બાબરી મસ્જિદ નીચે રામમંદિર નહોતું, ચૂકાદો સેક્યુલરિઝમની વિરુદ્દ હતો

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ આર.એફ. નરિમાને બાબરી મસ્જિદ વિવાદમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદાને લઈને મોટો ઘટસ્ફોટ કર્યો છે.

બાબરી મસ્જિદ નીચે રામમંદિર નહોતું, ચૂકાદો સેક્યુલરિઝમની વિરુદ્દ હતો
image credit - Google images

અયોધ્યા સ્થિત બાબરી મસ્જિદના ચૂકાદાને લઈને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ આર.એફ. નરિમાને મોટો ઘટસ્ફોટ કરતા કહ્યું છે કે, બાબરી મસ્જિદ નીચે રામ મંદિર નહોતું અને સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો દેશના સેક્યુલરિઝમની વિરુદ્ધ હતો. અગાઉ CJI રંજન ગોગોઈની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે સર્વસંમતિથી ચુકાદો આપ્યો હતો કે અયોધ્યામાં 2.77 એકરની સમગ્ર વિવાદિત જમીન રામ મંદિરના નિર્માણ માટે સોંપી દેવામાં આવે.

પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ આરએફ નરીમને બાબરી મસ્જિદ વિવાદ સંબંધિત સુપ્રીમ કોર્ટના નિર્ણયો પર અસહમતિ વ્યક્ત કરતા કહ્યું કે, આ નિર્ણયોમાં ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંત હેઠળ ન્યાય આપવામાં આવ્યો નથી. તેમણે વર્ષ 2019ના સીમાચિહ્નરૂપ ચૂકાદાની પણ ટીકા કરી હતી જેણે વિવાદિત સ્થળ પર રામ મંદિરના નિર્માણની મંજૂરી આપી હતી. જસ્ટિસ નરીમને તેને 'ન્યાયતંત્રની મજાક' ગણાવીને કહ્યું કે આ નિર્ણયોમાં સેક્યુલરિઝમના સિદ્ધાંત મુજબ ન્યાય આપવામાં નથી આવ્યો. જસ્ટિસ નરીમને આ ટિપ્પણી ‘સેક્યુલરિઝમ એન્ડ ધ ઈન્ડિયન કોન્સ્ટિટ્યુશન’ વિષય પર આયોજિત પ્રથમ જસ્ટિસ એ.એમ. અહમદી મેમોરિયલ લેક્ચરમાં કરી હતી. તેમણે કહ્યું કે 'સુપ્રીમ કોર્ટે પોતે સ્વીકાર્યું હતું કે બાબરી મસ્જિદની નીચે રામ મંદિર નથી.' તેમણે આ મામલાને લગતા અગાઉના નિર્ણયો પર પણ ખુલીને વાત કરી હતી.

લિબ્રહાન કમિશન અને રાષ્ટ્રપતિના સંદર્ભ પર શું કહ્યું 

જસ્ટિસ નરીમને કહ્યું, "સૌથી પહેલા સરકારે લિબ્રહાન કમિશનની નિમણૂક કરી, જે 17 વર્ષ સુધી સૂતું રહ્યું અને પછી 2009માં રિપોર્ટ સબમિટ કર્યો. બીજું, તેણે મસ્જિદની નીચે હિંદુ મંદિર છે કે નહીં તે નક્કી કરવા માટે અયોધ્યા અધિગ્રહણ ક્ષેત્ર અધિનિયમ અને સાથે સુપ્રીમ કોર્ટને રાષ્ટ્રપતિનો સંદર્ભ આપ્યો. જેથી એ નિર્ધારિત કરી શકાય કે મસ્જિદ નીચે કોઈ હિંદુ મંદિર નહોતું. તેમણે તેને "ભ્રામક અને તોફાની પ્રયાસ" ગણાવ્યો. 

1994નો ઈસ્માઈલ ફારુકી કેસ

જસ્ટિસ નરીમાને ઈસ્માઈલ ફારુકી વિરુદ્ધ ભારત સરકાર (1994)ના ચુકાદાનો ઉલ્લેખ કર્યો, જેમાં અયોધ્યા વિસ્તાર સંપાદન અધિનિયમ, 1993ની માન્યતા અને રાષ્ટ્રપતિના સંદર્ભની સુનાવણી થઈ હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે 67 એકર જમીનના સંપાદનને કાયદેસર ઠેરવ્યું હતું, પરંતુ જસ્ટિસ અહમદીએ અસહમતી વ્યક્ત કરતા કહ્યું હતું કે આ કાયદો ધર્મનિરપેક્ષતાની વિરુદ્ધ છે.

વર્ષ 2019નો રામજન્મભૂમિનો ચૂકાદો

જસ્ટિસ નરીમને રામ જન્મભૂમિ કેસ (2019)ના અંતિમ ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો. જેમાં તત્કાલિન CJI રંજન ગોગોઈના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે સર્વસંમતિથી ચુકાદો આપ્યો હતો કે અયોધ્યામાં 2.77 એકરની સમગ્ર વિવાદિત જમીન રામ મંદિરના નિર્માણ માટે સોંપવામાં આવે. સાથે જ સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદના નિર્માણ માટે 5 એકર વૈકલ્પિક જમીન આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

જો કે, કોર્ટે એમ પણ કહ્યું હતું કે 1992માં મસ્જિદ તોડી પાડવી એ કાયદાનું ગંભીર ઉલ્લંઘન હતું. ન્યાયાધીશ નરીમને આ નિર્ણયની ટીકા કરતા કહ્યું, "કોર્ટે સ્વીકાર્યું કે મુસ્લિમોએ 1857 થી 1949 સુધી ત્યાં નમાજ અદા કરી હતી. પરંતુ એમ કહેવાયું કે તેઓ આ સ્થળ પર ‘એકમાત્ર કબ્જેદાર’ તરીકેનો દાવો નથી કરી શકતા, ભલેને હિંદુ પક્ષે અનેકવાર કાયદાથી વિપરીત કામો કર્યા હોય. તેમ છતાં કોર્ટે આખી જગ્યા હિંદુ પક્ષને સોંપી દીધી. આ ન્યાયની મોટી મજાક છે.”

જસ્ટિસ નરીમને આ નિર્ણય વિશે કહ્યું કે, "મસ્જિદ 1528માં બનાવવામાં આવી હતી અને ત્યારથી તે મસ્જિદ તરીકે અસ્તિત્વમાં હતી. પરંતુ તે 1853માં પહેલીવાર તેમાં વિવાદ થયો. જેવી બ્રિટિશ સામ્રાજ્યએ 1858માં ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસેથી સત્તા સંભાળી કે તરત અંદર અને બહાર એક દિવાલ ઉભી કરી દેવામાં આવી. આ દિવાલ પછી અંદરના ભાગમાં મુસ્લિમો નમાઝ પઢતા હતા અને બહાર હિંદુઓ પૂજા કરતા હતા. આ તથ્ય નોંધાયેલું છે કે 1857થી લઈને 1949 સુધી બંને પક્ષોની પ્રાર્થનાઓ થતી રહેતી હતી. પરંતુ 1949માં કેટલાક લોકોએ મસ્જિદમાં ઘૂસીને અંદર મૂર્તિઓ સ્થાપિત કરી દીધી, ત્યારબાદ મુસ્લિમોની નમાજ બંધ થઈ ગઈ.

ASI રિપોર્ટ અને ઐતિહાસિક સંદર્ભ 

2003માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ રિપોર્ટમાં વિવિધ ધર્મોની પ્રાચીન વસ્તુઓ મળી આવી હતી, જેમાં શૈવ, બૌદ્ધ અને જૈન સંસ્કૃતિના ચિહ્નો પણ હતા. જસ્ટિસ નરીમને ધ્યાન દોર્યું કે સુપ્રીમ કોર્ટને જાણવા મળ્યું હતું કે "બાબરી મસ્જિદની નીચે કોઈ રામ મંદિર નથી." તેમ છતાં કોર્ટે ટિપ્પણી કરી કે 1857 થી 1949 વચ્ચે એ સ્થળ પર મુસ્લિમોને "વિશિષ્ટ અધિકારો" નથી, કારણ કે તે સ્થળ વિવાદિત હતું. તેમણે કહ્યું કે, કોર્ટે સ્વીકાર્યું હતું કે, આ જગ્યાએ હિંદુ પક્ષે કાયદાનો ભંગ કર્યો છે અને તેથી આ કેસમાં કોઈ એકપક્ષીય દાવો કરી શકાય નહીં." 

બિનસાંપ્રદાયિકતાની અવગણના પર રોષ ઠાલવ્યો

જસ્ટિસ નરીમને ભારપૂર્વક જણાવ્યું કે, "દરેક વખતે હિન્દુ પક્ષે કાયદાનું ઉલ્લંઘન કર્યું, પરંતુ તેનું પરિણામ મસ્જિદના પુન:નિર્માણને બદલે માત્ર વૈકલ્પિક જમીન આપવા તરીકે સામે આવ્યું. આ સેક્યુલરિઝમ સાથે અન્યાય છે. 

જસ્ટિસ નરીમને ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે પણ કાયદાનું ઉલ્લંઘન થયું છે, તે હિન્દુ પક્ષ દ્વારા થયું છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, "શું ન્યાયનું યોગ્ય પાલન કરવામાં આવ્યું હતું? આ ચુકાદામાં કોઈ પણ રીતે બિનસાંપ્રદાયિકતાનો આદર કરવામાં આવ્યો નહોતો, જે મારા વ્યક્તિગત મતે ન્યાયનું એક મોટું અપમાન છે. તેમણે બાબરી ધ્વંસ ષડયંત્ર કેસનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે તેમણે કહ્યું, "આ ચુકાદો આપનાર ન્યાયાધીશની નિવૃત્તિ પછી ઉત્તર પ્રદેશના ઉપ-લોકાયુક્ત તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જે આપણા દેશની સ્થિતિ દર્શાવે છે."

આ પણ વાંચો: નવું કાવતરું: 1991ના પ્લેસ ઓફ વર્શીપ એક્ટ વિરુદ્ધ સુપ્રીમમાં અપીલ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.