બનાસકાંઠાના ચૂડમેરમાં 31 દલિતોએ હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ દીક્ષા લીધી
જાતિવાદી-મનુવાદી હિંદુ ધર્મમાં ગુંગળામણ અનુભવતા 8 પરિવારના 31 સભ્યોએ એકસાથે ડો. આંબેડકરના રસ્તે ચાલીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો.
Buddhist initiation program chudmer banaskantha : દેશમાં ચોતરફ અરાજકતાનો માહોલ છે. ખાસ કરીને હિંદુત્વવાદી તત્વો જે રીતે ગૌરક્ષા સહિતના મામલે બેફામ બની દલિતો, આદિવાસીઓ અને મુસ્લિમોને ટાર્ગેટ કરીને તેમના પર અત્યાચાર ગુજારી રહ્યાં છે તેના કારણે વધુને વધુ દલિતોનો હિંદુ ધર્મથી મોહભંગ થઈ રહ્યો છે. તેમને સતત એ અહેસાસ થઈ રહ્યો છે કે, મનસ્મૃતિના વિચારો પર આધારિત આ ધર્મમાં તેમની જાતિના કારણે તેમની સાથે થતા ભેદભાવો કદી ખતમ થવાના નથી. તેનાથી બહેતર છે કે કોઈ એવો ધર્મ અપનાવવો જેમાં તેમને માણસ તરીકે સમાન ગણીને તેમની સાથે સમાનતાનો વ્યવહાર કરવામાં આવતો હોય. એટલે જ વધુને વધુ લોકો ડો. આંબેડકરના માર્ગે ચાલીને તથાગત ગૌતમ બુદ્ધ સ્થાપિત બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યાં છે.
અંતરિયાળ ગામો સુધી બૌદ્ધ ધર્મની સુવાસ પહોંચી
ગુજરાતમાં સમયાંતરે બૌદ્ધ દીક્ષાના કાર્યક્રમો યોજાતા રહે છે અને આવો વધુ એક કાર્યક્રમ બે દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લામાં યોજાઈ ગયો. અહીં થરાદ તાલુકાના ચૂડમેર ગામે 31 સભ્યોએ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી.
મહાગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદના નેજા હેઠળ તા. 27 ઓક્ટોબરને રવિવારના રોજ સવારે 8.30 થી 11.30 દરમિયાન યોજાયેલા આ બૌદ્ધ દીક્ષા ગ્રહણ કાર્યક્રમમાં 8 પરિવારોના કુલ 31 સભ્યોએ બંધારણીય બૌદ્ધ ધમ્મની દીક્ષા ગ્રહણ કરી હતી.
આયુ. રામસેંગ વરણ (રાશિજી બૌદ્ધ) અને સિંહલ કાંતિજી સાથે મહાગુજરાત બૌદ્ધ સંઘના સહકારથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંઘના સંચાલક માનનીય આયુ. સિંહલ બોધિધર્મનજીના સાન્નિધ્યમાં અહીંના અલગ અલગ 4 તાલુકાના 8 પરિવારોના મળી 31 સભ્યોએ બંધારણીય બૌદ્ધ ધમ્મ દીક્ષા ગ્રહણ કરી હતી.
શાંતિપૂર્ણ રેલી, ત્રિશરણ, પંચશીલે આકર્ષણ જમાવ્યું
કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ સવારે 8.00 વાગ્યે ત્રિશરણના શંખનાદ સાથે અને ફોટો બેનર સાથે ગામની શેરીઓમાં શાંતિપૂર્ણ રેલી કાઢવામાં આવી હતી. રેલી પૂર્ણ થયા બાદ તમામ દીક્ષાર્થીઓને દીક્ષા સ્થળ પર શિસ્તબદ્ધ રીતે બેસાડવામાં આવ્યા અને તેમના હસ્તે તથાગત બુદ્ધ અને બોધિસત્વ ડૉ. ભીમરાવ આંબેડકરના ફોટાને દીપ પ્રજ્વલિત કરી ત્રિશરણ અને પંચશીલનું સંઘાયાન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ બોધિસત્વ બાબાસાહેબ ડૉ ભીમરાવ આંબેડકરની 22 પ્રતિજ્ઞાનું પઠન કર્યા બાદ મહેમાનોના હસ્તે દરેક દીક્ષાર્થીઓને મહા ગુજરાત બૌદ્ધ સંઘના ધમ્મ દીક્ષાના પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. અંતે અલ્પાહાર કરી સૌ છુટા પડ્યા હતા. દીક્ષાર્થીઓએ મહાગુજરાત બૌદ્ધ સંઘની ટીમનો આભાર માન્યો હતો.
AI ના યુગમાં જાતિગત ભેદભાવ સહન ન થાય : આયુ. સિંહલ બોધિ ધર્મનજી
આ દીક્ષા કાર્યક્રમના આયોજક મહા ગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદના આયુ. સિંહલ બોધિ ધર્મનજીએ ખબરઅંતર.કોમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "મનુવાદની ધરી પર ઉભેલો હિંદુ ધર્મ માણસ માણસ વચ્ચે સેંકડો ભેદભાવો કરે છે. ધર્મની આડમાં દલિતો, આદિવાસીઓને સેકન્ડ ક્લાસ સિટિઝન ગણી તેમને સતત અપમાનિત કરાય છે. ગુજરાત સહિત દેશભરમાં સતત દલિતો, આદિવાસીઓ અને મુસ્લિમોને ટાર્ગેટ કરીને જે રીતે હિંદુ ધર્મીઓ દ્વારા ભેદભાવ, અસ્પૃશ્યતા દાખવવામાં આવે છે તેનાથી આ સમાજના લોકો ભારે વ્યથિત છે. કાયદો અમલમાં હોવા છતાં જાતિવાદી અત્યાચારો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. મનુવાદી વર્ણવ્યવસ્થાની ધરી પર ટકેલા હિંદુ ધર્મમાં દલિતો, આદિવાસીઓ ગમે તેટલાં ભણીગણીને આગળ વધી જાય તો પણ તેમને નિમ્ન સ્તરના ગણીને ઉતારી પાડવામાં આવે છે. એક બાજુ દુનિયાના એઆઈના યુગમાં પહોંચી ગઈ છે, જ્યારે ભારત સતત જાતિ, ધર્મના નામે દલિતો પર અત્યાચાર કરીને અધોગતિ તરફ ધકેલાઈ રહ્યો છે. એ સ્થિતિમાં દલિતો સર્વને સમાન માનતા બૌદ્ધ ધર્મ તરફ વળે તેમાં મને કશી નવાઈ નથી લાગતી. આ સ્થિતિ હજુ ચાલુ રહેશે તો હજુ વધુ લોકો હિંદુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ બનતા અચકાશે નહીં."
આ પણ વાંચોઃ કચ્છના કકરવા ગામે 16 દલિતો જાતિવાદી હિંદુ ધર્મ ત્યાગી બૌદ્ધ બન્યાં
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
રાયસીંગ બૌદ્ધખબર અંતર સમાચાર પત્ર, સોશ્યલ મિડિયા નો ખુબ ખુબ આભાર, આપના માધ્યમ થી પ્રબુદ્ધ ભારત અભિયાન માં દેશમાં વર્તતી અસમાનતા, અરાજકતા, ઉંચનીચ અને ધર્માન્ધતા, રુઢિચુસ્ત રિવાજો અને અંધશ્રદ્ધા દ્વારા લોકોના જીવન વ્યથિત થતાં અટકાવવામાં આપનો સહયોગ મળતો રહે એવી અપેક્ષા સહ અભિનંદન???????? જય સંવિધાન