ખેડામાં બાલિકા સમૃદ્ધિ યોજનામાં ગરીબ દીકરીને એક રૂપિયો પણ ન મળ્યો

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2009માં જાહેર કરવામાં આવેલી બાલિકા સમૃદ્ધિ યોજનાનો ફિયાસ્કો થયો છે

ખેડામાં બાલિકા સમૃદ્ધિ યોજનામાં ગરીબ દીકરીને એક રૂપિયો પણ ન મળ્યો

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2009માં જાહેર કરવામાં આવેલી બાલિકા સમૃદ્ધિ યોજનાનો ફિયાસ્કો થયો છે. ખેડાના મહુધામાં લગ્નની ઉંમરે પહોંચેલી બાલિકાના ખાતામાં 13 વર્ષ પછી પણ સરકાર દ્વારા એક રૂપિયો પણ નાખવામાં આવ્યો નથી. જેના કારણે સરકારી મદદની આશાએ લગ્ન પાર પાડવાની રાહ જોઈને બેઠેલો પરિવાર ચિંતામાં મૂકાયો છે. એ રીતે ગુજરાત સરકારની અન્ય યોજનાઓની જેમ બાલિકા સમૃદ્ધિ યોજના પણ એક પીઆર ઈવેન્ટ હોવાનું લાગી રહ્યું છે. ગુજરાત સરકારની બાલિકા સમૃદ્ધિ યોજનાના દાવા પોકળ સાબિય થયા છે અને લાભાર્થી પરિવારની બેન્ક ખાતામાંથી નાણાં ઉપાડીને દીકરીના લગ્ન કરવાની આશા ઠગારી નીવડી છે.

2010માં ગરીબ કલ્યાણ મેળામાં ખાતું ખોલાવ્યું હતું

મળતી વિગતો પ્રમાણે ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મિર્ઝાપુર ગામમાં રહેતા મલેક નમીરનબાનુ ફકીર મહંમદ નામની દીકરીનું ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2010માં ખેડા ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં બાલિકા સમૃદ્ધિ યોજના અંતર્ગત બાલિકાઓના પોષણ અને તેના ભવિષ્ય એટલે લગ્નની ઉંમરે રૂ. પચાસ હજાર મળશે તેવી હૈયાધારણા આપી બાલિકાઓના વાલીઓ પાસે રૂ.500 ડિપોઝિટ ભરાવી બેંકોમાં ખાતા ખોલાવાયા હતા. મહુધા તાલુકાના મિર્ઝાપુર ગામે રહેતા મલેક નમીરનબાનુનું પણ રૂ. 500 રૂપિયા ભરી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ખાતું ખોલાવ્યું હતું. જેથી તેના લગ્ન વખતે રૂપિયાની કોઈ સમસ્યા ન નડે. નમીરનબાનુને આશા હતી કે ગરીબ કલ્યાણ મેળામાં તેમણે લીધેલા બાલિકા સમૃદ્ધિ યોજનાનો તેમને લાભ મળશે અને તેઓ સારી રીતે દીકરીના લગ્ન કરી શકશે. પણ તેમની આ આશા ઠગારી નીવડી હતી, કેમ કે બેંકના ખાતામાં બાલિકા સમૃદ્ધિ યોજનાનો એક રૂપિયો પણ જમા થયો નહોતો.

વર્ષ 2010માં આપેલા સરકારી સર્ટિફિકેટ સાથે લાભાર્થી દીકરીનો પરિવાર 14 વર્ષે મહુધા તાલુકા પચાયત કચેરીમાં લગ્નની કંકોતરી સાથે પહોંચ્યો હતો પણ તેમને ભારે આંચકો લાગ્યો હતો. પરિવારે બેંકમાં જમા થયેલી રકમ અંગે તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે તેમણે અગાઉ જમા કરેલા રૂ. 500 અને બીજા રૂ. 789 વ્યાજરૂપે જમા થયા હતા. આ સિવાય સરકાર તરફથી બાલિકા સમૃદ્ધિ યોજના અંતર્ગત મળવાપાત્ર રકમ રૂ. 50,000 પૈકી એક રૂપિયો પણ જમા થયો નહોતો. જેના કારણે દીકરીના પરિવારને મોટો આંચકો લાગ્યો હતો.

દીકરીના લગ્નમાં સરકાર દ્વારા મળનાર રકમથી પોતાને ઘણી રાહત થશે એ આશાએ મહુધા તાલુકા પંચાયત કચેરીમાં ગયેલા તેના પિતા ફરીક મહંમદ મલેકને આઈસીડીએસ વિભાગના જવાબથી ભારે આઘાત લાગ્યો હતો. હવે દીકરીના લગ્નમાં કેવી રીતે પૈસા ભેગા કરવા અને કેવી રીતે આખું કામ પાર પડશે તેની ચિંતા તેમને સતાવી રહી છે. આમ બાલિકા સમૃદ્ધિ યોજનાની સરકારની જાહેરાત અને અધિકારીઓના હસ્તે અપાયેલા સર્ટિફિકેટ આ ગરીબ પરિવાર માટે એક ક્રૂર મજાક બનીને રહી ગયા હતા.

આ પણ વાંચો:ગુજરાત યુનિ.માં નમાઝ પઢી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, હુમલાખોરોએ લગાવ્યા ‘જયશ્રી રામ’ના નારા

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરોઅહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.