ક્રિસમસ ઉજવતા શિક્ષકોને VHP નેતાઓએ ધમકી આપતા ધરપકડ કરાઈ
વિશ્વ હિંદુ પરિષદના નેતાઓએ ક્રિસમસની ઉજવણી કરતા શિક્ષકોને ધમકાવીને કહ્યું, તમે કૃષ્ણ જન્માષ્ટની ઉજવણી કેમ નથી કરતા? પોલીસે જેલમાં ધકેલી દીધાં.

તહેવારોને આરએસએસ અને તેની સાથે જોડાયેલી કથિત સંસ્થાઓએ એટલા દૂષિત કરી મૂક્યા છે કે દર વખતે ચોક્કસ તહેવાર આવતા અમુક પ્રકારની ઘટનાઓ સતત બનવા માંડે છે. ઈદ, ક્રિસમસ, વેલેન્ટાઈન ડે, 14મી એપ્રિલ સહિતના તહેવારોમાં બજરંગ દળ, વિશ્વ હિંદુ પરિષદ અને સંઘ સાથે જોડાયેલી કથિત સંસ્થાઓના કાર્યકરો કાયદો વ્યવસ્થાની પરવા કર્યા વિના દાદાગીરી કરવા નીકળી પડે છે. સરકારની મહેરબાનીથી પોલીસ તેમને છાવરતી હોવાથી આવા લોકો વધુ છાકટા થઈ જાય છે અને નિર્દોષ લોકો પર કારણ વિના ધોંસ જમાવવા પ્રયત્ન કરે છે.
ખ્રિસ્તીઓનો તહેવાર નાતાલ આજે દેશ અને દુનિયાભરમાં હર્ષોલ્લાસથી ઉજવાઈ રહ્યો છે ત્યારે વિશ્વગુરુ ભારતમાં તેનાથી ઉલટી ગંગા વહી રહી છે. અહીં ક્રિસમસ પર હર્ષોલ્લાસને બદલે ધાકધમકી અને દાદાગીરીની ઘટના ઘટે છે.
આવી જ એક ઘટના કે કેરળના પલક્કડમાં બની છે. 20મી ડિસેમ્બરે અહીંની એક શાળામાં ક્રિસમસની ઉજવણી દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના ત્રણ નેતાઓએ શિક્ષકોને કથિત રીતે ધમકાવ્યા હતા અને સાન્તાક્લોઝના કોસ્ચ્યુમ સામે વાંધો ઉઠાવ્યો હતો. આ ઘટના બાદ શિક્ષકોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં ધકેલી દીધાં છે.
મીડિયા રિપોર્ટ મુજબ ધરપકડ કરાયેલા લોકોમાં વીએચપીના પલક્કડ જિલ્લા સચિવ કે. અનિલ કુમાર, જિલ્લા સંયોજક સુસાસનન અને નલેપિલ્લી પંચાયતના પ્રમુખ કે. વેલાયુદનનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે શનિવારે કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધાં હતાં.
પોલીસના જણાવ્યા મુજબ શુક્રવારે (20 ડિસેમ્બર) પલક્કડની નલેપિલ્લી સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સેમેસ્ટરની પરીક્ષાઓ પુરી થયા પછી નાતાલની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે વિશ્વ હિંદુ પરિષદના આ ત્રણ લોકો શાળામાં પ્રવેશ્યા હતા.
એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આરોપીઓ ધર્મના આધારે અલગ-અલગ સમાજો વચ્ચે દુશ્મનાવટ ઉભી કરવાના ઈરાદાથી સ્કૂલમાં ઘૂસ્યા હતા. આ લોકોએ શાળાના મુખ્ય શિક્ષક જયંતિ અને અન્ય શિક્ષકોની પૂછપરછ કરી અને તેમની સામે કથિત રીતે અપશબ્દોનો ઉપયોગ કર્યો. તેમણે શિક્ષકોને પૂછ્યું કે ક્રિસમસને બદલે કૃષ્ણ જન્માષ્ટમી શા માટે ઉજવવામાં આવતી નથી. તેમણે એની પર પણ સવાલ ઉઠાવ્યો કે, શિક્ષકો શા માટે સાન્તાક્લોઝના પોશાક પહેરે છે.
FIRમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, 'આરોપીઓએ વિદ્યાર્થીઓને ડરાવવાનો પ્રયાસ કર્યો અને શિક્ષકોને તેમની ફરજ નિભાવતા અટકાવ્યા.' પોલીસે જણાવ્યું કે આરોપી VHP નેતાઓ વિરુદ્ધ BNS કલમ 329 (3), 296 (B) અને 351 (2) અને 132 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
શાળાના પીટીએ પ્રમુખ કે. મુરલીધરને કહ્યું કે કેરળની કોઈપણ શાળામાં આવી ઘટના ન બનવી જોઈએ. અમે આશા રાખીએ છીએ કે કોઈપણ શાળામાં આ પ્રકારનો આ પહેલો અને છેલ્લો વિરોધ હશે.'
આ પણ વાંચો: હોટલમાં આદિવાસી શિક્ષકની કોણી અડી જતા ચાર શખ્સોએ હત્યા કરી
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
જયેશ પ્રિય દર્શીરાણીપ ના ટ્રી હાઉસ માં પણ આવી ગુંડાગીરી કરવામાં આવી,