દલિત મહિલાના મોં પર પેશાબ કર્યો, ઝૂંપડી અને ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું

પૂર્વ સરપંચ અને તેના પુત્ર-સાગરિતોનું કારસ્તાન. દલિત પરિવારની ઝૂંપડી તોડી નાખી, ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું. પરિવારની મહિલાના મોં પર પેશાબ કર્યો.

દલિત મહિલાના મોં પર પેશાબ કર્યો, ઝૂંપડી અને ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું
image credit - Google images

જાતિવાદી તત્વો જ્યારે હલકાઈ પર ઉતરી આવે ત્યારે તેમને માણસાઈનું પણ ભાન રહેતું નથી હોતું. લાજ શરમ નેવે મૂકીને આવા તત્વો કાયદો વ્યવસ્થાની પરવા કર્યા વિના હલકાઈ પર ઉતરી આવતા હોય છે. આવું થાય ત્યારે નિર્દોષ લોકોનો મરો થઈ જતો હોય છે. આ ઘટનામાં પણ કંઈક આવું જ થયું છે. મામલો મધ્યપ્રદેશનો છે. અહીં એક દલિત પરિવાર સાથે માથાભારે સરપંચ અને તેના પુત્ર તથા સાગરિતો દ્વારા દાદાગીરી કરી માર મારવાનો મામલો સામે આવ્યો છે. પરિવારનો આરોપ છે કે લુખ્ખા તત્વોએ તેમની ઝૂંપડી પર ટ્રેક્ટર ચલાવ્યું અને ઘઉંના ઉભા પાકનો પણ નાશ કર્યો. સૌથી આઘાતજનક બાબત એ રહી કે, આરોપીઓએ મહિલાઓની હાજરીમાં તેના પરિવારના સભ્યોના મોં પર પેશાબ કરવાનો અને તેમને વીજળીના ઝાટકા આપવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

ઘટના મધ્યપ્રદેશના ગુના જિલ્લાના સિરસી પોલીસ સ્ટેશન વિસ્તારના કરીલી ગામની છે. અહીં માથાભારે તત્વોએ એક દલિત સહરિયા પરિવાર પર હુમલો કરી દીધો હતો. બે ટ્રેક્ટરમાં આવેલા 15-20 લોકોએ તેમના ઝૂંપડા પર ટ્રેક્ટર ચડાવી દીધું હતું. અચાનક થયેલા આ હુમલાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. જે બાદ ગુંડાઓએ તેમને બંધક બનાવીને માર માર્યો હતો.

આ પણ વાંચોઃ બંદૂક બતાવી લુખ્ખાઓએ દલિત યુવકની જાન રોકી, ડીજે બંધ કરાવી તોફાન મચાવ્યું

પીડિત મહિલાએ જણાવ્યું કે તે તેનો પતિ હરિ સિંહ, પુત્ર સોનુ, દિયર જ્ઞાની સિંહ, ભત્રીજો રાજુ, ભાભી વિદ્દી બાઈ બરખેડા કેનાલ પાસે આવેલી તેમની ખેતીની જમીન પર બનેલી ઝૂંપડીમાં સૂતા હતા. એ દરમિયાન પૂર્વ સરપંચ, તેમના બે પુત્રો અને તેમના 15-20 સંબંધીઓ બે ટ્રેક્ટર ભરીને અહીં આવી પહોંચ્યા હતા. આ લોકોએ તેમના 10 વીઘાના ઉભા ઘઉંના પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું હતું. એટલું જ નહીં તેમની ઝૂંપડી ઉપર પણ ટ્રેક્ટર ફેરવી દીધું હતું. આરોપીઓ આખા પરિવારને વીજળીના ઝાટકા આપીને મારી નાખવા માંગતા હતા, પણ વીજળી ગુલ થઈ જવાથી તેઓ એવું કરી શક્યા નહોતા. એ પછી એક લુખ્ખાએ તેના ચહેરા પર પેશાબ કર્યો. સાથે જ તેણે મહિલાને ધમકી આપી કે જો તે પોલીસને જાણ કરશે જાનથી મારી નાખીશ. જો કે, ન્યાયમાં વિશ્વાસ ધરાવતી દલિત મહિલાએ પોલીસને જાણ કરી દીધી હતી. સવારે જ્યારે પોલીસ આવી ત્યારે તેઓ મહિલના પતિ હરિ સિંહ, દિયર જ્ઞાની સિંહ અને ભત્રીજા રાજુને ઘટનાની માહિતી મેળવવા પોલીસ સ્ટેશન લઈ ગયા.

એડિશનલ એસપી માનસિંહ ઠાકુરે જણાવ્યું કે જમીન વિવાદમાં બંને પક્ષો તરફથી કેસ નોંધવામાં આવ્યો છે. (એટ્રોસિટીના મોટાભાગના કેસોમાં હવે પોલીસ પીડિતોને હેરાન કરવા માટે તેમની સામે પણ કેસ નોંધવા માંડી છે.) જ્યારે મહિલાના મોં પર પેશાબ કરવાના મામલાની તપાસ ચાલી રહી છે. એએસપીએ કહ્યું કે આ સહારિયા સમાજના લોકો છે. તેમનો જૂનો જમીન વિવાદ ચાલી રહ્યો છે. આ બાબતે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. તેના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. તેમના દ્વારા કરવામાં આવેલા આરોપોની તપાસ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ સરપંચના છોકરાએ 10 સાગરિતો સાથે મળી દલિત યુવકની હત્યા કરી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Makwana Girish bhai
    Makwana Girish bhai
    Dhiru bhai apne khub khub abhinandan
    6 months ago
  • Anil
    Anil
    સરપંચ અને તેના પુત્ર ને આજીવન જેલ હવાલે કરો
    6 months ago
  • Anil
    Anil
    આ સરપંચ અને તેના પુત્ર ને આજીવન જેલ ને હવાલે કરો
    6 months ago