દાહોદના આદિવાસી યુવકે ભીલી બોલીમાં એટ્રોસિટી પર ફિલ્મ બનાવી

FTII પૂણેમાં ભણેલા એક આદિવાસી યુવકે ભીલી ભાષામાં આદિવાસી સમાજની વ્યથાને વાચા આપતી એક અદ્દભૂત ફિલ્મ બનાવી છે. શું છે આ ફિલ્મમાં જેની ચોતરફ ચર્ચા થઈ રહી છે?

દાહોદના આદિવાસી યુવકે ભીલી બોલીમાં એટ્રોસિટી પર ફિલ્મ બનાવી
image credit - Google images

વર્તમાન સમયમાં ગુજરાતના આદિવાસીઓ માત્ર જંગલ રખવાલાની ઈમેજમાં કેદ થાય તેમ નથી. આજના આદિવાસી યુવાનો માત્ર જંગલ રખવાલા બનીને બેસી નથી રહેતા, હવે તે ટેકનોલોજી થકી પોતાની સમસ્યાઓને વાચા આપવા માટે પણ હવે આગળ આવી રહ્યો છે. દાહોદનો કૌશિક ગરાસિયા આવો જ એક યુવક છે. જેણે આદિવાસી સમાજની વ્યથા-કથાને વાચા આપતી એક ફિલ્મ બનાવી છે, જેની ચોતરફ ચર્ચા થઈ રહી છે. શું છે આ ફિલ્મ અને શા માટે તે ચર્ચામાં છે તેની અહીં વાત કરીએ.

ફિલ્મનું નામ 'કડકનાથ' છે અને તે આદિવાસી સમાજ પર થતા અત્યાચારો પર આધારિત છે. આ ફિલ્મની ખાસિયત એ છે કે તેને મૂળ દાહોદના અને ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પૂનામાં ભણેલા આદિવાસી યુવક કૌશિક ગરાસિયાએ ભીલી ભાષામાં બનાવી છે.

"મારું મૂળ ગામ ભમરી-કુંડા છે, જે માનગઢની પહાડીઓમાં આવેલું છે. જ્યાં દેશ માટે આદિવાસીઓએ પોતાના જીવનની આહુતિ આપી હતી, તે ગામ મારું વતન છે." એમ કહેનાર કૌશિક ગરાસીયા પોતાના વિશે જણાવતાં કહે છે કે, "મારા માતા-પિતાની નોકરીને કારણે હું દાહોદમાં મોટો થયો અને રહ્યો છું. મારા પિતા ભીલ સેવા મંડળમાં સેક્રેટરી છે અને મારી માતા એ જ ટ્રસ્ટની સંસ્થા ભીલ કન્યા છાત્રાલયમાં ગૃહમાતા તરીકે સર્વિસ કરતા હતા."

કૌશિક ગરાસીયાના અભ્યાસની વાત કરીએ તો તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ દાહોદની નામાંકિત શાળા એમ. વાય. હાઈસ્કૂલમાં પૂર્ણ કર્યું હતું. દાહોદમાં જ પોતાનો બેઝિક અભ્યાસ કર્યા બાદ તેઓ પત્રકારત્વમાં સ્નાતક થવા માટે એસ.પી. યુનિવર્સિટી, આણંદ ખાતે એડમિશન લીધું હતું. ત્યાર બાદ તેમણે ફિલ્મમેકિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન FTII પુણેમાં પૂર્ણ કર્યું.

સામાન્ય રીતે આપણે ત્યાં નવા ફિલ્મમેકરો અન્ય ડિરેક્ટરોની ફિલ્મો જોઈને પ્રભાવિત થયા બાદ ફિલ્મજગતમાં આવતા હોય છે. પણ કૌશિક ગરાસિયાની વાત અલગ છે. તેણે ફિલ્મ જગતમાં પગ મૂકવાનો વિચાર પોતાના સમાજની પરિસ્થિતિને સુધારી શકાય તે માટે કર્યો. આ માટે તેણે પહેલા પત્રકારત્વ કર્યું અને પછી ફિલ્મમેકીંગની તાલીમ લીધી.

પત્રકારત્વ થકી સમાજ વિશેની ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવવાની તેની પ્રબળ ઈચ્છા હતી. પરંતુ ડોક્યુમેન્ટરી ફિલ્મોની પહોંચ મર્યાદિત હોવાને કારણે તેણે વિચાર કર્યો કે પોતાની લખેલી વાર્તાઓ પર જો ફિલ્મ બને તો કેવું..! જે એ લોકો સુધી પહોચી શકે કે જેઓ ખરા અર્થમા ફિલ્મના કેંદ્રમાં છે. બસ ત્યાંથી શરૂ થઇ ફિલ્મ જગતમાં કૌશિક દ્વારા લખેલી ફિક્શન શોર્ટ ફિલ્મસ. 

તેણે ડિરેક્ટ કરવાનું ચાલું કર્યુ અને ત્યાંથી તેની લખેલી વાર્તાઓ પડદા પર આકાર લેવા માંડી હતી. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII) માં અભ્યાસ કરવાનો અનુભવ જણાવતાં કૌશિક કહે છે, "FTII થી એક માધ્યમ તરીકે સિનેમાના સંદર્ભમાં મારો પૂરો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. ત્યાં જઈ ને સમજાયુ કે, ફિલ્મ મેકિંગ શીખવામાં લાંબો સમય લાગશે. પણ FTII ને કારણે જ ફિલ્મ બનાવવાનો મારો આત્મવિશ્વાસ વધ્યો. ત્યાં દુનિયાભરમાં બનેલી અદ્ભુત ફિલ્મો જોવાની તક મળી. તે ફિલ્મ્સ જોઈને દાહોદ જેવી જગ્યા પર ફિલ્મ્સ કઈ રીતે બની શકે તે વિશેની નવી દિશા મળી."

આ પણ વાંચો: Kaala - સિનેમાના પડદે રજૂ થયેલી દલિત અસ્મિતાની સિંહગર્જના

કૌશિક એની પહેલી ફિલ્મ વિશે જણાવે છે કે, “કડકનાથ” પહેલી એવી ફિલ્મ છે તે સ્થાનિક ભીલી બોલીમાં બની હોય અને એક આદિવાસી ફિલ્મ મેકર દ્વારા બનાવવામાં આવી હોય. આ ફિલ્મ પ્રેક્ષકોને આદિવાસી દુનિયાની અનુભૂતિ કરાવશે. અહીં અમે આદિવાસી સમાજ પર થતા અત્યાચારોને અલગ રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે ફિલ્મમાં બે ભાઈઓની વાર્તા છે જેમાં એક ઘટનાને પરિણામે બંને અલગ-અલગ માર્ગે આગળ વધે છે. જેમ-જેમ ફિલ્મ આગળ વધે છે તેમ-તેમ સમગ્ર કથા આદિવાસી સમાજની જટિલ સમસ્યાઓને આવરી લઇને આગળ ધપતી જાય છે.

કૌશિક કહે છે, "ફિલ્મમાં મોટાભાગના પાત્રો દાહોદના જ હોવાથી આદિવાસી જીવન, બોલી અને સંસ્કૃતિને રજૂ કરવામાં સફળતા મળી છે. ફિલ્મમાં દાહોદના આદિવાસી સમાજના ઘણા બધા સાંસ્કૃતિક રીતિ -રિવાજને આવરી લીધા છે જે પહેલી વખત સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. ફિલ્મમાં સ્થાનિક બોલી પોતે જ એક ફિલ્મના મજબૂત પાસા તરીકે બહાર આવી રહી છે, જે અગાઉ ક્યારેય કોઈ ફિલ્મમાં સાંભળવામાં ન આવી હોય. આ ફિલ્મ આદિવાસી સમાજની ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક પાસાઓને પ્રદર્શિત કરવા માટેનો એક પ્રયત્ન હશે. ફિલ્મના કેમેરા પાછળ રહેલી મોટાભાગની ટીમ પણ આદિવાસી હોવાને કારણે આ એક મૂળભૂત આદિવાસી ફિલ્મ કહી શકાય છે."

અમે અત્યારે "કડકનાથ" ના પોસ્ટ-પ્રોડક્શનના અંતિમ તબક્કા પર છીએ અને તેને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલવાનો પણ વિચાર કરી રહ્યા છીએ. આ ફિલ્મ વર્ષ ૨૦૨૫ ના અંતમાં રજૂ કરી શકાય તેવી શક્યતાઓ છે. આદિવાસી વિસ્તારમાં બનેલી આગળની ફિલ્મો વિશે કૌશિકનું માનવું છે કે, આદિવાસી વિસ્તારને ભાગ્યે જ ફિલ્મોમાં પ્રમાણિક રીતે રજૂ કરવામાં આવે છે. જ્યારે કેટલીક ફિલ્મો આ પ્રદેશમાં શૂટ કરવામાં આવી છે, ત્યારે તેમાં આ વિસ્તારોની માત્ર સુંદરતા અને લેન્ડસ્કેપનો બેકડ્રોપ તરીકે ફિલ્મોમાં વપરાતા હોય છે. તેમા મોટેભાગે આદિવાસી સમાજ વિશે કોઇ વાત નથી હોતી. એક આદિવાસી ફિલ્મમેકર તરીકે હું ‘કડકનાથ’ દ્વારા દાહોદવાસીઓના અસલ સામાજિક ચિત્રને સચોટ રીતે પરદા પર ઉતારવા પ્રયત્ન કરી રહ્યો છું.

આ ફિલ્મ દાહોદની અનોખી સંસ્કૃતિને રજુ કરે છે, જેમાં દાહોદની આસ-પાસના લગભગ ૧૫ જેટલા ગામડાઓમાં શૂટ થયેલા દ્રશ્યો છે. આ ફિલ્મની અંદર એવો પ્રયાસ કરાયો છે કે ધાર્મિક ગતિ-વિધિઓ અને સાંસ્કૃતિક રિવાજો પર પણ એક પ્રકાશ પડે. એક આદિવાસી હીરો કેમ ના હોઈ શકે? કૌશિક તેમની ફિલ્મમેકિંગને સમજાવતા કહે છે કે, હંમેશા આદિવાસીઓને રમુજી, મૂંગા, લાચાર અને મૂર્ખ તરીકે રજૂ કરવામાં આવે છે. એક આદિવાસી ફિલ્મમેકર તરીકે હું આ સમગ્ર ધારણાને બદલવા માંગુ છું. મારી ફિલ્મોમાં એ પ્રયાસ રહેશે જ કે મુખ્ય પાત્ર આદિવાસી હોય. હું એ બાબતે સભાન રીતે પ્રયત્ન કરવા માંગુ છું કે સમગ્ર કથા આદિવાસી નાયક-નાયિકા માટે ઘડાયેલી હોય. મારી ફિલ્મોનો ઉદ્દેશ્ય આદિવાસી જીવનની ગરિમા અને સંસ્કૃતિને રજૂ કરવાનો છે, હું આદિવાસી ફિલ્મોની પહોંચ વધારવા માંગુ છું. 

કૌશિક બાબા સાહેબ આંબેડકરને યાદ કરતા કહે છે કે, “શિક્ષિત બનો, સંગઠિત રહો, સંઘર્ષ કરો” એ એક બુનિયાદી વિચારની સાથે આદિવાસી સમાજ બધી દિશામાં આગળ વધી શકે છે. એ જ વિચારથી પ્રભાવિત થઈને તે તેમના આદિવાસી મિત્રોએ ભેગા થઈને ફિલ્મ મેકિંગની નવી કેડી કંડારી આગળ વધી રહ્યા છે.

કૌશિક આજના યુવાનોને સંદેશ આપતાં કહે છે કે, આ બધું સાધારણ વાંચવા અને લખવાની આદતથી જ શરૂ થઈ શકે છે. ફોનથી જ વાંચવા - લખવાનું તેમજ શૂટિંગ કરી શકે છે. ફોન એ છેલ્લા અમુક વરસોમાં આવેલો એક અદ્ભુત આવિષ્કાર છે. ના માધ્યમથી તમે શીખી શકો છો. ફોનથી ફિલ્મ બનાવીને એક સામાન્ય વાર્તા કહેવાની રીતને સમજી શકાય છે. આમ કરતા જે ભૂલો થાય તે થયેલી ભૂલોમાંથી શીખો અને ફરીથી નવી શરૂઆત કરો.

આ પણ વાંચો: મારી માં મને કહેતી, "તું તારી જાતિ વિશે કંઈ ન બોલતો.."


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Rathod Ranjit Sinh Pangalabhai
    Rathod Ranjit Sinh Pangalabhai
    ખુબ સરસ અભિનંદન. મને પણ થોડો અભિનય કરવાનો આપે મોકો આપ્યો હતો પણ હું એ કરી ના શક્યો તે બદલ માફી જોહાર
    15 days ago