માધવપુરમાં SSD નું શક્તિ પ્રદર્શન : શૌર્ય દિવસે જંગી મહારેલી-મહાસભા યોજાઈ
1 જાન્યુઆરીએ ભીમા કોરેગાંવ શૌર્ય દિવસ નિમિત્તે ગુજરાતના સૌથી મોટા બહુજન સંગઠન SSD એ પોરબંદરના માધવપુર ઘેડમાં ભવ્ય આયોજન કરીને છાકો પાડી દીધો હતો.

1 જાન્યુઆરીએ ભીમા કોરેગાંવની વિજયી મહાગાથાને લઈને 207મો શૌર્ય દિવસ ઉજવાયો હતો. આ પ્રસંગે દેશ જ નહીં, દુનિયાભરમાંથી બહુજન સમાજ પોતાના લડાયક પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવમાં ઉમટી પડતો હોય છે. આ સિવાય હવે તો દરેક નાનામોટાં શહેરોમાં પણ શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આવી જ એક ભવ્ય ઉજવણી પોરબંદરના માધવપુર ઘેડમાં ગુજરાતના સૌથી મોટા બહુજન સંગઠન સ્વયં સૈનિક દળ(SSD) દ્વારા કરવામાં આવી હતી. જેમાં 500 મહાર યૌદ્ધાઓને મહારેલી મહાસભા અને મહાસલામી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાંથી પોરબંદર જિલ્લા ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં એસએસડીના કાર્યકરો ઉમટી પડ્યા હતા.
દરવર્ષની જેમ આ વર્ષે પણ એસએસડી દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં મહારેલી, મહાસભા, અને મહાસલામીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે પોરબંદર જિલ્લાનો કાર્યક્રમ માધવપુર(ઘેડ) ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મૂળનિવાસી સમાજના હજારો લોકોએ ઉપસ્થિત રહીને શિસ્તબદ્ધ રીતે મહારેલી યોજી હતી, જેમાં નાના બાળકો, મહિલાઓથી લઈને વૃદ્ધો પણ જોડાયા હતા. આ તકે પ્રથમ વખત મૂળનિવાસી લોકોનું સ્નેહમિલન પણ જોવા મળ્યું હતું.
મહારેલી બાદ મહાસભા યોજાઈ હતી, જેમાં સ્વયમ્ સૈનિક દળ(SSD) ના સૈનિકો દ્વારા ઇતિહાસની વાત કરવામાં આવી હતી અને કોમવાદી વિચારધારાને આ દેશમાંથી જડમૂળમાંથી ખતમ કરવાની કવાયત સમગ્ર દેશમાં ચલાવામાં આવી રહી છે ત્યારે આવનારા સમયમાં આ દેશને માનવતાવાદી રાષ્ટ્રના નિર્માણ માટે આગળ આવવા પહેલ કરવામાં આવી હતી.
SSDના સૈનિક ભાવેશભાઈએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં આ દેશના કરોડો મૂળનિવાસી લોકોને ગરીબી, મોંઘવારી, બેરોજગારી અને કોમવાદી તાકાતોના ભરડામાંથી બહાર લાવી દેશા શાસક બનાવવાની દિશામાં અમે કામ કરી રહ્યાં છીએ. અમે સ્પષ્ટ રીતે માનીએ છીએ કે, શાંતિનો સંદેશો આપનાર તથાગત ગૌતમ બુદ્ધના માર્ગે જ મૂળનિવાસી સમાજ ટકી શકશે, નહિ કે કોઈ અસમાનતાવાદી અને જાતિવાદી વ્યવસ્થા પર. અમે સંગઠન દ્વારા મૂળ રીતે મહાનાયકોના સપનાને સાકાર કરવાનું કામ કરી રહ્યા છે.
આ તકે બહોળી સંખ્યામાં એકઠાં થયેલ લોકો દ્વારા સભામાં "આવાજ દો, હમ એક હૈ; કેટલા રે કેટલા, અડધા ભારત જેટલા; જય ભીમ, જય જોહાર, જય મૂળનિવાસી" ના નારા ગુંજી ઉઠ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, એસએસડી ગુજરાતનું સૌથી મોટું બહુજન સંગઠન છે. તેના કાર્યકરો આરએસએસની જેમ સમર્પિત ભાવે છેવાડાના ગામ સુધી સ્વખર્ચે પહોંચે છે અને સમાજને યોગ્ય દિશામાં આગળ વધવા માટે પ્રેરિત કરે છે. છેલ્લાં ઘણાં વર્ષોથી એસએસડી જમીની સ્તરે કામ કરીને બહુજન સમાજને શાસક બનાવવાની બહુજન મહાનાયકોની મહેચ્છા પર આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં તેની વધુ અસર સમાજમાં જોવા મળશે. આરએસએસ બાદ સ્વયં સૈનિક દળ એકમાત્ર એવું કેડર આધારિત સંગઠન છે જેના કાર્યકરો કોઈપણ પ્રકારના સ્વાર્થ વિના, માત્ર સમાજને વફાદાર રહીને કાર્ય કરી રહ્યાં છે. આવા વધુને વધુ સંગઠનોની બહુજન સમાજને જરૂર છે.
આ પણ વાંચોઃ SSDએ શાળાઓમાં ભગવદ્ ગીતા ભણાવવા મુદ્દે 33 જિલ્લાઓમાં વિરોધ કર્યો