ફાતિમા શેખને 'કાલ્પનિક' કહેનાર પ્રો. દિલીપ મંડલની જબરી ધુલાઈ થઈ?
સંઘી પ્રો. દિલીપ મંડલે દેશના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા ફાતિમા શેખને કાલ્પનિક પાત્ર ગણાવતી પોસ્ટ મૂકી હતી. એ પછી બહુજનો બૌદ્ધિકોએ તેમની ઓનલાઈન બરાબરની ધુલાઈ કરી નાખી.

ગઈકાલે 9 જાન્યુઆરીના રોજ દેશની પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા ફાતિમા શેખની જન્મજયંતિ હતી. એ જ દિવસે તેમના અસ્તિત્વને લઈને સવાલો ઉભા કરવામાં આવતા સમસ્ત બહુજન સમાજ ભારે રોષે ભરાયો હતો. એક સમયે ઓબીસી બૌદ્ધિક તરીકે જેમની ગણના થતી હતી તેવા પ્રો. દિલીપ મંડલે ફાતિમા શેખને કાલ્પનિક પાત્ર ગણાવીને વિવાદ છેડી દીધો હતો. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે, પ્રો. દિલીપ મંડલ હવે મોદી સરકારના મીડિયા સલાહકાર છે અને તેઓ હવે બહુજન સમાજની વિચારધારાથી તદ્દન વિરુદ્ધની વાતો કરી સરકારને ખુશ કરવા મથી રહ્યાં છે. આવું જ તેમણે ગઈકાલે પણ કર્યું હતું. પ્રો. દિલીપ મંડલે ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે ફાતિમા શેખ ક્યારેય અસ્તિત્વમાં નહોતા, આ પાત્ર તેમણે જ ઘડ્યું હતું અને 2006 પહેલા તેમનો કોઈ ઉલ્લેખ નથી.
દિલીપ મંડલે ઉપરાછાપરી ટ્વિટ કરી હતી
દિલીપ મંડલે આ વિષય પર શ્રેણીબદ્ધ ટ્વિટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, "ફાતિમા શેખના શિક્ષિકા હોવાના કોઈ પુરાવા નથી. પહેલા પણ નહોતા અને અત્યારે પણ નથી. તે કોઈ હજાર વર્ષ પહેલાંની વાત નથી. દોઢસો વર્ષ પહેલા આટલી મહાન મહિલા, એ પણ મુસ્લિમ સમાજમાં, જેનો સાક્ષરતા દર હજુ પણ ભારતમાં સૌથી ઓછો છે, જો તે હોત તો તેમના વિશે સર સૈયદ અહેમદ કરતાં પણ વધારે લખાયું હોત."
પ્રો. મંડલે ટ્વિટ કરી હતી કે, “ફાતિમા શેખ ક્યારેય અસ્તિત્વમાં નહોતા. મેં આ નામ ચોક્કસ સમયે ઘડ્યું હતું. ન તો સાવિત્રીબાઈ ફૂલે, ન જ્યોતિરાવ ફૂલે, ન તો બાબાસાહેબ આંબેડકર, કોઈએ ફાતિમા શેખનો ઉલ્લેખ પણ કર્યો નહીં. તે ફક્ત મારી કલ્પના હતી. જે મેં ઘડી હતી"
આ નિવેદનથી બહુજન અને મુસ્લિમ સમાજમાં રોષનું મોજું ફરી વળ્યું હતું. એક્ટિવિસ્ટો અને ઇતિહાસકારો આને બહુજન ચળવળ અને મુસ્લિમોના યોગદાનને ભૂંસી નાખવાના કાવતરા તરીકે જોઈ રહ્યાં છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે, પ્રોફેસર મંડલે કહ્યું હતું કે ફાતિમા શેખ નામનું પાત્ર તેમના દ્વારા ઘડવામાં આવ્યું હતું.
દિલીપ મંડલે શું લખ્યું હતું?
એક પોસ્ટમાં તેમણે લખ્યું, "મને માફ કરજો. ખરેખર ફાતિમા શેખ ક્યારેય અસ્તિત્વમાં નહોતી. તે કોઈ ઐતિહાસિક પાત્ર નથી. તે મારા દ્વારા ઘડવામાં આવ્યું છે. મારો કારનામા છે. તે મારો ગુનો કે ભૂલ છે કે મેં તેને શૂન્યમાંથી, એટલે કે હવામાંથી ઉભી કરી હતી. એટલે જો તમે આ માટે કોઈને દોષ આપવા માંગતા હો, તો મને દોષ આપો. આંબેડકરવાદીઓ વર્ષોથી આ માટે મારાથી નારાજ છે. માનનીય અનિતા ભારતીથી લઈને ડૉ. અરવિંદ કુમાર ખુલીને મારા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી ચૂક્યાં છે. મેં આ કેમ કર્યું તે પૂછશો નહીં. મેં તે કર્યું. સમય સમયની વાત છે. મારે એક પ્રતિમા બનાવવી હતી જે મેં બનાવી નાખી. હજારો લોકો સાક્ષી છે. મોટાભાગના લોકોએ આ નામ પહેલીવાર મારી પાસેથી સાંભળ્યું છે. હું જાણું છું કે આ કેવી કરાય છે, છબી કેવી રીતે ઘડવામાં આવે છે. હું કલાનો માસ્ટર છું તેથી મારા માટે આ મુશ્કેલ નહોતું. હું છબિઓ ઘડું છું. તે મારું કામ છે."
પ્રોફેસર દિલીપ મંડલની આ પોસ્ટ પછી, ધ પ્રિન્ટે 9 જાન્યુઆરી 2019 ના રોજ લખાયેલ ફાતિમા શેખ પરનો તેમનો લેખ, "Why Indian history has forgotten Fatima Sheikh but remembers Savitribai Phule" પાછો ખેંચી લીધો હતો.
ધ પ્રિન્ટે લખ્યું હતું કે, "દિલીપ મંડલ દ્વારા X પરની એક પોસ્ટ જેમાં તેમણે દાવો કર્યો હતો કે તેમણે ફાતિમા શેખ નામનું "ઐતિહાસિક" પાત્ર ઘડ્યું છે, તેની ધ પ્રિન્ટ દ્વારા નોંધ લેવામાં આવી છે. અમે આ બાબતની તપાસ કરવા માટે આ લેખને પરત ખેંચી રહ્યાં છીએ."
બહુજન એક્ટિવિસ્ટો, લેખકો રોષે ભરાયા
પ્રો. મંડલના આ દાવાને કારણે બહુજન કાર્યકરો અને લેખકોમાં ભારે રોષ છે. પત્રકાર શ્યામ મીરા સિંહે લખ્યું, "તમે કહી રહ્યા છો કે, '2006 પહેલા ફાતિમા શેખનો કોઈ ઉલ્લેખ નહોતો. તમે તેમને કાલ્પનિક રીતે ઘડ્યાં છે. મને કોઈ પુસ્તક બતાવો.'" હું તમને ૧૯૯૧નું એક પુસ્તક બતાવી રહ્યો છું. તેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે ફાતિમા શેખ સાવિત્રીબાઈ ફૂલેજીનાં સહયોગી હતા."
આ પણ વાંચો: ભારતમાં મુસ્લિમ સ્ત્રી સાક્ષરતાનો દર આજે 50 ટકા છે તેના પાયામાં ફાતિમા શેખનો પરસેવો પડેલો છે
પ્રોફેસર મંડલને આપેલી જવાબી પોસ્ટમાં એક વ્યક્તિએ પ્રસારણ મંત્રાલયના પ્રકાશન વિભાગ દ્વારા 1986 માં પ્રકાશિત પુસ્તક "ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે" માંથી કેટલાક પાના પોસ્ટ કર્યા અને લખ્યું, "જૂઠું બોલવામાં કોઈ શરમ તો ક્યાંથી આવશે?"
દિલીપ મંડલ સરકારમાં જોડાયા પછી વલણ બદલાયું છે
બનારસ હિન્દુ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને દલિત નારીવાદ પર લખતા લેખિકા પ્રિયંકા સોનકરે જણાવ્યું હતું કે, ઐતિહાસિક કાર્ય કરનારા નાયકો અને નાયિકાઓને ઘડવામાં આવતા નથી તેમને શોધવામાં આવે છે. પ્રોફેસર મંડલ પહેલા ખૂબ સારું કામ કરતા હતા પરંતુ ભારત સરકારમાં જોડાયા પછી તેમણે પોતાનું વલણ બદલી નાખ્યું છે. ફાતિમા શેખને કાલ્પનિક પાત્ર કહેવું તો મોદીજી અથવા ભાજપ નેતા કોઈપણ નેતા કરી શકે છે, પરંતુ બહુજન સમાજની એક વ્યક્તિને આવું કહેવા માટે પ્રેરિત કરીને તેઓ સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફાતિમા શેખ હતા પરંતુ એ સાચું છે કે તેમને માતા સાવિત્રીબાઈ ફૂલે જેટલી ઓળખ મળી ન હતી."
તેઓ પ્રસિદ્ધિ મળતી રહે તે માટે આવું કરે છેઃ ડો.ઓબેદ મનવાટકરે
જાણીતા શિક્ષણવિદ અને વિદ્વાન ડૉ. ઓબેદ મનવાટકરે કહ્યું, “જેઓ એક સમયે ફાતિમા શેખના ગુણગાન ગાતા હતા તેઓ હવે તેને કાલ્પનિક પાત્ર કહી રહ્યા છે. સોશિયલ મીડિયા લેખકોમાંના એક જેમણે ફાતિમા શેખને કાલ્પનિક પાત્ર ગણાવ્યું છે તે પૈકી એકેય વ્યક્તિની પૃષ્ઠભૂમિ મહારાષ્ટ્રની નથી, ન તો તેમણે મહારાષ્ટ્રની સંસ્કૃતિ, સમાજશાસ્ત્ર, ઇતિહાસ પર કોઈ નક્કર સંશોધન કર્યું છે. તેઓ એટલા માટે લખે છે કારણ કે તેમની પોસ્ટ્સ વાયરલ થાય છે જેથી તેમને પ્રસિદ્ધિ મળતી રહે અને તેમનું નામ સોશિયલ મીડિયામાં ગૂંજતું રહે. ફાતિમા શેખ પર એક પુસ્તક છે, સાવિત્રીબાઈના પત્રવ્યવહારમાં તેમના નામનો ઉલ્લેખ છે. તેઓ કોઈ કાલ્પનિક પાત્ર નથી. આ વિષય પર આટલું જ કહી શકાય. જો 17-18મી સદીનો કોઈ ખાસ ઇતિહાસકાર કોઈ ટિપ્પણી કરે છે, તો તેમાં ચર્ચા કરવાની મજા આવે. કોઈ સોશિયલ મીડિયાની પોસ્ટ પર દલીલ કરવામાં હું મારો સમય નહીં બગાડું."
મંડલ હવે સંઘી છાવણીમાં હોવાથી આવું બોલે છેઃ જિતેન્દ્ર મીણા
ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અને દિલ્હી યુનિવર્સિટીમાં ઇતિહાસ વિભાગના પ્રોફેસર જિતેન્દ્ર મીણા કહે છે કે, "એવું જરૂરી નથી કે ઇતિહાસમાં બનેલી બધી ઘટનાઓ રેકોર્ડ કરવામાં આવી હોય, ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આદિવાસી ઇતિહાસમાં કોલોનિયલ એરા પહેલા તેના પર લગભગ કોઈ દસ્તાવેજીકરણ નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે આદિવાસીઓનું કોઈ યોગદાન નથી. આપણા દેશમાં ઇતિહાસ લખવાની પરંપરા નવી છે અને એ પહેલાં મૌખિક એટલે કે ઓરલ ટ્રેડિશન પર જ નિર્ભર હતું. ઇતિહાસ લખવાની પરંપરા બ્રિટિશ શાસન દરમિયાન શરૂ થઈ હતી. તે 19મી સદીના સમયથી શરૂ થઈ હતી અને તે પહેલાં જે કંઈ લખાતું હતું તે શાસક વર્ગ વિશે હતું."
ઓબીસી-મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય પેદા કરવાનું કાવતરું?
જિતેન્દ્ર મીણા આગળ કહે છે, "ઇતિહાસમાં કોઈ પાત્રને ઘડી નથી શકાતું. ઇતિહાસકારો પાસે કેટલીક માહિતી/તથ્યો હોય છે જે આપણને નાયકો અને નાયિકાઓ વિશે જણાવે છે. તેથી આ દાવો કરવો યોગ્ય નથી. પ્રોફેસર દિલીપ મંડળ આજકાલ આરએસએસની છાવણીમાં હોવાથી, તેમને ફાતિમા શેખના નામ સામે વાંધો છે કારણ કે તે મુસ્લિમ છે અને સાવિત્રીબાઈ ફૂલે ઓબીસી વર્ગમાંથી આવે છે - ઓબીસી અને મુસ્લિમો વચ્ચે એક રાષ્ટ્રીય ગઠબંધન રચાયું છે, તેઓ તેને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ એ લોકો છે જે ઇતિહાસનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરે છે. "
ફાતિમા શેખને કાલ્પનિક પાત્ર કહેવાથી તેમનું યોગદાન ઓછું નહીં થાય
પ્રો. જિતેન્દ્ર મીણા વધુમાં કહે છે કે ફાતિમાના પાત્રને કાલ્પનિક કહીને કે તેમને બદનામ કરવાથી તેમના યોગદાન કે મહત્વ ઓછું થશે નહીં. આ ઘટનાએ ન માત્ર મુસ્લિમ સમાજ પ્રત્યે નફરત વધારવાનું કામ કર્યું નથી, પરંતુ બંને તરફથી નફરત વધારવાનો પ્રયાસ છે. જે રીતે દિલીપ મંડલ પોતાને ઓબીસી બુદ્ધિજીવી તરીકે સ્થાપિત કરી રહ્યા છે, તે જ રીતે તેઓ મુસ્લિમોના હૃદયમાં ઓબીસી પ્રત્યે પણ નફરત પેદા કરી રહ્યા છે. તે જોતા તેઓ મુસ્લિમોના દિલમાં ઓબીસી પ્રત્યે અને ઓબીસીના દિલમાં મુસ્લિમો પ્રત્યે નફરત પેદા કરવાનું કામ કરી રહ્યાં છે. જે સંપૂર્ણપણે રાજકીય રીતે પ્રેરિત છે. ભાજપ દ્વારા મુસ્લિમો પ્રત્યે નેરેટિવ ઘડવો નવી વાત નથી. મીડિયાનું અલ્ગોરિધમ મને સમજાય છે,જેમ હિટલરના સમયમાં તેના અત્યાચારોને મોટા પાયે ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેમ હાલમાં ભારતમાં પણ એવું જ થઈ રહ્યું છે."
આ પણ વાંચો: કુંભમેળામાં 370 દલિત સંતોને મહામંડળેશ્વર, મંડળેશ્વર, પીઠાધિશ્વર બનાવાશે