"હું તો અભણ છું, પણ મારા દીકરા સાથે જે થયું તે હત્યારા સાથે થાય..."
એક દલિત શિક્ષક, તેની પત્ની અને તેમની બે દીકરીઓની એક સાથે ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. મજૂર પિતા કહે છે, મારા દીકરાનો આખો પરિવાર ગયો, હત્યારાની આવી દશા થજો.

Dalit Teacher family murder: ઉત્તરપ્રદેશને શા માટે દલિતો માટે નર્ક ગણવામાં આવે છે તેનો જાણે જવાબ આપતી હોય તેવી ઘટના ફરી એકવાર અહીં બની છે. ઘટના કોંગ્રેસ અને ગાંધી પરિવારનો ગઢ ગણાતા અમેઠીની છે. અહીં એક ભયાનક ઘટનામાં એક દલિત સરકારી શિક્ષક, તેની પત્ની અને બે બાળકીઓની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. હત્યારાઓએ શિક્ષકના ઘરમાં ઘુસીને આ જઘન્ય ઘટનાને અંજામ આપ્યો હતો. દલિત શિક્ષકનો પરિવાર અમેઠીના અહોરવા ભવાની ચાર રસ્તા પર ભાડાના મકાનમાં રહેતો હતો. મૃતક શિક્ષક સુનીલ કુમાર કમ્પોઝીટ સ્કૂલમાં સહાયક શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ રાયબરેલીના રહેવાસી હતા.
આ હત્યાકાંડમાં સુનીલ કુમાર, તેની પત્ની પૂનમ ભારતી, 4 વર્ષની પુત્રી લાડો અને દોઢ વર્ષની પુત્રી સૃષ્ટિનું મોત થયું છે. બંને માસુમ દીકરીઓને પણ હત્યારાઓ ગોળી મારી દેતા મોત થયું છે.
હત્યા થયા બાદ શિક્ષકના ઘરનું દ્રશ્ય જોઈને કોઈપણ વ્યક્તિના રૂંવાડા ઉભા થઈ જાય દિલ ધ્રૂજી જાય તેમ છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. યુપી પોલીસના અયોધ્યા રેન્જ આઈજી પ્રવીણ કુમાર ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે. જેમાં દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. જો કે પોલીસ પણ માની રહી છે કે આ ઘટના લૂંટના ઈરાદે કરવામાં આવી નથી.
શિક્ષકની પત્નીએ ચંદન વર્મા નામના શખ્સ સામે કેસ કર્યો હતો
આ હત્યા કેસની તપાસ વચ્ચે એક અલગ જ માહિતી સામે આવી છે. 18 ઓગસ્ટ 2024ની જૂની FIR મળી આવી છે. જે દર્શાવે છે કે, શિક્ષકની પત્ની પૂનમ ભારતીએ કોઈ ચંદન વર્મા નામના શખ્સ પર છેડતી અને મારામારીનો કેસ કર્યો હતો. ચંદન પર જાતિસૂચક ગાળો ભાંડીને અશ્લીલ હરકતો, મારપીટનો આરોપ લગાવ્યો હતો.
આ કેસની FIR કોપી મુજબ, પૂનમ ભારતી પતિ સુનીલ સાથે તેના બાળકની સારવાર માટે સુમિત્રા હોસ્પિટલમાં ગઈ હતી. ત્યાં રાયબરેલીના ચંદન વર્મા નામના વ્યક્તિએ તેની સાથે અશ્લીલ હરકતો કરી હતી. જ્યારે તેણે વિરોધ કર્યો તો તેણે તેના પતિ સુનીલ કુમારને થપ્પડ મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
કશું થશે તો ચંદન વર્મા જવાબદાર હશે...
પૂનમ ભારતીનો આરોપ હતો કે, ચંદન વર્મા નામના આ વ્યક્તિએ પહેલા જ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ એફઆઈઆર કોપીમાં તે સ્પષ્ટપણે કહી રહી છે કે ભવિષ્યમાં તેની કે તેના પતિ સાથે કોઈ દુર્ઘટના થશે તો તેના માટે ચંદન વર્મા જવાબદાર રહેશે. જો કે, આ હત્યા સાથે જૂની એફઆઈઆરનો કોઈ સંબંધ છે કે કેમ તે હજુ તપાસનો વિષય છે. પણ પોલીસ ચંદનની શોધખોળ કરી રહી છે.
એસસી એસટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ
અમેઠીના એસપી અનૂપ સિંહના જણાવ્યા અનુસાર, 'પરિવારમાં પતિ, પત્ની અને બે પુત્રીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમને ગોળી મારી દીધી છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામને હોસ્પિટલ લઈ ગઈ, પરંતુ તમામને મૃત જાહેર કરવામાં આવ્યા. કોઇપણ પ્રકારની લૂંટનો પ્રયાસ થયો નથી. આ પરિવારે 18 ઓગસ્ટે રાયબરેલી પોલીસ સ્ટેશનમાં ચંદન વર્મા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. એસસી/એસટી એક્ટ અને છેડતીની કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અમે એ પણ તપાસ કરી રહ્યા છીએ કે એફઆઈઆરનો આ ઘટના સાથે કોઈ સંબંધ છે કે નહીં."
દલિત શિક્ષકનો પરિવાર હતપ્રભ
મૃતક શિક્ષક સુનીલકુમાર રાયબરેલી જિલ્લાના સદામાપુર ગામના રહેવાસી હતા. તેમની સપરિવાર હત્યા થયાની જાણકારી મળતા તેમનો પરિવાર ફાટી પડ્યો હતો. મૃતક સુનીલ કુમારના પિતા રામ ગોપાલે કહ્યું કે. "આવું કેમ થયું તેની અમને કોઈ જાણ નથી. હા, થોડા દિવસ પહેલા પુત્રવધૂએ એક વ્યક્તિ સામે છેડતીનો કેસ દાખલ કર્યો હતો. હું અભણ છું. મારો પુત્ર તેજસ્વી હતો. એક જ અપીલ છે કે પુત્ર સાથે જે થયું તે જ આરોપી સાથે પણ થવું જોઈએ."
મૃતક સુનીલ કુમારના પિતા રામ ગોપાલ મજૂરી કરે છે. મજૂરી કરીને તેઓ ઘરે આવ્યા ત્યાં જ તેને માહિતી મળી કે એક ઘટના બની છે જેમાં તેમના પુત્ર, પુત્રવધૂ અને બે બાળકોની હત્યા કરવામાં આવી છે. રામગોપાલના ત્રણ પુત્રોમાં સુનીલ સૌથી આશાસ્પદ અને સફળ હતો. આ ઘટના બાદ પરિવારે પોતાનો આધાર ગુમાવી દીધો હતો.
માયાવતીએ યોગી સરકારને ઘેરી
આ ઘટનાને લઈને બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ યુપીની યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની પોસ્ટમાં લખ્યું છે કે, અમેઠી જિલ્લામાં દલિત પરિવારના ચાર લોકોની એક સાથે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના છે. સરકારે ગુનેગારો અને ત્યાંના પોલીસકર્મીઓ સામે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી ગુનેગારો બેખોફ ન રહે.
અખિલેશ યાદવે વેધક પોસ્ટ કરી
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે લાંબી પોસ્ટ કરવાને બદલે માત્ર ઘટનાની પોસ્ટ મૂકીને ઉપર ફક્ત બે વાક્યો લખીને યોગી સરકારની કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને દલિતો પર થતા અત્યાચાર પર જોરદાર પ્રહાર કર્યો હતો. અખિલેશે લખ્યું હતું - કોઈ હૈ..કહીં હૈ?
અમેઠીના સાંસદે પોલીસની ઝાટકણી કાઢી
અમેઠીના કોંગ્રેસના સાંસદ કિશોરી લાલ શર્માએ પણ આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો અને પોલીસની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા. તેમના કહેવા પ્રમાણે, જો પોલીસે પરિવારની ફરિયાદને ગંભીરતાથી લીધી હોત તો આ ઘટના ન બની હોત.
ઘટનાની ગંભીરતા જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોલીસને કડક સૂચના આપી છે કે આ કેસમાં જે પણ દોષિત હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો: મેળામાં આવેલી આદિવાસી યુવતી પર 8 શખ્સોએ સામૂહિક બળાત્કાર કર્યો