સમાજના યુવક રવિ ભીલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. છ મહિનાથી બંને બારા જિલ્લામાં ક્યાંક રહેતા હતા.
આ પણ વાંચો: તું અમારા પર જાદુટોણાં કેમ કરે છે કહી પાંચ લોકોએ દલિત યુવકને ફટકાર્યો
એક દિવસ શિમલા બેંકમાંથી પૈસા ઉપાડવા માટે પોતાના પતિ રવિ ભીલ સાથે બારા જિલ્લાના હરનાવડાની સેન્ટ્રલ બેંકમાંથી પૈસા ઉપાડવા માટે આવી હતી. જ્યાં તેને તેના પરિવારજનોએ જોઈ લીધી હતી. એ પછી તરત તેમણે ભેગાં થઈને બળજબરીથી તેનું અપહરણ કર્યું હતું અને પોતાની સાથે લઈને ભાગી ગયા હતા. એ દમરિયાન તેમણે યુવતીના પતિ રવિ ભીલને પણ મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ભગાડી દીધો હતો અને તરત પોતાના ઓળખીતાઓને ઘટનાની જાણ કરી દીધી હતી.
દસ્તાવેજો પરથી મળતી માહિતી પ્રમાણે શિમલા કુશવાહા અને રવિ ભીલે ગત તા. 17 જુલાઈ 2023ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. બંનેએ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જઈને આર્ય સમાજમાં પહેલા વિધિવત રીતે લગ્ન કર્યા હતા અને પછી ત્યાં જ લગ્ન નોંધણી ઓફિસમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા.
પોલીસ અધિકારી જયપ્રકાશ અટલના જણાવ્યા પ્રમાણે યુવતીના પતિ રવિ ભીલની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી તો સીસીટીવી ફૂટેજમાં તેના પરિવારજનો તેને બળજબરીથી સાથે લઈ જતા જોવા મળ્યા હતા. તેઓ તેને તેમના ગામ શૌરતી તરફ લઈ જતા જોવા મળ્યા હતા. એ પછી પોલીસ ત્યાં પહોંચી તો ખ્યાલ આવ્યો કે હરનાવડા પોલીસ પણ ત્યાં તપાસ માટે પહોંચી ગઈ છે. પોલીસ સ્મશાનમાં પહોંચી તો આરોપીઓ તેમને જોઈને ભાગી ગયા અને જોયું તો યુવતીની લાશ સળગી રહી હતી. પોલીસે તેને જેમતેમ કરીને પોતાના કબ્જામાં લઈને તપાસ શરૂ કરી છે.
યુવતીના પતિ રવિ ભીલનું કહેવું છે કે, શિમલાને ઉપાડી જવામાં ચારથી પાંચ લોકો સામેલ હતા અને તેમણે જ તેની હત્યા કરી છે. પોલીસને જે સીસીટીવી ફૂટેજ મળ્યા છે તેમાં અંદાજે 6 લોકો યુવતીનું અપહરણ કરતા દેખાય છે. તેમાં તેના પિતા કજોડીલાલ કુશવાહા, એક યુવતી સહિતના લોકો સામેલ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવતી શિમલાની હરનાવડામાં જ ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી છે. તેના 80 ટકા બળી ગયેલા મૃતદેહને મેડિકલ બોર્ડ પાસે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ઘરેથી દવા લેવા નીકળેલી દલિત મહિલા પર 7 લોકોએ બળાત્કાર કર્યો