સાબરકાંઠાના ઈડર, વડાલી, વિજયનગર સહિતના શહેરો સંપૂર્ણ બંધ રહ્યાં

એસસી-એસટી અનામતમાં પેટાવર્ગીકરણના સુપ્રીમ કોર્ટના ચૂકાદાના વિરોધમાં આપવામાં આવેલા ભારત બંધને સાબરકાંઠા જિલ્લાના તમામ શહેરોમાં જોરદાર સમર્થન મળ્યું હતું.

સાબરકાંઠાના ઈડર, વડાલી, વિજયનગર સહિતના શહેરો સંપૂર્ણ બંધ રહ્યાં

સુપ્રીમ કોર્ટના સવર્ણ જજો દ્વારા એસસી-એસટી સમાજની અનામતમાં કોઈપણ પ્રકારના ડેટા વિના તેનું પેટાવર્ગીકરણ કરવા અને ક્રીમીલેયર દાખલ કરવાના ચૂકાદાના વિરોધમાં આજે દેશભરમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ પ્રચંડ જનસમર્થન મળ્યું હતું. અહીં વાત સાબરકાંઠા જિલ્લાની કરીએ. જ્યાં દલિત અને આદિવાસી સંગઠનોએ સાથે મળીને સમગ્ર જિલ્લામાં બંધને મજબૂત જનસમર્થન પ્રાપ્ત કરાવ્યું હતું.

ઈડર ખાતે જય ભીમ યુવા સંગઠન અને એકલવ્ય ટ્રાઈબલ યુવા સંગઠન દ્વારા બંધની આગેવાની લેવામાં આવી હતી. જેને વિવિધ સંગઠનો અને સમસ્ત એસસી, એસટી સમાજે ટેકો આપ્યો હતો. અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના સંગઠનના અગ્રણીઓ અને યુવાનો જૂના પોલીસ સ્ટેશનના સંવિધાન ચોક ખાતે એકત્ર થઈ ઈડર ટાવરથી રેલી સ્વરૂપે તિરંગા સર્કલ પાસે આવેલ ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ બેસી સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ અનામત બચાવોના પોસ્ટરો અને બેનરો સાથે ઈડર પ્રાંત કચેરી ખાતે જઈ વિવિધ માંગણીઓને લઈ આવેદનપત્ર સ્વરૂપે રજૂઆત કરી, તેને રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા માંગ કરી હતી.

આ પણ વાંચો: બાબાસાહેબ થિયરી છે તો માન્યવર પ્રેક્ટિકલ છે

આવેદનપત્રમાં કહેવાયું હતું કે, સર્વોચ્ચ અદાલત દ્વારા પંજાબ સરકાર/રાજ્ય સરકારના સંદર્ભમાં આપવામાં આવેલા ચુકાદામાં રાજ્યોને SC(અ.જા.), ST(અ.જ.જા.) કેટેગરીના અનામતના લાભોમાં વર્ગીકરણની અનુમતી આપવામાં આવી છે. આ ચુકાદા થકી SC(અ.જા.), ST(અ.જ.જા.) કેટેગરીની જાતિઓમાં આર્થિક માપદંડ દાખલ કરી તેમની કેટેગરી બનાવવા અને તે પ્રમાણે/આર્થિક ધોરણે અનામત લાગુ કરવા રાજ્યોને જે પાવર આપવામા આવ્યા છે તે બંધારણના વિરુદ્ધમા છે. આ વર્ગ/કેટેગરીમાં જાતિઓના સ્વીકાર-અસ્વીકારની સત્તા બંધારણીય રીતે આર્ટિકલ ૩૪૧ મુજબ રાષ્ટ્રપતિ છે.

આ પણ વાંચો: માન્યવર કાંશીરામના એ 10 ક્રાંતિકારી વિચારો, જે આજેય એટલા જ સત્ય સાબિત થઈ રહ્યાં છે

તેમ છતાં સુપ્રિમ કોર્ટ દ્વારા આ કેટેગરીમાં પેટા વર્ગીકરણનો અને અનામત વ્યવસ્થાના વિભાજનની તરફેણ કરતો ચૂકાદો આપી પોતાની સત્તા બહારનો નિર્ણય કરેલો છે, જે દેશની અનુસુચિત જાતિઓ તથા જનજાતિઓ માટે વિભાજનકારી તથા ઘાતક પુરવાર થઈ શકે છે. સાથે જ એસસી, એસટી સંગઠનોએ આવેદનપત્રમાં આ ચુકાદાને નિરસ્ત કરી, બંધારણીય પદ્ધતિને અનુસરી ઘટતું કરવા રજૂઆત કરાઈ હતી.

એસસી, એસટી સમાજના સમર્થનમાં સાબરકાંઠા જીલ્લાના ઈડરમાં બજારો સંપૂર્ણ બંધ રહ્યા હતા. આવી જ અસર અહીંના અન્ય શહેરો, વડાલી, વિજયનગરમાં પણ જોવા મળી હતી જ્યાં બજારો સંપૂર્ણ બંધ રહ્યા હતા. ઈડરમાં એસસી- એસ.ટી સમાજના સમર્થનમાં સૌ કોઈએ શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે બંધ પાળી ટેકો આપ્યો હતો.

આ પણ વાંચો: 'જય શ્રીરામ' સામે 'જય ભીમ'નો નારો કેવી રીતે ભારે પડ્યો?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.