જસ્ટિસ નરીમને મસ્જિદ નીચે મંદિર શોધતા કેસો રોકવાનો ઉપાય બતાવ્યો

દેશભરમાં મનફાવે તેમ મસ્જિદ નીચે મંદિર હોવાના દાવાઓ કરતી અરજીઓ થઈ રહી છે, તેને રોકવા માટે જસ્ટિસ રોહિંટન નરીમને એક સ્પષ્ટ ઉપાય જણાવ્યો છે. 

જસ્ટિસ નરીમને મસ્જિદ નીચે મંદિર શોધતા કેસો રોકવાનો ઉપાય બતાવ્યો
image credit - Google images

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રોહિંટન નરીમને દેશભરમાં એક પછી એક મસ્જિદો વિરુદ્ધ કેસ દાખલ થતા રોકવાનો ઉપાય સૂચવ્યો છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે અયોધ્યા કેસમાં સર્વોચ્ચ અદાલતનો ચુકાદો ન્યાયતંત્રની મજાક હતો, પરંતુ વર્ષ 1991ના પૂજા સ્થાન અધિનિયમની પુષ્ટિ કરનારા પાંચ પાના એક આશાનું કિરણ છે. તેમણે કહ્યું કે ચુકાદાના એ પાંચ પાના દેશભરની નીચલી કોર્ટો અને હાઈકોર્ટોમાં વાંચવા જોઈએ.

જસ્ટિસ નરીમને વધુમાં જણાવ્યું હતું કે, અયોધ્યા વિવાદ પર બંધારણીય બેંચના ચુકાદાના તે પાંચ પાના દેશભરમાં ચાલી રહેલા એ તમામ કેસોનો જવાબ છે, જેમાં અગાઉ કથિત રીતે મંદિરની ઉપર બનાવવામાં આવેલી મસ્જિદોના સર્વેની માંગ કરવામાં આવી છે. 

જસ્ટિસ નરીમને કહ્યું, 'આ જ બંધારણીય બેંચ આવા કેસો મામલે પાંચ પાના ખર્ચીને કહી ચૂકી છે કે, સેક્યુલરિઝમમાં આ જ યોગ્ય છે અને તે મૂળભૂત માળખાનો એક ભાગ છે. તમે પાછળ નથી જઈ શકતા, તમારે આગળ જોવું પડશે.'

જસ્ટિસ નરીમન અહમદી ફાઉન્ડેશનના ઉદ્ઘાટન પ્રવચનમાં બોલી રહ્યા હતા, જે ભારતના 26માં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અઝીઝ મુશબ્બર અહમદીની યાદમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, વિવિધ ધાર્મિક સંરચના સામે આવા દાવાઓને રોકવા માટે તે પાંચ પાના દેશની દરેક જિલ્લા કોર્ટ અને હાઈકોર્ટમાં વાંચવા જોઈએ.

અહીં એ યાદ રાખવું જોઈએ કે, મસ્જિદોની નીચે મંદિર હોવાનો દાવો કરવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. અજમેરમાં ઐતિહાસિક 'અઢાઈ દિન કા ઝોંપડા' માટે પણ આવી જ માંગ ફરી ઉઠી છે. તે રાજ્ય અને દેશની સૌથી જૂની મસ્જિદોમાંની એક છે. અજમેરના ડેપ્યુટી મેયર નીરજ જૈને દાવો કર્યો છે કે અહીં એક સંસ્કૃત કોલેજ અને મંદિરના પુરાવા મળ્યા છે.

આ પણ વાંચો: નવું કાવતરું: 1991ના પ્લેસ ઓફ વર્શીપ એક્ટ વિરુદ્ધ સુપ્રીમમાં અપીલ

અગાઉ અજમેર શરીફ દરગાહની નીચે મંદિર હોવાના દાવા કરવામાં આવ્યા હતા. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં પોતાના દાવાના સમર્થનમાં અરજદાર વિષ્ણુ ગુપ્તાએ કહ્યું હતું કે, બ્રિટિશ શાસન દરમિયાન મહત્વના પદ પર રહેલા હર બિલાસ સારદાએ 1910માં અહીં હિન્દુ મંદિરની હાજરી વિશે લખ્યું હતું. એક ન્યાયાધીશ, રાજકારણી અને શિક્ષણશાસ્ત્રી એવા સારદા તેમના એક પુસ્તકમાં દરગાહ વિશે લખે છે, 'પરંપરા કહે છે કે ભોંયરામાં અંદર એક મંદિરમાં મહાદેવની મૂર્તિ છે, જેની દરરોજ એક બ્રાહ્મણ પરિવાર દ્વારા પૂજા કરવામાં આવતી હતી, જેને આજે પણ દરગાહ દ્વારા ઘડીયાળી(ઘંટ વગાડનાર) તરીકે જાળવી રાખવામાં આવે છે.

મસ્જિદોના નિર્માણ માટે અગાઉ કથિત રૂપે નષ્ટ કરવામાં આવેલા મંદિરોની 'પુનઃસ્થાપના'ની માંગણી કરવા માટે વર્ષ 2019થી સિવિલ કોર્ટો, ખાસ કરીને ઉત્તર ભારતમાં અનેક કેસો દાખલ કરવામાં આવ્યા છે. પૂજા સ્થળ અધિનિયમ - એ કાયદો જે 15મી ઓગસ્ટ 1947 થી કોઈપણ પૂજા સ્થળની સ્થિતિમાં ફેરફાર કરવા પર પ્રતિબંધ લગાવે છે - તેને હાલ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જો કે 2019માં અયોધ્યા વિવાદ પર પોતાના મહત્વના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે 1991ના કાયદાની પ્રશંસા કરી હતી.

બંધારણીય બેન્ચે કહ્યું હતું કે, '15 ઓગસ્ટ 1947ના રોજ અસ્તિત્વમાં રહેલા સાર્વજનિક પૂજાના સ્થળોના ધાર્મિક ચરિત્રની જાળવણીની બાંયધરી આપવા અને આવા સ્થળોના રૂપાંતર સામે સંસદે નક્કી કર્યું છે કે તેમના પૂજા સ્થળોનું સંરક્ષણ કરવામાં આવશે અને તેના ચરિત્રમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે.' કોર્ટે વધુમાં કહ્યું હતું કે, 'આ કોર્ટ હિંદુ પૂજા સ્થળોની વિરુદ્ધ મોગલ શાસકોની કાર્યવાહીથી ઉપજેલા દાવાઓ પર વિચાર ન કરી શકે. કોઈપણ વ્યક્તિ માટે, જે કોઈપણ પ્રાચીન શાસકોની કાર્યવાહીની સામે સાંત્વના કે સહારો ચાહે છે, કાયદો તેનો જવાબ નથી."

જસ્ટિસ નરીમને ચુકાદાના આ પાસાની પ્રશંસા કરી હતી કે, બંધારણીય બેન્ચે કહ્યું હતું કે, 'પૂજા સ્થળ અધિનિયમ ભારતીય બંધારણ હેઠળ બિનસાંપ્રદાયિકતા પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાને લાગુ કરવા માટેની એક અટલ જવાબદારી લાદે છે. તેથી, આ કાયદો ભારતીય રાજનીતિની બિનસાંપ્રદાયિક વિશેષતાઓના રક્ષણ માટે રચાયેલ એક કાયદાકીય સાધન છે, જે બંધારણની મૂળભૂત વિશેષતાઓમાંની એક છે.' 

જસ્ટિસ નરીમને તેમના સંબોધનમાં કહ્યું કે 1991નો કાયદો પૂજા સ્થાનોને 15 ઓગસ્ટ, 1947ના સમયની સ્થિતિમાં સ્થિર રાખે છે. આજે આપણે જોઈએ છીએ કે જેમ આખા દેશમાં હાઈડ્રા હેડ્સ ઉભરી રહ્યા છે, એવી જ રીતે દરેક જગ્યાએ કેસ દાખલ થઈ રહ્યા છે, ન માત્ર મસ્જિદોના સંબંધમાં પરંતુ દરગાહના સંબંધમાં પણ આવું થઈ રહ્યું છે. આ બધાંને રોકવાનો અને આ બધાં હાઈડ્રા હેડ્સને ખતમ કરી નાખવાનો એકમાત્ર રસ્તો એ છે કે આ જ ચુકાદામાં આ પાંચ પાનાનો અમલ કરવો અને દરેક ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને હાઈકોર્ટ સમક્ષ તેને વાંચવો. કારણ કે આ પાંચ પાના સુપ્રીમ કોર્ટ દ્વારા કાયદાની ઘોષણા છે જે તે બધા માટે બંધનકર્તા છે.'

આ પણ વાંચો: બાબરી મસ્જિદ નીચે રામમંદિર નહોતું, ચૂકાદો સેક્યુલરિઝમની વિરુદ્દ હતો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.