જામનગર મહાગુજરાત બૌદ્ધ સંઘમાં 13 લોકોએ બૌદ્ધ દીક્ષા ગ્રહણ કરી
જામનગર બૌદ્ધ ધર્મનું મોટું કેન્દ્ર બની રહ્યું છે. અહીં બહુજન સમાજની જાગૃતિના ચમકારા દિન પ્રતિદિન થતા રહ્યાં છે, તેનો આ વધુ એક પુરાવો.

જાતિવાદથી ખદબદતા હિંદુ ધર્મમાં દલિતો, આદિવાસી અને ઓબીસી સમાજ સાથે સતત થઈ રહેલા ભેદભાવોને લઈને વધુને વધુ લોકો તેને છોડીને બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યાં છે. ખાસ કરીને દલિત સમાજ તેમાં અગ્રેસર છે. ત્યારે આવી જ એક ઘટના જામનગર ખાતે બની ગઈ. જેમાં 4 પરિવારના કુલ 13 લોકોએ બૌદ્ધ દીક્ષા ગ્રહણ કરી હતી.
ગત રવિવારે જામનગરના સર્કિટ હાઉસ, લાલ બંગલા સર્કલ પાસે "મહા ગુજરાત બૌદ્ધ સંઘ" દ્વારા "બંધારણીય બુદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ" નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંઘના સંચાલક આયુ. સિંહલ બોધિધર્મનજીના સાન્નિધ્યમાં જામનગર જિલ્લાના કુલ 4 પરિવારના 13 સભ્યોને "બંધારણીય બુદ્ધ ધમ્મ દીક્ષા" ગ્રહણ કરવામાં આવી હતી.
સૌ પ્રથમ બોધિસત્વ બાબાસાહેબ ડૉ ભીમરાવ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. એ પછી તથાગત બુદ્ધને દીપ પ્રજ્વલિત કરી ત્રિશરણ અને પંચશીલનું સંઘાયાન કરવામાં આવ્યું હતું. એ પછી બોધિસત્વ બાબાસાહેબ ડૉ ભીમરાવ આંબેડકરજીની 22 પ્રતિજ્ઞાનું પઠન કરવામાં આવ્યું. ત્યારબાદ દરેક દીક્ષાર્થીઓને ધમ્મ દીક્ષાના પ્રમાણપત્ર આપવામાં આવ્યા. અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. આ બદલ તમામ દીક્ષાર્થીઓને મહા ગુજરાત બૌદ્ધ સંઘની ટીમ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ દીક્ષા સમારોહને લઈને સંઘના સંચાલક સિંહલ બોધિધર્મને ખબરઅંતર.કોમને જણાવ્યું હતું કે, "હિંદુ ધર્મમાં સતત વધતા જતા ભેદભાવો, જાતિવાદ અને આભડછેટ જેવી સેંકડો બદ્દીઓમાંથી બહાર નીકળવા માટે બૌદ્ધ ધર્મ જ એકમાત્ર રસ્તો છે. તે આપણને માનવતા, કરુણા અને દયાભાવ શીખવે છે. હિંદુ ધર્મમાં મનુસ્મૃતિ પ્રેરિત વર્ણવ્યવસ્થામાં માણસની ઓળખ તેની જાતિને આધારે જ થાય છે, એવામાં વર્ણવ્યવસ્થામાં નીચલા સ્તરે રહેલા લોકોને ઘણાં ભેદભાવો સહન કરવામાં આવે છે. બોધિસત્વ ડો. આંબેડકરે એક રસ્તો ચીંધ્યો હતો અને હવે વધુને વધુ લોકો આ રસ્તે ચાલી રહ્યાં છે. આગામી દિવસોમાં હજુ પણ હિંદુ ધર્મની બદ્દીઓથી કંટાળીને વધુ લોકો બૌદ્ધ ધર્મ સ્વીકારશે તો મને જરાય નવાઈ નહીં લાગે."
આપનો ધમ્મ બંધુ/ધમ્મ પ્રચારક
સિંહલ બોધિધર્મન
સ્થાપક/સંચાલક
મહા ગુજરાત બૌદ્ધ સંઘ
અમદાવાદ, ગુજરાત પ્રદેશ
મો.9624353368
આ પણ વાંચો: 11 લાખ ખર્ચીને દલિતોએ બૌદ્ધ વિહાર બનાવ્યું, જાતિવાદીઓએ તોડી પાડ્યું