કોસંબાના વસાવા પરિવારે બહુજન મહાનાયકોની થીમ પર લગ્નમંડપ સજાવ્યો
કોસંબાના આદિવાસી પરિવારે લગ્ન કંકોતરીમાં આદિવાસી વારલી આર્ટ અને બિરસા મુંડા, ડો.આંબેડકરને સ્થાન આપ્યું છે, આ કંકોતરી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
આદિવાસી સમાજ પણ હવે ધીમી પણ મકકમ ગતિએ મનુવાદીઓના ભગવાન અને તેમના રીતિરિવાજોને ફગાવવા માંડ્યો છે. સુરતના માંગરોળ તાલુકાના કોસંબામાં એક આદિવાસી પરિવારે બહુજન મહાનાયકો બિરસા મુંડા, ટંટ્યા ભીલ અને ડો. આંબેડકરના વિચારો આધારિત લગ્ન કંકોતરી છપાવી છે. સાથે જ તેમણે લગ્નનો મંડપ પણ બહુજન મહાનાયકોના વિચારોને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યો છે. વસાવા પરિવારની આ લગ્ન કંકોતરી અને લગ્ન મંડપના ફોટા અને વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
કોસંબાના આદિવાસી પરિવારે આદિવાસી સમાજની વારલી કળાને જીવંત કરતી અદ્દભૂત લગ્ન કંકોતરી છપાવીને સૌ કોઈનું ધ્યાન ખેચ્યું છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી કોસંબાની દાદરી લોધર ચાલમાં રહેતા વસાવા પરિવારે આદિવાસી સમાજના પ્રકૃતિ એજ જીવનના મંત્રનો મેસેજ આપતી લગ્ન કંકોતરી છપાવી છે જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
આ પણ વાંચો : અનુસૂચિત જાતિ સમાજમાં બૌદ્ધ રીતિ રિવાજથી લગ્ન કરવાનો ટ્રેન્ડ, કડીમાં પહેલીવાર બૌદ્ધ વિધિથી લગ્ન યોજાયા
22 અને 23 એપ્રિલે લગ્ન યોજાશે
કોસંબાના રામુભાઈ અને કવિતાબેન વસાવાના સંતાનો ભૂમિકા અને હાર્દિકના લગ્ન તા. 22 અને 23 એપ્રિલ 2024ના રોજ યોજાનાર છે. ભૂમિકાના લગ્ન નવા છાપરાના જગદીશભાઈ વસાવાના દીકરા ઉપેન્દ્ર સાથે જ્યારે હાર્દિકના લગ્ન કોસંબાની જ કન્યા કોમલ સાથે આવતીકાલે યોજાનાર છે. આ પરિવારે લગ્ન માટેની જે કંકોતરી છપાવી છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. એટલું જ નહીં આ પરિવારે લગ્ન મંડપને પણ આદિવાસી સમાજની પ્રકૃતિ પૂજક તરીકેની થીમ પર તૈયાર કર્યો છે. તેમાં આદિવાસી સમાજની વિવિધ પરંપરાઓ વારલી આર્ટમાં રજૂ કરવામાં આવેલી છે. લગ્નના મંડપ પર તેમણે ડો. ભીમરાવ આંબેડકર અને મહાનાયક બિરસા મુંડાનો ફોટો લગાવીને ભવિષ્યમાં તેઓ કઈ દિશામાં જશે તેનો સંકેત પણ આપી દીધો છે.
આ મામલે વરરાજ હાર્દિક વસાવા ખબરઅંતર.કોમ સાથે વાત કરતા કહે છે, “અમારા ફળિયામાં અમારા 25-30 મિત્રોનું ગ્રુપ છે. જેઓ ડો. ભીમરાવ આંબેડકર અને ભગવાન બિરસા મુંડા સહિતના મહાનુભાવોના વિચારોથી પ્રભાવિત છીએ. વારલી આર્ટની થીમ પ્રમાણેની કંકોતરી છપાવવાનો વિચાર આ ગ્રુપમાંથી જ આવ્યો હતો. અગાઉ અમે એક મિત્રના લગ્નમાં મંડપની સજાવટમાં આદિવાસી સમાજના અસલી હીરો એવા ભગવાન બિરસા મુંડા અને ડો. આંબેડકરના વિચારધારાની થીમ પર મંડપ, રિસેપ્શન એરિયાની સજાવટ કરી હતી. જેણે ખાસ કરીને યુવાનોનું ધ્યાન ખેંચ્યું હતું. હું ધોરણ 10 પાસ છું અને અહીં એક ગ્લાસની ફેક્ટરીમાં કામ કરું છું. મને વાંચવાનો શોખ હતો અને એમાંથી જ મહાનાયક બિરસા મુંડા અને ડો. આંબેડકરે બહુજન સમાજ માટે જે કામ કર્યું છે તેનો પરિચય થયો. પછી તો બીજા મહાનાયકો વિશે પણ વાંચતો થયો. આદિવાસી સમાજના રીતિરિવાજો વિશે વાંચ્યું અને બીજા મિત્રોને પણ તે વાંચવા માટે પ્રેરિત કર્યા. એ રીતે બહુજન વિચારધારામાં માનતા લોકોનું અમારું ગ્રુપ મોટું થતું ગયું. અમે વિચારધારાને લોકો વચ્ચે લઈ જવા માંગતા હતા અને તેના માટે લગ્નથી મોટો પ્રસંગ અમને બીજો કોઈ લાગતો નહોતો. અમે એક મિત્રના લગ્નમાં આ રીતે બાબાસાહેબ અને ભગવાન બિરસા મુંડાના ફોટા સાથે બહુજન મહાનાયકો અને તેમણે સમાજ માટે કરેલા મહાન કાર્યોને લોકો વચ્ચે લઈ જવાનો પ્રયોગ કર્યો હતો, જે સારો એવો સફળ રહ્યો. પછી અમે અમારા ગ્રુપના છોકરાઓના લગ્નમાં આ જ રીતે આગળ વધવાનું નક્કી કર્યું છે. આવતીકાલે મારા લગ્ન છે અને તેમાં અમે આ જ રીતે બહુજન સમાજના મહાનાયકોના વિચારો સાથે આદિવાસી સમાજની વિવિધ કળાઓને જીવંત કરવા પ્રયત્ન કર્યો છે.”
મનુવાદી વિચારોને ધીરેધીરે પાછળ છોડી દેવા છે
ખબરઅંતર.કોમે હાર્દિક વસાવાને પૂછ્યું હતું કે, તમે લગ્ન મંડપ અને કંકોતરી ઉપર બહુજન મહાનાયકોના ફોટોગ્રાફ્સ મૂક્યા છે, વારલી કળાને સ્થાન આપ્યું છે એ બરાબર, પણ અંદર મહાકાળી માતા અને ગણપતિનો ફોટો કેમ મૂક્યો છે? આ બાબતે હાર્દિક વસાવાએ કહ્યું, “અમારા ગામમાં હજુ પણ વડીલો અને મનુવાદી વિચારસરણીમા માનતા લોકો બહુમતીમાં છે. અમારે સામા પ્રવાહે તરવાનું છે. એટલે ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધવા માંગીએ છીએ. જો એક ઝાટકે મનુવાદી માતાઓ અને દેવતાઓનો એકડો કાઢી નાખીએ તો અહીં હોબાળો મચી જાય એમ છે. શક્ય છે પરિવારના કેટલાક વડીલો પણ અમારાથી નારાજ થઈ જાય. એટલે અમે 80 ટકા સ્થાન બહુજન મહાનાયકોને અને 20 ટકા જગ્યામાં મનુવાદી ભગવાનોને જગ્યા આપી છે. જેથી વડીલો ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધો અમારો વિરોધ ન કરે. અમે 80 ટકા સુધી પહોંચી ગયા છીએ એ અમારી સફળતા છે. આગામી દિવસોમાં બાકી બચેલી 20 ટકા જગ્યામાંથી પણ મનુવાદના મૂળ ઉખેડી નાખીશું. સોશિયલ મીડિયાને કારણે આદિવાસી સમાજ અને યુવાનોમાં બહુજન મહાનાયકો અને તેમના કાર્યોને લઈને હવે લોકો અજાણ નથી. એમને સમજાવા માંડ્યું છે કે મનુવાદ જ આપણો સૌથી મોટો દુશ્મન છે. તેના રીતિરિવાજોથી લઈને બધું જ આપણને ગુલામ બનાવી રાખે છે. બાબસાહેબ કહે છે, અંગ્રેજી શિક્ષણ એ સિંહણનું દૂધ છે અને જે પીશે એ ત્રાડ નાખશે. બસ આ મંત્ર અમે પકડી લીધો છે. મને વાંચવાની પ્રેરણા બાબાસાહેબમાંથી મળી છે. મહાનાયક ભગવાન બિરસા મુંડા મને લડવાની પ્રેરણા આપે છે. વારલી આર્ટ મને મારી સમાજનો ભવ્ય વારસો યાદ અપાવે છે. આ બધું આગળ જતા ચોક્કસ બીજી ક્રાંતિને જન્મ આપશે. જય આદિવાસી, જય જોહાર.”
આ પણ વાંચો:રામોદ ખાતે સ્મશાનમાં બંધારણના સોગંધ સાથે બૌદ્ધિવિધિથી લગ્ન યોજાયા
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.