પાટીદારોએ મુસ્લિમોને ઈદગાહ બનાવવા માટે દોઢ વીઘા જમીન દાન કરી
ગામના મુસ્લિમોને નમાઝ પઢવામાં મુશ્કેલી પડતી હતી, પાટીદારોએ ઈદગાહ અને કોમ્યુનિટી હોલ માટે એક રૂપિયામાં દોઢ વીઘા જમીન દાન કરી દીધી
દેશમાં એકબાજુ રાજકીય લાભ ખાટવા માટે વર્ષો જૂની હિંદુ-મુસ્લિમોને ધર્મના નામે લડાવવાની ફોર્મ્યૂલાને નવેસરથી તેજ કરવામાં આવી રહી છે, ગણેશોત્સવ અને ઈદના તહેવારમાં કોમી વૈમનસ્ય પેદા થાય તેવા પ્રયાસો આદરવામાં આવી રહ્યાં છે, બે કોમ વચ્ચે ઘર્ષણ થાય અને તેનો રાજકીય ફાયદો મળે તે માટે વાતાવરણ પેદા કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ આ બધાં કાવતરાઓથી ઉપર કોમી એકતાની મિસાલ પણ સળગતી રહી છે. આવું એક મજાનું ઉદાહરણ ચરોતરની ભૂમિમાંથી સામે આવી રહ્યું છે. જ્યાં એક ગામમાં મુસ્લિમ બિરાદરોને નમાઝ પઢવામાં પડતી તકલીફ જોઈને એક પાટીદાર અગ્રણીએ એક રૂપિયાના ટોકન ભાવે દોઢ વીઘા જમીન મુસ્લિમ સમાજને ઈદગાહ અને હોલ બનાવવા માટે દાનમાં આપી દીધી છે.
દેશમાં હાલ વકફ અને વકફની મિલકતોને લઈને જાતભાતની શંકા-કુશંકાઓનો દોર ચાલી રહ્યો છે ત્યારે સરદાર પટેલની ભૂમિ ચરોતરમાંથી કોમી એકતાની સુવાસ ફેલાવતી એક મજાની ઘટના સામે આવી છે. અહીં આણંદ જિલ્લાના વહેરાખાડી ગામે પાટીદાર સમાજના વડીલોએ ઇદગાહ અને મુસ્લિમ સમાજના ઉપયોગ માટે હોલ વગેરે બાંધવા માટે દોઢ વીઘા જમીન દાનમાં આપીને કોમી એકતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્યું છે.
હિન્દુ-મુસ્લિમ એકતાને અખંડ રાખનારા પાટીદાર સમાજના સ્વ.કાળીદાસ ફકીરભાઈ પટેલના પરિવારજનોનું મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ઈદે મિલાદના દિવસે મોટો કાર્યક્રમ યોજીને પાટીદાર સમાજનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો: આઝાદી પછી પહેલીવાર, મુસ્લિમ મંત્રી વિનાની ભારત સરકાર
વહેરાખાડી ગામમાં ગામતળની નજીક મુસ્લિમ સમાજના લોકોને પડતી મુશ્કેલીઓને જોઈ ગામના પાટીદાર સ્વ.કાળીદાસ ફકીરભાઈ પટેલે આજથી સાતેક વર્ષ પૂર્વે માત્ર એક રૂપિયાના ટોકન ભાવમાં પોતાની માલિકીની અંદાજે દોઢ વીઘા જમીન દાનમાં આપી હતી. જ્યાં હવે મુસ્લિમ સમાજ માટે ઈદગાહ અને કોમ્યુનિટી હોલનું નિર્માણ થશે.
આ અંગે ગામના ભરતભાઇ પટેલે જણાવ્યું હતું, “અમારા વડીલોને મુસ્લિમ સમાજે જેતે વખતે ઇદની સામૂહિક નમાઝ પઢવામાં પડતી મુશ્કેલી અંગે વાત કરી હતી. ત્યારે સ્વ કાળીદાસ પટેલ અને તેમના પરિવારે કોઈ જ વાંધો વિરોધ કર્યા વિના રાજીખુશીથી ગામ નજીકની દોઢ વીઘા જમીન દાન આપીને કોમી એકતા દર્શન કરાવ્યાં હતા.
આ અંગે વહેરાખાડીના મુસ્લિમ અગ્રણી મહેબૂબઅલી સૈયદ કહે છે, આજ કાલ હિંદુ-મુસ્લિમ વચ્ચેની શાંતિને ડહોળવા અને કોમી એકતાને તોડવાના પ્રયાસો સતત ચાલી રહ્યાં છે. કારણ વિના જ માત્ર રાજકીય ફાયદા માટે બે કોમને ધર્મના નામે લડાવી પોતાનો ફાયદો શોધવા એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે પણ અમારા ગામમાં હિંદુ-મુસ્લિમ એકતા અકબંધ છે. અમારી ઈદગાહ માટે એક પાટીદાર અગ્રણીએ એક રૂપિયાના ભાવે દોઢ વીઘા જમીન દાનમાં આપી દીધી એ કેટલી મોટી વાત છે. અમે પાટીદાર સમાજનું આ ઋણ કદી ભૂલી શકીશું નહીં. અમે સૌ તેમનો દિલથી આભાર માનીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સમસ્ત વહેરખાડી ગામ અને મુસ્લિમ આગેવાનો દ્વારા પાટીદાર સમાજના મોભી જગદીશભાઈ અને અશોકભાઈ સહિતના વડીલોનું ઋણ અદા કરી દાતાઓની તકતીનું અનાવરણ કરીને સ્વાગત કરવા આવ્યું હતું.
આ પણ વાંચો: અજમેર શરીફ દરગાહ મોદીના જન્મદિવસે 4000 કિલોનું લંગર તૈયાર કરશે
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
મનસુખભાઈ એમ. ડાભી "આદશૅ ભૂમિ " ન્ય ભાવનસુખશાંતિ અને ભાઇચારા માટે નુ ઉતમ ઉદાહરણ. . બંને સમાજ ને ખુબ ખુબ અભિનંદન ????