કર્ણાટક સરકારે મુસ્લિમોને OBC માં સામેલ કર્યા, નોકરીમાં અનામત મળશે
કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે રાજ્યના મુસ્લિમોને અનામતનો લાભ આપવા માટે ઓબીસીમાં સામેલ કર્યા છે.
કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે મુસ્લિમ સમાજને અનામતનો લાભ આપવા માટે તેમને ઓબીસીમાં સામેલ કર્યા છે. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગે આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજીને આ મામલે માહિતી આપી હતી. નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસે આજે કર્ણાટક સરકારના આંકડાઓનો હવાલો આપીને આ બાબતની પુષ્ટિ કરી હતી.
સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગે કહ્યું છે કે, 'કર્ણાટક સરકારના આંકડા અનુસાર, કર્ણાટકના મુસ્લિમોની તમામ જાતિઓ અને સમુદાયોને રાજ્ય સરકાર હેઠળ રોજગાર અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત માટે ઓબીસીની યાદીમાં સામેલ કરાયા છે. એ રીતે કર્ણાટકના તમામ મુસ્લિમોને ક્લાસ-2 B હેઠળ OBC માનવામાં આવ્યા છે. શ્રેણી-1માં 17 મુસ્લિમ સમુદાયોને ઓબીસી માનવામાં આવ્યા છે, જ્યારે શ્રેણી-2 Aમાં 19 મુસ્લિમ સમુદાયોને OBC માનવામાં આવ્યા છે.'
NCBCના અધ્યક્ષ હંસરાજ ગંગારામ અહીરના અનુસાર, કર્ણાટક સરકારના નિયંત્રણમાં આવતી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશમાં અનામત માટે કર્ણાટકના તમામ મુસ્લિમોને OBCની રાજ્ય યાદીમાં સામેલ કરાયા છે. કર્ણાટક સરકારના પછાત વર્ગ કલ્યાણ વિભાગે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને લેખિત રીતે જાણ કરી છે કે મુસ્લિમ અને ઈસાઈ જેવા સમુદાય ન તો જાતિ છે અને ન ધર્મ. કર્ણાટક રાજ્યમાં મુસ્લિમ વસ્તી 12.92 ટકા છે. કર્ણાટકમાં મુસ્લિમોને ધાર્મિક અલ્પસંખ્યક માનવામાં આવે છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર, કર્ણાટક રાજ્યમાં મુસ્લિમની જનસંખ્યા 12.32 ટકા છે. જે 17 મુસ્લિમ સમુદાયોને શ્રેણી 1માં OBC માનવામાં આવ્યા છે તેમાં નદાફ, પિંજર, દરવેશ, છપ્પરબંદ, કસાબ, ફુલમાલી (મુસ્લિમ), નાલબંધ, કસાઈ, અથારી, શિક્કાલિગારા, સિક્કાલિગર, સાલાબંધ, લદાફ, થિકાનગર, બાજીગારા, જોહારી અને પિંજારી સામેલ છે.
આ પણ વાંચો:ખેડામાં બાલિકા સમૃદ્ધિ યોજનામાં ગરીબ દીકરીને એક રૂપિયો પણ ન મળ્યો
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.